શું તમને પણ રવિવારે બૅન્ક ખુલ્લી રહેશે એવો મૅસેજ મળ્યો છે, જાણો પછી કેટલા દિવસ સુધી બૅન્ક રહેશે બંધ?

શું તમને પણ રવિવારે બૅન્ક ખુલ્લી રહેશે એવો મૅસેજ મળ્યો છે? જાણો પછી ક્યારે રહેશે બંધ યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (યુએફબીયુ)એ 28 થી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની દેશવ્યાપી બૅન્ક હડતાળની જાહેરાત કરી છે. બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (યુએફબીયુ)એ 28 થી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની દેશવ્યાપી બૅન્ક હડતાળની જાહેરાત કરી છે.
    • લેેખક, દિપક મંડલ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

ભારતમાં બૅન્કોના સૌથી મોટા સંગઠન યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (યુએફબીયુ)એ 28 થી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની દેશવ્યાપી બૅન્ક હડતાળની જાહેરાત કરી છે.

ચાર મુખ્ય માંગણીઓને લઈને બોલાવવામાં આવેલી આ હડતાળને કારણે બૅન્કિંગ સેવાઓ પર વ્યાપક અસર થવાની આશંકા છે.

જોકે, ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઈ)એ ગ્રાહકોને થનારી અસુવિધાને ધ્યાનમાં રાખીને રવિવારે બૅન્કો ખુલ્લી રાખવાના નિર્દેશ આપ્યા છે, જ્યારે ફોરમે તેને નિરાશામાં લેવાયેલું પગલું ગણાવ્યું છે.

યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સનું કહેવું છે કે તે સાત બૅન્ક યુનિયનો અને આશરે આઠ લાખ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે.

આ પહેલાં યુનિયનોએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓનો ઉકેલ નહીં આવે તો 26 ઑક્ટોબરથી અનિશ્ચિતકાલીન હડતાળ શરૂ કરવામાં આવી શકે છે.

યુનિયનોનું કહેવું છે કે તેઓ બૅન્કિંગ ક્ષેત્રના લગભગ 90 ટકા કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

ફોરમે આરબીઆઈના આદેશ અંગે જણાવ્યું છે કે રવિવારે બૅન્કો ખોલવા અંગે હજુ સ્પષ્ટતા નથી.

યુએફબીયુએ એક નિવેદનમાં જણાવ્યું હતું, "અલગ અલગ બૅન્કો અલગ પ્રકારના નિર્દેશો જાહેર કરી રહી છે. અમને ખબર છે કે અમારો સંઘર્ષ વધુ મજબૂત બની રહ્યો છે અને અમારી એકતા પણ વધતી જઈ રહી છે, કારણ કે તેમને ખબર છે કે અમારી હડતાળ સફળ રહેશે. આઈબીએ અને બૅન્ક મૅનેજમેન્ટ નિરાશામાં આવીને આવ પ્રકારનાં પગલાં લઈ રહ્યાં છે."

સૌથી મુખ્ય માગ : પાંચ દિવસીય કાર્યસપ્તાહ

શું તમને પણ રવિવારે બૅન્ક ખુલ્લી રહેશે એવો મૅસેજ મળ્યો છે? જાણો પછી ક્યારે રહેશે બંધ
ઇમેજ કૅપ્શન, બૅન્ક કર્મચારીઓ માટે પાંચ દિવસીય બૅન્કિંગ સપ્તાહ સૌથી મોટી બાકી રહેલી માંગ છે.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હાલમાં બૅન્ક શાખાઓ દર મહિને બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે, જ્યારે સામાન્ય રીતે પહેલા, ત્રીજા અને જ્યાં લાગુ પડે ત્યાં પાંચમા શનિવારે કામકાજ થાય છે.

યુનિયનો ઇચ્છે છે કે તમામ શનિવારને રજા જાહેર કરવામાં આવે.

બૅન્ક કર્મચારીઓનું કહેવું છે કે બૅન્કિંગ ક્ષેત્રમાં કામનું દબાણ હવે પહેલાં કરતાં ઘણું વધારે છે. તેથી બૅન્કોમાં પાંચ દિવસીય કાર્યસપ્તાહ અમલમાં મૂકવો જોઈએ.

યુએફબીયુની અન્ય ઘણી માંગણીઓ પણ છે, જેમાં પરફૉર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) એક મહત્ત્વનો મુદ્દો છે.

યુનિયનોએ પીએલઆઈ યોજનામાં ફેરફાર કરવાની અને તેના અંગે દ્વિપક્ષીય ચર્ચા કરવાની માંગણી કરી છે. ઉપરાંત, અન્ય બાકી પ્રશ્નોનો પણ ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

બૅન્ક યુનિયનોનું કહેવું છે કે હાલના પીએલઆઈના નિયમો યોગ્ય નથી. તે તમામ કર્મચારીઓને સમાન લાભ આપવાને બદલે અનાવશ્યક સ્પર્ધા અને તણાવ પેદા કરે છે.

