સુરત, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત જળબંબાકાર, બીજી તરફ અડધા ગુજરાતમાં વરસાદની ચિંતાજનક ઘટ

ઇમેજ સ્રોત, NIRAV KANSARA/BBC
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ એક અઠવાડિયા સુધી મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.
એક તરફ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આ વખતે વરસાદની ચિંતાજનક ઘટ છે, વાવેતરને અસર થઈ છે અને ઘાસચારાના અભાવે પશુપાલન મુશ્કેલ બની ગયું છે, ત્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે.
મંગળવારની સવારના 6 વાગ્યાથી બુધવારે સવારના 6 વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં વલસાડના કપરાડા તાલુકામાં 15.63 ઇંચ વરસાદ નોંધાયો હતો જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે છે. આજે પણ અહીં વરસાદ ચાલુ છે.
ત્યાર પછી વલસાડના જ નાનાપોંઢામાં 11 ઇંચ, નવસારીના ચિખલીમાં 9.61 ઇંચ, વલસાડના પારડીમાં 9.37 ઇંચ, નવસારીના વાંસદામાં 9.25 ઇંચ વરસાદ પડ્યો છે.
વલસાડ શહેરમાં 8.31 ઇંચ, ખેરગામમાં આઠ ઇંચ, વાપીમાં 7.28 ઇંચ, ડાંગના વઘઈમાં 7.20 ઇંચ અને વલસાડના ધરમપુરમાં 6.77 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરતના બારડોલીમાં ચોવીસ કલાકમાં 5.39 ઇંચ વરસાદ પડ્યો છે.
સુરત શહેરમાં પણ ત્રણ દિવસથી વરસાદ ચાલુ છે અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. એક પખવાડિયા અગાઉ સુરતમાં ભારે વરસાદ પડ્યો ત્યારે લગભગ 40થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
નવસારી, તાપીમાં પણ ભારે વરસાદ

ઇમેજ સ્રોત, Snehal Patel
નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ છે. બીબીસી ગુજરાતીના નવસારીના સહયોગી સ્નેહલ પટેલે જણાવ્યા પ્રમાણે નવસારીના તમામ છ તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે અંબિકા અને કાવેરી નદીમાં પાણી ભયજનક સ્તરે પહોંચ્યું છે. આ બંને નદીમાં પૂરની સ્થિતિના કારણે બિલીમોરા શહેરમાં લોકોને હાલાકી પડી રહી છે. ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.
તાપીના ઘણા વિસ્તારોમાં એકથી બે ફૂટ સુધી પાણી ભરાયાં છે અને વાહન વ્યવહારને અસર થઈ છે. ખાસ કરીને રેલવે ગરનાળા ડૂબી જવાથી લોકો પરેશાન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાપીમાં વ્યારા,વાલોડ, ડોલવણ સહિતના દરેક તાલુકામાં સાર્વત્રિક વરસાદ છે અને કેટલીક ખાનગી શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.
જિલ્લામાં વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારના 18 માર્ગ બંધ હાલતમાં છે. પંચોલથી પાલસીયાને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. વહીવટીતંત્રે જણાવ્યા પ્રમાણે વ્યારા તાલુકામાં 1, ડોલવણમાં 12 અને વાલોડ તાલુકામાં 5 માર્ગ બંધ હાલતમાં છે.
વલસાડ જિલ્લાના નિંચાણવાળા કોઝ-વે સહિત 150થી વધુ માર્ગો બંધ થવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

ઇમેજ સ્રોત, Snehal Patel
શાળાઓ-મકાનોમાં પાણી ભરાયાં

ઇમેજ સ્રોત, Apurva Paresh
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. વલસાડ તાલુકાના ભાગડાવડા ગામમાં આવેલી ઇંગ્લિશ નૅશનલ સ્કૂલની આસપાસ પણ વરસાદી પાણી ભરાઈ ગયું હતું. કેટલીક જગ્યાએ અંદાજે કમર સુધી પાણી ભરાઈ જતાં સ્કૂલ પરિસરમાં પણ પાણી ઘૂસી જવાની સ્થિતિ સર્જાઈ હતી. થોડા દિવસો પહેલા પણ ભારે વરસાદને પગલે આ ગામમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
લગભગ એક પખવાડિયા અગાઉ સુરતમાં એક દિવસમાં 14 ઇંચ વરસાદ પડી ગયો ત્યારે ખાડીપૂરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ ખરાબ થઈ હતી. હાલના વરસાદના કારણે આ વિસ્તારોમાં લોકો ફરીથી મુસીબતમાં મુકાયા છે. દરમિયાન નવસારી અને વલસાડમાં પણ બે દિવસથી વરસાદ ચાલુ છે અને માછીમારોને હમણાં દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હાલમાં નવસારી અને વલસાડમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સુરત, તાપી અને ડાંગમાં ઑરેન્જ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે. હજુ ત્રણ દિવસ સુધી આવી સ્થિતિ રહેવાની આગાહી છે.

નવસારીના કલેક્ટર મનીષ ગુરવાનીએ હાલની સ્થિતિ વિશે મીડિયાને જણાવ્યું કે "નવસારી જિલ્લામાં આજે સરેરાશ અઢી ઇંચ વરસાદ પડ્યો છે. તેમાં નવસારીમાં બે ઇંચ, જલાલપોરમાં બે ઇંચ, ગણદેવીમાં 2.72 ઇંચ, ચીખલીમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે."
"છેલ્લા ચોવીસ કલાકમાં નવસારી જિલ્લામાં સાડા છ ઇંચ વરસાદ પડ્યો છે જેમાં ચીખલીમાં 10 ઇંચ, વાંઝામાં 10 ઇંચ, ખેરગામમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં વરસાદની સરેરાશ 91 ઇંચ હોય છે, જેની સામે અત્યાર સુધીમાં 48 ઇંચ વરસાદ પડી ગયો છે."
તેમણે કહ્યું કે "કાવેરી નદીમાં પાણીનું જોખમી સ્તર 19 ફૂટ છે, પરંતુ નદી અત્યારે 21 ફૂટની સપાટીએ વહી રહી છે. અત્યાર સુધીમાં 190 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે."
વલસાડથી બીબીસીના સહયોગીએ આપેલા અહેવાલ પ્રમાણે ઔરંગા નદીમાં પાણીનું સ્તર વધી જવાથી લગભગ 300 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
રાજ્યના બાકીના ભાગોમાં ચિંતાજનક સ્થિતિ

ઇમેજ સ્રોત, GSDMA
દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 49 ટકાથી વધારે વરસાદ પડી ગયો છે જ્યારે રાજ્યના બાકીના ભાગોમાં ચિંતાજનક સ્થિતિ છે.
કચ્છમાં અત્યાર સુધીના આંકડા પ્રમાણે માત્ર 3.50 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 15 ટકા વરસાદ પડ્યો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 20 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં હજુ સુધીમાં ફક્ત 31 ટકા વરસાદ પડ્યો છે જેના કારણે વાવણીને અસર થઈ છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો ઘાસચારાની અછત અનુભવી રહ્યા હોવાથી પશુપાલનમાં પણ મુશ્કેલી પડે છે.
કચ્છના અબડાસા, લખપત અને મુંદ્રા તાલુકામાં શૂન્ય ટકા વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આવી જ હાલત છે. છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના 173 તાલુકામાં વરસાદ પડ્યો છે જ્યારે કચ્છના ત્રણ તાલુકામાં કોઈ વરસાદ નથી.
ઓછો વરસાદ પડ્યો હોય તેવા જિલ્લાઓની વાત કરવામાં આવે તો કચ્છ સિવાય દેવભૂમિ દ્વારકામાં ફક્ત બે ટકા, બનાસકાંઠામાં માત્ર 7.80 ટકા અને જામનગર જિલ્લામાં સિઝનની સરેરાશ સામે 10 ટકા વરસાદ જ પડ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















