'ઇઝરાયલ શેતાન છે, કૅન્સર જેવો દેશ', પાકિસ્તાનના નિવેદનથી ઇઝરાયલ ગુસ્સે - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફના એક નિવેદનને ઇઝરાયલે 'શરમજનક અને નિંદનીય' ગણાવ્યું છે. ખ્વાજા આસિફે ઇઝરાયલને 'માનવતા માટે એક ડાઘ' અને 'કૅન્સર જેવો દેશ' કહ્યું હતું.
આ નિવેદન પર ઇઝરાયલે આકરી પ્રતિક્રિયા આપી છે.
પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે ઍક્સ પર લખ્યું કે "ઇઝરાયલ શેતાન છે અને માનવતા પર ડાઘ છે. ઇસ્લામાબાદમાં શાંતિની વાતો થઈ રહી છે ત્યારે તે લેબનોનમાં જનસંહાર કરી રહ્યું છે. પહેલાં ગાઝામાં નિર્દોષ લોકોને મારતું હતું, હવે લેબનોનમાં મારી રહ્યું છે. તેનો રક્તપાત કોઈ પણ અટકચાળા વગર ચાલુ છે. જે લોકોએ યુરોપિયન યહૂદીઓથી છુટકારો મેળવવા માટે પેલેસ્ટાઇનની જમીન પર આ કૅન્સર જેવો દેશ બનાવ્યો તે નરકમાં બળે."
તો ઇઝરાયલના વિદેશમંત્રી ડિગિયન સારે પણ આના પર પ્રતિક્રિયા આપી છે.
તેમણે ઍક્સ પર લખ્યું કે "ઇઝરાયલ એ સરકાર તરફથી આવતા આ સ્પષ્ટપણે યહૂદી વિરોધી અને લોહિયાળ આરોપોને અત્યંત ગંભીરતાથી લે છે, જે પોતાને 'શાંતિના મધ્યસ્થી' ગણાવે છે. યહૂદી રાજ્યને 'કૅન્સરગ્રસ્ત' કહેવું એ તેના વિનાશ માટે માગ કરવા સમાન છે. ઇઝરાયલ એવા આતંકવાદીઓ સામે પોતાનો બચાવ કરશે, જે તેનો નાશ કરવાની પ્રતિજ્ઞા લે છે."
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે "પાકિસ્તાનના સંરક્ષણમંત્રી તરફથી ઇઝરાયલના ખાતમાની વાત કરવી ખૂબ જ આપત્તિજનક છે. કોઈ પણ સરકારે, ખાસ કરીને એ સરકાર જે પોતાને શાંતિની મધ્યસ્થ બતાવતી હોય, તો તેની પાસેથી આવા નિવેદનની અપેક્ષા કરી શકાતી નથી."
પાકિસ્તાન અમેરિકા અને ઈરાનના યુદ્ધવિરામમાં મધ્યસ્થની ભૂમિકા નિભાવી છે. અમેરિકા અને ઈરાન બંનેના પ્રતિનિધિઓની ઇસ્લામાબાદમાં શનિવારે બેઠક યોજાવાની છે. ઇઝરાયલ તે બાબતે અસહજ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'હોર્મુઝ મુદ્દે ઈરાન જે કરી રહ્યું છે તે યોગ્ય નથી'

ઇમેજ સ્રોત, Brendan SMIALOWSKI / AFP via Getty
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીથી ઑઇલ ટૅન્કરોને પસાર થવા દેવાના મામલે "ખૂબ જ ખરાબ કામ" કરી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એમ પણ કહ્યું કે, આ અમેરિકા અને ઈરાન વચ્ચેના 'કરાર અનુસાર નથી'.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં લખ્યું છે, "ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ઑઇલ પસાર થવા દેવાની બાબતમાં ઈરાન આ યોગ્ય કામ કરી રહ્યું નથી, કેટલાક લોકો કહેશે કે આ સન્માનજનક નથી, પરંતુ આ એ સમજૂતી નથી જે અમારી વચ્ચે થઈ હતી."
આના થોડા સમય પહેલાં ટ્રમ્પે અન્ય એક પોસ્ટમાં કેટલાક અહેવાલોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા ટૅન્કરો પર 'ચાર્જ' ન લેવો જોઈએ.
તેમણે કહ્યું, "એવા અહેવાલો છે કે ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતાં ટૅન્કરો પાસેથી ફી વસૂલ કરી રહ્યું છે. તેણે આવું ન કરવું જોઈએ અને જો તે આવું કરે છે, તો તેણે તેને તાત્કાલિક ધોરણે બંધ કરવું જોઈએ."
ઈરાની મીડિયાના અહેવાલ મુજબ, અલી ખામેનેઈના સલાહકાર રહેલા પૂર્વ વિદેશમંત્રીનું મૃત્યુ થયું

ઇમેજ સ્રોત, Ramin Talaie/Corbis via Getty
ઈરાની મીડિયાના અહેવાલોમાં કહેવાયું છે કે દેશના ભૂતપૂર્વ વિદેશમંત્રી કમાલ ખરાઝીનું મોત થયું છે.
અહેવાલો અનુસાર, આ મહિનાની શરૂઆતમાં થયેલા એક હુમલામાં તેઓ ઘાયલ થયા હતા.
ખરાઝી ઈરાની રાજકારણમાં સુધારાવાદી નેતા, દેશની સ્ટ્રેટેજિક કાઉન્સિલ ઑન ફૉરેન રિલેશન્સના વડા અને દિવંગત સુપ્રીમ લીડર અલી ખામેનેઈના સલાહકાર તરીકે જાણીતા હતા.
તેમણે 1997થી 2005 સુધી ઈરાનના વિદેશમંત્રી તરીકે સેવા આપી હતી.
ઈરાનની સુધારાવાદી સમર્થક જામરાન ન્યૂઝ વેબસાઇટે એક એપ્રિલના રોજ અહેવાલ આપ્યો હતો કે કમાલ ખરાઝી હુમલા બાદ "ગંભીર રીતે ઘાયલ થયા અને હૉસ્પિટલમાં દાખલ" કરાયા હતા.
આ અહેવાલ મુજબ, તે હુમલામાં તેમનાં પત્નીનું મોત થયું હતું. જામરાને એમ પણ જણાવ્યું હતું કે તહેરાનમાં ખરાઝીના ઘરને નિશાન બનાવાયું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
