આ હડતાળથી અંદાજે 2,000 કરોડ રૂપિયાના વ્યવસાય પર અસર થવાની સંભાવના છે. જોકે, આ દરમિયાન એટીએમ અને ડિજિટલ બૅન્કિંગ સેવાઓ ચાલુ રહેશે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ મુજબ, ઇન્ડિયન બૅન્ક્સ ઍસોસિએશન (આઈબીએ)એ આ માંગ સ્વીકારીને સરકારને મોકલી હતી, પરંતુ બે વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ પ્રસ્તાવ પર કોઈ નિર્ણય લેવાયો નથી.

હાલમાં બૅન્ક કર્મચારીઓને અઠવાડિયામાં છ દિવસ કામ કરવું પડે છે.

યુનિયનોનું કહેવું છે કે વેતન સમજૂતી અંગેની ચર્ચા દરમિયાન આઈબીએએ પાંચ દિવસીય કાર્યસપ્તાહ અંગે સહમતિ વ્યક્ત કરી હતી અને તેમાં શનિવારની રજા અંગેની માગનો પણ સ્વીકાર કરવાની વાત પણ હતી.

હવે ફોરમનું કહેવું છે કે આ પ્રતિબદ્ધતાનું સન્માન થવું જોઈએ અને પાંચ દિવસીય કાર્યસપ્તાહ અમલમાં મૂકવું જોઈએ.

યુનિયન નેતાઓ શું કહે છે?

બૅન્ક યુનિયનોનું કહેવું છે કે પરફૉર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના તમામ પક્ષોની સલાહ અને ચર્ચા બાદ જ અમલમાં મૂકવી જોઈએ.
ઇમેજ કૅપ્શન, કોલકાતામાં બૅન્ક કર્મચારીઓની 11 સપ્ટેમ્બરના રોજ થયેલી એક દિવસની હડતાળની તસવીર.

ઑલ ઇન્ડિયા બૅન્ક ઑફિસર્સ કન્ફેડેરેશનના સચિવ રૂપમ રાયે જણાવ્યું, "વર્ષ 2015માં મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા આપવાની યોજના મંજૂર થઈ હતી. તે સમયે કહેવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં તમામ શનિવાર રજાના રહેશે."

"વર્ષ 2020 દરમિયાન નવો કરાર થવાનો હતો, પરંતુ એવું કહીને આ યોજના મુલતવી રાખવામાં આવી હતી કે તે કોવિડનો સમય છે અને હાલમાં તેને અમલમાં મૂકવાથી ખોટો સંદેશ જશે."

તેમણે કહ્યું કે બૅન્ક મૅનેજમેન્ટે અમને જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ સરકારને મોકલી આપવામાં આવ્યો છે, પરંતુ સરકાર સતત તેને ટાળતી આવી છે.

રૂપમ રાયના જણાવ્યા અનુસાર, આ વચ્ચે જાહેર ક્ષેત્રની બૅન્કોમાં કામનું દબાણ નોંધપાત્ર રીતે વધ્યું છે.

તેમણે કહ્યું, "જાહેર ક્ષેત્રની બૅન્કનો એક કર્મચારી સરેરાશ 2,000 થી 2,200 ગ્રાહકોને સેવા આપે છે, જ્યારે ખાનગી બૅન્કોમાં એક કર્મચારી સરેરાશ 350 થી 400 ગ્રાહકોને સેવા આપે છે."

તેમણે ઉમેર્યું, "જાહેર ક્ષેત્રની બૅન્કોમાં ભરતી થતી નથી, પરંતુ કામનો બોજ સતત વધી રહ્યો છે. તેની અસર કર્મચારીઓના પારિવારિક જીવન પર પડે છે."

"મહિલાઓ પણ મોટા પ્રમાણમાં બૅન્કિંગ ક્ષેત્રમાં કામ કરે છે. ભારતીય પરિવારોમાં તેમના પર પરિવારની જવાબદારીનો ભાર રહેતો હોય છે, તેથી તેમનું દબાણ વધુ વધી જાય છે."

રૂપમ રાયે કહ્યું, "પુરુષ કર્મચારીઓ પણ દબાણ અનુભવે છે. કર્મચારીઓની બદલી દૂરના વિસ્તારોમાં કરવામાં આવે છે, જેનાથી મુશ્કેલીઓ વધે છે. જ્યારે વિશ્વના ઘણા દેશોમાં બૅન્કોમાં પાંચ દિવસીય કાર્યસપ્તાહ છે. ખુદ આરબીઆઈમાં પણ પાંચ દિવસીય કાર્યસપ્તાહ છે. એલઆઈસીમાં પણ અઠવાડિયામાં પાંચ દિવસ કામ થાય છે."

