તામિલનાડુ : વિજયે એ બધું કઈ રીતે કરી બતાવ્યું જે રજનીકાંત અને કમલ હાસન ન કરી શક્યા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શંકર નારાયણ સુદલાઈ
- પદ, બીબીસી તામિલ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
"મેં મારી સ્ક્રીન કૅરિયરના શિખરને છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો છે," વિજય રાજકીય મંચ પર ઘણી વાર આ કહેતા હતા. તેમના પ્રશંસકો અને પાર્ટી સભ્યો દ્વારા આ જ વાતને કેન્દ્રમાં રાખીને એક અભિયાન શરૂ થયું હતું. તે બાબતે અન્ય વિપક્ષી દળો તરફથી પ્રતિક્રિયાઓ પણ આવી હતી.
વિજયની જેમ ફિલ્મ ઉદ્યોગમાં પ્રસિદ્ધિના શિખરે પહોંચેલા ઘણા અભિનેતાઓના મનમાં પણ રાજકીય આકાંક્ષાઓ રહી હશે.
રાજકારણમાં પ્રવેશ કરવા માગતા અને પોતાના રાજકીય વિચારોને સ્પષ્ટપણે વ્યક્ત કરનાર રજનીકાંત અને રાજકારણમાં પ્રવેશ કરીને ચૂંટણી લડનાર કમલ હાસનની પરંપરાને વિજય એક નવા સ્તર પર લઈ ગયા છે.
આની પહેલાં જયલલિતા અને કરુણાનિધિનાં નિધન પછી તામિલનાડુના રાજકારણમાં એક ખાલીપો છવાઈ ગયો હતો.
જોકે, આ બંને મોટાં નેતાઓની હયાતીમાં જ અભિનેતા વિજયકાંતે પણ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને પછીથી 2011ની ચૂંટણીઓમાં એઆઇડીએમકેની સાથે ગઠબંધન કર્યું અને વિપક્ષમાં બેઠા, પરંતુ તેમની પાર્ટી વિજયની જેમ મોટી જીત મેળવવાની સ્થિતિ સુધી પહોંચી શકી નહીં.
એમજીઆર અને જયલલિતા પછી તામિલનાડુના રાજકારણમાં કોઈ અન્ય ફિલ્મ સ્ટાર એ સ્તર સુધી નથી પહોંચી શક્યા. એ સ્થિતિમાં 2026ની ચૂંટણીમાં સરકાર બનાવવા માટે જરૂરી બહુમત નહીં મળવા છતાં પણ વિજયની પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવી છે.
વિજયે તે કઈ રીતે પ્રાપ્ત કર્યું જે રજનીકાંત અને કમલ હાસન ન કરી શક્યા?
રજનીકાંતનો રાજકીય 'અવાજ'

ઇમેજ સ્રોત, Getty Images
ઘણાં વર્ષો સુધી તામિલ સિનેમાના ટોચના સ્ટાર રહેલા રજનીકાંત રાજકારણમાં પ્રવેશવાના છે, તેવી ચર્ચાઓ 1990ના દાયકાના મધ્યમાં શરૂ થઈ હતી. 1996ની ચૂંટણીઓ દરમિયાન જ 'રજની વૉઇસ' શબ્દ પહેલી વાર તામિલનાડુના રાજકારણમાં એક ચર્ચિત શબ્દ બન્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફિલ્મ 'બાદશાહ'ના 100 દિવસની સફળતાનો ઉત્સવ ઊજવવાના સમારંભ દરમિયાન તામિલનાડુમાં 'બૉમ્બ કલ્ચર'ને લઈને રજનીકાંતની ટિપ્પણી વ્યાપક સ્તરે ચર્ચાનો વિષય બની.
આ ફિલ્મના નિર્માતા અને તે સમયના રાજ્યમંત્રી આરએમ વીરપ્પન પણ તે સમયે મંચ પર હાજર હતા.
ત્યાર પછી, તાજેતરમાં જ વીરપ્પનના જીવન પર બનેલી એક ડૉક્યુમેન્ટરીમાં રજનીકાંતે એ પરિસ્થિતિઓનો ઉલ્લેખ કર્યો જેમાં તેમણે તામિલનાડુ કૅબિનેટમાંથી આરએમ વીરપ્પનને હટાવાયા અંગે વાત કરી હતી.
આ મુદ્દો પછીથી 1996ની ચૂંટણીઓ દરમિયાન ઊભરીને સામે આવ્યો. એ જ સંદર્ભમાં, તામિલનાડુમાં કૉંગ્રેસના એઆઇએડીએમકેની સાથે ગઠબંધનનો વિરોધ કરતાં પૂર્વ કૉંગ્રેસ નેતા જીકે મૂપનારે તામિલ માણિલા કૉંગ્રેસની રચના કરી અને ડીએમકેની સાથે ગઠબંધન કર્યું.
એઆઇએડીએમકે વિરુદ્ધ આ ગઠબંધનનું સમર્થન કરતાં રજનીકાંતે કહ્યું, "જો એઆઇએડીએમકે ફરીથી સત્તામાં આવશે, તો ભગવાન પણ તામિલનાડુને બચાવી નહીં શકે." આ ચૂંટણીમાં એઆઇએડીએમકે હારી ગઈ.
જોકે આ હારની પાછળ ઘણી રાજકીય પરિસ્થિતિઓ હતી, પરંતુ ડીએમકે ગઠબંધનને રજનીકાંતના સમર્થનની ઘણી ચર્ચા થઈ.
ફિલ્મ કારકિર્દીની ટોચ પર હોવા છતાં રજનીકાંતના રાજકારણમાં આવવા સંબંધમાં ચાહકોમાં આશા જન્મી, પરંતુ રજનીકાંત ત્યાર પછી 20થી વધુ વર્ષ સુધી પૂર્ણકાલીન રાજકારણમાં આવ્યા નહીં.
જોકે, પોતાની ફિલ્મો દ્વારા તેઓ રાજ્યના રાજકારણ પર આડકતરી રીતે ટિપ્પણીઓ કરતા રહ્યા.
શરૂ થતાં પહેલાં જ રાજકારણ સમાપ્ત થઈ ગયું

ઇમેજ સ્રોત, Getty Images
આખરે, 2017માં રજનીકાંતે રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી. પરંતુ ત્રણ વર્ષ પછી, કોરોના મહામારીના કારણે તેમણે જાહેરાત કરી કે તેઓ રાજકારણમાં સક્રિય નહીં રહે.
આની સાથે જ, રજનીકાંતની રાજકીય કૅરિયર શરૂ થતાં પહેલાં જ સંપૂર્ણ સમાપ્ત થઈ ગઈ. તેમના આ નિર્ણયની પાછળ સ્વાસ્થ્યસંબંધી કારણ જણાવવામાં આવ્યાં.
આ અંગે બીબીસી તામિલ સાથે વાત કરતાં રાજકીય વિશ્લેષક રામુ મણિવન્નને કહ્યું, "રજનીકાંતે એક મહત્ત્વપૂર્ણ અવસર ગુમાવી દીધો છે."
તેમણે કહ્યું કે રજનીકાંતની પાસે એમજીઆર અને જયલલિતા જેવું રાજકીય બૅકગ્રાઉન્ડ નથી.
રામુ મણિવન્નન કહે છે, "જ્યાં સુધી એમજીઆરનો સવાલ છે, તેઓ પાર્ટીની સ્થાપના થઈ તે પહેલાં જ ડીએમકેના કોષાધ્યક્ષ હતા. જયલલિતા એઆઇએડીએમકેનાં નીતિ અને પ્રસાર સચિવ હતાં."
કમલ હાસનની રાજકીય સફર

ઇમેજ સ્રોત, Getty Images
કમલ હાસને 2018માં રાજકારણમાં પ્રવેશ કર્યો. તેમણે જયલલિતાના મૃત્યુ અને કરુણાનિધિ બીમાર પડ્યા પછી 'મક્કલ નિધિ મય્યમ' નામની પાર્ટી શરૂ કરી.
તેમની પાર્ટીને 2019 અને 2021ની ચૂંટણીમાં ખાસ કશી સફળતા ન મળી. 2021ની વિધાનસભા ચૂંટણીઓમાં તેમની પાર્ટીને લગભગ 3.7 ટકા મત મળ્યા, જ્યારે 2024ની લોકસભા ચૂંટણીઓમાં તેમણે ડીએમકે ગઠબંધનને સમર્થન આપ્યું.
પછીથી કમલ હાસન રાજ્યસભા માટે ચૂંટાયા. તેમની પાર્ટી મક્કલ નિધિ મય્યમ 2026 વિધાનસભા ચૂંટણી ન લડી અને ડીએમકેને સમર્થન આપ્યું.
પ્રોફેસર રામુ મણિવન્નનનું કહેવું છે કે રજનીકાંતની જેમ કમલ હાસન પાસે પણ સ્થિર રાજકીય બૅકગ્રાઉન્ડ નથી.
તેઓ કહે છે કે રજનીકાંત અને કમલ હાસન જેવા લોકો ફિલ્મ ઉદ્યોગમાં ભલે સફળ હોય, પરંતુ માત્ર ફિલ્મી સફળતા રાજકારણમાં મદદ નથી કરતી.
વિજય, રજનીકાંત અને કમલ હાસનથી અલગ કઈ રીતે છે?

ઇમેજ સ્રોત, ANI
રજનીકાંત તો રાજકારણથી દૂર રહ્યા, જ્યારે કમલ હાસન રાજકારણમાં આવ્યા પછી કોઈ મોટું પરિવર્તન નથી કરી શક્યા.
પ્રોફેસર રામુ મણિવન્નનનું કહેવું છે કે વિજયની પાસે નાણાકીય પૃષ્ઠભૂમિની સાથોસાથ એવો રાજકીય આધાર પણ છે, જે આ બંનેની પાસે નથી.
રામુ મણિવન્નનનું કહેવું છે કે ચૂંટણીમાં વિજયનો પ્રભાવ યોગ્ય સમયના ઉપયોગના લીધે હતો અને સિનેમા દ્વારા મળેલી પ્રસિદ્ધિના કારણે તેઓ એક નેતા રૂપે ઊભર્યા.
તેઓ કહે છે કે વિજયે હજુ પણ એક લોકપ્રિય નેતા તરીકે ઊભરવાનું બાકી છે, અને ભવિષ્યમાં તેઓ નેતા તરીકે કેટલી ઊંચાઈએ પહોંચે છે તે એ વાત પર આધાર રાખે છે કે તેઓ લોકોની અપેક્ષાઓને કેટલી યોગ્ય રીતે પૂરી કરી શકે છે.
તેઓ કહે છે કે વિજયનું ભવિષ્ય એ વાત પર નિર્ભર રહેશે કે તેઓ સરકાર કઈ રીતે ચલાવે છે અને પાર્ટીને એક સંગઠનના રૂપમાં કઈ રીતે વિકસાવે છે.
રામુ મણિવન્નને કહ્યું કે વિજયની જીત તામિલનાડુ માટે એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે.
તેઓ કહે છે કે ડીએમકે અને એઆઇએડીએમકે બંનેમાં વિદ્યાર્થી સંગઠન મજબૂત નથી અને વિદ્યાર્થી અને યુવા સંગઠનોમાં 50 વર્ષથી વધારે ઉંમરના લોકોની હાજરી તેનું જ પરિણામ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















