ગુજરાતમાં હવે આગળ વધશે ચોમાસું, કઈ તારીખે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે ભારે વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં આગામી દિવસોમાં હવે વરસાદ વધવાની સંભાવના દેખાઈ રહી છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદ વધવાની આગાહી કરી છે.
ગુજરાતમાં ચોમાસું પહોંચ્યા બાદ આગળ વધી રહ્યું નથી અને જ્યાં ચોમાસું પહોંચ્યું છે ત્યાં પણ હાલ વરસાદ પડી રહ્યો નથી. જૂન મહિનો પૂરો થયા બાદ હવે વરસાદનું જોર વધે તેવી શક્યતા છે.
હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું સુરત સુધી પહોંચી ગયું છે પરંતુ ત્યાં સુધી પહોંચ્યા બાદ તે નબળું પડી ગયું હતું અને આજથી ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગનું કહેવું છે કે 29થી 3 જુલાઈ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડશે અને ત્યારબાદ વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
ગુજરાતમાં આ વર્ષે જૂન મહિનો ખૂબ ખરાબ ગયો છે અને જે વિસ્તારોમાં સામાન્ય રીતે હાલ વાવણી થઈ જવી જોઈતી હતી ત્યાં હજી સુધી વરસાદ પડ્યો નથી.
ગુજરાતમાં કઈ તારીખથી ભારે વરસાદ થઈ શકે છે?

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં વરસાદ ઓછો છે, પરંતુ હવે ગુજરાતમાં વરસાદ વધશે અને 3 જુલાઈની આસપાસથી રાજ્યમાં વધારે વરસાદ પડે તેવી સંભાવના છે.
4થી 7 જુલાઈની વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાનનાં વિવિધ મૉડલો દર્શાવી રહ્યાં છે. આ ઉપરાંત મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે.
ખાસ કરીને પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પહેલાં વરસાદ વધશે અને ત્યાં ભારે વરસાદ થશે. જે બાદ આ વરસાદ સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે અને ત્યાં કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, 3 અને 4 જુલાઈથી વરસાદનું જે જોર વધશે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં હશે અને બાકીના વિસ્તારોમાં તે દિવસો બાદ વરસાદનું જોર રહેશે.
29 અને 30 જૂનના રોજ અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, બોટાદ, રાજકોટના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા જિલ્લામાં પણ વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે વડોદરા, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર સુધી વરસાદ થવાની સંભાવના છે.
બંગાળની ખાડીની સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારે વરસાદ?

ચોમાસું શરૂ થયું ત્યારથી બંગાળની ખાડી શાંત રહી છે અને તેમાં કોઈ હલચલ જોવા મળી નથી. બંગાળની ખાડીમાં હવે 1 જુલાઈની આસપાસ એક સિસ્ટમ બને તેવી શક્યતા છે. જે આગળ વધીને ગુજરાત તરફ આવે તેવી સંભાવના દેખાઈ રહી છે.
હવામાન વિભાગના મૉડલ પ્રમાણે ગુજરાતમાં 4 જુલાઈની આસપાસથી ભારે વરસાદ થઈ શકે છે અને 5 જુલાઈની આસપાસથી રાજ્યના ઘણા વિસ્તારોમાં આ સિસ્ટમની અસરને કારણે વરસાદ શરૂ થાય તેવી શક્યતા છે.
જો આ સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત તરફ આવે તો તેની સૌથી વધારે અસર 6થી 8 જુલાઈ વચ્ચે થવાની શક્યતા છે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં ચોમાસું પહોંચી જાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં 24 જૂનના રોજ ચોમાસું પહોંચી ગયું હતું પરંતુ કોઈ મોટી સિસ્ટમ ન સર્જાતાં તે આગળ વધાવનું બંધ થઈ ગયું હતું. હવે ચોમાસાની પ્રગતિ થવાની શરૂ થશે અને આગામી 3થી 4 દિવસોમાં ગુજરાતના કેટલાક વધારે વિસ્તારોમાં ચોમાસું પહોંચી જાય તેવી શક્યતા છે.

ઇમેજ સ્રોત, IMD
પશ્ચિમ ભારતમાં 29મી જૂનથી 4થી જુલાઈ દરમિયાન કોંકણ અને ગોવામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. મધ્ય મહારાષ્ટ્રમાં 3જીથી 4થી જુલાઈ દરમિયાન અને ગુજરાતમાં ચોથી જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
29મી જૂનથી 2જી જુલાઈ સુધી મરાઠવાડામાં કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં 29મી જૂનથી 3જી જુલાઈ સુધી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 29મી જૂનથી 4થી જુલાઈ સુધી છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડવાની સંભાવના છે.
છૂટાંછવાયાં સ્થળોએ વાવાઝોડાં, વીજળીના કડાકા અને ઝાપટાવાળા પવન (પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે અને ઝાપટા દરમિયાન 60 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે) ની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















