અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર મુંબઈના જુહૂમાં ગોળીબાર; પોલીસે શું કહ્યું?

બીબીસી ગુજરાતી અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર; પોલીસે શું કહ્યું?
ઇમેજ કૅપ્શન, ટાઇગર શ્રોફ
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

મુંબઈમાં હિન્દી ફિલ્મ અભિનેતા ટાઇગર શ્રોફ પર ગોળીબાર કરવામાં આવ્યો છે.

મુંબઈના વિલે પાર્લે પશ્ચિમમાં જુહુ પોલીસ સ્ટેશનની હદમાં ગોળીબારની ઘટના બન્યાના અહેવાલ છે.

મુંબઈના પશ્ચિમ ઝોન-2ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) મોહિત ગર્ગે ટાઇગર શ્રોફ પર ગોળીબારની ઘટનાની પુષ્ટિ કરી છે.

મુંબઈ પોલીસના જણાવ્યા પ્રમાણે, ગોળીબારમાં બે લોકો ઘાયલ થયા છે, જેમાં ટાઇગર શ્રોફના ડ્રાઇવર ફિરદૌસ પણ સામેલ છે. તેના હાથમાં ગોળી વાગી છે.

ડીસીપી મોહિત ગર્ગના જણાવ્યા અનુસાર, "ટાઇગર શ્રોફ સુરક્ષિત છે. તેમને ગોળી વાગી નથી કે ઈજા થઈ નથી."

મોહિત ગર્ગે એવું પણ કહ્યું હતું કે ગોળીબારની ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.

મુંબઈ પોલીસે વધુમાં શું જણાવ્યું?

બીબીસી ગુજરાતી અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર; પોલીસે શું કહ્યું?

મુંબઈના ડીસીપી મોહિત ગર્ગે મીડિયાને જણાવ્યું કે મુંબઈ પોલીસે ટીમો બનાવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

તેમણે કહ્યું, "આ ઘટના ત્યારે બની હતી, જ્યારે ટાઇગર શ્રોફ પોતાની કારમાં પરત ફરી રહ્યા હતા. તેમને કોઈ ગોળી વાગી નથી અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે."

તેમણે કહ્યું, "આ ઘટના સાંજે 7 વાગ્યાની આસપાસ બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, તે કોઈ ખાનગી કામ માટે આવ્યા હતા. કામ પતાવીને બહાર જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની."

"ફોરેન્સિક ટીમે પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. હાલમાં લગભગ 15 ટીમો આ મામલે કામ કરી રહી છે. જેમ જેમ વધુ માહિતી સામે આવશે, તે શૅર કરવામાં આવશે," મોહિત ગર્ગે જણાવ્યું.

જોકે, પત્રકારોના પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું, "આ સમયે કેટલી રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી તે જણાવવું યોગ્ય નહીં હોય."

સમાચાર એજન્સી આઈએએનએસએ મુંબઈ પોલીસના હવાલાથી જણાવ્યું છે કે હુમલાખોરોની ઓળખ કરવા અને તેઓ કયા માર્ગે ભાગ્યા તેની માહિતી મેળવવા માટે આસપાસના વિસ્તારોનાં સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિની સમીક્ષા કરી.

વિપક્ષે કર્યા સવાલ

ટાઇગર શ્રોફની કાર પર ગોળીબારની ઘટના બાદ પોલીસે તરત જ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.
ઇમેજ કૅપ્શન, ટાઇગર શ્રોફની કાર પર ગોળીબારની ઘટના બાદ પોલીસે તરત જ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.

આ ઘટના અંગે કૉંગ્રેસના નેતા સચીન સાવંતે ઍક્સ પર લખ્યું, "અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર થયાના સમાચાર અત્યંત આઘાતજનક છે. મુંબઈમાં ખરેખર શું ચાલી રહ્યું છે?"

"બાબા સિદ્દીકીની હત્યા, સલમાન ખાનના ઘરે ગોળીબાર, ઘણા કલાકારો અને નિર્માતાઓને ધમકીઓ... મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગયાં છે. કાયદો અને વ્યવસ્થા નથી, પણ અરાજકતા છે. મુખ્ય મંત્રી સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે!"

સચીન સાવંતે વધુમાં કહ્યું, "એ સમયે કહેવાતું કે મહારાષ્ટ્ર 'બિહાર' બની ગયું છે; પણ હવે કહેવાનો સમય આવી ગયો છે કે 'બિહાર' વધુ સારું છે. મુંબઈને ગુનેગારોના આતંક હેઠળ ધકેલી રહેલી સરકારની જાહેર નિંદા!"

જ્યાં ટાઇગર શ્રોફ પર ગોળીબાર થયો તે જગ્યાએ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
ઇમેજ કૅપ્શન, જ્યાં ટાઇગર શ્રોફ પર ગોળીબાર થયો તે જગ્યાએ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના નેતા રોહિત પવારે તેમના ફેસબુક પર કહ્યું, "જ્યારે થાણેમાં શિવસેના વિભાગ પ્રમુખ પ્રદીપ પૂર્ણેકરની ગોળી મારીને હત્યા કરવાની ઘટના તાજી છે, ત્યારે મુંબઈમાં અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર થયાના સમાચાર અત્યંત આઘાતજનક છે. સદ્નસીબે, ટાઇગર શ્રોફ સુરક્ષિત છે."

"પરંતુ આનાથી એ પ્રશ્ન ઊભો થાય છે કે, જો રાજ્યના નેતાઓ અને કલાકારો સુરક્ષિત ન હોય તો સામાન્ય માણસની સલામતીનું શું? રાજ્યનાં કાયદો અને વ્યવસ્થાનું સ્તર ક્યાં પહોંચ્યું છે? આ કહેવાનો સમય આવી ગયો છે. જો રાજ્યના આર્થિક પાટનગરમાં ગુંડાઓનો આટલો ડર હોય, તો કયો ઉદ્યોગપતિ રાજ્યમાં રોકાણ કરશે? સરકારે પહેલાં રાજ્યને યોગ્ય રીતે ચલાવવું જોઈએ અને જો તે શક્ય ન હોય, તો ગૃહ મંત્રાલય સક્ષમ મંત્રીને સોંપવું જોઈએ."

બીબીસી ગુજરાતી અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર; પોલીસે શું કહ્યું?

આ ઘટના અંગે કૉંગ્રેસનાં સાંસદ વર્ષા ગાયકવાડે ઍક્સ પર લખ્યું, "મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ! પહેલા સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર, પછી બાબા સિદ્દીકીની હત્યા અને હવે અભિનેતા ટાઇગર શ્રોફને ગોળી મારવાના સમાચાર!"

"જો મુંબઈ જેવા દેશની આર્થિક રાજધાનીમાં એક પછી એક આવી ઘટનાઓ બની રહી છે, તો મુંબઈવાસીઓની સલામતી માટે ખરેખર કોણ જવાબદાર છે? ટાઇગર શ્રોફ પર થયેલા ગોળીબારમાં વધુ એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલો છે. ગોળીબાર પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી અને પોલીસ આરોપીઓને શોધી રહી છે. શું ગુનેગારોને કાયદાનો કોઈ ડર બાકી છે? સરકાર અને ગૃહ વિભાગે મુંબઈવાસીઓની સલામતી અંગે જવાબ આપવો જોઈએ!"

'મશહૂર લોકોની સુરક્ષાની થશે સમીક્ષા'

મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે તમામ મશહૂર લોકોની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે.
ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે તમામ મશહૂર લોકોની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે.

મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે, તેમણે જેવી આ ઘટના ઘટી કે તરત જ જેકી શ્રોફ અને ટાઇગર શ્રોફ સાથે વાત કરી છે.

તેમણે કહ્યું, "મેં ટાઇગરને કહ્યું છે કે તેઓ ચિંતા ન કરે. સરકાર તેમની સાથે છે. અને તેમણે પરેશાન થવાની કોઈ જરૂર નથી. અમે તમામ મશહૂર લોકોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરીશું અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર પૂર્ણ પ્રકારે પ્રતિબદ્ધ છે."

"જો કોઈ બીજાને ડરાવવાની કે ધમકાવવાની કોશિશ કરશે, તો પોલીસ અને સરકાર તેને નહીં છોડે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન