અમદાવાદ : 'દુષ્કર્મના આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે પગમાં ગોળી મારી', શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદના ચહલપહલ ધરાવતા રહેણાક વિસ્તાર આનંદનગરમાં યુવતી પર દુષ્કર્મની એક ગંભીર ઘટના પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ છે.
ગઈકાલે એટલે કે શનિવારે રાતે બનેલી ઘટનામાં અમદાવાદની એક સોસાયટીમાં ભાડે રહેતી એક યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે આરોપી તરીકે સોસાયટીના જ સિક્યૉરીટી ગાર્ડ – સુરક્ષાકર્મીની ધરપકડ કરી છે. અમદાવાદ સેક્ટર-1ના જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, "આરોપીએ ગુનો કબૂલ કરી લીધો છે."
તેમણે વધુમાં જણાવ્યું કે "યુવતી સોસયટીની અગાસી પર સાંજે ટહેલવા ગઈ ત્યારે સિક્યૉરીટી ગાર્ડ તેની પાછળ ગયો હતો. અગાસી પર જઈને તેણે દરવાજો બંધ કરીને યુવતીનું ગળું દબાવીને બળાત્કાર ગુજાર્યો હતો."
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીનું નામ ધરમસિંહ રામશંકરસિંહ છે.
પોલીસના જણાવવા પ્રમાણે આ ઘટના પછી આરોપી ભાગી ગયો હતો. પરંતુ પોલીસે તેને નવમી ઑગસ્ટે પકડી પાડ્યો હતો.
નીરજ બડગુજરે મીડિયાને જણાવ્યું હતું કે, "પોલીસે દસ જેટલી ટીમ બનાવીને આરોપીને આજે સવારે આઠેક વાગ્યે અમદાવાદની ભાગોળે હેબતપુર પાસેથી ઝડપી લીધો હતો."
અમદાવાદના ડીસીપી (ઝોન-7) શિવમ વર્માએ મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે "આરોપીએ ભોગ બનનારનો મોબાઇલ પણ છીનવી લીધો હતો. આ દરમિયાન હેબતપુરમાં આરોપીનું પંચનામું કરાવાઈ રહ્યું હતું, એ સમયે આરોપીએ પીઆઈની સર્વિસ રિવોલ્વર ઝૂંટવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. એમાં ઝપાઝપી થઈ હતી અને એક પોલીસ કૉન્સ્ટેબલને ઈજા થઈ છે. એ પછી પોલીસે બીજું ફાયરિંગ કર્યું હતું અને આરોપીને પગમાં ગોળી વાગી હતી."
પોલીસે જણાવ્યું કે આરોપીને હાલમાં સારવાર ચાલી રહી છે.
સિક્યૉરિટી એજન્સી સામે પણ સવાલો
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે આરોપી અગાસીનો દરવાજો બંધ કરીને ભાગી ગયો ત્યારે યુવતીએ મદદ માટે બૂમો પાડી હતી. બૂમો સાંભળીને લોકો ભેગા થઈ ગયા હતા અને દરવાજો ખોલીને યુવતીને બહાર કાઢી હતી.
ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને યુવતીને મેડિકલ સારવાર આપવાની તજવીજ હાથ ધરી હતી.
બડગુજરે જણાવ્યું હતું કે, "આરોપી ઉત્તર પ્રદેશના હરદોઈનો નિવાસી છે અને ચાર વર્ષથી અમદાવાદ આવતો-જતો રહેતો હતો. અમદાવાદમાં તે અલગ અલગ સિક્યૉરિટી સર્વીસમાં ગાર્ડ તરીકે કામ કરી ચૂક્યો છે. હાલ તે જે કંપનીમાં કામ કરતો હતો તેમાં તે ચાર દિવસથી જ જોડાયો હતો. કંપનીએ તેના ઓળખપત્રની ચોકસાઈ કર્યા વગર તેને ગાર્ડ બનાવી દીધો હતો. અમે સિક્યૉરિટી કંપની સામે પણ પગલાં ભરીશું."
જ્યાં આ ઘટના સામે આવી છે ત્યાંના ધારાસભ્ય અમીત ઠાકરે જણાવ્યું હતું કે, "આ ગંભીર ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમા આરોપીને પકડી લીધો છે. યુવતીને ન્યાય મળે તે માટે કોઈ કસર છોડવામાં નહીં આવે. આરોપીની સિક્યૉરિટી એજન્સીના માલીકને પણ પકડી લેવામાં આવ્યા છે. તેમણે જે લાપરવાહી રાખી છે તેની પણ તપાસ થશે."
આરોપી લિફ્ટ દ્વારા અગાસી સુધી જાય છે તેના સીસીટીવી પુરાવા હાથ લાગ્યા છે એવું પોલીસે જણાવ્યું હતું. આરોપી અગાઉ પણ કોઈ ગુનામાં સામેલમાં હતો કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસે દાવો કર્યો હતો કે આરોપીએ તેનો ગુનો કબૂલી લીધો છે. આરોપી તરફથી અમને જ્યારે તેમનો પક્ષ પ્રાપ્ત થશે ત્યારે અહીં અપડેટ કરવામાં આવશે. અમને આ અંગે સિક્યૉરિટી એજન્સીનું પણ નિવેદન પ્રાપ્ત થયું નથી, જ્યારે તેમનો પક્ષ જાણવા મળશે ત્યારે અહીં અપડેટ કરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