પીએલઆઈનો મુદ્દો

બૅન્ક યુનિયનોનું કહેવું છે કે પરફૉર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના તમામ પક્ષોની સલાહ અને ચર્ચા બાદ જ અમલમાં મૂકવી જોઈએ.
ઇમેજ કૅપ્શન, બૅન્ક યુનિયનોનું કહેવું છે કે પરફૉર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના તમામ પક્ષોની સલાહ અને ચર્ચા બાદ જ અમલમાં મૂકવી જોઈએ.

બૅન્ક કર્મચારીઓનું માનવું છે કે વ્યક્તિગત પ્રદર્શનના આધારે નહીં પરંતુ સમગ્ર બૅન્કના પ્રદર્શનના આધારે ઇન્સેન્ટિવ આપવું જોઈએ.

તેમના મુજબ, વ્યક્તિગત ઇન્સેન્ટિવથી અનાવશ્યક સ્પર્ધા અને કામમાં તણાવ પેદા થાય છે.

રૂપમ રાયે કહ્યું, "બૅન્ક કર્મચારીઓ બૅન્કના પ્રદર્શનના આધારે પીએલઆઈ ઇચ્છે છે, વ્યક્તિગત પ્રદર્શનના આધારે નહીં."

પીએલઆઈની વ્યવસ્થા 2020ના વેતન કરાર હેઠળ શરૂ કરવામાં આવી હતી.

પછી વરિષ્ઠ બૅન્ક અધિકારીઓ માટે સરકારની સુધારેલી પીએલઆઈ યોજના સામે બૅન્ક અધિકારીઓનાં સંગઠનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

સુધારેલી યોજનામાં ગ્રેડ-4 અને તેનાથી ઉપરના અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા હતા, જ્યારે નીચલા સ્તરના અધિકારીઓને બહાર રાખવામાં આવ્યા હતા.

આ મુદ્દે પ્રોત્સાહક રકમના વિતરણ અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

આ બૅન્ક હડતાળ શા માટે મહત્ત્વપૂર્ણ છે?

30 સપ્ટેમ્બર બૅન્કો માટે અર્ધવાર્ષિક હિસાબો બંધ કરવાની તારીખ છે, તેથી હડતાળની અસર વધુ ગંભીર બનવાની શક્યતા છે.
ઇમેજ કૅપ્શન, 30 સપ્ટેમ્બર બૅન્કો માટે અર્ધવાર્ષિક હિસાબો બંધ કરવાની તારીખ છે, તેથી હડતાળની અસર વધુ ગંભીર બનવાની શક્યતા છે.

30 સપ્ટેમ્બર બૅન્કો માટે અર્ધવાર્ષિક હિસાબો બંધ કરવાની તારીખ છે, તેથી હડતાળની અસર વધુ ગંભીર બનવાની શક્યતા છે.

આ સમયગાળા દરમિયાન ખાતાઓનું મિલાન, જોગવાઈઓ, ટ્રેઝરી અને બજાર સંબંધિત કાર્યો અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે.

સરકારે ચેતવણી આપી છે કે સપ્તાહાંત પછી આવનારી ત્રણ દિવસીય હડતાળને કારણે મોટા પાયે કામકાજ પ્રભાવિત થઈ શકે છે.

સૌથી વધુ અસર બૅન્ક શાખાઓ પર પડશે, ખાસ કરીને જાહેર ક્ષેત્રની બૅન્કોની શાખાઓ પર.

રોકડ જમા અને ઉપાડ, ચેક ક્લિયરન્સ, ખાતાં સંબંધિત કામો અને શાખા સ્તરની અન્ય સેવાઓ પર અસર થઈ શકે છે.

જોકે, તેનો અર્થ એ નથી કે બૅન્કિંગ વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ થઈ જશે.

યુપીઆઈ, ઇન્ટરનેટ બૅન્કિંગ, મોબાઇલ બૅન્કિંગ અને એટીએમ સેવાઓ ચાલુ રહેવાની અપેક્ષા છે.

ભારતીય સ્ટેટ બૅન્ક અને અન્ય જાહેર ક્ષેત્રની બૅન્કોએ ગ્રાહકોને સલાહ આપી છે કે જરૂરી કામો હડતાળ પહેલાં પૂર્ણ કરી લે અને હડતાળ દરમિયાન ડિજિટલ માધ્યમો તથા એટીએમનો ઉપયોગ કરે.

