ગુજરાત હવામાન : 24 કલાકમાં સુરતમાં અહીં પડ્યો સૌથી વધુ 8 ઇંચ વરસાદ, હવે આ જિલ્લાઓમાં રેડ ઍલર્ટની આગાહી

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ચોમાસાની મોડી શરૂઆત બાદ હવે જુલાઈમાં ચોમાસાને કારણે લોકોમાં રાહત અનુભવાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને રેડ ઍલર્ટ જાહેર કરાયું છે.
છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદને કારણે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો આ વરસાદથી પ્રભાવિત થયા હતા.
તેના લીધે ગુજરાતના મહત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધીમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.
ત્યારે સુરતમાં છેલ્લા 24 કલાકમાં લગભગ આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
તેમજ જૂનાગઢના માળિયા હાટીનામાં સાત ઇંચ વરસાદ નોંધાયો હતો.
તેમજ સુરત, નવસારી, વલસાડ સહિત કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કેટલાક વિસ્તારોમાં રેડ ઍલર્ટ પણ જાહેર કર્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ થયો?

ઇમેજ સ્રોત, HARDIK
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણા તાલુકામાં 7.99 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત સુરતના બારડોલીમાં 7.76 ઇંચ, મહુવામાં 7.52 ઇંચ, અંબિકામાં 6.46 ઇંચ અને ઉમરપાડામાં 4.72 ઇંચ વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતના વલસાડમાં જ્યાં ઉમરગામમાં 7.72 ઇંચ, વાપીમાં 7.44 ઇંચ અને પારડીમાં 4.45 ઇંચ વરસાદ પડ્યો છે.
તાપી જિલ્લાની વાત કરીએ તો વાલોડમાં 4.02 ઇંચ વરસાદ નોંધાયો છે.
બીજી તરફ, સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે.
જૂનાગઢના માળિયા હાટીનામાં 7 ઇંચ, કેશોદમાં 5.20 ઇંચ, માંગરોળમાં અને ભેસાણમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં 5.24 ઇંચ અને પાટણ-વેરાવળમાં 3.35 ઇંચ વરસાદ પડ્યો છે,
જ્યારે રાજકોટના લોધિકામાં પણ 3.35 ઇંચ વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાત વિસ્તારમાં મોટાભાગનાં સ્થળોએ, સૌરાષ્ટ્રમાં થોડાં સ્થળોએ અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદ થયો હતો.
ત્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધીમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.
ગુજરાતમાં કયા વિસ્તારોમાં રેડ ઍલર્ટ અપાયું?

ઇમેજ સ્રોત, IMD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આગામી ચાર દિવસોને લઈને હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ ઍલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
આજે 2 જુલાઈએ હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં અને દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ સાથે હવામાન વિભાગે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
નર્મદા, ભરુચ, તાપી અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી સાથે ઑરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
તેમજ વડોદરા અને છોટાઉદેપુરમાં તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ જિલ્લામાં અને દીવમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે.
ઉત્તર ગુજરાત વિસ્તારના તમામ જિલ્લાઓમાં 40થી 50 કિમી પ્રતિ કલાકના પવન સાથે મધ્યમ ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગ અનુસાર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ઘણાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
ત્રીજી જુલાઈની સ્થિતિને લઈને પણ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં અને દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ ઍલર્ટ યથાવત્ છે.
ત્યારે હવામાન વિભાગે નર્મદા, ભરુચ, તાપી અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી સાથે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. અને વડોદરા અને છોટાઉદેપુરમાં તેમજ સૌરાષ્ટ્રનાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ જિલ્લામાં અને દીવમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
તેમજ બાકીના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે.
ચાર જુલાઈના દિવસે ભારેથી અતિભારે વરસાદ સાથે દક્ષિણ ગુજરાતનાં નર્મદા, તાપી, ડાંગમાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
ત્યારે સુરત, છોટા ઉદેપુર, ભરુચ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રનાં અમરેલી અને ભાવનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી સાથે ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.
બાકીના વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે પાંચ જુલાઈના દિવસે પણ ડાંગ, તાપી, વલસાડમાં અને દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે હવામાન વિભાગે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
નર્મદા અને નવસારી તેમજ અમરેલી અને ભાવનગરમાં ઑરેન્જ ઍલર્ટ છે.
તેમજ આ દિવસે વડોદરા અને છોટાઉદેપુર અને ગીર સોમનાથ તેમજ દીવમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે.
છ અને સાત જુલાઈને લઈને ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં અતિભારે વરસાદ સાથે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
ચોમાસું કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે?

ઇમેજ સ્રોત, IMD
હાલની સ્થિતિએ ચોમાસું આજે ગુજરાત, સમગ્ર દમણ અને દીવ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના વધુ કેટલાક ભાગો, ઉત્તરાખંડના બાકીના ભાગો, હિમાચલ પ્રદેશ અને લદ્દાખ, સમગ્ર જમ્મુ-કાશ્મીર અને હરિયાણા તેમજ પંજાબના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.
ચોમાસાની ઉત્તરીય સીમા પોરબંદર, વલ્લભ વિદ્યાનગર, શાજાપુર, નૌગાંવ, મિર્ઝાપુર, આઝમગઢ, અયોધ્યા, બુદૌન, મેરઠ, કરનાલ, ગુરદાસપુરમાંથી પસાર થઈ રહી છે.
હવામાન વિભાગે કહ્યું છે, આગામી બે દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી અને પંજાબના વધુ કેટલાક ભાગો સાથે રાજસ્થાનના કેટલાક ભાગોમાં ચોમાસાના આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ છે.
હવામાન વિભાગ અનુસાર, આવતીકાલે બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં લો-પ્રેશર એરિયા બનવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારો પર ઍર સાયક્લૉનિક સર્ક્યુલેશન યથાવત્ છે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























