પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા, તાલિબાન સરકારે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, AFP via Getty Images
પાકિસ્તાન સરકારે દાવો કર્યો છે કે તેની સેનાએ અફઘાનિસ્તાનમાં બે અલગ-અલગ સ્થળોએ કથિત "આતંકવાદી ઠેકાણાં"ને નિશાન બનાવી હવાઈ હુમલા કર્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીમાં ઘણા કથિત આતંકવાદીઓ માર્યા ગયા છે.
પાકિસ્તાનના માહિતી મંત્રાલય દ્વારા ઍક્સ પર જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે "ઑપરેશન ગજબ-ઉલ-હક" હેઠળ ઉગ્રવાદી સંગઠનોનાં ઠેકાણાં અને સુરક્ષિત આશ્રયસ્થાનો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા. આ કાર્યવાહીનો હેતુ ઉગ્રવાદીઓ, તેમના નેટવર્ક અને તેમને મદદ કરનારાઓને નિષ્ક્રિય કરવાનો હતો.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું કે, "વિશ્વસનીય ગુપ્તચર માહિતીના આધારે અફઘાનિસ્તાનમાં બે સ્થળોએ આતંકવાદી ઠેકાણાં અને તેમનાં રહેઠાણોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં."
પાકિસ્તાનનો દાવો છે કે આ ઠેકાણાંને સફળતાપૂર્વક નષ્ટ કરવામાં આવ્યાં હતાં અને આ હુમલાઓમાં 22 ઉગ્રવાદીઓ માર્યા ગયા છે.
બીજી તરફ, તાલિબાન સરકારે આરોપ મૂક્યો કે, પાકિસ્તાને ગત રાત્રે અફઘાનિસ્તાનના કુનાર અને હેલમંદ પ્રાંતોમાં હવાઈ હુમલા કર્યા હતા, જેમાં ઘણાં લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા.
તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે ઍક્સ પર જાહેર કરેલા નિવેદનમાં દાવો કર્યો કે, પાકિસ્તાને સામાન્ય નાગરિકોનાં ઘરોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા.
ઝબીહુલ્લાહ મુજાહિદના જણાવ્યા મુજબ, આ હુમલાઓમાં 9 લોકોનાં મોત થયાં હતાં અને 11 લોકો ઘાયલ થયા હતા. તેમના કહેવા મુજબ મૃત્યુ પામનારાઓમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતાં.
હાલમાં બંને પક્ષોના દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી અને ઘટનાને લઈને સ્થિતિ અંગે વધુ માહિતીની રાહ જોવામાં આવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીએમ મોદીએ ફ્લાયદુબઈ ફ્લાઇટના કૅપ્ટન સ્મિત મચ્છર વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્લાયદુબઈની ફ્લાઇટમાં સવાર ભારતીય નાગરિક કૅપ્ટન સ્મિત મચ્છરની પ્રશંસા કરતાં તેમને "હીરો" ગણાવ્યા છે.
પીએમ મોદીએ ગુરુવારે સવારે જણાવ્યું કે સ્મિતની બહાદુરી અને ધૈર્યના કારણે એક મોટી ઘટના ટાળવામાં મદદ મળી છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "કૅપ્ટન સ્મિત મચ્છર એક હીરો છે. સૌથી મોટા જોખમનો સામનો કરતી વખતે અને ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે અન્ય લોકોના જીવ બચાવવા માટે અસાધારણ સાહસ અને અદમ્ય હિંમત દર્શાવી."
તેમણે આગળ લખ્યું, "તેમની બહાદુરીને કારણે સૈંકડો લોકોના જીવ બચી શક્યા અને એક મોટી દુર્ઘટના ટાળવામાં મદદ મળી. ભારતને કૅપ્ટન મચ્છર પર ગર્વ છે. હું તેમના ઝડપથી સ્વસ્થ થવા, નવી શક્તિ પ્રાપ્ત કરવા અને સારા આરોગ્ય માટે પ્રાર્થના કરું છું."
આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કૅપ્ટન સ્મિત મચ્છરને "હીરો" ગણાવ્યા હતા.
તે દરમિયાન, સાઉદી અરેબિયાસ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે સ્મિત મચ્છર હૉસ્પિટલમાં દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. તેમની તબિયત હાલમાં સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.
ફ્લાયદુબઈ : ચાકુના હુમલા પછી ભારતીય પાઇલટ સ્મિત મચ્છરની તબિયત અંગે મહત્ત્વપૂર્ણ માહિતી સામે આવી

ઇમેજ સ્રોત, Smit Machchhar's LinkedIn
સાઉદી અરેબિયાસ્થિત ભારતીય દૂતાવાસે ફ્લાયદુબઈમાં સવાર ભારતીય પાઇલટ સ્મિત મચ્છરની તબિયત અંગે નવી માહિતી શૅર કરી છે.
દૂતાવાસે જણાવ્યું છે કે પાઇલટ સાઉદી અરેબિયાના તાબુક શહેરની એક હૉસ્પિટલમાં દાખલ છે અને તેમની સ્થિતિ સ્થિર છે.
ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "દૂતાવાસ ફ્લાયદુબઈની ઉડાનના બહાદુર ભારતીય પાઇલટ સ્મિત મચ્છરની તબિયત પર નજર રાખી રહ્યું છે. તેઓ ઉત્તર-પશ્ચિમ સાઉદી અરેબિયાના તાબુક શહેરની એક હૉસ્પિટલમાં દાખલ છે અને તેમને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે."
દૂતાવાસે વધુમાં જણાવ્યું, "તેમની તબિયત અંગેની સંપૂર્ણ માહિતીની રાહ જોવામાં આવી રહી છે, પરંતુ મળતી માહિતી અનુસાર તેમની સ્થિતિ સ્થિર છે. અમને આશા છે કે તેઓ તેમની ઈજાઓમાંથી શક્ય તેટલા વહેલા સ્વસ્થ થઈ જશે. અમે તેમના પરિવારના સંપર્કમાં છીએ અને તેમને વિશ્વાસ અપાવીએ છીએ કે અમે સાઉદી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી તેમની તબિયત અંગેની માહિતી મેળવતા રહીશું. તેમના સારવાર માટે શક્ય તમામ મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે."
આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્મિત મચ્છરની પ્રશંસા કરતાં તેમને "હીરો" ગણાવ્યા હતા.
આ ઘટના બુધવારે બની હતી, જ્યારે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટ ઉડાન ભર્યા પછી લગભગ બે કલાકે સાઉદી અરેબિયા તરફ વળી ગઈ હતી અને ત્યાં જ ઉતરાણ કર્યું હતું.
કૉકપિટમાં એક પાઇલટે બીજા પાઇલટ પર ચાકૂથી હુમલો કર્યો હતો. જે પાઇલટ પર હુમલો થયો હતો તેઓ ભારતીય છે. જોકે, આ કથિત હુમલા પાછળનું કારણ શું હતું તેની માહિતી હજુ સુધી સામે આવી નથી.
ફ્લાયદુબઈ ઘટનાને લઈને ટ્રમ્પે નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી, ભારતીય પાઇલટને 'હીરો' ગણાવ્યો

ઇમેજ સ્રોત, Tasos Katopodis/Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, તેમણે ફ્લાયદુબઈ ઘટનાને લઈને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી.
ટ્રમ્પે બુધવારે કહ્યું કે, નેતન્યાહૂએ તેમને શું બન્યું હતું તેની માહિતી આપી હતી અને વિમાનમાં સવાર મુસાફરોએ ફ્લાઇટને બચાવવા તથા પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા કેવા પ્રયત્નો કર્યા હતા.
ટ્રમ્પે કહ્યું, "મને લાગે છે કે આ અત્યંત આશ્ચર્યજનક કહાણી છે. એવું લાગે છે કે કો-પાઇલટ કદાચ આતંકવાદી હતો અથવા કદાચ તેની માનસિક સ્થિતિ યોગ્ય નહોતી."
તેમણે તે ભારતીય પાઇલટની પણ પ્રશંસા કરી, જેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે તેમને "હીરો" ગણાવ્યા.
વાસ્તવમાં, આ ઘટના બુધવારે બની હતી, જ્યારે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટ ઉડાન ભર્યા બાદ લગભગ બે કલાકે પોતાનો માર્ગ બદલીને સાઉદી અરબ તરફ વળી ગઈ હતી અને ત્યાં ઉતરાણ કર્યું હતું.
કૉકપિટમાં એક પાઇલટે બીજા પાઇલટ પર ચાકુથી હુમલો કર્યો હતો. જેના પર હુમલો થયો હતો તે પાઇલટનું નામ સ્મિત મચ્છર છે અને તેઓ ભારતીય છે. જોકે, કથિત હુમલા પાછળનું કારણ શું હતું તેની માહિતી હજુ સુધી મળી શકી નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