રવિવારે બૅન્કો ખુલ્લી રહેશે

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર રવિવારે બૅન્ક શાખાઓ સામાન્ય રીતે કાર્યરત્ રહેશે, જોકે, યુનિયનોનું કહેવું છે કે આ અંગે પૂરતી સ્પષ્ટતા નથી.
ઇમેજ કૅપ્શન, નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર રવિવારે બૅન્ક શાખાઓ સામાન્ય રીતે કાર્યરત્ રહેશે, જોકે, યુનિયનોનું કહેવું છે કે આ અંગે પૂરતી સ્પષ્ટતા નથી.

જાહેર ક્ષેત્રની બૅન્કો અને પ્રાદેશિક ગ્રામિણ બૅન્કો 28 થી 30 સપ્ટેમ્બરની હડતાળ પહેલાં 27 સપ્ટેમ્બરે ખુલ્લી રહેશે.

જો રવિવારે બૅન્કો બંધ હોત, તો ગ્રાહકોને સપ્તાહાંત પછી તરત જ ત્રણ દિવસીય હડતાળનો સામનો કરવો પડત.

તે સ્થિતિમાં બૅન્કિંગ સેવાઓમાં સતત પાંચ દિવસ સુધી વિક્ષેપ સર્જાઈ શક્યો હોત.

આથી નાણા મંત્રાલયે ગ્રાહકોને હડતાળ પહેલાં જરૂરી બૅન્કિંગ કામ પૂર્ણ કરવા માટે એક વધારાનો દિવસ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કર્યો છે.

ભારતીય રિઝર્વ બૅન્કે 27 સપ્ટેમ્બરે તમામ બૅન્ક શાખાઓ, કચેરીઓ, એટીએમ સંકળાયેલી શાખાઓ અને કરન્સી ચેસ્ટને સંપૂર્ણ રીતે કાર્યરત રાખવાની મંજૂરી આપી છે.

જોકે, યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સનું કહેવું છે કે 27 સપ્ટેમ્બરને નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટ હેઠળ સત્તાવાર કાર્યદિવસ જાહેર કરવામાં આવ્યો છે કે નહીં, તે બાબતે સ્પષ્ટતા નથી.

વિત્ત મંત્રાલયે જણાવ્યું છે કે પાંચ દિવસીય બૅન્કિંગ સપ્તાહનો પ્રસ્તાવ હજુ વિચારાધીન છે અને નિર્ણય લેતા પહેલાં અનેક પાસાં પર વિચાર કરવો જરૂરી છે.

આ દરમિયાન સરકારે વૈકલ્પિક વ્યવસ્થાઓની તૈયારીઓ શરૂ કરી છે. જાહેર ક્ષેત્રની બૅન્કો અને પ્રાદેશિક ગ્રામિણ બૅન્કોને એટીએમમાં પૂરતી રોકડ ઉપલબ્ધ રાખવા અને હડતાળ દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રાખવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

પાંચ દિવસીય કાર્યસપ્તાહ પાછળ યુનિયનોનો તર્ક

યુનિયનોનું કહેવું છે કે છેલ્લા છ વર્ષોમાં બૅન્કોના નફામાં નોંધપાત્ર વધારો થયો છે અને તે જ પ્રમાણમાં કર્મચારીઓ પર કામનું દબાણ પણ વધ્યું છે.
ઇમેજ કૅપ્શન, યુનિયનોનું કહેવું છે કે છેલ્લા છ વર્ષોમાં બૅન્કોના નફામાં નોંધપાત્ર વધારો થયો છે અને તે જ પ્રમાણમાં કર્મચારીઓ પર કામનું દબાણ પણ વધ્યું છે.

યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સે જાહેર ક્ષેત્રની બેંકોના વધતા નફા અને કર્મચારીઓ પર વધતા કામના ભારનો મુદ્દો ઉઠાવ્યો છે.

સંગઠને એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઓછા કર્મચારીઓ હોવા છતાં બૅન્કોનો વ્યવસાય અને નફો સતત વધી રહ્યો છે, જ્યારે બૅન્ક કર્મચારીઓ પર કામનું દબાણ વધતું જાય છે.

સંગઠનના જણાવ્યા અનુસાર, જાહેર ક્ષેત્રની બૅન્કોનો શુદ્ધ નફો વર્ષ 2020માં 26 હજાર કરોડ રૂપિયા હતો, જે 2026 સુધીમાં આશરે 7.6 ગણો વધીને 1.98 લાખ કરોડ રૂપિયા થયો છે.

પોસ્ટમાં જણાવાયું હતું કે બૅન્ક કર્મચારીઓને તેમના યોગદાન માટે સન્માન, ગૌરવ અને વધુ સારું વર્ક-લાઇફ બેલેન્સ મળવું જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન