જંતર-મંતર હવે વિરોધપ્રદર્શન નહીં થઈ શકે, સીજેપીએ કહ્યું- 'આખો દેશ જંતર-મંતર બની રહ્યો છે'

ઇમેજ સ્રોત, ANI
દેશભરનાં વિવિધ આંદોલનો માટે લગભગ સાડા ત્રણ દાયકાથી કેન્દ્રસ્થાન રહેલા દિલ્હીના જંતર-મંતર હવે વિરોધપ્રદર્શન નહીં કરી શકાય.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ તાજેતરના નિર્ણયને લઈને કૉક્રોચ જનતા પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી છે.
સીજેપીના સ્થાપક અભિજિત દીપકેએ આ નિર્ણયને તાનાશાહી ગણાવ્યો અને કહ્યું, "આજે મોદીએ જંતર-મંતરને વિરોધપ્રદર્શન માટેની નિર્ધારિત જગ્યાઓની યાદીમાંથી હટાવી દીધું છે. કાલે તેઓ લોકશાહીને જ યાદીમાંથી દૂર કરી દેશે."
"તાનાશાહની સમસ્યા ક્યારેય વિરોધપ્રદર્શનની જગ્યા નહોતી. ખરેખર સમસ્યા તો લોકો વિરોધ કરે છે એ વિચાર સાથે જ હતી."
છેલ્લા ઘણા દિવસોથી વિરોધપ્રદર્શન કરતાં વામપંથી વિદ્યાર્થી સંગઠન આઇસાનાં નેતા નેહા બોરાની ટીમે ઍક્સ પર લખ્યું, "અમે અમારા જંતર-મંતર માટે લડીશું! આ માત્ર એક જગ્યા નથી, પરંતુ લોકોનો અવાજ છે. અને અમારા અવાજને દબાવી શકાય તેમ નથી!"
સીજેપીના સહ-સંયોજક સૌરવ દાસે આ નિર્ણયને અસ્વીકાર્ય ગણાવતા ઍક્સ પર લખ્યું, "નરેન્દ્ર મોદી જંતર-મંતરથી શા માટે ડરે છે? જંતર-મંતર ભારતના લોકોનું છે. શું કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારતના લોકો સાથે કોઈ ચર્ચા-વિચારણા કરી હતી? શું કોઈ હિતધારકો સાથે ચર્ચા કરાઈ હતી? શું કોઈ સંગઠનની સલાહ લેવામાં આવી હતી?"
તેમણે વધુમાં લખ્યું, "લખી રાખજો, જેમ તેઓ લોકોના જંતર-મંતરને વિરોધપ્રદર્શન માટેની નિર્ધારિત જગ્યાઓની યાદીમાંથી હટાવી રહ્યા છે, તેમ ટૂંક સમયમાં વડા પ્રધાન ભારતમાંથી લોકશાહીને પણ હટાવી દેશે. આ પગલું એ જ દિશામાં ભરાયું છે."
સૌરવ દાસે આગળ જણાવ્યું, "અમે આ મનસ્વી નિર્ણયને સ્વીકારતા નથી. આ લોકોના વિરોધ કરવાના અને શાંતિપૂર્ણ રીતે એકત્ર થવાના મૂળભૂત અધિકાર પર સીધો હુમલો છે. હવે આખો દેશ જંતર-મંતર બની રહ્યો છે!"






















