ઘરે બેઠા આંતરડાના કૅન્સરને કેવી રીતે ઓળખી શકો, તેનાં કેવાં લક્ષણો હોય છે?

બીબીસી ગુજરાતી આંતરડા કૅન્સર આરોગ્ય હેલ્થ બીમારી
    • લેેખક, ફિલિપ્પા રોકેબી
    • પદ, આરોગ્ય સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ડૉસન ક્રિકના અભિનેતા જેમ્સ વેન ડેર વીકનું 48 વર્ષની વયે આંતરડાના કૅન્સરથી નિધન થયું છે.

આંતરડાના કૅન્સરનાં મુખ્ય લક્ષણો અને કારણો શું છે? તમે આ બીમારી થવાના જોખમને કેવી રીતે ઘટાડી શકો છો?

આંતરડાના કૅન્સરનાં મુખ્ય લક્ષણો કયાં છે?

આ સંબંધમાં ત્રણ બાબતો ધ્યાન આપવા યોગ્ય છે.

  • કોઈ પણ કારણ વગર મળમાં લોહી પડવું, જે ચમકદાર અને ઘેરા લાલ રંગનું હોઈ શકે છે.
  • શૌચ જવાની આદતમાં ફેરફાર. વારંવાર શૌચાલય જવું પડે અને મળ વધારે ઢીલું અથવા સખત હોય.
  • તમને પેટ ભરાયેલું અથવા ચુસ્ત લાગે છે, પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે અથવા પેટ ફુલાયેલું હોય એવું અનુભવાય છે.
બીબીસી ગુજરાતી આંતરડા કૅન્સર આરોગ્ય હેલ્થ બીમારી
ઇમેજ કૅપ્શન, પેટમાં લાંબા સમયથી દુખાવો રહેતો હોય તો તમારા ડૉક્ટરની સલાહ લો

આ ઉપરાંત અન્ય લક્ષણો પણ હોઈ શકે, ઉદાહરણ તરીકે -

  • વજન ઘટવું
  • મળ ત્યાગ પછી પણ પેટ બરાબર ખાલી નથી થયું એવું લાગે
  • સામાન્ય કરતા વધુ થાક અને ચક્કર આવવા

આ લક્ષણો હોય તેનો અર્થ એવો નથી કે આંતરડાનું કેન્સર છે.

જોકે, એનએચએસની સલાહ છે કે તમને ત્રણ અઠવાડિયાં અથવા વધુ સમયથી આ લક્ષણો અનુભવાતા હોય અને તમને સારું લાગતું ન હોય, અથવા તમને કોઈ સમસ્યા હોય, તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

કેટલીક વખત આંતરડાના કૅન્સરના કારણે આંતરડામાં અવરોધ પેદા થાય છે, જેના કારણે મળ સામાન્ય રીતે બહાર નીકળી શકતું નથી.

તેનાથી પેટમાં સખત દુખાવો અને કબજિયાત થઈ શકે છે, આવી સ્થિતિમાં તમારે તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

તમે તમારા મળની કેવી રીતે તપાસ કરી શકો?

બીબીસી ગુજરાતી આંતરડા કૅન્સર આરોગ્ય હેલ્થ બીમારી

શૌચાલયમાં શૌચ કરતી વખતે મળમાં લોહી અથવા રક્તસ્રાવની તપાસ કરો.

મળ ત્યાગ કરવાના સ્થાન ગુદામાં સોજી ગયેલી રક્તવાહિનીઓ (હરસ)ના કારણે ચમકદાર કે ઘેરો લાલ લોહી પડી શકે છે. તે હરસના કારણે હોઈ શકે, પરંતુ તે કોલોન કૅન્સરના કારણે પણ હોઈ શકે.

તમને મળત્યાગની આદતમાં ફેરફાર અનુભવાઈ શકે છે. ઉદાહરણ તરીકે તમારું મળ પાતળું હોઈ શકે છે, તમને સામાન્ય કરતા વધુ વખત શૌચાલય જવું પડે, અથવા શૌચ ગયા પછી તમને લાગે કે તમારું પેટ સરખી રીતે ખાલી નથી થયું.

બોવેલ કૅન્સર યુકે તમને સલાહ આપે છે કે તમે આ લક્ષણોના રેકર્ડ રાખો જેથી ડૉક્ટર સાથે આ વિશે ચર્ચા કરી શકાય.

ડૉક્ટરો અનેક પ્રકારના આંતરડાની સમસ્યા ધરાવતા દર્દીઓની તપાસ કરે છે, તેથી તેમાં શરમાવાની કે અસહજ થવાની કોઈ જરૂર નથી.

આંતરડાનું કૅન્સર કયા કારણથી થાય છે?

બીબીસી ગુજરાતી આંતરડા કૅન્સર આરોગ્ય હેલ્થ બીમારી
ઇમેજ કૅપ્શન, તમારી ખાનપાનની આદતો પણ તમારા આંતરડાની તંદુરસ્તીને અસર કરી શકે છે

આંતરડાના કૅન્સરનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ નથી. પરંતુ કેટલાંક કારણો તેના વિકસિત થવાનું જોખમ વધારી શકે છે.

  • ઉંમર વધતી જાય તેમ કૅન્સર થવાની સંભાવના વધી જાય છે. આંતરડાના કૅન્સરના મોટા ભાગના દર્દીની ઉંમર 50 વર્ષ કરતા વધુ હોય છે.
  • જોકે, યુવાનોમાં પણ આ બીમારીના કેસ વધી રહ્યા છે.
  • આહારમાં લાલ માંસ, પ્રોસેસ્ડ મીટ - જેમ કે સૉસેજ, બેકન અને સલામી વગેરેનું પ્રમાણ વધુ હોય તેનાથી કૅન્સર થઈ શકે.
  • તમારા પેટમાં અગાઉ ક્યારેય પૉલિપ્સ રહ્યા હોય, જેનાથી ટ્યૂમર અથવા ગાંઠ બની શકે છે.
  • સિગરેટ પીવાથી અનેક પ્રકારનાં કૅન્સરનો ખતરો વધી શકે છે.
  • વધારે પડતો શરાબ પીવો
  • વધારે વજન અથવા સ્થૂળતા હોય

મોટા ભાગના કેસમાં આંતરડાનું કૅન્સર આનુવંશિક નથી હોતું.

જોકે, તમારા કોઈ સ્વજનને 50 વર્ષની ઉંમર અગાઉ આ કૅન્સર થયું હોય, તો તમારે તમારા ડૉક્ટરને આની જાણ કરવી જોઈએ.

કેટલીક આનુવંશિક સ્થિતિ, જેમ કે લિંચ સિન્ડ્રોમથી આંતરડાનું કૅન્સર થવાનું જોખમ વધી જાય છે, પરંતુ ડૉક્ટર આ વધારાના જોખમને ઘટાડવા માટે દર્દીઓ સાથે મળીને કામ કરી શકે છે.

આ ઉપરાંત આ બીમારીના શરૂઆતના તબક્કામાં જ તેનો પતો લગાવવા માટે સાવધાની રાખી શકો છો. તે તબક્કામાં સારવાર કરવી સરળ હોય છે.

આંતરડાના કૅન્સરના જોખમને કેવી રીતે ઘટાડી શકાય?

બીબીસી ગુજરાતી આંતરડા કૅન્સર આરોગ્ય હેલ્થ બીમારી
ઇમેજ કૅપ્શન, હવે નવી ટેકનૉલૉજી સાથે વ્યક્તિગત રીતે કૅન્સરની સારવાર નક્કી કરી શકાય છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લોકો તંદુરસ્ત જીવનશૈલી અપનાવે તો આંતરડાના કૅન્સરના અડધાથી વધુ કેસને રોકી શકાય છે.

  • વધુ કસરત કરો
  • ફાઇબર વધારે અને ચરબી ઓછી હોય તેવો આહાર લો.
  • રોજના છથી આઠ ગ્લાસ પ્રવાહી પદાર્થોનું સેવન કરો

તમને કોઈ પણ ચિંતાજનક લક્ષણ જોવા મળે તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને તેના આધારે કૅન્સરની તપાસ કરાવવી જોઈએ.

આંતરડાના કૅન્સરનો ઇલાજ કેવી રીતે થાય છે?

હવે આ બીમારીનો ઇલાજ દર્દીની જરૂરિયાત મુજબ વધુ વ્યક્તિગત રીતે કરવામાં આવે છે.

આ આનુવંશિક પરીક્ષણમાં થયેલી પ્રગતિના કારણે શક્ય બન્યું છે, કારણ કે હવે દરેક વ્યક્તિના કૅન્સરના ઇલાજ માટે યોગ્ય સારવારને અનુકૂલિત કરવામાં આવી શકે છે.

આ પદ્ધતિમાં વધુ સુધારની જરૂર છે, પરંતુ તેનો અર્થ એવો થયો કે કૅન્સરથી પીડિત વ્યક્તિને જીવનમાં વધુ કેટલાંક વર્ષ મળી શકે છે.

તમને કોઈ પણ તબક્કે કૅન્સરની જાણ થાય તો તમારા ડૉક્ટર તમને ઉપલબ્ધ સારવાર પદ્ધતિઓ વિશે જણાવશે.

આ ઉપચાર સર્જરી અથવા કીમોથેરેપીના સંયોજનથી થઈ શકે છે, તે તમારા કૅન્સરના પ્રકાર પર નિર્ભર કરે છે.

બીબીસી ગુજરાતી આંતરડા કૅન્સર આરોગ્ય હેલ્થ બીમારી

શું આંતરડાનું કૅન્સર સંપૂર્ણપણે મટી શકે?

આંતરડાના કૅન્સરનો ઇલાજ સંભવ છે, ખાસ કરીને શરૂઆતના તબક્કામાં સારવાર થવી જોઈએ.

સ્ટેજ 1 : કૅન્સર આ બીમારી નાના પ્રમાણમાં છે, પરંતુ ફેલાઈ નથી.

સ્ટેજ 2 : કૅન્સર આકારમાં મોટું, પરંતુ કૅન્સર હજુ ફેલાયું નથી

સ્ટેજ 3 : કૅન્સર તે લિમ્ફ નોડ્સ જેવી કેટલીક આસપાસની પેશીઓમાં ફેલાઈ ચૂક્યું છે.

સ્ટેજ 4 : કૅન્સર આ રોગ શરીરના બીજા ભાગોમાં ફેલાઈ ચૂક્યું છે, જેનાથી એક સેકન્ડરી ટ્યૂમર રચાયું છે.

તમે તમારી જીવનશૈલીમાં કોઈ મહત્ત્વનો ફેરફાર કરવા માંગતા હોવ, જેમ કે ખાન-પાન, ઉપચાર, દવાઓમાં ફેરફાર અથવા શારીરિક વ્યાયામ શરૂ કરવો, તો ડૉક્ટર અને યોગ્ય પ્રશિક્ષકની મદદ લેવી જરૂરી છે. સારું એ રહેશે કે તમે તમારા શરીર અને લક્ષણોની તપાસ કરાવો અને તેમની સલાહના આધારે જ જીવનશૈલીમાં ફેરફાર કરો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન