ફૉર્મ 16માં શૂન્ય ટૅક્સ આવતો હોય તો પણ ઇન્કમટૅક્સ રિટર્ન ભરવું પડે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
નાણાકીય વર્ષ 2025-26માં થયેલી આવક માટે આવકવેરાનું રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીક આવતી જાય છે. પગારદાર લોકોને તેમના ફૉર્મ 16 મળી ગયાં છે અને તેમના માટે ઇન્કમટૅક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 છે.
વ્યક્તિગત કરદાતાઓ આ તારીખ ચૂકી જાય તો 31 ડિસેમ્બર 2026 સુધી ઇન્કમટૅક્સ રિટર્ન ભરી શકશે, પરંતુ તેના માટે 5000 રૂપિયા સુધીની લેટ ફી ઉપરાંત વ્યાજ ચુકવવાની તૈયારી રાખવી પડશે. તેથી વ્યક્તિગત કરદાતાઓએ જુલાઈ મહિનાના અંત સુધીમાં રિટર્ન ભરી દેવું જોઈએ એમ નાણાકીય નિષ્ણાતોનું કહેવું છે.
બિઝનેસ અને પ્રોફેશનલ કૅટેગરીમાં આઇટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઑગસ્ટ 2026 છે.
દરમિયાન ઘણા પગારદાર લોકોના મનમાં ગૂંચવણ હોય છે કે તેમના ફૉર્મ 16માં શૂન્ય ટૅક્સ દેખાડવામાં આવ્યો છે અને તેમાં કોઈ ટીડીએસ (ટૅક્સ ડિડક્ટેડ એટ સોર્સ)નો ઉલ્લેખ પણ નથી. તો પછી તેમણે ઇન્કમટૅક્સ રિટર્ન ભરવું જોઈએ કે નહીં.
બીબીસી ગુજરાતીએ આ વિશે ટૅક્સ નિષ્ણાત સાથે વાત કરીને આ મુદ્દો સમજવા પ્રયાસ કર્યો હતો.
કોણે આઈટી રિટર્ન ભરવું જોઈએ?

ઇમેજ સ્રોત, Karim Lakhani/Instagram
અમદાવાદસ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરિમ લાખાણીએ જણાવ્યું કે નવી ટૅક્સ સિસ્ટમમાં વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત કરવામાં આવ્યા પછી ઘણા લોકો આઈટીઆર (ઇન્કમટૅક્સ રિટર્ન) અંગે ગેરમાન્યતાઓ ધરાવે છે.
ભારતીય કાયદા પ્રમાણે એક નાણાકીય વર્ષમાં તમારી આવક ચાર લાખ રૂપિયા અથવા વધારે હોય તો તમારે ઇન્કમટૅક્સ રિટર્ન ભરવું જ પડે, ભલે પછી ટૅક્સ ભરવાની જવાબદારી થતી ન હોય.
તેઓ કહે છે, "ઘણા પગારદાર લોકો માને છે કે તેમના ફૉર્મ 16માં કોઈ ટીડીએસનો ઉલ્લેખ ન હોય અથવા ટૅક્સ ચુકવવાપાત્ર ન હોય, તો તેમણે આઇટીઆર ભરવાની જરૂર નથી. પરંતુ હકીકતમાં એવું નથી. ફૉર્મ 16 એ માત્ર તમારા એમ્પ્લોયર દ્વારા ચુકવવામાં આવેલા પગાર અને ટૅક્સ ડિડક્શનનો રેકોર્ડ છે. પગાર સિવાયની તમારી કોઈ આવક હોય તો તે ફૉર્મ 16માં જોવા નથી મળતી, પરંતુ તે કરપાત્ર હોઈ શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જણાવ્યું કે, "વ્યાજની આવક ધરાવતા ઘણા લોકો પણ માને છે કે બૅન્કે અમારો ટીડીએસ (ટૅક્સ ડિડક્શન ઍટ સોર્સ) કાપી લીધો છે તેથી હવે રિટર્ન ફાઇલ કરવાની જરૂર નથી. પરંતુ આ ખોટી માન્યતા છે."
તેઓ કહે છે, "સૌથી પહેલાં તમને ફૉર્મ 16 મળે ત્યારે ચેક કરો કે તમારે જે ટૅક્સ ચુકવવાપાત્ર છે તે બધો ભરાયો છે કે નહીં. કેટલીક વખત તમને પગાર આપ્યો હોય, પરંતુ ટીડીએસ બરાબર કપાયો ન હોય એવું બની શકે."
"આ ઉપરાંત ભારતમાં એઆઇએસ (એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ) અને ટીઆઇએસ (ટૅક્સપેયર ઇન્ફોર્મેશન સમરી) આવ્યા પછી કરદાતાની બીજી આવકોની માહિતી પણ આવકવેરા વિભાગને થર્ડ પાર્ટી પાસેથી મળી જાય છે. જેમ કે તમે શૅરબજારમાં ટ્રાન્ઝેક્શન કર્યા હોય તેની માહિતી આવકવેરા વિભાગને બ્રૉકર પાસેથી મળી જાય છે. તેમાં કોઈ શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ કેપિટલ ગેઈન થયો હોય, તમને કોઈ ડિવિડન્ડ મળ્યું હોય, અલગ અલગ જગ્યાએ રોકેલા રૂપિયા સામે વ્યાજ મળ્યું હોય, તેની માહિતી પણ આવકવેરા વિભાગને મળે છે, તેથી તેના પર જરૂરી ટૅક્સ ભરવા ઇન્કમટૅક્સ રિટર્ન ફાઇલ કરવું પડે."
વ્યાજ સાથે પેનલ્ટી ક્યારે લાગી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરિમ લાખાણીએ જણાવ્યું કે, "તમે કોઈ પેમેન્ટ કર્યા હોય અથવા રિસિપ્ટ આવી હોય, પ્રોપર્ટી વેચી હોય તેની વિગતો પણ સરકારને મળી જાય છે. તેથી ફૉર્મ 16 એ તમારી આવકનો સંપૂર્ણ પુરાવો નથી. તે ફક્ત તમારા પગાર પરના ટૅક્સની માહિતી આપે છે. વર્ષ દરમિયાન બીજા ઘણા ટ્રાન્ઝેક્શન થાય છે જેની માહિતી સરકારને મળી જાય છે."
આવાં અન્ય ઉદાહરણ આપતા તેઓ કહે છે કે "ધારો કે તમને એક વર્ષમાં 50 હજાર રૂપિયા કરતાં વધુ રકમની ગિફ્ટ મળી હોય તો તે કરપાત્ર હોય છે. તમે વિદેશપ્રવાસ કર્યો હોય અને તેમાં ટીસીએસ (ટૅક્સ કલેક્ટેડ એટ સોર્સ) કપાયો હોય, વગેરેની માહિતી સરકારને મળે છે. તેથી આ બધી ચીજોને ધ્યાનમાં રાખીને ઇન્કમટૅક્સ રિટર્ન ભરવું જોઈએ. આવું કરવામાં ન આવે તો વ્યાજ અને પેનલ્ટી સાથે રકમ ભરવાની આવે ત્યારે મુશ્કેલી પડી શકે છે."
તેઓ કહે છે કે તમે કોઈ નાણાકીય વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડ વેચ્યા હોય અને તેના પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન થયો હોય તો તેનો ટૅક્સ પણ આઇટી રિટર્ન સાથે ભરી દેવો પડે છે.
ઇક્વિટી ફંડમાં એક વર્ષ કરતાં વધારે હોલ્ડિંગ પિરિયડ હોય અને નાણાકીય વર્ષમાં 1.25 લાખ રૂપિયાથી વધારે ગેઇન થયો હોય, તો 12.5 ટકાના સમાન દરે ટૅક્સ લાગે છે. ડેટ ફંડ માટે ઇન્ડેક્સેશનના લાભ વગર 12.5 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટૅક્સ ભરવો પડે છે. મ્યુચ્યુઅલ ફંડના વેચાણથી મળેલી આવકમાંથી તમારા ખરીદ ખર્ચને બાદ કરવાથી લોંગ ટર્મ કેપિટલ ગેઇનનો આંકડો મળે છે.
આ ઉપરાંત બીજી પણ કેટલીક સ્થિતિ એવી હોય છે જેમાં ટૅક્સેબલ આવક ન હોવા છતાં આઇટીઆર ફાઇલ કરવું પડે છે.
જેમ કે ફિક્સ્ડ ડિપોઝિટની વ્યાજની આવક પર બૅન્કે ટીડીએસ કાપ્યો હોય અને પછી રિફંડ ક્લેમ કરવો હોય તો રિટર્ન ભરવું જરૂરી છે.
તેવી જ રીતે શૅરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અથવા પ્રોપર્ટીના સોદામાં કેપિટલ લોસ થાય ત્યારે તેને ભવિષ્યના નફા સામે એડજસ્ટ કરવા માટે લોસને કેરી ફોરવર્ડ કરવામાં આવે છે. આ લાભ લેવા માટે પણ નિશ્ચિત સમયમર્યાદામાં આઇટી રિટર્ન ફાઇલ કરવામાં આવે તે જરૂરી છે.
દરેક પ્રકારની આવકનો હિસાબ કરો

ઇમેજ સ્રોત, Getty Images
કરિમ લાખાણી જણાવે છે કે "સરકાર પાસેથી આવકના ડેટા છુપાવવાનો કોઈ અર્થ નથી કારણ કે તેની પાસે માહિતી આવી જાય છે. વર્ષ દરમિયાન બૅન્ક ખાતામાં પણ પગાર સિવાયની ઘણી રકમ જમા થતી હોય તો તે આવક પ્રકારની છે કે નહીં તે જુઓ. જો તે તમારી આવક હોય તો તેના પર ટૅક્સ ભરવો પડે."
"આ ઉપરાંત સેલેરી સિવાય તમે કોઈ જગ્યાએ કામ કરતા હોવ, ભાડાની આવક હોય, વ્યાજ મળ્યું હોય અથવા કમિશન મળ્યું હોય તો તે તમારી આવકનો હિસ્સો ગણાય અને ટૅક્સ ભરવો પડે."
ટૂંકમાં ટૅક્સની જવાબદારી શૂન્ય હોય તો પણ ચાર લાખથી વધુ આવક હોય ત્યારે રિટર્ન ફાઇલ કરવું જ પડે. તેની પાછળના ફાયદા સમજાવતા તેઓ કહે છે કે "કોઈ કરદાતાએ બૅન્ક લોન લેવી હોય, વિદેશ જવું હોય ત્યારે ફૉર્મ 16ના આધારે આવક નક્કી નથી થતી, આઇટી રિટર્નના કાગળો આપવા પડશે. તેથી કોઈ પણ આવક છુપાવવી એ સલાહભર્યું નથી."
જીવનસાથી (સ્પાઉઝ)ની આવક વિશે તેમણે કહ્યું કે "તમારી આવકમાંથી જીવનસાથીએ રોકાણ કર્યું હોય અને કમાણી થાય તો તે તમારી આવકમાં ઉમેરાય અને તે મુજબ ટૅક્સ ભરવો પડે. પરંતુ જીવનસાથી સ્વતંત્ર રીતે કામ કરતા હોય અથવા પોતાની સ્વતંત્ર બચતમાંથી રોકાણ કર્યું હોય, અને વાર્ષિક આવક ચાર લાખ રૂપિયાથી વધી જાય તો રિટર્ન ફાઇલ કરવું પડે."
કઇ ટૅક્સ સિસ્ટમ વધુ સારી?

ઇમેજ સ્રોત, Getty Images
હાલમાં ભારતમાં નવી અને જૂની એમ બે ટૅક્સ સિસ્ટમ ચાલે છે. તેના વિશે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરિમ લાખાણીએ જણાવ્યું કે "નવી ટૅક્સ સિસ્ટમ પછી આવકવેરાની પ્રક્રિયા વધુ સુરેખ બની ગઈ છે. નવી સિસ્ટમમાં ઓછો ટૅક્સ ભરવાનો આવે છે તથા સ્ક્રૂટિનીના કેસ ઘટી ગયા છે. હવે લગભગ 90 ટકા લોકો નવી ટૅક્સ સિસ્ટમને અપનાવે છે. પગારદાર લોકો નવી અને જૂની ટૅક્સ સિસ્ટમમાંથી ગમે તે વિકલ્પ પસંદ કરી શકે, પરંતુ બિઝનેસ ક્લાસના કરદાતા એક વખત નવી સિસ્ટમ અપનાવે પછી જૂની સિસ્ટમમાં જઈ શકતા નથી."
તેમણે જણાવ્યું કે, "હવે હાઉસિંગ લોન લીધા પછી પણ જૂની ટૅક્સ સિસ્ટમ ફાયદાકારક નથી, સિવાય કે તમે બહુ મોટી લોન લીધી હોય અને ભારે વ્યાજ ચુકવતા હોય. તે સિવાય નવી સિસ્ટમ જ વધુ ફાયદાકારક છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















