ભારતીય મૂળનાં નવનેથમ 'નાવી' પિલ્લઈને 2026નો નોબલ શાંતિ પુરસ્કાર– ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, X/@NobelPrize
નોબલ સમિતિએ 2026ના નોબલ શાંતિ પુરસ્કાર માટે નવનેથમ 'નાવી' પિલ્લઈના નામની જાહેરાત કરી છે.
નોબલ પુરસ્કારના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ અનુસાર, પિલ્લઈને શાંતિ અને આંતરરાષ્ટ્રીય કાનૂનની પ્રગતિ માટે તેમના પ્રયાસોને માન્યતા આપતા આ પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવશે.
દક્ષિણ આફ્રિકાના ડરબનમાં ભારતીય તમિલ મૂળના પરિવારમાં જન્મેલાં નવનેથમ નાવી પિલ્લઈએ રંગભેદના સમયમાં ભેદભાવ અને સામાજિક અસમાનતાનો સામનો કર્યો હતો.
તેમણે વકીલાતના વ્યવસાયમાં પ્રવેશ કર્યો અને કાનૂની ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી હતી.
પિલ્લઈએ સંસ્થાકીય ભેદભાવ, જાતીય અલગાવ અને સમાજમાંથી વંચિત રાખવાની જેવી વ્યવસ્થાગત પડકારો સામે અવાજ ઉઠાવ્યો હતો.
ધનરાજ પરિમલ નથવાણી સમાજવાદી પાર્ટી તરફથી યુપીમાં રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા

ઇમેજ સ્રોત, @DhanrajNathwani
ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની તમામ 10 બેઠકોના ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના આઠ અને સમાજવાદી પાર્ટી (સપા)ના બે ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.
અન્ય કોઈ ઉમેદવાર મેદાનમાં ન હોવાને કારણે મતદાનની જરૂર પડી નહોતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપ તરફથી વિદ્યાસાગર સોનકર, પ્રિયંકા સિંહ રાવત, ગોપી કૃષ્ણ પાંડે, ધર્મપાલ સિંહ, રાધાકાંત ઓઝા, પ્રકાશ પાલ, રામપ્રતાપ સિંહ ચૌહાણ અને શ્રુતિ ગંગવાર બિનહરીફ ચૂંટાયાં છે.
જ્યારે સમાજવાદી પાર્ટી તરફથી પ્રોફેસર રામગોપાલ યાદવ અને ધનરાજ પરિમલ નથવાણી બિનહરીફ ચૂંટાયા છે.
ગુજરાત હાઇકોર્ટ બાર ઍસોસિયેશને વકીલને 'ગેરકાયદે નજરકેદ'માં રાખવાની નિંદા કરી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લાઇવ લૉ અનુસાર, ગુજરાત હાઇકોર્ટ ઍડવોકેટ્સ ઍસોસિયેશને શુક્રવારે (9 ઑક્ટોબરે) સાબરકાંઠાનાં એક પ્રેક્ટિસ કરતાં વકીલને કથિત રીતે ગૃહમાં નજરકેદ કરવામાં આવ્યાં હોવાની ઘટનાની કડક નિંદા કરી હતી. ઍસોસિયેશને આ કાર્યવાહીને "મનસ્વી" અને "સત્તાનો અતિરેક" ગણાવી હતી.
આજે પસાર કરાયેલા ઠરાવમાં ઍસોસિયેશને જણાવ્યું હતું કે આ કાર્યવાહી કોઈ કાનૂની મંજૂરી, પૂર્વ સૂચના અથવા લેખિત આદેશ વિના કરવામાં આવી હતી.
ઍસોસિયેશને પોલીસ મહાનિદેશક અને સાબરકાંઠાના પોલીસ અધીક્ષકને આ મામલે તાત્કાલિક સંપૂર્ણ સ્પષ્ટતા આપવા, તેમજ કયા કાનૂની અધિકાર હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી તેની માહિતી જાહેર કરવાની માગ કરી છે.
સાથે જ, યોગ્ય પ્રક્રિયાની અવગણના કરનાર જવાબદાર અધિકારીઓ સામે કડક શિસ્તભંગની કાર્યવાહી કરવાની પણ માગ કરાઈ છે.
ઍસોસિયેશને રાજ્ય સરકારને પણ તાત્કાલિક રાજ્યમાં એક વ્યાપક ઍડવોકેટ્સ પ્રોટેક્શન ઍક્ટ રજૂ કરીને અમલમાં મૂકવાની અપીલ કરી છે, જેથી વકીલોને તેમની વ્યાવસાયિક ફરજો બજાવતી વખતે ગેરકાયદે દખલગીરી, ધાકધમકી, હેરાનગતિ અને મનસ્વી કાર્યવાહી સામે સંસ્થાકીય સુરક્ષા, કાનૂની રક્ષણ અને અસરકારક ઉપાય મળી શકે.
શું છે આખો મામલો?
ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા પોલીસની એક ટીમ ગુરુવારે રાત્રે આશરે 11 વાગ્યે રાજ્ય એસએફઆઈ નેતા સત્યેશા લેઉવાના નિવાસસ્થાને પહોંચી હતી. સત્યેશા સાબરકાંઠા જિલ્લાના વડવાસા ગામનાં સરપંચ પણ છે.
બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે પોલીસ તેમની પાસે પહોંચી હતી ત્યારે ટીમમાં કોઈ મહિલા પોલીસકર્મી હાજર નહોતી.
તેમણે કહ્યું, "તેમણે મને પૂછ્યું કે હું શનિવારે દિલ્હી જવાની છું કે નહીં. મેં ના પાડી હતી, છતાં તેઓ મારા ઘરની બહારથી ગયા નહીં અને મારા ઘરની આસપાસ પોલીસકર્મીઓની ટીમ તહેનાત કરી દેવામાં આવી."
"હું જ્યાં જતી હતી ત્યાં પોલીસ મારી પાછળ આવતી હતી અને અંતે પોલીસે મારા વિશે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ્સ ડિલીટ કરવા માટે પણ દબાણ કર્યું."
સત્યેશા લેઉવાએ જણાવ્યું કે શુક્રવારે બપોર સુધી પોલીસ તેમનો પીછો કરતી રહી હતી. જોકે, તેમના વકીલ નીતીશના હસ્તક્ષેપ બાદ તેમને મુક્તપણે જવાની મંજૂરી આપવામાં આવી હતી.
એસએફઆઈના અન્ય એક નેતા અને વકીલ નીતીશે બીબીસીને જણાવ્યું હતું કે કેટલાક સાદા વેશમાં રહેલા લોકો તેમનો પણ પીછો કરી રહ્યા હતા.
જોકે, જ્યારે તેમણે તેમને રોકીને સીધો સવાલ કર્યો, ત્યારે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.
બીજી તરફ, પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરિયાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પોલીસે ક્યારેય સત્યેશા લેઉવાને અટકાયતમાં લીધાં નહોતાં કે તેમનો પીછો પણ કર્યો નહોતો.
તેમણે કહ્યું, "અમે માત્ર તેમના ઘરે ગયા હતા અને પૂછ્યું હતું કે તેઓ દિલ્હી જવાના છે કે નહીં. ત્યાર બાદ પોલીસ ટીમ ત્યાંથી પરત ફરી ગઈ હતી. બાકીના તમામ આરોપો પોલીસ વિરુદ્ધના નિરાધાર આરોપો છે."
CJPના વિરોધપ્રદર્શન પહેલાં આજ રાત્રે 9 વાગ્યાથી દિલ્હીના આ 57 મેટ્રો સ્ટેશનો બંધ રહેશે

ઇમેજ સ્રોત, Getty Images
10 ઑક્ટોબરના પ્રસ્તાવિત કૉક્રોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શન પહેલાં દિલ્હીમાં 57 મેટ્રો સ્ટેશનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન (DMRC)એ શુક્રવારે આ અંગે માહિતી આપી હતી. DMRCના જણાવ્યા અનુસાર, 9 ઑક્ટોબર, 2026ના રોજ રાત્રે 9 વાગ્યાથી આ સ્ટેશનો બંધ કરી દેવામાં આવશે. આ સ્ટેશનો આગામી આદેશ સુધી બંધ રહેશે.
DMRCએ એક્સ પર લખ્યું હતું: "સુરક્ષા કારણોસર, આ મેટ્રો સ્ટેશનો પર 9 ઑક્ટોબર, 2026ના રોજ રાત્રે 09:00 વાગ્યાથી પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો બંધ રહેશે. આ પ્રતિબંધ 10 ઑક્ટોબર, 2026ના રોજ પણ આગામી આદેશ સુધી ચાલુ રહેશે. જોકે, નવી દિલ્હી મેટ્રો સ્ટેશનને છોડીને, સંબંધિત તમામ મેટ્રો સ્ટેશનો પર મેટ્રો બદલવાની સુવિધા ઉપલબ્ધ રહેશે."
આ 57 મેટ્રો સ્ટેશનો બંધ રહેશે.

ઇમેજ સ્રોત, Delhi Metro
ટૅક્નૉલૉજી કંપનીઓ સામેની કાર્યવાહીના સમર્થનમાં જેડી વેન્સના નિવેદન પર ભારતે આપ્યો આ જવાબ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે તેમના દેશ દ્વારા આઠ ટૅક્નૉલૉજી કંપનીઓને પરમાનેન્ટ લેબર સર્ટિફિકેશન કાર્યક્રમ (પીઈઆરએમ)માંથી બહાર કરવાના નિર્ણયનું સમર્થન કર્યું છે.
હવે આ મામલે વેન્સના નિવેદનનો ભારતે જવાબ આપ્યો છે.
જેઓ કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં માઇક્રોસોફ્ટ, એડોબી, કૉગ્નિઝન્ટ, ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ), વિપ્રો, એચસીએલ અને કૅપજેમિનીનો સમાવેશ થાય છે. આ કંપનીઓમાં એચ-1બી વિઝા દ્વારા મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે.
ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "અમને કેટલીક કંપનીઓ માટે પરમાનેન્ટ લેબર સર્ટિફિકેશન (પીઈઆરએમ) કાર્યક્રમ સંબંધિત અમેરિકાના શ્રમ વિભાગના નિર્ણયની જાણ છે."
"આ બાબત નોંધવી જોઈએ કે પીઈઆરએમ કાર્યક્રમ એચ-1બી વિઝા કાર્યક્રમથી અલગ છે. પીઈઆરએમ અરજીઓ પર રોક લગાવવાથી હાલના એચ-1બી વિઝાની માન્યતા અથવા એચ-1બી વિઝાધારકો અને તેમના આશ્રિતોની સ્થિતિ પર આપમેળે કોઈ અસર થતી નથી. જોકે, તેનાથી અસરગ્રસ્ત કંપનીઓના પાત્ર કર્મચારીઓના કાયમી નિવાસ અથવા ગ્રીન કાર્ડની પ્રક્રિયા પર કેટલીક અસર પડી શકે છે."
વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "અમારું માનવું છે કે આવી ટિપ્પણીઓ અનુચિત છે અને અમેરિકામાં ભારતીય વ્યાવસાયિકોના યોગદાનને અવગણે છે. ભારતીય વ્યાવસાયિકો ખૂબ જ શિક્ષિત અને કુશળ છે અને અમેરિકાની અર્થવ્યવસ્થા તેમજ નવીનતા આધારિત વ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે."
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે, "વાસ્તવમાં, અમેરિકાનો ઇતિહાસ પોતે જ પ્રવાસીઓની અનેક પેઢીઓએ ઘડ્યો છે, જેમના શ્રમ, ઉદ્યોગસાહસિકતા અને નવીનતાએ દેશની પ્રગતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપ્યું છે. એવા શબ્દોનો ઉપયોગ કરવો, જેમાં ઇતિહાસના પીડાદાયક પાસાઓ અને ઔપનિવેશિક વારસાની ઝાંખી જોવા મળે, તે અત્યંત આપત્તિજનક છે."
'આ દેશનો યુવાન તમારાથી ડરતો નથી', અભિજિત દીપકેએ મોદી સરકાર પર કયો આરોપ મૂક્યો?

ઇમેજ સ્રોત, ANI
કૉક્રોચ જનતા પાર્ટીના કન્વીનર અભિજિત દીપકેએ કેન્દ્રની મોદી સરકાર પર આરોપ મૂક્યો હતો કે, દેશભરમાં હજારો યુવાનોની અટકાયત કરવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ મૂકીને કહ્યું, "આ ધમકીઓ કામ નહીં કરે, મોદી. આ દેશનો યુવાન તમારાથી ડરતો નથી."
"હું આવતીકાલે દિલ્હી પહોંચીશ અને ગમે તે થાય, જંતર-મંતર તરફ કૂચ કરીશ."
કૉક્રોચ જનતા પાર્ટીના સહ-સંયોજક આશુતોષ રાંકાએ પ્રદર્શન દરમિયાન પોલીસની કાર્યવાહી પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
તેમણે આ અંગે પોલીસકર્મીઓને અપીલ કરતાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "અમને ખબર છે કે આ સમયે તમારી પાસે જે કંઈ કરાવવામાં આવી રહ્યું છે, તે ઉપરથી મળેલા નિર્દેશોના કારણે થઈ રહ્યું છે. પરંતુ તમે તમારાં જ બાળકો પર આ રીતે હાથ કેવી રીતે ઉઠાવી રહ્યા છો? તમે તેમને રાતના અંધકારમાં ગુંડાઓની જેમ કેવી રીતે લઈ જઈ રહ્યા છો?"
તેમણે કહ્યું, "શું તમારું મન આ વાતની સાક્ષી આપે છે? શું આ બધું કરતાં તમારા અંતરાત્માને ઠેસ નથી પહોંચતી? જો તમારાં પોતાનાં બાળકો હોત, તો શું તમે તેમની સાથે પણ આવો જ વ્યવહાર કર્યો હોત?"
તેમણે લખ્યું, "બ્રિટિશ શાસન દરમિયાન પણ કેટલાક પોલીસકર્મીઓ એવા હતા જેમણે પોતાના જ દેશવાસીઓ વિરુદ્ધ ગોળીબાર કર્યો હતો, એ કહીને કે તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે. પરંતુ યાદ રાખો, આજે દેશ એવા પોલીસકર્મીઓને ગદ્દાર તરીકે જ જુએ છે."
"દિલ્હી પોલીસના હાથ પર તો 20 જુલાઈનું લોહી છે. શું તમે પણ એ જ ઇચ્છો છો? તમને ખબર છે કે અમે બધા ભણતા-લખતા યુવાનો છીએ. અમે અમારા અધિકાર માટેની લડાઈ લડી રહ્યા છીએ. તમને એ પણ ખબર છે કે અમે ગાંધી અને આંબેડકરના વિચારને માનનારા લોકો છીએ. અમે અહિંસા અને બંધારણના માર્ગ પર ચાલનારા લોકો છીએ. અમે ન તો હાથ ઉઠાવીશું અને ન તો મારામારી કરીશું."
આશુતોષ રાંકાએ લખ્યું, "તમને એ પણ ખબર હોવી જોઈએ કે તમે કંઈ પણ કરી લો, અમે દરેક સ્થિતિમાં કાલે જંતર-મંતર પહોંચીશું. અને દેશને બચાવવાની ઐતિહાસિક લડાઈ લડીશું."
"નિર્ણય તમારે કરવો છે કે ઇતિહાસમાં તમને કેવી રીતે યાદ રાખવામાં આવવું ગમશે. જનરલ ડાયરની જેમ કે શહીદ મંગલ પાંડેની જેમ?"
કૉક્રોચ જનતા પાર્ટીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગને લઈને દિલ્હીના જંતર-મંતર ખાતે 10 ઑક્ટોબરથી પ્રદર્શન કરવાની યોજના બનાવી છે.
ઇન્ફોસિસ સહિત ભારતીય આઈટી કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી; અમેરિકી મંત્રીએ કહ્યું, 'અમે સાપનું માથું કાપી રહ્યા છીએ'

અમેરિકી સરકારે કુશળ વિદેશી કર્મચારીઓને કાયમી નિવાસ મેળવવાની મંજૂરી આપતા એક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાંથી ઘણી મોટી ભારતીય આઈટી કંપનીઓને સસ્પેન્ડ કરી છે.
ટ્રમ્પ પ્રશાસને કથિત છેતરપિંડીનો હવાલો આપતા આરોપ લગાવ્યો છે કે, વિદેશી કર્મચારીઓને અમેરિકન કર્મચારીઓની કિંમત પર નોકરીઓ આપવામાં આવી હતી.
અમેરિકાના શ્રમ મંત્રી કીથ સૉન્ડરલિંગે કહ્યું, "હું વિશ્વની કેટલીક સૌથી મોટી આઈટી આઉટસોર્સિંગ કંપનીઓ - કૉગ્નિઝન્ટ, ઇન્ફોસિસ, ટાટા, વિપ્રો, એચસીએલ અને કેપજેમિનીને પર્મેનેન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી રહ્યો છું."
કીથે કહ્યું, "આ એવી કંપનીઓ છે, જેમણે દાયકાઓથી આ દુરુપયોગ કર્યો છે. હું વિશ્વની કેટલીક સૌથી મોટી આઈટી આઉટસોર્સિંગ કંપનીઓ - કૉગ્નિઝન્ટ, ઇન્ફોસિસ, ટાટા, વિપ્રો, એચસીએલ અને કેપજેમિનીને પર્મેનેન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી રહ્યો છું. ઉપરાંત, અનેક સક્રિય ફેડરલ તપાસોના કારણે શ્રમ મંત્રાલય માઇક્રોસૉફ્ટ અને એડોબીને પણ આ કાર્યક્રમમાંથી સસ્પેન્ડ કરી રહ્યા છે."
કીથે આ જાહેરાત દરમિયાન કહ્યું, "ટ્રમ્પ પ્રશાસન જાણે છે કે અમેરિકન કર્મચારીઓ વિશ્વમાં સૌથી વધુ લાયક અને પ્રતિભાશાળી છે. તેમની પાસેથી છીનવાઈ ગયેલી આ નોકરીઓ સૌપ્રથમ અમેરિકનોને મળવી જોઈએ હતી અને હવે પણ સૌથી પહેલાં અમેરિકનોને જ મળશે, વિદેશીઓને નહીં અને ખાસ કરીને એવા વિદેશીઓને નહીં, જે છેતરપિંડી કરે છે. આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ અને ટાસ્ક ફોર્સના કારણે અમે સાપનું માથું કાપી રહ્યા છીએ."
સ્મિત મચ્છરને મળશે ઇઝરાયલનો સર્વોચ્ચ પુરસ્કાર, ઇઝરાયલી રાષ્ટ્રપતિએ પ્રશંસામાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
ફ્લાયદુબઈના વિમાનના કૉકપિટમાં કો-પાઇલટના હુમલા છતાં પોતાની બહાદુરીથી 174 મુસાફરો અને ક્રૂ સભ્યોના જીવ બચાવનારા ભારતીય પાઇલટ સ્મિત મચ્છરને ઇઝરાયલનો સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવશે.
ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇઝાક હર્ઝોગે કહ્યું કે, ભારતીય પાઇલટને સ્વસ્થ થયા બાદ ઇઝરાયલનો સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવશે.
તેમણે કહ્યું, "આજે અમે જેમ ઇઝરાયલી નાયકોને સન્માનિત કરી રહ્યા છીએ, તેમની સાથે સાથે અમે ભારતના કૅપ્ટન સ્મિત મચ્છરના સંપૂર્ણ અને ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. કૅપ્ટન મચ્છરની અદભુત બહાદુરી અને ઉત્તમ વ્યાવસાયિક કુશળતાએ એક મોટી દુર્ઘટના ટાળવામાં મદદ કરી હતી. જ્યારે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે, ત્યારે ઇઝરાયલના લોકો તરફથી તેમને 'પ્રેસિડેન્શિયલ ઍવૉર્ડ ફૉર સિવિલિયન હીરોઇઝમ'થી સન્માનિત કરવું મારા માટે ગૌરવની વાત હશે."
ભારતીય કૅપ્ટન સ્મિત મચ્છર પર ઓમાની કો-પાઇલટે ક્રૅશ-ઍક્સ વડે હુમલો કર્યો હતો, જેનો તેમણે દૃઢતાપૂર્વક સામનો કર્યો હતો અને 174 મુસાફરો તથા ક્રૂ સભ્યોના જીવ બચાવ્યા હતા.
મૅક્સિકોની જેલમાં હિંસા, દસ લોકોનાં મોત અને 16 ઘાયલ

ઇમેજ સ્રોત, Getty Images
મૅક્સિકોના સિનાલોઆ રાજ્યની એક જેલમાં ગુરુવારે થયેલા રમખાણમાં દસ લોકોનાં મોત થયાં છે અને અન્ય 16 લોકો ઘાયલ થયા છે.
સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, મૃત્યુ પામનારાઓમાં એક વ્યક્તિ જેલમાં મુલાકાત માટે આવી હતી, જ્યારે બાકીના નવ કેદીઓ હતા.
હિંસાને કાબૂમાં લેવા માટે નૅશનલ ગાર્ડ્સને તહેનાત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
હાલમાં એ સ્પષ્ટ નથી કે હિંસા કયા કારણે થઈ.
સિનાલોઆને મૅક્સિકોનાં સૌથી ખતરનાક રાજ્યોમાં એક ગણવામાં આવે છે. તે કુખ્યાત સિનાલોઆ ડ્રગ કાર્ટેલનો ગઢ પણ છે.
ટ્રમ્પે કહ્યું, 'ઈરાન સાથેની વાતચીત સકારાત્મક દિશામાં છે, 3 નવેમ્બર પહેલાં હુમલો નહીં કરીએ'

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેમનો દેશ ઈરાન સાથે સકારાત્મક દિશામાં વાતચીત આગળ વધારી રહ્યો છે. જોકે, ઈરાન પર 3 નવેમ્બરે યોજાનારી મધ્યવર્તી ચૂંટણી પહેલાં કોઈ હુમલો કરવામાં આવશે નહીં.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન સાથે અમારી વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. હું દરેકને આ સ્પષ્ટ કરી દેવા માગું છું કે, ઈરાન આર્થિક અને સૈન્ય, બંને મોરચે અત્યંત ખરાબ સ્થિતિમાં છે. તેમ છતાં નાકાબંધી સંપૂર્ણપણે અમલમાં રહેશે. હોર્મુઝ જળમાર્ગમાંથી રેકૉર્ડ માત્રામાં ઑઇલ પસાર થઈ રહ્યું છે. માત્ર ગઈ રાત્રે જ ત્યાંથી 2.2 કરોડ બેરલ ઑઇલ પસાર થયું અને તેમાં એક પણ બેરલ ન તો ઈરાનમાંથી આવ્યું અને ન તો ઈરાન ગયું!"
તેમણે કહ્યું, "અમે અમેરિકામાં 3 નવેમ્બરે યોજાનારી મધ્યવર્તી ચૂંટણીઓ પહેલાં કોઈ પણ સમયે ઈરાન પર હુમલો નહીં કરીએ. ઈરાન પાસે પરમાણુ હથિયાર નહીં હોય!"
અમેરિકાએ ઇઝરાઇલ સાથે મળીને આ વર્ષે 28 ફેબ્રુઆરીએ 'ઑપરેશન ફ્યુરી' હેઠળ ઈરાન પર હુમલો કર્યો હતો.
સાઉદી અરેબિયાનાં હવાઈ મથકો પર હૂતી વિદ્રોહીઓના હુમલા, ભારતીય દૂતાવાસે જાહેર કરી આ ઍડ્વાઇઝરી

ઇમેજ સ્રોત, Shutterstock
હૂતી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરેબિયાનાં હવાઈ મથકો પર કરવામાં આવેલા હુમલાઓ વચ્ચે ભારતે એક ઍડ્વાઇઝરી જાહેર કરીને પોતાના નાગરિકોને સતર્ક રહેવા અને જરૂર મુજબ ઘરોની અંદર રહેવા જણાવ્યું છે.
રિયાધસ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલી ઍડ્વાઇઝરીમાં કહેવામાં આવ્યું છે, "હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સાઉદી અરેબિયામાં રહેતા તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવાની, જરૂર પડ્યે ઘરોની અંદર રહેવાની અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે."
ઍડ્વાઇઝરીમાં ભારતીય નાગરિકોને હાલના ઘટનાક્રમ સાથે જોડાયેલા કોઈપણ વીડિયો અથવા સમાચારનું પ્રસારણ કરવા અથવા તેને ફરીથી પોસ્ટ કરવાના મામલે બચવાની સલાહ આપવામાં આવી છે.
દૂતાવાસે જણાવ્યું કે, રિયાધસ્થિત ભારતીય દૂતાવાસ અને જેદ્દાહસ્થિત વાણિજ્ય દૂતાવાસ તેમજ વીએફએસ કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ પણ સામાન્ય રીતે ચાલુ છે. જરૂર પડ્યે આગળ વધુ માહિતી અને ઍડ્વાઇઝરી જાહેર કરવામાં આવશે.
દૂતાવાસે એ પણ જણાવ્યું કે, પ્રવાસી ભારતીય સહાયતા કેન્દ્ર (પીબીએસકે)ની 24 કલાક ઉપલબ્ધ હેલ્પલાઇન કાર્યરત છે. તેનો સ્થાનિક ટોલ-ફ્રી નંબર 8002471234 છે.
આ પહેલાં ઍર ઇન્ડિયાએ સાઉદી અરેબિયાના રિયાધ માટેની પોતાની તમામ ફ્લાઇટ્સ 10 ઑક્ટોબર સુધી રદ કરી દીધી છે. રિયાધમાં ભારતીય દૂતાવાસે ઍક્સ પર એક પોસ્ટ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























