અમેરિકાનો ઈરાનમાં ચાબહાર સહિત 170 સ્થળે હુમલો, ઈરાને કુવૈત અને બહેરીનમાં કર્યો વળતો પ્રહાર

ઈરાનમાં અમેરિકાનો હુમલો

ઇમેજ સ્રોત, Centcom

ઇમેજ કૅપ્શન, ઈરાનમાં અમેરિકાનો હુમલો
પ્રકાશિત
વાંચવાનો સમય: 8 મિનિટ

ઈરાનની સેનાએ કહ્યું છે કે તેણે ડ્રોન મારફતે કુવૈત, કતાર અને બહેરીનમાં અમેરિકન સૈન્યમથકો પર હુમલા કર્યા છે.

કુવૈત ખાતે અમેરિકન પેટ્રિયટ મિસાઇલ સિસ્ટમ, કતારમાં એક સૅટેલાઇન ઍન્ટીના આધારિત વૉર્નિંગ સિસ્ટમ અને બહેરીનમાં અમેરિકન ફ્લૂઅલ સ્ટોરેજ ફેસિલીટીઝને 'મોટી સંખ્યામાં' હુમલાખોર ડ્રોનને નિશાન બનાવ્યાં છે. આ નિવેદન ઈરાનના કેટલાંક સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ કરાયું છે, જેમાં દેશના સરકારી પ્રસારક પણ સામેલ છે.

ઈરાની સેનાએ કહ્યું કે તેણે આ હુમલા અમેરિકન ઍર સ્ટ્રાઇકના જવાબમાં કર્યા છે. સાથે જ ઈરાને માન્યું કે અમેરિકાના હુમલામાં તેના ત્રણ લોકોનાં મોત થયાં છે.

આની પહેલાં બહેરીન, કુવૈત અને કતાર સહિત કેટલાક ખાડી દેશોએ હુમલા વિશે પોતાના નાગરિકોને ઍલર્ટ કર્યા છે.

ત્યારે અમેરિકન સેનાએ દાવો કર્યો હતો કે ઈરાન પર હુમલાની સતત બીજી રાત્રે દેશભરમાં લગભગ 90 ઠેકાણાં પર હુમલા કર્યા છે. અમેરિકાએ બે રાતોમાં ઈરાનનાં 170 ઠેકાણાંને નિશાન બનાવ્યાંનો દાવો કર્યો છે.

અમેરિકન સેંટકૉમે હુમલાનો એક વીડિયો ઍક્સ પર પોસ્ટ કર્યો અને લખ્યું છે કે, આ હુમલાનો ઉદ્દેશ્ય હોર્મુઝ સામુદ્રધુનીમાં કૉમર્શિયલ જહાજો અને નિર્દોષ નાવિકો પર હુમલા કરવાની ઈરાનની ક્ષમતાને વધુ નબળી પાડવાનો હતો.

નિશાન બનાવાવમાં આવેલાં ઠેકાણાંમાં ડિફેન્સ સિસ્ટમ, કોસ્ટલ સર્વેલન્સનાં ઉપકરણો, મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ, નેવીનાં ઠેકાણાં અને ઈરાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં સૈન્ય લૉજિસ્ટિક્સનાં માળખાં સામેલ હતાં.

સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે, "આ તાજેતરના હુમલા ઈરાનમાં ગત રાત્રે કરાયેલા સફળ આક્રામક હુમલા બાદ કરાયા છે."

ત્યારે ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (આઈઆરજીસી)એ પુષ્ટિ કરી છે કે તેણે રાત્રે કુવૈત અને બહેરીન ખાતે અમેરિકન સૈન્યમથકો પર વળતા હુમલા કર્યા છે.

આઈઆરજીસીએ કહ્યું કે આ અમેરિકાને યુદ્ધવિરામ તોડવાની સજા છે અને સાથે જ અમેરિકાને ચેતવણી આપી કે જો તેના હુમલા ચાલુ રહ્યા તો ઈરાન ક્ષેત્ર ખાતે આવેલાં અમેરિકન મથકોને પણ નિશાન બનાવશે.

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને શું ધમકી આપી હતી?

હોર્મુઝ સામુદ્રધુની પાસે અમેરિકાના હુમલા પછીની સ્થિતિની એક તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, હોર્મુઝ સામુદ્રધુની પાસે અમેરિકાના હુમલા પછીની સ્થિતિની એક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હુમલાના કેટલાક કલાકો પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 'ભારે નુકસાન પહોંચાડવાની' ધમકી આપી હતી.

ટ્રમ્પે કહ્યું કે આ હુમલા "ગઈકાલે ઈરાને હોર્મુઝ સામુદ્રધુનીમાં જહાજો પર જે બૉમ્બમારો કર્યો હતો, તેના જવાબમાં કરવામાં આવ્યા છે."

તેમણે ચેતવણી આપી હતી કે 'જો ફરી આવું થયું, તો તેનો જવાબ આનાથી પણ ઘણો કઠોર હશે.'

ઈરાની મીડિયા અનુસાર, દેશના દક્ષિણ ભાગમાં આવેલા દરિયાકાંઠામાં વિસ્ફોટોનો અવાજ સાંભળવા મળ્યો હતો અને પર્શિયન ખાડીમાં ઈરાનના નિયંત્રણવાળા દ્વીપોને નિશાન બનાવાયા છે.

ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બગર ગાલિબાફે આ હુમલા પર પ્રતિક્રિયા આપતા ઍક્સ પર લખ્યું કે, "અમેરિકાએ અત્યાર સુધી નથી શીખ્યું કે ધમકી આપવી અને પોતાના વાયદા તોડવાની કિંમત હવે ચૂકવવી પડે છે. હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગું છું કે, જો તમે હુમલો કરશો, તો વળતા હુમલા પર સહન કરવા પડશે."

યુએસ સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે ઈરાને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતાં ત્રણ કોમર્શિયલ જહાજોને નિશાન બનાવ્યાં હતાં અને તેના જવાબમાં અમેરિકાએ તેના પર હુમલો કર્યો છે.

દરમિયાન, ઈરાને કહ્યું કે તેણે બુધવારે વહેલી સવારે બહેરીન અને કુવૈતમાં અમેરિકન લશ્કરી થાણાં પર બદલો લેવા માટે હુમલા કર્યા.

ટ્રમ્પની અગાઉની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતાં, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું, "અમે અભદ્રતાનો જવાબ અભદ્રતાથી નથી આપતા, પરંતુ કાર્યવાહી કરીને અને નિર્ભયતાથી આપીએ છીએ."

ચાબહાર પર પણ હુમલો થયો

ઈરાનનો હુમલો

ઇમેજ સ્રોત, Reuters

ઈરાનના દરિયાકાંઠાના પ્રદેશના અન્ય ભાગોમાંથી પણ અનેક વિસ્ફોટોના અહેવાલ મળ્યા છે, જેમાં કોનારાક અને ચાબહાર શહેરોનો સમાવેશ થાય છે.

ઈરાની સરકારી ટીવીએ બંદર અબ્બાસમાં આઠ વિસ્ફોટોના અહેવાલ આપ્યા હતા, જ્યારે દક્ષિણ ઈરાનના સિરિક અને જસ્ક બંદરો પર બે-બે મિસાઇલ ટકરાઈ છે.

તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બે પ્રોજેક્ટાઇલ અબુ મુસા ટાપુ પર પડ્યા હતા, જે ટાપુની માલિકી ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો વિષય છે.

ઈરાનના સરકારી મીડિયાના અહેવાલો અનુસાર, બંદર અબ્બાસમાં ઍર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે.

અમેરિકાના હુમલાથી થયેલા નુકસાનનું પ્રમાણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ ઈરાની મીડિયાએ ચાબહારમાં વીજળી ગુલ થવા અને બુશહરમાં ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (IRGC) બૅરેકમાં આગ લાગવાના અહેવાલ આપ્યા છે.

ઈરાની સ્ટુડન્ટ્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ચાબહારમાં કપાઈ ગયેલી ત્રણ પાવર લાઇનોમાંથી બે લાઇનને ઝડપથી પુનઃસ્થાપિત કરવામાં આવી છે, જ્યારે ત્રીજી લાઇન પણ ટૂંક સમયમાં કાર્યરત થશે.

બુધવારે આઠમી જુલાઈના રોજ સાંજે ઍરફૉર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતાં, અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ઈરાને 'થોડા સમય પહેલાં' સંપર્ક કર્યો હતો અને તેઓ ખરેખર કરાર કરવા માગતા હતા.

ટ્રમ્પે વધુમાં કહ્યું, "મને ખબર નથી કે તેઓ સોદો કરવા સક્ષમ છે કે નહીં. મને ખબર નથી કે તેઓ સોદાનું પાલન કરશે કે નહીં, તે સૌથી મોટી સમસ્યા છે."

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

અગાઉ, તુર્કીમાં નાટો સમિટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ સાથે પત્રકારો સાથે વાત કરતી વખતે, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પરના એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, "અમે મંગળવારે રાત્રે તેમના પર ખૂબ જ જોરદાર હુમલો કર્યો, ખૂબ જ જોરદાર."

તેમણે કહ્યું કે અમેરિકા "કદાચ આજે રાત્રે ફરીથી તેમના પર મોટો હુમલો કરશે."

"મેં તેમને પહેલેથી જ થોડી ચેતવણી આપી દીધી છે. અમે આજે રાત્રે ફરીથી તેમના પર જોરદાર પ્રહાર કરીશું," ટ્રમ્પે કહ્યું.

ટ્રમ્પે કહ્યું કે અમેરિકા હાલમાં ઈરાન પર મોટા હુમલાઓ કરી રહ્યું નથી. તેમણે ચેતવણી આપી હતી કે ભવિષ્યના હુમલાઓ પુલ અને ડિસેલિનેશન પ્લાન્ટ જેવી મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને નિશાન બનાવી શકે છે.

રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે અમેરિકા તેના દરિયાકાંઠે ઈરાનના મુખ્ય ઑઇલ ઍક્સપોર્ટ ટર્મિનલ, ખાર્ગ ટાપુને કબજે કરી શકે છે, અને તેમણે દાવો કર્યો કે તહેરાન તેની સામે "કંઈ કરી શકશે નહીં".

તેમણે ફરી પુનરોચ્ચાર કર્યો હતો કે, "આજે રાત્રે એક મોટો હુમલો થઈ શકે છે."

ત્યાર બાદ, યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ચેતવણી આપી હતી કે જો આવો હુમલો થશે, તો તે ઈરાનની અંદરના વિસ્તારોને વધુ નિશાન બનાવશે.

નાટો સમિટ દરમિયાન પત્રકારો સાથે વાત કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે હવે ઈરાન સાથેના તેમના તમામ હિસાબ પૂરા થઈ ગયા છે.

તેમણે એમ પણ કહ્યું કે વાટાઘાટ કરનારા લોકો ઈરાન સાથે વાત કરીને પોતાનો સમય બગાડી રહ્યા છે.

ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈરાનથી ખુશ નથી અને અમેરિકાના વલણને ફરી સ્પષ્ટ કર્યું હતું કે ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવાની મંજૂરી આપી શકાશે નહીં.

તેમણે ઉમેર્યું, "મારો આખો મુદ્દો સત્તા પરિવર્તનને લઈને નથી."

ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા તરફ નોંધપાત્ર પ્રગતિ કરી છે.

ટ્રમ્પે કહ્યું કે ઈરાન હવે મધ્ય પૂર્વમાં પોતાનો રોફ જમાવનાર દેશ રહ્યો નથી. તેમણે ઈરાનના નેતૃત્વને સનકી ગણાવ્યું હતું.

ટ્રમ્પના વલણમાં બદલાવ

સ્વિટ્ઝરલૅન્ડમાં થયેલી ચાર પક્ષીય મુલાકાતની એક તસવીર

ઇમેજ સ્રોત, Nathan Howard-Pool/Getty Images

ઇમેજ કૅપ્શન, સ્વિટ્ઝરલૅન્ડમાં થયેલી ચાર પક્ષીય મુલાકાતની એક તસવીર

એવું લાગે છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વલણમાં થોડો ફેરફાર થયો છે.

કેટલાંક અઠવાડિયાં સુધી એવો આશાવાદ લાગતો હતો કે ક્યારેક ક્યારેક લડાઈ થવા છતાં, વાટાઘાટો પ્રગતિ કરી રહી છે અને આખરે તેમાં સફળતા મળશે.

પરંતુ હવે એવું લાગે છે કે ટ્રમ્પ એવા નિષ્કર્ષ પર આવી ગયા છે કે આ સંઘર્ષ નિર્ણાયક વળાંક પર પહોંચી શકે છે.

હવે તે આશાવાદ ઓછો થઈ ગયો છે, અને ટ્રમ્પે હુમલાઓના નવા પડાવની શક્યતાને નકારી નથી. તેની શરૂઆત આજે રાત્રે થઈ શકે છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથેની મુલાકાત દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું, "આપણે જોઈશું કે આગળ શું થાય છે. હું તેમનાથી ખુશ નથી."

જો વાટાઘાટો સંપૂર્ણપણે નિષ્ફળ જાય અને યુદ્ધવિરામ તૂટી જાય, તો તે સ્થાનિક રાજકારણમાં ટ્રમ્પ માટે મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. તેમની પોતાની રિપબ્લિકન પાર્ટીના કેટલાક નેતાઓ શરૂઆતથી જ યુદ્ધ અંગે બહુ અસહજ રહ્યા છે.

કેટલાક નેતાઓએ ખુલ્લેઆમ પ્રશ્ન કર્યો છે કે યુદ્ધવિરામ લંબાવવાના 14 મુદ્દાના કરારથી અમેરિકાને શું ફાયદો થયો અને શું ઈરાન પર હોર્મુઝ સામુદ્રધુનીને ફરીથી ખુલ્લી મૂકવા રાખવા માટે વિશ્વાસ કરી શકાય કે નહીં.

જો લડાઈ ફરી શરૂ થાય છે, તો અમેરિકાના સાંસદોની નજરમાં એ સાબિત થશે કે તેમનો ડર વાજબી હતો.

'તેમની સાથે વાત કરવી એ સમયનો બગાડ છે'

અગાઉ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો સમિટ દરમિયાન પત્રકારોને કહ્યું હતું કે, "મને લાગે છે કે હવે બધું પૂરું થઈ ગયું છે. હું હવે તેમની સાથે વાત કરવા માંગતો નથી. તેઓ ખરાબ લોકો છે."

ટ્રમ્પે કહ્યું, "જ્યાં સુધી મને ચિંતા છે, તે મામલો સમાપ્ત થઈ ગયો છે. તેમની સાથે વાત કરવામાં સમયનો બગાડ છે. તેઓ જૂઠું બોલે છે."

તેમણે એમ પણ કહ્યું કે બંને પક્ષના વાટાઘાટકારો ઇચ્છે તો વાત કરી શકે છે, પરંતુ 'તેઓ પોતાનો સમય બગાડી રહ્યા છે.'

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનના વાટાઘાટકર્તાઓ વિશે કહ્યું, "તેઓ ખરેખર માનસિક રીતે બીમાર છે. તેમના નેતાઓ માનસિક રીતે બીમાર લોકો છે."

"મારા મતે, તેમની સાથે વ્યવહાર કરવો એ ફક્ત સમયનો બગાડ છે."

ટ્રમ્પે ઉમેર્યું કે તેઓ "સ્ટીવ વિટકોફ અને જેરાલ્ડ કુશનર સાથે વાત કરશે."

પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે "વાટાઘાટોના ટેબલ પર પાછા ફરવું એ ઈરાન પર નિર્ભર છે."

બીજા પ્રશ્નના જવાબમાં, અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું, "દરેક વ્યક્તિ સંમત છે કે તેમની પાસે પરમાણુ શસ્ત્રો ન હોવા જોઈએ."

"અમે એક કરાર પર પહોંચ્યા હતા પરંતુ બાદમાં તેઓ મીડિયાને બતાવવાનો પ્રયાસ કરે છે કે આવી કોઈ વાતચીત થઈ નથી."

ટ્રમ્પનું આ નિવેદન ઈરાન અને અમેરિકા દ્વારા બદલો લેવાના હુમલાઓ બાદ આવ્યું છે, જેમાં બંને દેશોએ એકબીજા પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.

શું વાતચીતનો રસ્તો બંધ થઈ ગયો છે?

કેરી ડેવિસ, બીબીસી સંવાદદાતા

ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષનો અંત લાવવા માટે થયેલા સમજૂતી કરાર (MoU) ને એક મહિનો પણ થયો નથી.

ટૅક્નિકલ રીતે જોઈએ તો, ઍપ્રિલની શરૂઆતમાં યુદ્ધવિરામ અમલમાં આવ્યો હતો.

જોકે, બંને પક્ષો અગાઉ પણ એકબીજા પર જવાબી હુમલા દરમિયાન સીઝફાયર ઉલ્લંઘનનો આરોપ લગાવતા રહ્યા હતા.

બુધવારે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે યુદ્ધવિરામ સમાપ્ત થઈ ગયો છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે બંને પક્ષોના વાટાઘાટકર્તાઓ વાતચીત ચાલુ રાખી શકે છે.

એક તરફ, તેમનું નિવેદન કરારનો માર્ગ બંધ કરતું લાગે છે, જ્યારે બીજી તરફ, વાતચીત માટે થોડો અવકાશ રહે છે.

તેમનું વલણ અગાઉનાં નિવેદનો જેવું જ છે. એ વખતે પણ તેમણે સમાધાન ન થાય તો કડક કાર્યવાહી અને તબાહીની ચેતવણી આપી હતી.

ટ્રમ્પનું તાજેતરનું નિવેદન તેમના ગુસ્સા અને નિરાશાને પ્રતિબિંબિત કરે છે. હવે મોટો પ્રશ્ન એ છે કે શું આનાથી બંને દેશો વચ્ચે નવેસરથી તણાવ અને લશ્કરી મુકાબલો થશે?

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, SAUL LOEB / AFP via Getty Images

ટ્રમ્પનાં નિવેદનો જોઈએ તો તેમણે વારંવાર તેમનું વલણ બદલ્યું છે.

21 એપ્રિલ - 8 એપ્રિલના રોજ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કામચલાઉ યુદ્ધવિરામ બાદ, ટ્રમ્પે 21 એપ્રિલના રોજ જણાવ્યું હતું કે તેઓ બે અઠવાડિયાંના યુદ્ધવિરામને લંબાવવા માંગતા નથી કારણ કે તેમને અપેક્ષા હતી કે બૉમ્બમારો ટૂંક સમયમાં ફરી શરૂ થશે. જોકે, તે દિવસે પાછળથી તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની વિનંતી પર અમેરિકાના હુમલાઓ અટકાવી દેવામાં આવ્યા છે.

8 મે - ટ્રમ્પે કહ્યું કે દુનિયાને ખબર પડી જશે કે સીઝફાયર ખતમ થઈ ગયું છે, જ્યારે ઈરાનમાં મોટી જ્વાળાઓ દેખાશે.

11 મે - થોડા દિવસો પછી, ટ્રમ્પે કહ્યું કે યુદ્ધવિરામ કોઈ રીતે વેન્ટિલેટર પર હતો.

11 જૂન - ટ્રમ્પે સંકેત આપ્યો કે યુદ્ધવિરામ સમાપ્ત થઈ ગયો છે. તેમણે ઈરાન સામે ખૂબ જ કડક કાર્યવાહીની ધમકી આપી. પરંતુ એ સાંજે તેમણે આયોજિત હુમલાઓ રદ કર્યા.

17 જૂન - યુદ્ધનો અંત લાવવા માટે પ્રારંભિક કરાર પર હસ્તાક્ષર કરતી વખતે, ટ્રમ્પે કહ્યું, "જો તેઓ સારો વ્યવહાર નહીં કરે, તો અમે ફરીથી બૉમ્બમારો શરૂ કરીશું."

8 જુલાઈ – ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો કે યુદ્ધવિરામ સમાપ્ત થઈ ગયો છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે બંને પક્ષોના વાટાઘાટકર્તાઓ વાટાઘાટો ચાલુ રાખી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન