સૂકાભઠ રણપ્રદેશને લીલીછમ હરિયાળીમાં કેવી રીતે ફેરવી શકાય?

રણ પ્રદેશ, હરિયાળી, રેતાળ પ્રદેશ સૂકાભઠ રણ પ્રદેશને લીલીછમ હરિયાળીમાં કેવી રીતે ફેરવી શકાય? ખેતી પાણી
ઇમેજ કૅપ્શન, રણ ઘણું વૈવિધ્ય ધરાવે છે અને ત્યાં વનસ્પતિ, પ્રાણી તેમજ માનવ જીવનનાં વિવિધ સ્તરો હોય છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

રણ વિશે વિચારતાં જ આપણા મનમાં ગોબી કે સહરાના વિશાળ પ્રદેશનું ચિત્ર ઊપસી આવે છે.

વાસ્તવમાં, રણ ઘણું વૈવિધ્ય ધરાવે છે અને ત્યાં વનસ્પતિ, પ્રાણી તેમજ માનવ જીવનનાં વિવિધ સ્તરો હોય છે.

ઇજિપ્તની રાજધાની કૈરો વિશ્વનું સૌથી વિશાળ રણનું શહેર છે, જ્યાં 2.3 કરોડ કરતાં વધુ લોકો વસે છે.

સામાન્ય રીતે, રણમાં એકદમ સૂકુંભઠ વાતાવરણ હોય છે, જ્યાં પાણીની અત્યંત સીમિત માત્રાને કારણે મોટા ભાગના જીવનનું પાંગરવું મુશ્કેલ છે.

વળી, રણ રદેશ વધી રહ્યો છે. યુનાઇટેડ નૅશન્સના જણાવ્યા પ્રમાણે, દુનિયાની દર વર્ષે અંદાજે 10 લાખ ચોરસ કિલોમીટર તંદુરસ્ત જમીન બિનફળદ્રૂપ બની રહી છે.

જે રીતે પૃથ્વી ઉપર ફળદ્રૂપ જમીન ઓછી થઈ રહી છે, તે જોતાં શું એકાએક પાણી ઉત્પન્ન કરવાનો ઉકેલ મળી જવો અને રણપ્રદેશને લીલોછમ બનાવી દેવો શક્ય છે?

બદલાતું હવામાન

રણ પ્રદેશ, હરિયાળી, રેતાળ પ્રદેશ સંશોધકોની એક ટીમે શોધી કાઢ્યું છે કે સહરા રણના 20% ભાગને સૌર પૅનલ અને પવન ટર્બાઇનથી આવરી લેવાથી વરસાદનું પ્રમાણ બમણું થઈ શકે છે.
ઇમેજ કૅપ્શન, સંશોધકોની એક ટીમે શોધી કાઢ્યું છે કે સહરા રણના 20% ભાગને સૌર પૅનલ અને પવન ટર્બાઇનથી આવરી લેવાથી વરસાદનું પ્રમાણ બમણું થઈ શકે છે.

ચીનની બીજિંગ નૉર્મલ યુનિવર્સિટી ખાતે ભૌગોલિક વિજ્ઞાનના પ્રોફેસર યાન લી સમજાવે છે કે, "ડેઝર્ટીફિકેશન (મરુભૂમિકરણ)નો અર્થ એ છે કે, ઘાસનાં મેદાનો કે ઝાડીઓવાળી કુદરતી જમીન ક્રમશઃ સૂકાતી જાય અને આખરે તે રણમાં ફેરવાઈ જાય."

1970ના દાયકામાં વિજ્ઞાની જુલ ચાર્નીએ શોધ્યું હતું કે, મરુભૂમિકરણની પ્રક્રિયામાં માનવીય પ્રવૃત્તિઓ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસીના કાર્યક્રમ ક્રાઉડ સાયન્સમાં યાન લીએ કહ્યું હતું, "જ્યારે તમારી પાસે વધારે પશુધન હોય, ત્યારે તે પશુઓ ઘાસ ખાઈ જાય છે. આથી, ઘાસનું મેદાન વેરાન જમીન કે રેતીમાં ફેરવાઈ જાય છે."

આવું થાય, ત્યારે 'અલ્બેડો' અથવા તો સપાટીની પરાવર્તન ક્ષમતા બદલાય છે, કારણ કે, ખુલ્લી રેતી ઘણી તેજસ્વી હોવાથી તે અઢળક પ્રમાણમાં સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે.

જ્યારે જમીન ગરમી શોષી લેવાને બદલે તેનું પરાવર્તન કરે છે, ત્યારે ઉપરની હવા એટલી ગરમ નથી થતી. તેના કારણે ઓછા ભેજનું બાષ્પીભવન થાય છે અને ઘણાં ઓછાં વાદળ રચાય છે - જેથી તે પ્રદેશ વધુને વધુ સૂકો થતો જાય છે.

લીને વિચાર આવ્યો કે, જો તેનાથી ઊલટું કરવામાં આવે તો શું ધાર્યું પરિણામ મળી શકે? "જો આપણે અલ્બેડોની સપાટીને ઘટાડી દઈએ, તો? શું તેનાથી વરસાદ વધશે?"

તેઓ કહે છે, સૌર પૅનલ્સ તે માટેનું શ્રેષ્ઠ સાધન છે. સોલર પૅનલ્સ ઘેરા રંગની હોય છે અને ઘેરી સપાટી ગરમી શોષી લે છે, જેના કારણે હવા ગરમ થાય છે, ભેજ ઉપરની તરફ જાય છે અને વાદળો રચાય છે.

જો સહરાના રણનો 20 ટકા પ્રદેશ ઘાટા રંગની સોલાર પૅનલ્સથી આચ્છાદિત હોય, તો શું થાય? - તે ધ્યાનમાં રાખીને તેમની ટીમે એક મૉડલ બનાવ્યું.

સાથે જ તેમણે પવનચક્કીઓ પણ ઉમેરી. "પવનચક્કીને પગલે વાતાવરણમાં ઘર્ષણ સાથે વધુ ઊર્જા ટ્રાન્સફર થઈ શકે છે. આ ગતિવિધિ હવામાન અને વાદળો રચે છે."

તેમના મૉડલે સહરાના રણનો સરેરાશ વરસાદ બમણો થઈ જવાની આગાહી કરી હતી.

પણ અત્યારે તો તે માત્ર એક નમૂનો જ છે. વળી, 20 લાખ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારને આવરી લેવા માટે મોટાપાયે સોલર પૅનલ્સ તથા પવનચક્કીઓની જરૂર પડશે. આ કદ લગભગ મૅક્સિકો કે ઇન્ડોનેશિયા જેટલું છે.

લી એમ પણ જણાવે છે કે, આ પદ્ધતિ કેવળ સહરા જેવા મહાસાગરની નજીક આવેલાં સ્થળોએ જ કામ કરે છે, જ્યાં ભેજવાળી હવા જમીન તરફ ખેંચી શકાય.

ગોબી કે મધ્ય પૂર્વનાં રણ જેવાં અન્ય ઘણાં રણ સમુદ્રથી ઘણે દૂર આવેલાં છે.

હવામાંથી પાણી કેવી રીતે ખેંચવામાં આવે?

રણ પ્રદેશ, હરિયાળી, રેતાળ પ્રદેશ બીબીસી ગુજરાતી ગુજરાત
ઇમેજ કૅપ્શન, ચિલીના અટાકામા રણમાં ધુમ્મસ સંગ્રહનો ઉપયોગ થાય છે.

આપણે જેને ઘણી વખત પૃથ્વીનું સૌથી શુષ્ક સ્થળ કહીએ છીએ, તે ચિલીમાં આવેલા અટાકામા રણમાં એવી ટૅક્નૉલૉજી કાર્યરત છે, જે હવામાંથી પાણી ખેંચે છે.

ચિલીના યુનિવર્સિડેડ મેયર ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તથા ભૂગોળશાસ્ત્રી વર્જિનીયા કાર્ટર આ ફોગ કલેક્શન સિસ્ટમ (ઝાકળનું એકત્રીકરણ કરવાની વ્યવસ્થા) ઊભી કરવાના નિષ્ણાત છે.

તેઓ કહે છે, "ચિલીમાં આશરે 50 વર્ષ પહેલાં ફોગ હાર્વેસ્ટિંગની શરૂઆત થઈ હતી. આ પાછળનો વિચાર રણનાં વાદળોમાંથી પાણી મેળવવાનો છે."

ઝાકળનું પાણી મેળવવું એકદમ સરળ છે - થાંભલાઓ વચ્ચે એક જાળી લટકાવવામાં આવે છે અને જ્યારે ભેજયુક્ત વાદળાં તે ઝીણી જાળીમાંથી પસાર થાય છે, ત્યારે ટીપાં બને છે. તે પછી પાણીને પાઇપ તેમજ સંગ્રહ માટેની ટાંકીઓમાં મોકલાય છે.

કાર્ટર કહે છે કે, ઉત્તર ચિલીમાં પ્રત્યેક ચોરસ મીટરદીઠ રોજનું સરેરાશ બે લીટર પાણી એકત્રિત કરી શકાય છે, જ્યારે અન્ય સ્થળોમાં સાત લીટર જેટલું પાણી મળી શકે છે.

તો, શું ફોગ હાર્વેસ્ટિંગ સિસ્ટમ રણને હરિયાળું બનાવવામાં મદદરૂપ બની શકે?

કાર્ટર કહે છે કે, એવી શક્યતા રહેલી છે. તેમની ટીમ હાલમાં હાઇડ્રોપોનિક્સ (માટીને બદલે પાણી આધારિત પોષક દ્રાવણમાં છોડ ઉગાડવાની પદ્ધતિ) માટે અટાકામાના રણમાં એક પ્રોજેક્ટ હાથ ધરી રહી છે.

પણ તેની કેટલીક મર્યાદાઓ રહેલી છે. તેમાં અન્ય તકનીકોની તુલનામાં ઘણું ઓછું પાણી મેળવી શકાય છે અને તમારે જ્યાં ઝાકળ હોય, એવી જગ્યાએ હોવું જરૂરી છે અને તે સામાન્યતઃ દરિયાકાંઠાની નજીક હોય છે.

દરિયાના પાણીમાંથી મીઠું પાણી

રણ પ્રદેશ, હરિયાળી, રેતાળ પ્રદેશ
ઇમેજ કૅપ્શન, 150થી વધુ દેશો પાણી પુરવઠા માટે ડિસેલિનેશનનો ઉપયોગ કરે છે

વૈશ્વિક સમુદ્રની સપાટી જેમ-જેમ વધી રહી છે, તે જોતાં શું સીધું દરિયામાંથી જ પાણી લેવાથી મદદ મળી શકે?

આમ તો, દરિયાઈ પાણીમાંથી ક્ષાર દૂર કરવાની પ્રક્રિયા (ડિસલિનેશન) અત્યંત શક્તિશાળી છે, પણ આજે જે રીતે આ પ્રક્રિયા પાર પાડવામાં આવે છે, તેમાં ઘણી ઊર્જા ખર્ચાય છે અને તે મોટાભાગે અશ્મિગત ઈંધણ પર આધારિત હોય છે.

યુનિવર્સિટી ઑફ ડર્બીના પ્રોફેસર ક્રિસ્ટોફર સેનસમ સૌર ઊર્જા પર આધારિત નાનાં ડિસલિનેશન યુનિટ્સ વિકસાવી રહ્યા છે.

આ યુનિટ્સ સૂર્યપ્રકાશને પાઇપો પર કેન્દ્રિત કરવા માટે અરીસાનો ઉપયોગ કરે છે. જે દરિયાઈ પાણીને ઉકાળી શકે છે અને તેમાંથી મીઠું અલગ કરી શકે છે.

રણ પ્રદેશ હરિયાળો બનાવવાની વાત હમણાં બાજુએ રાખીએ, તો પણ, માનવ આવશ્યકતાઓને સંતોષવા માટે પણ ડિસલિનેશન મોટાપાયે વધારવું પડશે.

અને ગમે તેટલા પ્રયત્નો કરીએ, તો પણ તેમાં અઢળક માત્રામાં મીઠું બચે છે, જે આ છોડની આસપાસનાં પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે.

શું આપણે આમ કરવું જોઈએ?

રણ પ્રદેશ, હરિયાળી, રેતાળ પ્રદેશ
ઇમેજ કૅપ્શન, વિશ્વભરમાં લાખો લોકો રણમાં રહે છે

સૈદ્ધાંતિક રીતે, આપણે દરિયાના પાણીને તાજાં પાણીમાં રૂપાંતરિત કરીને, વાદળોને રોકીને કે પછી રણનું હવામાન બદલીને પણ રણને લીલુંછમ બનાવી શકીએ છીએ.

પણ રણ સ્વાભાવિક રીતે ખરાબ નથી. રણ એ "પૃથ્વી પરની કુદરતી ઘટના છે. જો રણ સ્થિર હોય, તો તેમાં કશો વાંધો નથી, આપણે તેને યથાવત્ સ્થિતિમાં રહેવા દઈ શકીએ છીએ," એમ લીએ જણાવ્યું હતું.

યુનિવર્સિટી ઑફ નોટિંધમનાં વનસ્પતિ વિજ્ઞાની ઝિનિયા ગોન્ઝાલેસ કારેન્ઝા કહે છે, "રણને લીલુંછમ બનાવવાનો પ્રયત્ન કરવાને બદલે કે પછી રણમાં પાણી લાવવાને બદલે, આપણે ત્યાં વસી રહેલી જીવસૃષ્ટિનું રક્ષણ કરવાની જરૂર છે."

તેઓ કહે છે કે, રણ પ્રદેશને લીલોછમ બનાવવાનો પ્રયત્ન પર્યાવરણ માટે તેમજ તેને પોતાનું ઘર કહેનારા લોકો માટે લાંબા ગાળે નુકસાનકારક નીવડી શકે છે.

તેઓ સમજાવે છે, "છોડ લાવવાથી આપણે કદાચ થોડા સમય સુધી સારો પાક મેળવી શકીશું, પણ તે પાછળ પુષ્કળ પાણી વપારશે. અને અમે જોયું છે કે, જો તે પાક માટે પુષ્કળ પાણી વાપરવામાં આવે, રણની આસપાસ વસતા સમુદાયો માટે જ સમસ્યા સર્જાતી હોય છે."

તેઓ ઉમેરે છે, "મને લાગે છે કે, શ્રેષ્ઠ ઉપાય એ જ છે કે, આપણે સાચા અર્થમાં રણને સમજીએ, તેનો આદર કરીએ અને તેની સાથે મળીને કામ કરવાનો પ્રયત્ન કરીએ."

(બીબીસી વર્લ્ડ સર્વિસ ઉપર ક્રાઉડસાયન્સના એપિસોડ પર આધારિત.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન