શું કોઈ પ્રિયજનને ગુમાવવાનો આઘાત અન્ય માટે જીવલેણ હોઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સ્ટીફન ઇવાન્સ
- પદ, બીબીસી ન્યૂઝ મુન્ડો
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
શું કોઈ ઘેરા શોકથી મૃત્યુ પામી શકે?
56 વર્ષીય મરઝાન સત્રાપીના મોત બાદ ઘણા લોકો આ સવાલ પૂછી રહ્યા છે. મરઝાન સત્રાપી ફ્રેન્ચ-ઈરાનીયન લેખક, દિગ્દર્શક, ચિત્રકાર અને સામાજિક કાર્યકર હતાં અને તેમની ગ્રાફિક નૉવેલ સિરીઝ 'પર્સેપોલિસ'એ તેમને ઘણી ખ્યાતિ અપાવી હતી.
2000માં પ્રકાશિત થયેલી આ સિરીઝે વિશ્વભરના વાચકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેની વાર્તા ઈરાની ક્રાંતિ પહેલાં અને પછીના તેમના પોતાના અનુભવો પર આધારિત છે.
આઠ વર્ષ પછી આ નૉવેલ પરથી ફિલ્મ બની હતી અને સત્રાપી સ્વયં તેનાં સહ-દિગ્દર્શિકા હતાં અને તે ફિલ્મે ઑસ્કરમાં શ્રેષ્ઠ ઍનિમેટેડ ફિલ્મની કૅટેગરીમાં નૉમિનેશન પણ મેળવ્યું હતું.
સત્રાપીના મોતના સત્તાવાર તબીબી કારણની પુષ્ટિ થઈ નથી, પણ તેમના પરિવાર અને મિત્રોએ આ માટે તેમના પતિના મોત બાદ તેમને લાગેલા ઘેરા આઘાતને જવાબદાર ઠેરવ્યો હતો.
"મરઝાન સત્રાપીનું અવસાન તેમના પતિ અને જીવનસાથી મેટિયાસ રિપાના મોતના એક વર્ષ કરતાં વધુ સમય બાદ "કારમો આઘાત" લાગવાને કારણે થયું હતું," એમ તેમના પરિવારે એએફપી સમાચાર સંસ્થાને આપેલા નિવેદનમાં કહ્યું હતું.
તાજેતરમાં જ સત્રાપીએ ઇન્સ્ટાગ્રામ પર ઘણા ભાવનાત્મક સંદેશા પોસ્ટ કર્યા હતા, જેમાં તેમણે લખ્યું હતું: "મેં મારા જીવનનો પ્રેમ ગુમાવી દીધો છે."
મેટિયાસ રિપાનું એપ્રિલ, 2025ના રોજ 53 વર્ષની વયે અવસાન થયું હતું. તે સમયે સત્રાપીએ ફ્રેન્ચ અખબાર "લે ફિગારો"માં એક શોકસંદેશ છપાવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે લખ્યું હતું, "મરઝાન સત્રાપી અત્યંત દુઃખ સાથે જણાવે છે કે, તેમના જીવનનો પ્રેમ - મેટિયાસ રિપા 31 વર્ષના અદ્ભુત સંગાથ બાદ 53 વર્ષની વયે આપણને સૌને છોડીને ચાલ્યા ગયા છે."
શું સંતાપ (શોક)ને કારણે મૃત્યુ થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
સવાલ એ છે કે શું પ્રિયજનના મોતનો શોક એટલો કારમો હોઈ શકે કે કુદરતી કારણસર જ કોઈનું મૃત્યુ નીપજે?
2014માં જેએએમએ ઇન્ટરનૅશનલ મેડિસિનમાં પ્રકાશિત એક અભ્યાસમાં માલૂમ પડ્યું હતું કે, આમ થવું દુર્લભ હોવા છતાં પ્રિયજનના અવસાન બાદના શરૂઆતના મહિનાઓમાં (મૃતકની નજીક ન હોય, તેવા લોકોની તુલનામાં) તેમના નિકટના લોકોમાં હાર્ટ ઍટેક કે સ્ટ્રૉકનું જોખમ લગભગ બેવડાઈ જતું હોય છે.
અભ્યાસ પ્રમાણે, 30,447 શોકગ્રસ્ત લોકોના જૂથમાંથી 50 લોકો ઉપરોક્ત બીમારી (હૃદયરોગ કે સ્ટ્રૉક)થી પીડાતા હતા, જે પ્રમાણ કુલ ટકાવારીના 0.16 ટકા છે. તેનાથી ઊલટું, પ્રિયજન ન ગુમાવ્યા હોય, તેવા લોકોના જૂથમાં આ દર માત્ર 0.08 ટકા હતો.
"લોકો તેમના પ્રિયજનને ગુમાવવાના દુઃખ માટે 'હાર્ટબ્રેક (હૃદયભંગ)' શબ્દ પ્રયોજતા હોય છે. અમારો અભ્યાસ દર્શાવે છે કે, આવા શોકની હૃદયના સ્વાસ્થ્ય પર સીધી અસર પડે છે," એમ અભ્યાસના એક લેખક, યુનિવર્સિટી કૉલેજ લંડનના ડૉક્ટર સુનીલ શાહે બીબીસીને જણાવ્યું હતું.
હૃદય સુધી પહોંચતો ઘેરો આઘાત

ઇમેજ સ્રોત, SPL
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેટલાક લોકો "બ્રૉકન હાર્ટ સિન્ડ્રોમ" વિશે વાત કરે છે, જેને તબીબી ભાષામાં તાકોત્સુબો કાર્ડિયોમાયોપેથી અથવા તો સ્ટ્રેસ કાર્ડિયોમાયોપેથી કહેવાય છે.
બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન અનુસાર, "તે એક કામચલાઉ સ્થિતિ હોય છે, જેમાં હૃદયના સ્નાયુ એકાએક નબળા કે સુન્ન પડી જાય છે. ડાબા ક્ષેપક (ડાબા વેન્ટ્રિકલ - હૃદયનો એ ભાગ, જે રક્ત પમ્પ કરે છે)નો આકાર બદલાઈ જાય છે."
વૈજ્ઞાનિક નામ તાકોત્સુબો કાર્ડિયોમાયોપેથી એ ઑક્ટોપસ પકડવા માટે વપરાતી ગોળાકાર, સાંકડી જાળી માટેના જાપાનીઝ શબ્દ પરથી પડ્યું છે.
અચાનક આઘાત લાગવાથી હૃદયના ડાબા વેન્ટ્રિકલનો આકાર બદલાઈ જાય છે.
આ અસાધારણ સ્થિતિ ભાવનાત્મક આઘાતને લીધે સર્જાઈ શકે છે.
ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે, "તાકોત્સુબો કાર્ડિયોમાયોપથી ધરાવનારા લગભગ ત્રણ-ચતુર્થાંશ લોકોએ બીમાર પડતાં પહેલાં અમુક પ્રકારના ગંભીર ભાવનાત્મક કે શારીરિક તણાવનો અનુભવ કર્યો હોય છે."
આ તણાવ કોઈ પ્રિયજનના મોતના આઘાતને કારણે થઈ શકે છે અથવા તો તે અન્ય કોઈ સમસ્યાથી પણ ઉદ્ભવી શકે છે.
આ ઉપરાંત, એવા કિસ્સા પણ છે, જેમાં લોકો તેમના સાથીઓ દ્વારા અચાનક પજવવામાં આવતાં આ સ્થિતિનો ભોગ બન્યા હોય અથવા તો વિશાળ ટોળાની સામે વક્તવ્ય આપવાને કારણે તણાવ અનુભવતા હોય.
નિષ્ણાતોનું માનવું છે કે અચાનક જ વિશાળ માત્રામાં હોર્મોન્સ - ખાસ કરીને એડ્રેનલાઇન- મુક્ત થવાને લીધે હૃદયના સ્નાયુઓ થોડા સમય માટે સુન્ન કે નબળા પડી શકે છે.
'બ્રૉકન હાર્ટ સિન્ડ્રોમ' કેવી રીતે હાર્ટ ઍટેકથી જુદો પડે છે?
આ સ્થિતિ સામાન્ય હાર્ટ ઍટેક કરતાં જુદી છે. હાર્ટ ઍટેક ત્યારે આવે છે, જ્યારે ખાસ કરીને હૃદયને લોહીનો પુરવઠો પહોંચાડતી ધમનીઓમાં બ્લૉકેજને લીધે હૃદયના ધબકારા બંધ થઈ જાય.
બ્રૉકન હાર્ટ સિન્ડ્રોમ પર જૉન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક લેખ મુજબ, "મોટા ભાગના હૃદયરોગના હુમલા હૃદય સુધી લોહી પહોંચાડતી ધમનીઓમાં અવરોધ ઊભો થવાથી કે લોહી ગંઠાઈ જવાથી આવતા હોય છે."
સેન્ટરની વેબસાઇટ મુજબ, કાર્ડિયોમાયોપેથી ધરાવતા મોટા ભાગના દર્દીઓની "ધમનીઓ સામાન્ય હોય છે અને તેમાં બ્લૉકેજ લોહી ગંઠાવાની સમસ્યા હોતી નથી."
ઘણા લોકો સંપૂર્ણ સાજા થઈ જતા હોય છે. તણાવ ઓછો થાય, તેમ-તેમ હૃદય પણ તેની સામાન્ય સ્થિતિમાં પાછું આવી જાય છે.
પણ અગાઉથી જ હૃદયની બીમારીઓ ધરાવનારા લોકો અથવા તો વડીલો માટે આ સ્થિતિ અમુક વખત પ્રાણઘાતક નીવડી શકે છે.
શું જીવનસાથીથી અલગ થવાથી મોત નીપજી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
2006માં ન્યૂ ઇંગ્લૅન્ડ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં માલૂમ પડ્યું હતું કે, જ્યારે એક જીવનસાથીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે, ત્યારે બીજા જીવનસાથીના મોતનું જોખમ વધી જતું હોય છે.
2011માં પ્રકાશિત થયેલા અન્ય એક અભ્યાસ મુજબ, જીવનસાથીથી અલગ થયાના છ મહિનાની અંદર જ બીજા પાર્ટનરના મૃત્યુનું જોખમ વધી જતું હોય છે.
નિષ્ણાતો કહે છે કે, સુમેળભર્યા સંબંધો ધરાવતું પરિણીત યુગલ એકમેકના તણાવ કે વ્યગ્રતા દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. પતિ અને પત્ની એકબીજાંને તેમની દવા સમયસર લેવાનું યાદ દેવડાવે છે, તંદુરસ્ત આદતો કેળવવામાં એકબીજાને મદદ કરે છે અને એકમેકની તબિયતનું ધ્યાન રાખે છે.
તાકોત્સુબો કાર્ડિયોમાયોપેથી એ હૃદયની આ સ્થિતિનું તબીબી નામ છે અને મરઝાન સત્રાપી તેનાથી પ્રભાવિત થયાં હોઈ શકે છે, પરંતુ "બ્રૉકન હાર્ટ" શબ્દ તેને ઉત્તમ રીતે સમજવામાં મદદરૂપ થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















