'લતીફને ભૂલતા નહીં...' - ગુજરાતમાં ભાજપે વર્ષો સુધી એક ગૅંગસ્ટરનો રાજકીય ફાયદો લીધો?

ઇમેજ સ્રોત, Getty/FB
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 11 મિનિટ
"લતીફના શાર્પશૂટર શરીફને અને બીજા સાથીને પકડીને પોલીસ અધિકારી ગીતા જોહરી માત્ર ત્રણ અધિકારીઓ સાથે લતીફના ઘરની બહાર ઊભાં હતાં. પોલીસ કન્ટ્રોલરૂમમાં તેમણે વધુ મદદ માટે ફોન કર્યો. પોલીસવાન મદદ માટે દરિયાપુરના પોપટિયાવાડના નાકે આવીને ઊભી હતી. પરંતુ એ અંદર પ્રવેશતી નહોતી, પોલીસના જવાનો અંદર જવા તૈયાર નહોતા. કારણ એ હતું કે પોલીસ અધિકારીઓને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે ખરેખર લતીફના ઘરે જવાનું છે."
આ કિસ્સો ગુજરાતના જાણીતા પત્રકાર પ્રશાંત દયાળે તેમના પુસ્તક 'લતીફ'માં ટાંક્યો છે. તેના ઉપરથી લતીફના દબદબાનો, અને તેના પોલીસમાં પણ વ્યાપેલા ડરનો ખ્યાલ આવે છે.
1980ના દાયકામાં અમદાવાદના 'ડૉન' અબ્દુલ લતીફના સામ્રાજ્યથી ભાગ્યે જ કોઈ અજાણ હશે.
પરંતુ લતીફની વાત જ્યારે આવે ત્યારે મોટે ભાગે ગુનાખોરી, હત્યાઓ, ગેરકાયદે દારૂના વેપારના તેના સામ્રાજ્યની વાત થતી હોય છે.
લતીફ રાજકારણમાં પણ સક્રિય હતો. અનેક નેતાઓ સાથે તેને સંબંધ હતા. લતીફ અને તેના સામ્રાજ્યે ગુજરાતના સમાજ અને રાજકારણ પર પણ ઊંડી અસરો પાડી છે. આ અહેવાલમાં આપણે એ તરફ પ્રકાશ પાડવાનો પ્રયાસ કરીશું.
ગુજરાતમાં 'ધ્રુવીકરણનો પાયો' અને લતીફ

ઇમેજ સ્રોત, Context Publication
ગુજરાતમાં છેલ્લાં લગભગ 30 વર્ષથી ભાજપની સરકાર છે અને હિન્દુત્વવાદી રાજકારણ હાવી રહ્યું છે.
1950-1995 વચ્ચે થયેલા ભારતમાં થયેલા હિન્દુ મુસ્લિમ રમખાણો પર એક ડેટાસેટ પ્રકાશિત થયેલો છે. તેનું નામ વાર્ષ્ણેય-વિલ્કિન્સન ડેટાસેટ છે.
આ ડેટાસેટ અનુસાર, આ 45 વર્ષના ગાળામાં ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમ રમખાણોની ફ્રીક્વન્સી સૌથી વધારે 241 નોંધવામાં આવી છે. બીજા નંબરે ઉત્તર પ્રદેશ 199 પૉઇન્ટ સાથે પછી મહારાષ્ટ્ર 187 પૉઇન્ટ સાથે ત્રીજા નંબરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ સમયગાળા દરમિયાન હિન્દુ-મુસ્લિમ રમખાણોથી થયેલા મૃત્યુમાં ગુજરાતમાં શહેરી વસ્તીમાં પ્રતિ 10 લાખે 120 મૃત્યુ નોંધાયા હતા, જે દેશમાં સૌથી વધારે હતા. બિહારમાં આ સંખ્યા 80 હતી.
પરંતુ ગુજરાતમાં ધાર્મિક ધ્રુવીકરણ વધ્યું એ પાછળનું માત્ર કારણ માત્ર રમખાણો નહોતાં.
પ્રો. ક્રિસ્ટોફ જેફરલૉ તેમના પુસ્તક 'ગુજરાત અન્ડર મોદી: ધ બ્લૂપ્રિન્ટ ઑફ ટુડેઝ ઇન્ડિયા'માં લખે છે કે, "બુટલેગિંગ સાથે જોડાયેલા મુસ્લિમ માફિયાઓનો પણ આમાં ફાળો ગણવો જોઈએ. ગુજરાતમાં પહેલેથી દારૂબંધી હોવાને કારણે દારૂનો ગેરકાયદેસર અંડરગ્રાઉન્ડ વેપાર ખૂબ ફૂલ્યોફાલ્યો હતો. પોલીસની હપ્તાખોરીને કારણે આ વેપાર પર જાણે કે આશીર્વાદ હતા."
1969નાં રમખાણો પછી જેએનયુના પૂર્વ પ્રો. ઘનશ્યામ શાહે લખ્યું હતું કે, "ગુજરાતમાં એ વ્યાપક માન્યતા હતી કે રાજ્યમાં મોટા ભાગના શેરીના ગુંડાઓ અને લૂંટારાઓ એ મુસ્લિમ સમુદાયના હતા. એવું કહેવાય છે આ ગુંડાઓ સામાન્ય નાગરિકોને હેરાન કરતા હતા, પરંતુ સરકારે તેમની સામે કોઈ પગલાં ન ભર્યાં, કારણ તેમને કેટલાક કૉંગ્રેસના નેતાઓનું રક્ષણ મળેલું હતું અને આ ગુંડાઓ તેમને માટે મત લાવી આપતા હતા. આ ગુંડાઓનું પોલીસ સાથે પણ કનેક્શન હોવાને કારણે સામાન્ય હિન્દુના મનમાં એવી ભાવના પેદા થઈ કે તેઓ મુસ્લિમ સમુદાયમાંથી આવતાં આવાં તત્ત્વો સામે લાચાર છે."
આવું જ એક ઉદાહરણ એટલે અબ્દુલ લતીફ. 1951માં 'ઑલ્ડ સિટી' અમદાવાદના એક ગરીબ પરિવારમાં લતીફનો જન્મ થયો હતો.
લતીફ એ દાઉદ ઇબ્રાહીમનો બૉમ્બેસ્થિત ગૅંગનો પણ એક સભ્ય હતો. તેના પર સ્મગલિંગ, મર્ડરથી લઈને અપહરણના અનેક કેસ હતા. તેનો મૂળ ધંધો ગેરકાયદેસર દારૂની હેરાફેરીનો હતો, જેમાંથી એ ધૂમ કમાણી કરતો હતો. 1980 પછીનાં વર્ષોમાં લતીફનો વ્યાપ વધ્યો. એ સમયે ગુજરાતમાં કૉંગ્રેસનું રાજ હતું.
1985નાં રમખાણો દરમિયાન તેણે તેના સમુદાયના ગરીબ લોકોને જરૂરી ખાધાખોરાકી આપી, મદદ કરી. એ સિવાય અનેક સેવાભાવી કાર્યો શરૂ કર્યાં.
પ્રો. ક્રિસ્ટોફ જેફરલૉ લખે છે કે, "અમદાવાદ ઑલ્ડ સિટીના મુસ્લિમો માટે એ જાણે કે લોકલ રૉબિનહૂડ બની ગયો હતો. તેના માટે મુસ્લિમોમાં સહાનુભૂતિ હતી."
એ જમાનામાં એવું કહેવાતું હતું કે લતીફની સામે પોલીસ, સરકારી વ્યવસ્થાતંત્ર અને કેટલીક હદ સુધી સરકાર પણ કંઈ કરી શકતી નહોતી.
લતીફે જેલમાંથી પાંચ બેઠકો પર ચૂંટણી જીતી

ઇમેજ સ્રોત, FB/Bombay Underworld
1987માં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી થઈ હતી. ત્યાં સુધીમાં લતીફનો પ્રભાવ એટલો વધી ગયો હતો કે તેણે પાંચ બેઠકો દરિયાપુર, કાલુપુર, દાણીલીમડા, જમાલપુર અને રાયખડ પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. એ સમયે તે જેલમાં હતો.
પરિણામ આવ્યું અને તેનો પાંચેય બેઠકો પર વિજય થયો. પછી નિયમ પ્રમાણે તેણે બાકીની ચાર બેઠકો ખાલી કરી દીધી હતી.
પ્રશાંત દયાળ તેમના પુસ્તક 'લતીફ'માં લખે છે કે, "જાહેરમાં લતીફને ગાળો આપતાં ભાજપના નેતાઓએ પણ લતીફ સાથે ગોઠવણ કરી અને એવી બેઠકો ખાલી કરાવી કે જેનાથી ભાજપને ફાયદો થાય. કાલુપુરમાં ભાજપનાં ભામિની પટેલ અને રાયખડમાં ભાજપના ગુરુપ્રસાદ નાયડુ વિજેતા થયા. આમ, મ્યુનિસિપલ બૉર્ડમાં ભાજપની સંખ્યા વધી."
અહીં એ નોંધવું જોઈએ કે આ જ ચૂંટણીમાં ભાજપ પહેલી વાર અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સત્તા મેળવવામાં સફળ થયો હતો.
પ્રો. જેફરલૉ લખે છે, "ગુજરાતના રાજકારણમાં ધ્રુવીકરણ કરવામાં મદદ મેળવવા માટે ભાજપે લતીફની રાજકીય સક્રિયતાનો ઉપયોગ કર્યો હતો, અને એ બધું કૉંગ્રેસના ભોગે થયું હતું. કારણ કે કૉંગ્રેસ પર પણ ઘણા મુસ્લિમોને ભરોસો રહ્યો નહોતો. આ સ્ટ્રેટેજી પહેલી વાર 1987ની મ્યુનિસિપલ ચૂંટણીમાં અજમાવાઈ."
ઇતિહાસકાર હૉવર્ડ સ્પોડેકે તેમના પુસ્તક 'અમદાવાદ: શોક સિટી ઑફ ટ્વેન્ટીથ સેન્ચુરી'માં આ વિશે લખ્યું હતું કે, "ભાજપે લતીફ અને તેના લીધે આખા સમુદાયને ખરાબ ચીતરવાનું ચાલુ કર્યું અને ચૂંટણીમાં 'રામરાજ' વિરુદ્ધ 'લતીફરાજ'નું મૉડલ રજૂ કરવાની કોશિશ કરી. ઘણા હિન્દુઓમાં લતીફની ઉમેદવારી સામે રોષ હતો અને એ ભાજપને 1987ની ચૂંટણીમાં મળેલા વિજય પાછળનું એક મોટું ફૅક્ટર હતું."
ચૂંટણીનાં પરિણામો આવ્યાં અને ભાજપને અમદાવાદ કૉર્પોરેશનની ચૂંટણીમાં 127માંથી 67 બેઠકો મળી. કૉંગ્રેસને 30 બેઠકો તથા જેએનપીને 26 બેઠકો મળી.
પ્રશાંત દયાળ લખે છે કે, "લતીફ સામે કાર્યવાહી કરવામાં કૉંગ્રેસી નેતાઓની ઢીલી નીતિ સામે લોકોની નારાજગી વધી રહી હતી. કૉંગ્રેસી નેતાઓ મુસ્લિમ મતને ધ્યાનમાં રાખીને લતીફ સામેની કાર્યવાહીને કોમ સામેની સમજતા હતા. તેમને એવું હતું કે આનાથી મુસ્લિમો નારાજ થશે. રાજકીય ગણિત માંડવામાં તેઓ નિષ્ફળ ગયા અને તેમને અંદાજ ન આવ્યો કે આનાથી હિંદુ મતદારો દૂર જઈ રહ્યા છે. હજુ પાંચ-સાત વર્ષ પહેલાં 1980માં જ અસ્તિત્વમાં આવેલો ભાજપ આનો ફાયદો લઈ જશે, તેની કલ્પના પણ તેમને નહોતી."
ત્યાર પછી તો 1989ના અંત સુધીમાં ભાજપે શહેરી વિસ્તારોમાં એવો પગપેસારો કર્યો કે સુરત, રાજકોટ અને વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી પણ જીતી લીધી હતી.
તેઓ લખે છે કે, "અમદાવાદમાં કોમી તોફાનો દરમિયાન ભાજપની ભગિની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળે પોળ વિસ્તાર અને પૂર્વ અમદાવાદમાં પગદંડો જમાવવાની શરૂઆત કરી દીધી હતી. તેનો સીધો ફાયદો ભાજપને થઈ રહ્યો હતો."
"જોકે, ભાજપ ક્યારેય સત્તા પર આવશે તેવું ભાજપના નેતાઓ પણ માનતા નહોતા. પરંતુ 1985નાં તોફાન અને કૉંગ્રેસની ભૂલો તેમને શક્તિશાળી બનાવી રહી હતી. બીજી વાત એ હતી કે ભાજપના અશોક ભટ્ટ સહિતના અનેક નેતાઓ કોટ વિસ્તારમાં રહેતા હતા. તેમનો લોકો સાથેનો સંપર્ક રોજનો હતો. સામાન્ય મતદારોમાં ભાજપ એટલે હિન્દુઓનો પક્ષ અને કૉંગ્રેસ એટલે મુસ્લિમોનો પક્ષ એવી છાપ એ સમયે ઘર કરી રહી હતી."
જોકે, કૉંગ્રેસના ઘણા નેતાઓ પણ લતીફનો વિરોધ કરતા હતા. સૌથી વધારે વિરોધ કાલુપુરમાં રહેતા કૉંગ્રેસના સાંસદ રઉફ વલીઉલ્લાહ કરતા હતા. આ સાંસદની પણ અંડરવર્લ્ડની એક ગૅંગના સભ્યોએ હત્યા કરી નાખી હતી.
કૉંગ્રેસના નેતા અને ગૃહમંત્રી રહેલા સી.ડી. પટેલને પણ લતીફ સામે નારાજગી હતી એવું પ્રશાંત દયાળ લખે છે.
ભાજપના કાર્યકરોએ ઘરેઘરે જઈને કહ્યું, 'લતીફને ભૂલશો નહીં'

ઇમેજ સ્રોત, Kalpit Bhachech/Getty Images
1987માં મળેલી સફળતા પછી ભાજપે આ મુદ્દાને વધુ હવા આપવાનું શરૂ કર્યું. 1990ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેનો ઉપયોગ થયો. ભાજપને 182માંથી 67 બેઠકો મળી, પણ સત્તા ન મળી.
પ્રો. ક્રિસ્ટોફ જેફરલૉ લખે છે, "આ જ મોડસ ઓપરેન્ડી 1993માં અમદાવાદની એલિસબ્રિજ બેઠકની પેટાચૂંટણીમાં અપનાવાઈ. ભાજપના ઉમેદવાર તરીકે 'રાઇઝિંગ સ્ટાર' હરેન પંડ્યા હતા અને તેમનો ચૂંટણીપ્રચાર નરેન્દ્ર મોદી સંભાળી રહ્યા હતા. એ સમયે મોદી ગુજરાત ભાજપના સંગઠન સચિવ હતા."
કૉંગ્રેસે હરેન પંડ્યાની સામે ઉદ્યોગપતિ લાલચંદ દેવચંદને મેદાનમાં ઉતાર્યા હતા.
"આ ચૂંટણીમાં ચીમનભાઈ પટેલ હરેન પંડ્યાને હરાવવા માગતા હતા. ચીમનભાઈ લતીફની નજીક હતા અને નરેન્દ્ર મોદી તેમનો આ 'વીક પૉઇન્ટ' પામી ગયા હતા."
તેઓ લખે છે, "ચૂંટણીના ડોર-ટુ-ડોર પ્રચારમાં ભાજપના કાર્યકરો ઘરે-ઘરે જઈને કહેતા હતા કે મત આપવા જાઓ ત્યારે 'લતીફને ભૂલતા નહીં.' આ રીતે તેઓ લોકોને તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ખંડણી વગેરેની યાદ અપાવતા હતા."
આ બેઠક કૉંગ્રેસ પાસે હતી. પેટાચૂંટણીમાં ચોંકાવનારું પરિણામ આવ્યું અને હરેન પંડ્યાની 48 હજાર મતથી જીત થઈ હતી.
આ જીત પછી જાણે કે ભાજપને ગુજરાતમાં જીત મેળવવા માટે નવું મૉડલ મળ્યું અને એ પછી પણ તેના પ્રયોગો શરૂ રહ્યા.
1995ની વિધાનસભા ચૂંટણીમાં મોટો પ્રયોગ

ઇમેજ સ્રોત, Getty Images
લતીફ પાકિસ્તાન ભાગી ગયો એ પછીના ગાળામાં કૉંગ્રેસના છબીલદાસ મહેતા મુખ્ય મંત્રી હતા. 1995ની વિધાનસભાની ચૂંટણી નજર સામે હતી.
પ્રશાંત દયાળ લખે છે, "કૉંગ્રેસના કેટલાક નેતાઓ લતીફ સામે આકરું વલણ અપનાવી રહ્યા હતા પણ એ બધું બંધબારણે હતું. સામાન્ય પ્રજાના મનમાં તો એ વાત ઊતરતી જતી હતી કે અમદાવાદમાં, ગુજરાતમાં કૉંગ્રેસના કારણે હિંદુઓને સહન કરવું પડ્યું હતું. મુસ્લિમોનો પણ મોટો વર્ગ કૉંગ્રેસથી દૂર જઈ રહ્યો હતો."
પ્રો. જેફરલૉ લખે છે, "એલિસબ્રિજ પેટાચૂંટણીએ 1995ની વિધાનસભા ચૂંટણી માટે જાણે કે બ્લૂપ્રિન્ટ આપી દીધી."
આ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર વખતે ભાજપે કૉંગ્રેસના નેતાઓના લતીફ સાથેના સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
તેઓ લખે છે, "જેમ કે કૉંગ્રેસના મુસ્લિમ ધારાસભ્ય મુહમ્મદ હુસેન બારેજના લતીફ સાથેના સંબંધોની ખૂબ ચર્ચા થઈ હતી. તેઓ કૉંગ્રેસના ચીમનભાઈ ધડાના મનાતા હતા."
પ્રશાંત દયાળ લખે છે, "વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં અશોક ભટ્ટ સહિતના ભાજપના નેતાઓ લતીફના સર્જન માટે કૉંગ્રેસને જવાબદાર ઠેરવી રહ્યા હતા. વાત લતીફની હતી, પણ સીધેસીધું બોલ્યા વગર જવાબદાર આખી મુસ્લિમ કોમને ઠેરવાઈ રહી હતી. હિંદુઓને લાગી રહ્યું હતું કે આખી સ્થિતિમાં તેમનો કોઈ તારણહાર હોય તો એ ભાજપ જ છે. વિધાનસભાની આ પહેલી ચૂંટણી હતી જેમાં ભાજપે પ્રજાના જનમાનસમાં જે ઉતાર્યું હતું તેનો લિટમસ ટેસ્ટ થવાનો હતો."
તેમણે લખ્યું હતું કે, "ભાજપ પાસે 1995ની ચૂંટણીમાં કોઈ વાસ્તવિક મુદ્દો નહોતો. પણ એમની પાસે લતીફ હતો. તેમણે કૉંગ્રેસને લતીફની પાર્ટી તરીકે, એટલે કે મુસ્લિમોની પાર્ટી તરીકે ચીતરી."
1995ની ચૂંટણી વખતે લતીફ ફરાર હતો અને પાકિસ્તાન ભાગી ગયો હતો.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર, ભાજપના કોઈ પણ નેતાનું ચૂંટણીનું ભાષણ એ લતીફ અને તેના દાઉદ ઇબ્રાહીમ સાથેના અને કૉંગ્રેસ સાથેના સંબંધો વગર પૂરું થતું નહોતું.
ગુજરાતના એક નિવૃત્ત ડીજીપીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, "એમ કહેવું ખોટું નથી કે અબ્દુલ લતીફે જ ગુજરાતમાં ભાજપને સત્તાની સીડી સુધી પહોંચાડવાનો પાયો નાખ્યો છે."
નિવૃત્ત આઇપીએસ આર.બી. શ્રીકુમાર તેમના પુસ્તક 'પર્દે કે પીછે ગુજરાત'માં લખે છે, "ગુજરાતની પરિસ્થિતિઓ 1984થી જ સંઘ પરિવાર માટે અનુકૂળ બનતી જતી હતી. અનામત વિરોધી આંદોલનો મુસ્લિમ વિરોધી હિંસામાં ફેરવાઈ ગયા. કૉંગ્રેસના પરંપરાગત મતદારો ધીમેધીમે ભાજપ તરફ ખસતા રહ્યા. 1995માં ભાજપને મળેલા વિજય પછી સંઘ પરિવારે તેના સાંપ્રદાયિકીકરણ અને ભગવાકરણના કાર્યક્રમોને વેગ આપ્યો. તેના ફળસ્વરૂપ પટેલો જેવા વસ્તીમાં મોટા સમુદાયો ભાજપ તરફ આવ્યા."
તેઓ લખે છે, "રામજન્મભૂમિ આંદોલન, અડવાણીની રથયાત્રા, કાશ્મીરી પંડિતોનો મુદ્દો, બાબરી મસ્જિદ ધ્વંસ અને પછી થયેલાં રમખાણો, ગુજરાતના અમદાવાદ જેવાં શહેરોમાં અબ્દુલ લતીફ જેવા મુસ્લિમ અંડરવર્લ્ડનો ઉભાર વગેરે જેવી ઘટનાઓએ પરંપરાગત ધર્મનિરપેક્ષ લોકોના મોટા હિસ્સાને હિન્દુ બહુમતવાદ તરફ ધકેલી દીધો. તેની રાજકારણ પર દુરોગામી અસરો થઈ."
1995ની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ અને 121 બેઠકો મળી અને કૉંગ્રેસ 45 બેઠકોમાં સમેટાઈ ગઈ.
પ્રશાંત દયાળ લખે છે કે, "આ જીત પછી હજુ પ્રજાનું ધ્યાન હિંદુ-મુસ્લિમોના મતોનું ધ્રુવીકરણ કરાવી શકનાર ભાજપના સાયન્ટિસ્ટ નરેન્દ્ર મોદી તરફ નહોતું ગયું. માત્ર પાંચ વર્ષના ગાળામાં નરેન્દ્ર મોદીએ રામજન્મભૂમિનો મુદ્દો ચગાવી અને લતીફવિરોધી પ્રચાર કરીને કૉંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યાં હતાં. આ તેમનો પહેલો મોટો પ્રયોગ હતો જેમાં તેમને સફળતા મળી હતી."
લતીફની ધરપકડ, મોત અને પછીનું રાજકારણ

1996માં કેશુભાઈ પટેલે જ્યારે લતીફની ધરપકડ કરી ત્યારે તેમને 'હિન્દુ હૃદય સમ્રાટ' તરીકે અનેક જિલ્લામાં ભાજપે સન્માનિત કર્યા હતા.
જોકે, લતીફના નામે મત માગીને રચાયેલી સરકાર લાંબું ટકી નહોતી અને ભાજપમાં આંતરિક બળવો થતાં શંકરસિંહ વાઘેલાએ સત્તા મેળવી.
નવેમ્બર-1997માં રાજપ-કૉંગ્રેસની યુતિ સરકારના કાર્યકાળ દરમિયાન કથિત પોલીસ ઍન્કાઉન્ટરમાં લતીફનું મૃત્યુ થયું હતું.
પ્રશાંત દયાળ લખે છે કે, "લતીફના મૃત્યુ પછી અમદાવાદમાં તોફાન થશે એવી પોલીસની ગણતરી ખોટી પડી હતી. તેની પાછળનું કારણ એ પણ હતું કે કોમના નેતા તરીકે બહાર આવેલા લતીફે છેલ્લે ઘણા મુસ્લિમો પાસેથી પણ પૈસા પડાવ્યા હતા. હિન્દુ અને મુસ્લિમ બંને વિસ્તારોમાં તેના ગયાની ટાઢક જોવા મળી હતી."
"એક લતીફને કારણે અમદાવાદના હિન્દુ-મુસ્લિમો વચ્ચે એક સદી સુધી ન પુરાય એટલું મોટું અંતર ઊભું થયું. તે અંતર વધારવામાં રાજકીય પક્ષોએ ખૂબ મોટો ભાગ ભજવ્યો."
પ્રો. જેફરલૉ લખે છે, "લતીફનું 1997માં મૃત્યુ થયું પરંતુ જ્યાં સુધી લતીફની ગૅંગ ઍક્ટિવ રહી ત્યાં સુધી ભાજપે ડરનું રાજકારણ યથાવત્ રાખી લાંબા સમય સુધી ગુજરાતના સમાજને સાંપ્રદાયિક લાઇન પર ધ્રુવીકૃત કરવાનું શરૂ રાખ્યું."
તેમનું કહેવું છે કે 1990ના દાયકામાં ભાજપે વિધાનસભાની ચૂંટણીઓમાં જીત મેળવી તેનાં અનેક કારણોમાંથી એક કારણ એ ગુજરાતનું થયેલું સાંપ્રદાયિક ધ્રુવીકરણ હતું.
શું લતીફ ન હોત તો ગુજરાતમાં ભાજપ મજબૂત ન હોત?

જેએનયુના પૂર્વ પ્રોફેસર ઘનશ્યામ શાહનું માનવું છે કે 'લતીફ ન હોત તો ભાજપ ગુજરાતમાં આટલો મજબૂત ન હોત' એવું કહેવું યોગ્ય નથી. પરંતુ લતીફે ગુજરાતના આ રાજકીય વાતાવરણમાં ઉદ્દીપક તરીકે કામ કર્યું હતું એવું કહી શકાય.
તેઓ કહે છે, "1985 પછીનાં વર્ષોમાં જે અનામત વિરોધી આંદોલનનો માહોલ હતો તેને ભાજપે કુનેહપૂર્વક પોતાની તરફ વાળ્યો. લતીફ વગેરેને આગળ કરીને ગુજરાતમાં હુલ્લડો પણ થયાં, પરંતુ તેનું નુકસાન બંને તરફ થયું હતું. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે 1969માં ભયાનક રમખાણો થયાં કે પછી 2002નાં રમખાણો થયાં, ત્યારે લતીફ નહોતો."
વરિષ્ઠ પત્રકાર ઉર્વીશ કોઠારી કહે છે કે, "લતીફની એક સમયે ઉપયોગિતા હતી, ભાજપ અને કૉંગ્રેસ બંને માટે હતી, અને બંનેએ તેનો જે-તે સમયે ઉપયોગ કર્યો."
"પરંતુ ગુજરાતમાં હિન્દુઓ બહુમતીમાં હોવા છતાં એક એવો માહોલ ઊભો કરવાનો હતો કે આ હિન્દુઓ ડરમાં, જોખમમાં જીવે છે. તેના માટે લતીફનું ખૂબ કામ હતું. લતીફ કદાચ કૉંગ્રેસને ફળ્યો હશે, પરંતુ એના કરતાં ભાજપને વધારે ફળ્યો છે."
ઉર્વીશ કોઠારી કહે છે કે, "એ વખતે ભાજપને આવા પ્રતીકોની ખૂબ જરૂર હતી જે લોકો સાથે કનેક્ટ થઈ શકે. એ વખતે અમદાવાદમાં સતત રમખાણો થતાં હતાં. આજે તમે અમદાવાદમાં આધેડવયે પહોંચેલી કોઈ પણ વ્યક્તિને મળશો તો તેમની પાસે મુસલમાનોની કથિત દૃષ્ટતાની એક સાંભળેલી કહાણી હશે. આવી હવા, આવી વાત, આવું વાતાવરણ ઊભું કરવામાં ભાજપે લતીફનો બહુ ઉપયોગ કર્યો."
"તમે વિચારી જુઓ કે 79 ટકા હિન્દુ પ્રજાના મનમાં અસલામતીનું ચિત્ર ઊભું કરવું એ કેટલી મોટી વાત છે. આવું અશક્ય કામ ભાજપે ગુજરાતમાં કરી બતાવ્યું."
જોકે, તેઓ સ્પષ્ટપણે માને છે કે લતીફના હોવા કે ન હોવાથી ભાજપને કોઈ ફેર ન પડ્યો હોત.
તેઓ કહે છે કે, "ભાજપનું રાજકારણ જોઈએ તો એ વાત આજે સમજાય છે કે લતીફ ન હોત, તો કદાચ એમણે લતીફ ઊભો કરી લીધો હોત. હકીકતમાં લતીફથી મળેલી સફળતા એ તેમના દૃષ્ટ પ્રચારતંત્રનો ભાગ હતી."
30 વર્ષ પછી પણ ભાજપ 'લતીફ'ની યાદ અપાવે છે

ઇમેજ સ્રોત, X/BhushanAshokBhatt
લતીફનું નામ હજુ પણ ગુજરાતની લગભગ તમામ ચૂંટણીમાં ગૂંજતું રહે છે. આ વર્ષે યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ફરી તેનું નામ ગૂંજ્યું હતું.
21 એપ્રિલ, 2026ના રોજ અમદાવાદના દરિયાપુરમાં યોજાયેલી એક સભામાં ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકોને લતીફની યાદ અપાવી હતી.
તેમણે કહ્યું હતું કે, "આ વિસ્તારના લોકોને તો મારે કૉંગ્રેસના દુશાસનની યાદ અપાવવી પડે તેમ નથી. યાદ છે ને? આપણી ભૂમિ પર આપણને જીવવાનું ભારે પડતું હતું. કૉંગ્રેસના શાસનમાં આપણું શહેર એ લતીફના શહેર તરીકે ઓળખાતું હતું. ભાજપના શાસનમાં લતીફ હોય કે લતીફના દાદા, સૌને ઘરભેગા કરી દીધા."
એ જ રીતે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે 15 એપ્રિલ, 2026ના રોજ ચૂંટણીપ્રચારમાં લતીફને યાદ કર્યા હતા.
તેમણે ખાડિયામાં એક સભામાં કહ્યું હતું કે, "એ જમાનામાં લોકોએ શાહપુર, જમાલપુર, ખાડિયામાંથી કેમ ચાલ્યા જવું પડ્યું? 1980-90ના દાયકામાં આખા ગુજરાતમાં ખબર હતી કે અમદાવાદમાં પોલીસ, શાસન બધું લતીફના ઇશારે ચાલતું હતું. તમને યાદ છે ને? આપણે ખાડિયાને પાકિસ્તાન નથી બનવા દેવાનું."
જોકે, ચાર દાયકાથી ભાજપનો જ્યાં કબજો હતો એ ખાડિયામાં આ વખતે ભાજપ હારી ગયો હતો.
આ પહેલાં જ્યારે 2017માં 'રઇસ' ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારે પણ એ લતીફના જીવન પર આધારિત હોવાની વાત થઈ હતી. અને 2017ની ચૂંટણીમાં પણ ચર્ચા છેડાઈ હતી.
આ સંદર્ભે અમે ગુજરાત ભાજપના મીડિયા ઇનચાર્જનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમણે આ મુદ્દે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે પક્ષ આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપવા માગતો નથી.
અમદાવાદના જમાલપુર-ખાડિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભૂષણ ભટ્ટે લતીફના દબદબાનાં વર્ષો નજીકથી જોયાં છે.
તેમનું કહેવું છે કે એ સમયમાં લતીફની પહોંચ અમદાવાદમાં એટલે સુધી હતી કે તેની કલ્પના ન થઈ શકે.
ઉદાહરણ આપતાં તેઓ કહે છે કે, "મારા પિતા ધારાસભ્ય અશોક ભટ્ટ અને પોલીસ કમિશનર વચ્ચે ફોન પર થયેલી એક કૉન્સ્ટેબલની બદલી અંગેની વાત પણ લતીફને થોડી વારમાં ખબર પડી ગઈ હતી. એ હદે તેનું સામ્રાજ્ય વ્યાપેલું હતું. હત્યાઓ, ગોળીબાર અને બીજા ધંધાઓની વાત તો અલગ."
તેઓ કહે છે કે, "લતીફને કારણે ગુજરાતનું રાજકારણ ઉત્તર-પ્રદેશ, બિહાર જેવા ઍન્કાઉન્ટર રાજ તરફ જઈ રહ્યું હતું. લતીફનો અંત થવાથી એ અટકી ગયું. સરકાર, સમાચાર, તંત્ર બધું જ મારા ઇશારે ચાલે છે એવો જે માહોલ હતો એનો અંત થયો."
જોકે, તેઓ કહે છે કે લતીફને કારણે ગુજરાતમાં ભાજપને રાજકીય ફાયદો થયો એમ કહેવું યોગ્ય નથી.
ભૂષણ ભટ્ટ કહે છે, "કેશુભાઈની સરકારે લાલ આંખ ન કરી હોત તો આજે ગુજરાત કોઈ જુદા રસ્તે હોત. ભાજપની સરકારે લીધેલા પગલાથી જ તેના કારણે જ ગુજરાતમાં શાંતિ, સલામતી છે."
પ્રો. ઘનશ્યામ શાહ કહે છે કે, "ભાજપ જરૂર પડે ત્યારે લતીફનો ઉપયોગ કરતો રહ્યો છે."
ઉર્વીશ કોઠારી કહે છે, "લતીફના મૃત્યુ પછી તેનો ફાયદો મળવાનો ઓછો થયો અને પછી નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા. તેમણે આ પ્રકારના પ્રચારમાં પછી લતીફને બાજુ પર રાખી 'મિયાં મુશર્રફ અને 'પાકિસ્તાન'નું નામ લેવાનું શરૂ કર્યું. લતીફ પછી નાનો પડવા લાગ્યો હતો. હવે તો લતીફ દૂરનો ભૂતકાળ બની ચૂક્યો છે. હવે ભાજપને એવી જરૂર પણ નથી, અને તેમની પાસે બીજું ઘણું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















