'પ્રાણીઓ વિના અમે બધા ભૂખ્યા રહીશું અને મરી જ જઈશું', યુદ્ધ વચ્ચે જીવતા લોકોની ભયાનક કહાણી

ઇમેજ સ્રોત, Liam Weir/BBC
- લેેખક, નવાલ અલ-મગાફી
- પદ, સિનિયર ઇન્ટરનૅશલ ઇન્વેસ્ટિગેશન સંવાદદાતા, બીબીસી વર્લ્ડ, તાઇઝ, યમનથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
'આ પહેલો ડ્રોન છે' દક્ષિણ-પશ્ચિમ યમનમાં અમારી સાથે ચાલી રહેલા સૈનિકે કહ્યું. 'આ વાતચીત બાદ હુમલો થાય છે.'
અમે ઝાડીઓની નીચે છુપાઈ ગયા. ઉપર ડ્રોનનો અવાજ સતત તીવ્ર બનતો જઈ રહ્યો હતો. એ બાદ અમે ફરી એક વાર ગાડીમાં બેઠા અને ત્યાંથી નીકળી ગયા.
લગભગ દસ મિનિટ બાદ એક બાદ એક હુમલાના તીવ્ર અવાજો સંભળાવા લાગ્યા. જોકે, એ સ્પષ્ટ નથી કે આ હુમલા ક્યાં થયા હતા.
તાઇઝ શહેરના દક્ષિણ-પશ્ચિમમાં ફેલાયેલા પહાડો વચ્ચે એ સમજવું મુશ્કેલ છે કે સામસામેની લડાઈવાળો વિસ્તાર ક્યાંથી શરૂ થાય છે.
સાઉદી અરેબિયાના સમર્થનવાળી સરકારનાં સમર્થક બળો હૂતી વિદ્રોહીઓને પાછળ ધકેલવાની કોશિશ કરી રહ્યાં છે.
હૂતી વિદ્રોહી આ મહિનાની શરૂઆતમાં રાતા સમુદ્રના તટથી ઝડપથી આગળ વધ્યા છે. તેમણે સમુદ્રી જહાજોની અવરજવર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા સાંકડા રસ્તા પર નિયંત્રણ કરી લીધું અને એ સાથે જ યમનનું ગૃહયુદ્ધ વધુ તીવ્ર બન્યું.
ખાલી ઘર અને સન્નાટો

લડાઈને નિકટથી જોવા માટે અમે સરકાર સમર્થક દળો સાથે તાઇઝની સફર શરૂ કરી.
ઘણી સુરક્ષા ચોકીઓથી પસાર થઈને અમે એ સ્થળે પહોંચ્યા, જ્યાં તેનું નિયંત્રણ ખતમ થાય છે અને એવો વિસ્તાર શરૂ થાય છે, જેના પર કોઈ પણ પક્ષનું નિયંત્રણ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહાડી ઢોળાવો પર જગ્યા જગ્યા ઘર બનેલાં છે, પરંતુ લડાઈથી બચવા માટે પરિવારોના જતા રહ્યા બાદ તેમાંથી ઘણાં ઘર ખાલી પડ્યાં છે.
ત્યાં બિહામણો સન્નાટો છે. શહેરમાં સતત તીવ્ર ગતિએ દોડતી કારો અને મોટરસાઇકલોનો અવાજ અહીં નથી સંભળાતો. માત્ર બકરીઓ અને બંને તરફથી થતા ગોળીબારનો અવાજ સંભળાય છે.
લડાઈવાળા વિસ્તારોની નજીક એક કિમી દૂર પોતાના ઘરની બહાર બકરીઓ સાથે બેઠેલા અલીએ કહ્યું, "મોર્ટારના બે ગોળા અહીં મારી જમીન પર પડ્યા હતા."
તેમણે કહ્યું કે તેમણે પોતાનાં બાળકોને વિસ્થાપિત લોકોના એક શિબિરમાં મોકલી આપ્યાં છે, કારણ કે તેઓ સતત થઈ રહેલા ગોળીબારને હવે સહન નહોતાં કરી શકી રહ્યાં.
અલી પોતાનાં પત્ની અને બહેનો સાથે પ્રાણીઓની દેખરેખ માટે ત્યાં રોકાઈ ગયા.
તેમણે કહ્યું, "હું ખૂબ ગભરાયેલો છું. પરંતુ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આ પ્રાણીઓ વિના અમે બધા ભૂખ્યા રહીશું અને એમ પણ મરી જ જઈશું."
તેમણે માત્ર પોતાનું પહેલું નામ જણાવ્યું. તેમને બીક છે કે આગામી દિવસોમાં હૂતી વિદ્રોહીઓએ આ વિસ્તાર પર નિયંત્રણ કરી લીધું, તો તેમને એનાં પરિણામ ભોગવવાં પડી શકે છે.
18 સરકારી સૈનિકોના મૃતદેહો કાઢી નથી શકાયા
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હૂતી પક્ષમાં મોજૂદ સંપર્કોએ અમને જણાવ્યું કે તેઓ પોતાના સૈનિકોને એકઠા કરી રહ્યા છે અને એક મોટા હુમલાની તૈયારી કરી રહ્યા છે.
અમે જ્યારે સરકાર સમર્થક દળોને આ વિશે પૂછ્યું, તો તેમણે કહ્યું કે તેમને આની જાણકારી છે અને તેઓ પણ તૈયારી કરી રહ્યા છે.
લડાઈવાળી જગ્યાની સૌથી નજીક બનેલી તપાસ ચોકી પર અમારી મુલાકાત કેટલાક લડવૈયા સાથે થઈ.
તેઓ પહાડની ઊંચાઈ પર મોજૂદ મોરચાથી પરત ફર્યા હતા. આગળ વધી રહેલા હૂતી વિદ્રોહી તેમનાથી કેટલાક સો મીટર દૂર હતા.
તેમાંથી એક લડવૈયાએ જણાવ્યું કે 18 સરકારી સૈનિકોના મૃતદેહ એવા વિસ્તારમાં પડ્યા છે, જ્યાં સુધી તેમની ટુકડી ગોળી તો ચલાવી શકે, પરંતુ પહોંચી નથી શકતી.
તેમણે કહ્યું, "અમે તેમના મૃતદેહોની ઉપરથી ગોળીઓ ચલાવીએ છીએ, પરંતુ ત્યાંથી નીકળી નથી શકતા."
તાઇઝની આસપાસ લડાઈ 10 સપ્ટેમ્બર બાદ ફરી વાર તીવ્ર બની ગઈ.
એ દિવસે હૂતી વિદ્રોહીઓએ શહેરથી 85 કિમી પશ્ચિમમાં રાતા સમુદ્રના વ્યૂહરચનાત્મક બંદર મોખા પર કબજો કરી લીધો હતો. તેનાથી એ યુદ્ધવિરામ તૂટી ગયો, જે ચાર વર્ષથી મોટા ભાગે જળવાયેલો હતો.
હૂતી વિદ્રોહીઓએ વ્યૂહરચનાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ બાબ અલ-મંદબ સામુદ્રધુની પાસે એક મોટા વિસ્તાર પર નિયંત્રણ કરી લીધું. યુરોપ અને એશિયાને જોડતો આ સમુદ્રી રસ્તો જહાજોની અવરજવર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
આ ક્ષેત્રથી આવતા પુરવઠામાં વધુ અવરોધનો ભય વધી ગયો, જેથી ઑઇલની કિંમતો વધવામાં પણ મદદ મળી.
ભીષણ લડાઈ વચ્ચે ફસાયેલું એક શહેર
તાઇઝ યમનનું ત્રીજું સૌથી મોટું શહેર અને દેશનું સાંસ્કૃતિક પાટનગર છે. અહીં લગભગ દસ લાખ લોકો રહે છે.
આ શહેર ઉત્તર યમનમાં હૂતી લડવૈયાના નિયંત્રણવાળા વિસ્તારો અને દક્ષિણમાં સરકારના નિયંત્રણવાળા વિસ્તારોને જોડતી એક મહત્ત્વપૂર્ણ જગ્યાએ વસેલું છે. શહેર ઘણી દિશાઓથી અગ્રિમ મોરચાથી ઘેરાયેલું છે.
તાઇઝના વચ્ચેના ભાગ પર સરકારી દળોનું નિયંત્રણ છે, જ્યારે હૂતી લડવૈયાનાં ઠેકાણાં શહેરના ઉત્તર અને પૂર્વમાં સ્થિત છે.
હાલમાં સૌથી ભીષણ લડાઈ શહેરના પશ્ચિમના રસ્તા પર થઈ છે. ત્યાં બંને પક્ષો એ ઊંચા વિસ્તારો પર કબજા માટે લડી રહ્યા છે, જ્યાં શહેરથી દક્ષિણની તરફ જતો રસ્તો દેખાય છે.
જો હૂતી લડવૈયાએ આ વિસ્તાર પર નિયંત્રણ કરી લીધું, તો સરકારી બળો માટે મોખા પર ફરી વાર કબજો કરવાનું વધુ મુશ્કેલ બની શકે છે.
અમે દક્ષિણમાં આવેલા અદનથી તાઇઝ પહોંચ્યા હતા. યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત રાષ્ટ્રપતિ નેતૃત્વ પરિષદ અને સરકાર અદનમાં જ આવેલું છે.
રસ્તામાં લગભગ 30 તપાસ ચોકીઓ હતી. રસ્તાના જુદા જુદા ભાગો જુદા જુદા કમાન્ડરોના નિયંત્રણમાં હતા. તેનાથી સ્પષ્ટ દેખાય છે કે સરકારની તરફથી લડી રહેલાં બળ ઘણા ભાગમાં વિભાજિત છે.
જેમ-જેમ અમે શહેરની પાસે પહોંચ્યા, ઍમ્બુલન્સ અમારી પાસેથી પસાર થવા લાગી. અડધા કલાકમાં અમે ઓછામાં ઓછી પાંચ ઍમ્બુલન્સને તાઇઝની મુખ્ય હૉસ્પિટલ તરફ જતી જોઈ.
એ સ્પષ્ટ હતું કે અમે એક એવા શહેરમાં દાખલ થઈ રહ્યા હતા, જે ભીષણ લડાઈ વચ્ચે ફસાયેલું છે.
અમે અંધારું થયા બાદ ત્યાં પહોંચ્યા. દુકાનોમાં પ્રકાશનો ઝગમગાટ હતો, રેસ્ટોરાં પણ ભરેલી હતી અને બાળકો રસ્તા પર રમી રહ્યાં હતાં.
પરંતુ થોડી થોડી વારમાં બીજા અવાજો આ માહોલને ચીરી નાખતા. શહેરની આસપાસના પહાડોથી ગોળીબારના તીવ્ર ધડાકા અને ગોળીઓના અવાજ સંભળાતા હતા.
હૂતી વિદ્રોહીઓને ઈરાનનું સમર્થન
યમનના વિનાશકારી ગૃહયુદ્ધમાં તાઇઝ લડાઈનું મુખ્ય મેદાન રહ્યું છે.
વર્ષ 2015માં હૂતી લડવૈયાએ સનાથી સરકારને હઠાવી દીધી હતી. એ બાદ તેમણે તાઇઝ પર પણ નિયંત્રણ કરવાની કોશિશ કરી, પરંતુ સ્થાનિક લડવૈયાઓએ તેમને શહેરના મોટા ભાગના ભાગોમાંથી બહાર કરી દીધા.
પોતાના તાજા હુમલામાં હૂતી લડવૈયા બીજાં હથિયારો સાથે મોટા પાયે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે.
સાઉદી અરેબિયા, પશ્ચિમના દેશો અને સંયુક્ત રાષ્ટ્રના વિશેષજ્ઞો પ્રમાણે, હુતી વિદ્રોહીઓને બહારથી સૌથી વધુ મદદ ઈરાન કરે છે. તેમનું કહેવું છે કે ઈરાને તેમને હથિયાર, પૈસા અને સૈન્ય સલાહ આપી છે.
જોકે, ઈરાન પહેલાં હૂતી વિદ્રોહીઓને હથિયાર આપવાની વાતથી ઇનકાર કરતું રહ્યું છે. તેનું કહેવું છે કે તે તેમને માત્ર રાજકીય સમર્થન આપે છે.
ઘણાં વર્ષોથી સતત એવા સમાચાર આવી રહ્યા છે કે હૂતી વિદ્રોહી બાળકોને સૈનિકો તરીકે ભરતી કરી રહ્યા છે. સરકારના એક સૈનિકે અમને જણાવ્યું કે લડાઈવાળાં સ્થળો પર તેમનો સામનો બાળકો સામે થયો હતો.
તેમણે કહ્યું, "કોઈ યમની બાળકને જોઈને તેના પર ગોળી ચલાવવું એ મુશ્કેલ કામ હોય છે. પરંતુ જ્યારે એ જ બાળક તમારી તરફ બંદૂક તાણીને ઊભું હોય ત્યારે તમારે પોતાનું રક્ષણ કરવું પડે છે."
હૂતી લડવૈયાએ વર્ષ 2022માં સંયુક્ત રાષ્ટ્ર સાથે એક 'કાર્ય યોજના' પર સહી કરી હતી. તેમાં તેમણે બાળકોને સૈનિક બનાવવાની આ પ્રથા સમાપ્ત કરવાનો વાયદો કર્યો હતો.
યુદ્ધ વચ્ચે જનજીવન કેવું છે?

ઇમેજ સ્રોત, Liam Weir/BBC
બીબીસીએ સરકાર સમર્થક બળો સાથે કામ કરી રહેલા કિશોરો સાથે પણ વાત કરી છે.
આ વચ્ચે, સાઉદી અરેબિયાના નેતૃત્વવાળું ગઠબંધન યમન સરકારનું સમર્થન કરી રહ્યું છે અને તેને હથિયાર પૂરાં પાડી રહ્યું છે.
સાઉદી સૈન્યે રાતા સમુદ્રના કાંઠા પર હૂતી વિદ્રોહીઓનાં ઠેકાણાં પર સેંકડો હવાઈ હુમલા કર્યા છે.
તેમજ હૂતી વિદ્રોહીઓએ દક્ષિણ-પશ્ચિ સાઉદી અરેબિયન શહેરો અને માળખાકીય સુવિધાઓને ડ્રોન અને મિસાઇલોથી નિશાન બનાવ્યાં છે.
સાંજના સમયે તાઇઝની અલ-થૌરા હૉસ્પિટલમાં અગ્રિમ મોરચાના ઘાયલોને લવાઈ રહ્યા છે. તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવી રહ્યા હતા, જ્યાં અમને દેખાતું દરેક બેડ ભરાયેલો હતો.
કેટલાક દર્દી વિદ્રોહી હતા અને કેટલાક સામાન્ય લોકો.

ઇમેજ સ્રોત, Liam Weir/BBC News
12 વર્ષીય ઘના નબીલ બકરીઓ ચરાવી રહી હતી, ત્યારે મોર્ટારના એક ગોળાના ટુકડો તેમના માથે વાગ્યો. તેમના પરિવારે જણાવ્યું કે હુતી લડવૈયા તરફથી ફાયર કરાયેલ મોર્ટારનો ગોળો પાસે આવીને પડ્યો હતો.
તે બેભાન હતી. તેના માથે પાટો બંધાયેલો હતો અને ચહેરો સોજાયેલો હતો. ચહેરા પર ઈજાનાં નિશાન પણ હતાં.
તેમનો પરિવાર બેડની પાસે બેસીને એ જાણવાની રાહ જોઈ રહ્યો હતો કે જો તે ભાનમાં આવે તો આગળનું જીવન કેવું હશે.
એક ડૉક્ટરે મને જણાવ્યું કે ઈજાને કારણે તેમના મગજને નુકસાન થયું છે.
તેમણે કહ્યું, "હવે એ ક્યારેય પહેલાં જેવી નહીં થઈ શકે."

ઇમેજ સ્રોત, Liam Weir/BBC
તાઇઝથી લગભગ 20 કિમી દક્ષિણમાં અલ-મોનિંગ વિસ્થાપન શિબિર છે.
ત્યાં સેંકડો તંબુઓ વચ્ચે મોખા અને લડાઈની ઝપટે ચડેલાં ગામોથી ભાગીને આવેલા પરિવાર પહોંચી રહ્યા હતા.
અમને જણાવાયું કે પાછલા દસ દિવસમાં 200 પરિવાર ત્યાં પહોંચ્યા હતા.
મરિયમ સાલેહ એક અઠવાડિયા પહેલાં પોતાનાં પતિ અને બાળકો સાથે મોખા આવ્યાં હતાં. મરિયમ સાલેહ તેમનું અસલ નામ નથી. તેમના સૌથી નાના બાળકની ઉંમર સાત વર્ષની છે.
તેઓ ત્યાં બેસીને ટોપી વણી રહ્યાં હતાં. તેઓ તેને વેચીને એ દિવસ માટે ભોજનના પૈસા ભેગા કરવા માગતાં હતાં.
તેમણે મને કહ્યું, "અમે ઉઘાડા પગે ચાલીને આવ્યાં. અમે અમારી સાથે કંઈ નહોતા લાવ્યા, માત્ર પોતાનાં બાળકોને લઈ આવ્યાં."
તેમણે જણાવ્યું કે ત્યાંથી ભાગતી વખતે મોર્ટારના ગોળાના ટુકડા લાગવાના કારણે તેમના ભત્રીજાનું મૃત્યુ થઈ ગયું હતું. એ તેમની પાછળ ચાલી રહ્યો હતો.
તેમણે જણાવ્યું કે પરિવારની આગળ અને પાછળ બંને તરફ લડાઈ ચાલી રહી હતી અને નિશાન તાકીને ગોળીઓ ચલાવાઈ રહી હતી. એ બાદ તેમણે પહાડ પર હથિયારબંધ લોકોને જોયા.
તેમણે કહ્યું, "અમને લાગ્યું કે હવે અમે નહીં બચીએ."
તેમણે જણાવ્યું કે બાળકો બૂમો પાડી રહ્યાં હતાં, પરંતુ પરિવાર સતત ચાલતો રહ્યો.
તેમના પ્રમાણે, હૂતી લડવૈયા શહેરમાં પ્રવેશ્યા બાદ મોખા લોકોએ તેમની સાથે વાત કરવાની અને તેમને સમજાવાની કોશિશ કરી તો તેમને ધમકીઓ અપાઈ.
તેમણે કહ્યું, "જ્યારે અમે ત્યાંથી નીકળ્યા, તો તેમણે લૅન્ડ માઇન્સ પાથરી દીધી, જેથી અમે પાછા ન ફરી શકીએ."

ઇમેજ સ્રોત, Liam Weir/BBC
ફાતિમા મોહમ્મદ સાલેહ બીજા પરિવારના તંબુની બહાર ચોખાની એક બોરી પર આડાં પડ્યાં છે.
તેઓ વિકલાંગ છે અને ચાલી નથી શકતાં. તેમણે મને કહ્યું કે તેમની પાસે સૂવા માટે પોતાની કોઈ જગ્યા પણ નથી.
તેમણે કહ્યું, "મારી પાસે કંઈ પણ નથી... ન કોઈ ઠેકાણું, ન કોઈ પથારી, ન પરિવાર. કંઈ નહીં."
તેમણે કહ્યું કે તેમના કારણે પરિવારની ઝડપ ધીમી થઈ રહી હતી. તેથી તેમણે તેમના પુત્રોને બાળકોને લઈને ભાગી જવા કહ્યું.
એ બાદ તેમણે પછીના બે દિવસ પોતાના હાથ અને ઘૂંટણના સહારે ઢસડાઈને પસાર કર્યા.
તેમણે કહ્યું, "હું ઢસડાઈ રહી હતી, એક તરફથી ગોળીઓ ચાલી રહી હતી તો બીજી તરફથી ગોળા પડી રહ્યા હતા. મારા ઉપરથી વાદળની ગર્જના જેવા અવાજો આવી રહ્યા હતા. હું ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી."
તેમણે કહ્યું કે એ બાદ મોટરસાઇકલ પર જઈ રહેલી એક વ્યક્તિએ તેમને જોયાં અને શિબિર સુધી પહોંચાડી દીધાં.
એ બાદથી તેમણે પોતાના પરિવારને નથી જોયો.

ઇમેજ સ્રોત, Liam Weir/BBC
22 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સીએ કહ્યું કે આ મહિને અત્યાર સુધી આખા યમનમાં 1 લાખ 30 હજારથી વધુ લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. ગૃહયુદ્ધના કારણે પહેલાંથી જ વિસ્થાપિત થઈ ચૂકેલા 52 લાખ લોકો સિવાય આ લોકો બેઘર થયા છે.
એજન્સીએ ચેતવણી આપી છે કે આગામી ત્રણ મહિનામાં ફાતિમાની માફક વધુ એક લાખ લોકોએ પોતાનાં ઘર છોડવા માટે મજબૂર થવું પડી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























