ફિલ્મ 'સતલુજ' હવે ભારતની સાથે અન્ય દેશોમાં પણ નહીં જોવા મળે - ન્યૂઝ અપડેટ

માનવાધિકાર કાર્યકર જસવંતસિંહ ખાલડાના જીવન પર આધારિત ફિલ્મ સતલુજને હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પાછી ખેંચી લેવાઈ છે

ઇમેજ સ્રોત, ZEE5/INSTAM

ઇમેજ કૅપ્શન, માનવાધિકાર કાર્યકર જસવંતસિંહ ખાલડાના જીવન પર આધારિત ફિલ્મ સતલુજને હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પાછી ખેંચી લેવાઈ છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

માનવાધિકાર કાર્યકર જસવંતસિંહ ખાલડાના જીવન પર આધારિત ફિલ્મ 'સતલુજ'ને હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પાછી ખેંચી લેવાઈ છે.

એટલે કે હવે આ ફિલ્મ ભારત સહિત કોઈ પણ દેશમાં ઓટીટી પ્લૅટફૉર્મ Zee5 પર જોવા નહીં મળે.

બીબીસી પંજાબીનાં અર્શદીપ અર્શીએ ફિલ્મના નિર્દેશક હની ત્રેહાનનો સંપર્ક કર્યો અને તેની પુષ્ટિ કરી છે.

અનેક લોકોએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે તેઓ હવે પોતાના દેશમાં પણ આ ફિલ્મ જોઈ નહીં શકે.

સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, સરકારી સૂત્રોએ શનિવારે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા દિલજિત દોસાંઝની ફિલ્મ 'સતલુજ'ની સામગ્રીની તપાસ માટે ગઠિત સમિતિને સૂચન કર્યું કે ઑનલાઇન સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ પર તેના પ્રદર્શન પર પ્રતિબંધ રહેવો જોઈએ, કેમ કે ફિલ્મ કથિત રીતે ભારતની સંપ્રભુતા અને અંખડતાની વિરુદ્ધ છે.

ઉલ્લેખનીય છે કે માનવાધિકાર કાર્યકર જસવંતસિંહ ખાલડાના જીવન પર આધારિત દિલજિત દોસાંઝની ફિલ્મ 'સતલુજ' ગત ત્રણ જુલાઈના રોજ ઓટીટી પ્લૅટફૉર્મ ઝી5 પર રિલીઝ થઈ હતી, પરંતુ પાંચ જુલાઈના રોજ તેને પ્લૅટફૉર્મ પરથી દૂર કરવામાં આવી હતી.

જોકે તેમ છતાં પંજાબનાં વિવિધ ગામો અને શહેરોમાં લોકોએ પોતાના સ્તરે આ ફિલ્મ ડાઉનલોડ કરીને મોટી એલઇડી સ્ક્રીનો પર જોઈ રહ્યા છે.

પંજાબનાં અનેક ગામોમાં લોકો પોતાના ખર્ચે મોટી એલઇડી સ્ક્રીનો ભાડે લાવીને ગુરુદ્વારાઓ તથા ખુલ્લી જગ્યાઓ પર એકત્રિત થઈને આ ફિલ્મ જોઈ રહ્યા છે.

મણિપુર: આદિવાસી ખેડૂતની ગોળી મારીને હત્યા, મૈતેઈ સમુદાયમાં ઘરોમાં આગ ચાંપતા તણાવ

શનિવારે બપોરે અંદાજે બે વાગ્યે મૈતેઈ લોકોનાં કેટલાંક ઘરોમાં આગ ચાંપી દેવાઈ, જેના કારણે વિસ્તારમાં તણાવ વધી ગયો છે

ઇમેજ સ્રોત, Manipur Police

ઇમેજ કૅપ્શન, શનિવારે બપોરે અંદાજે બે વાગ્યે મૈતેઈ લોકોનાં કેટલાંક ઘરોમાં આગ ચાંપી દેવાઈ, જેના કારણે વિસ્તારમાં તણાવ વધી ગયો છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુવાહાટીથી બીબીસી હિન્દી માટે લખતા પત્રકાર દિલીપકુમાર શર્મા અનુસાર, મણિપુરના કાંગપોકપી જિલ્લામાં સંદિગ્ધ ઉગ્રવાદીઓએ એક 53 વર્ષીય આદિવાસી ખેડૂતની ગોળી મારીને હત્યા કરી છે.

ખેડૂત પોતાનાં પત્ની સાથે ધાન્યના ખેતરમાં કામ કરતાં એ સમયે શનિવારે બપોરે આ હુમલો થયો.

કાંગપોકપી પોલીસે મૃતકની ઓળખ ગોવાજંગ ગામના હાઓલાલ સિંગસિટ તરીકે કરી છે.

આ ઘટના બાદ એક પોલીસ અધિકારીએ કહ્યું, "શનિવારે જ્યારે ખેડૂત પોતાના ખેતરમાં કામ કરતા હતા, એ સમયે હથિયારબંધ હુમલાખોરોએ તેના પર ફાયરિંગ કર્યું."

"અનેક ગોળી વાગતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. હુમલા દરમિયાન ખેડૂતનાં પત્ની પણ હાજર હતાં, પણ તેઓ ત્યાંથી સુરક્ષિત ભાગી ગયાં હતાં."

પોલીસે આ ઘટના બાદ કેસ નોંધ્યો છે અને આસપાસના વિસ્તારમાં હુમલાખોરોની શોધ માટે અભિયાન આદર્યું છે.

કાંગપોકપી જિલ્લાના ટ્વિલાંગ વિસ્તારમાં ગોવાજંગ ગામ કુકી સમુદાયનું છેલ્લું ગામ છે, જ્યાં આ સમયે ભયનો માહોલ છે.

આ દરમિયાન શનિવારે બપોરે અંદાજે બે વાગ્યે મૈતેઈ લોકોનાં કેટલાંક ઘરોમાં આગ ચાંપી દેવાઈ, જેના કારણે વિસ્તારમાં તણાવ વધી ગયો છે.

આ ઘટના પર પોલીસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર નિવેદન જાહેર કરીને કહ્યું કે કાંગપોકપી જિલ્લાના કાંટો સબલ ગામ (જે એક મૈતેઈ ગામ છે)માં થયેલી હિંસા અને ખાલી ઘરોમાં આગ ચાંપવાના પ્રયાસમાં કેસમાં કાર્યવાહી કરાઈ છે.

મણિપુર પોલીસ, સીઆરપીએફ, આરએએફ અને સેનાની સંયુક્ત ટીમોએ લીમાખોંગ એરિયા પ્રોટેક્શન કમિટીના ચૅરમૅન અને હેંગજાંગ ગામના મુખિયા કમ્મંગ લ્હોવમ (65 વર્ષ) અને ખુનખો કુકી ગામના પૅગિન હેંગશિંગ (30 વર્ષ)ની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં સામેલ અન્ય લોકોની ઓળખ કરીને તેમની ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે.

ચીનમાં એક અઠવાડિયાની અંદર બીજું મોટું વાવાઝોડું, 20 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા

ચીન, ટાઇફૂન બાવી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Wang Dongming/China News Service/VCG via Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનમાં ટાઇફૂન બાવીને જોતાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું હતું

ચીનમાં શક્તિશાળી 'બાવી' વાવાઝોડું ત્રાટકવાની તૈયારી છે. આ એક અઠવાડિયાની અંદર ચીન પર અસર કરનાર બીજું મોટું વાવાઝોડું છે.

આની પહેલાં ફિલિપાઇન્સમાં આ વાવાઝોડાના કારણે થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 17 લોકોનાં મોત થઈ ગયાં છે.

વાવાઝોડાનાથી થનારી અસરને જોતાં તેના રસ્તામાં આવતા વિસ્તારોમાથી લગભગ 20 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે.

હવામાન વિભાગના અધિકારીઓ અનુસાર, 'બાવી' વાવાઝોડું શનિવાર સાંજે પહેલી વખત તાઇઝોઉ શહેરના કાંઠે ત્રાટક્યું. ત્યાર બાદ રાત્રે આ વેંઝોઉમાં ફરી જમીન પર ટકરાયું. આ વાવાઝોડું લગભગ 1,000 કિલોમીટરનો વિસ્તાર સુધી ફેલાયેલો છે. જે લગભગ ફ્રાન્સના આકાર જેટલું છે.

ચીન પહોંચતા પહેલાં 'બાવી'એ જાપાનના દૂરના દ્વીપોને પ્રભાવિત કર્યા અને તાઇવાનના ઉત્તરી ભાગોમાં ભારે વરસાદ પડ્યો.

આની પહેલાં ફિલિપાઇન્સમાં આ વાવાઝોડાને કારણે ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 17 લોકોનાં મોત થયાં હતાં.

જોકે, હવે'બાવી' વાવાઝોડું નબળું પડી રહ્યું છે, પરંતુ તેની સાથે ભારે ભેજને કારણે હજી ભારે વરસાદ અને પૂરનો ખતરો ઊભો છે.

હવામાન વિભાગનું અનુમાન છે કે વાવાઝોડાના ઉત્તર-પશ્ચિમ દિશામાં વધવાની સાથે તેની તીવ્રતા ધીમે-ધીમે ઘટી શકે છે.

અધિકારીઓએ ચેતવણી આપી છે કે રવિવારના પૂર્વી ઝેજિયાંગ પ્રાન્ત અને ઉત્તર-પૂર્વી ફુજિયાન પ્રાન્તમાં ભારે વરસાદ પડી શકે છે.

વહીવટી તંત્રે કહ્યું છે કે લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલવાનો નિર્ણય કોઈ પણ ગંભીર પરિસ્થિતિથી બચવા માટે કરવામાં આવ્યો છે.

ચીન, ટાઇફૂન બાવી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, CN-STR / AFP via Getty Images

સરકારી મીડિયા અનુસાર, ઝેજિયાંગ પ્રાન્તમાં 17 લાખથી વધારે લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે જ્યારે પાડોશી પ્રાન્તોમાં પણ હજારો લોકોને ખસેડાયા છે.

વાવાઝોડાને કારણે ઝેજિયાંગમાં શાળાઓ, ઑફિસો અને બહારની ગતિવિધિઓ પ્રભાવિત થઈ છે. લગભગ 400 ફ્લાઇટ્સ અને કેટલીક ટ્રેન સેવાઓ પણ રદ કરવામાં આવી છે.

ચીનની રાજધાની બેઇજિંગમાં પણ સાવચેતીના પગલે લગભગ એક લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આની પહેલાં આ અઠવાડિયે આવેલા 'માયસાક' વાવાઝોડાને કારણે દક્ષિણ ચીનમાં ભારે તબાહી મચી હતી. જેમાં ઓછામાં ઓછા 39 લોકોનાં મોત થયાં છે.

ટ્રમ્પની ધમકી બાદ મોજતબા ખામેનેઈનો સંદેશ, 'ખૂનનો બદલો લેવો જોઈએ'

પોતાના પિતાની હત્યા બાદ તેમના ઉત્તરાધિકારી બનેલા મોજતબા ખામેનેઈ હજુ સુધી જાહેરમાં દેખાયા નથી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, પોતાના પિતાની હત્યા બાદ તેમના ઉત્તરાધિકારી બનેલા મોજતબા ખામેનેઈ હજુ સુધી જાહેરમાં દેખાયા નથી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાને ધમકી આપ્યાના કેટલાક કલાક બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ એક લિખિત સંદેશમાં કહ્યું કે તેમના પિતાનો 'બદલો' લેવો જોઈએ.

હકીકતમાં ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન અમેરિકાના રાષ્ટ્રપતિની હત્યા કરવાનો પોતાનો વાયદો પૂરો કરશે તો તેઓ ઈરાન પર 'હજારો મિસાઇલ' છોડશે.

બાદમાં મોજતબા ખામેનેઈના નામથી એક લિખિત સંદેશ જાહેર થયો, જેમાં ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડ આયતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં સામેલ થનારાનો આભાર માનવામાં આવ્યો હતો.

મોજતબા ખામેનેઈના સંદેશમાં કહેવાયું કે "અમે તમારા પવિત્ર ખૂન અને આ બંને યુદ્ધના બધા શહીદોના ખૂનનો બદલો આ ગુનેગારો અને બદનામ હત્યારાથી લેવાનો સંકલ્પ કરીએ છીએ. આ બદલો અમારા રાષ્ટ્રની ઇચ્છા છે અને તેને કોઈ ભોગે પૂરી કરાશે."

બીબીસી ફારસી અનુસાર, એવું લાગે છે કે આ સંદેશ તૈયાર કર્યાના બે દિવસ બાદ મીડિયામાં પ્રકાશિત કરાયો છે.

આ સંદેશ પર આઠમી જુલાઈની તારીખ છે, એ સમયે ઈરાનના પૂર્વ નેતાની અંતિમવિધિનો કાર્યક્રમ ચાલતો હતો.

પોતાના પિતાની હત્યા બાદ તેમના ઉત્તરાધિકારી બનેલા મોજતબા ખામેનેઈ હજુ સુધી જાહેરમાં દેખાયા નથી.

અમેરિકાએ ઈરાન પર હવાઈ હુમલા કર્યા, આઇઆરજીસીનો વળતો જવાબ

સેન્ટકૉમનું કહેવું છે કે આઇઆરજીસીએ સાઇપ્રસના ઝંડાવાળા એક જહાજ પર હુમલો કર્યો હતો.

ઇમેજ સ્રોત, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, સેન્ટકૉમનું કહેવું છે કે આઇઆરજીસીએ સાઇપ્રસના ઝંડાવાળા એક જહાજ પર હુમલો કર્યો હતો (ફાઇલ ફોટો)

અમેરિકાએ રવિવારે ફરી એક વાર ઈરાન પર હવાઈ હુમલા કર્યા છે. હાલના દિવસોમાં આ ત્રીજી વાર ઈરાન પર હુમલા થયા છે.

અમેરિકા અનુસાર, પ્રથમ ઈરાને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહેલા એક જહાજ પર હુમલો કર્યો, બાદમાં અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ) તરફથી જવાબી હુમલા થયા છે.

ઈરાનની ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કોર (આઇઆરજીસી)એ કહ્યું કે આગામી આદેશ સુધી હોર્મુઝને બંધ કરી દેવાઈ છે.

ઈરાનના સરકારી મીડિયા અનુસાર, જે જહાજ પર હુમલો કરાયો, તેણે પોતાની સિસ્ટમ બંધ કરી દીધી હતી અને નક્કી કરેલા માર્ગથી ખસી ગયું હતું. બાદમાં આ હુમલો કરાયો હતો.

સેન્ટકૉમનું કહેવું છે કે આઇઆરજીસીએ સાઇપ્રસના ઝંડાવાળા એક જહાજ પર હુમલો કર્યો હતો.

સેન્ટકૉમે કહ્યું કે એન્જિનવાળા ભાગને ઘણું નુકસાન થવાને કારણે જહાજ પોતાની સફર ચાલુ ન રાખી શક્યું. તેના અનુસાર, જહાજ પર મોજૂદ ચાલકદળનો એક સભ્ય ગુમ છે.

સેન્ટકૉમે એક્સ પર નિવેદનમાં કહ્યું, "કારોબારી જહાજ પર થયેલા પ્રથમ હુમલા બાદ જવાબદારી નક્કી કર્યા પછી પણ ઈરાનને કરારનું પાલન કરવાનો વધુ એક મોકો આપવામાં આવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યું."

અમેરિકાના સંરક્ષણમંત્રી પીટ હેગસેથે પણ લખ્યું કે "ઈરાને ખોટો નિર્ણય લીધો. હવે તેને કિંમત ચૂકવવી પડશે."

ફિફા વર્લ્ડકપ 2026 : ઇંગ્લૅન્ડે નૉર્વેને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું

ફીફા વર્લ્ડકપ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લૅન્ડે નૉર્વેને 2-1થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે

ઇમેજ સ્રોત, Peter Joneleit/Icon Sportswire via Getty Images

ઇમેજ કૅપ્શન, ફિફા વર્લ્ડકપ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લૅન્ડે નૉર્વેને 2-1થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે

ફિફાફા વર્લ્ડકપ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લૅન્ડે નૉર્વેને 2-1થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.

મિયામીમાં રમાયેલી મૅચમાં શરૂઆતમાં નૉર્વેને સરસાઈ મળી, પરંતુ બાદમાં ઇંગ્લૅન્ડે વાપસીને પહેલા બરાબરી કરી અને પછી ઍક્સ્ટ્રા ટાઇમમાં વિજયી ગોલ કર્યો હતો.

મૅચના પ્રથમ હાફની 36મી મિનિટે એડ્રિયાસ શેલ્ડેરૂપે ગોલથી નૉર્વેને 1-0થી સરસાઈ મળી હતી, પરંતુ પ્રથમ હાફમાં ઇન્જરી ટાઇમમાં જૂડ બેલિંગહામે ગોલ કરીને ઇંગ્લૅન્ડને બરાબરી પર લાવી દીધું. હાફ ટાઇમ પૂરો થવા સુધી બંને ટીમનો સ્કોર 1-1 હતો અને મૅચ રોમાંચક બની હતી.

બાદમાં બીજા હાફના ઍક્સ્ટ્રા ટાઇમની શરૂઆતમાં બેલિંગહામે વધુ એક ગોલ ફટકાર્યો હતો. મૅચની 93મી મિનિટેમાં થયેલા આ ગોલથી ઇંગ્લૅન્ડની ટીમ જીત નક્કી કરી લીધી હતી.

ઍક્સ્ટ્રા ટાઇમની 30 મિનિટ સુધી ઇંગ્લૅન્ડે આ સ્થિતિ જાળવી રાખીને મૅચ 2-1થી જીતી લીધી.

વર્ષ 2018 બાદ પહેલી વાર ઇંગ્લૅન્ડે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. હવે સેમિફાઇનલમાં તેનો મુકાબલો આર્જેન્ટિના અને સ્વિટ્ઝર્લૅન્ડ વચ્ચે થનાર ક્વાર્ટર ફાઇનલ મૅચના વિજેતા સાથે થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન