'અશાંત વિસ્તાર' હવે ગણાશે 'નિર્દિષ્ટ વિસ્તાર', નવા સુધારા બાદ હવે કોઈ પણ નારાજ વ્યક્તિની થઈ શકશે સીધી દખલ?

ઇમેજ સ્રોત, Roxy Gagdekar Chhara
- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી ગુજરાતી માટે
- વાંચવાનો સમય: 7 મિનિટ
ગુજરાત વિધાનસભામાં 'અશાંતધારા (સુધારા) વિધેયક-2026' પસાર થતા હવે આ કાયદો અમુક પરિવર્તનો સાથે અમલી બનશે. આ સુધારા અંતર્ગત 'અશાંત વિસ્તાર'ની વર્ષો જૂની ઓળખ બદલીને તેને 'નિર્દિષ્ટ વિસ્તાર ધારા' ગુજરાત સ્પેસિફાઇડ એરિયા ઍક્ટ તરીકે નવી વ્યાખ્યા આપવામાં આવી છે.
અશાંત ધારાને લઈને વકીલોનું માનવું છે કે, આ બિલમાં થયેલા ફેરફારમાં કલેકટરની સત્તામાં વધારો, તેમજ અશાંત ધારા હેઠળ આવતી સંપત્તિ ખરીદ વેચાણમાં નારાજ વયક્તિના વ્યાપમાં પણ વધારો કરે છે.
"અશાંત વિસ્તારો" એ શબ્દો જ્યાં જ્યાં આવતા હોય ત્યાં, તેને બદલે, અનુક્રમે "નિર્દિષ્ટ વિસ્તાર " અથવા "નિર્દિષ્ટ વિસ્તારો" એ શબ્દો મૂકવાની વાત પણ નવા વિધેયકમાં કરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે ગત મહિને જ અમદાવાદ પશ્ચિમ સહિત રાજકોટની કેટલીક સોસાયટીઓએ તેમના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા કલેકટરને આવેદન પણ આપ્યું હતું.
અમદાવાદના ન્યૂ એસજી રોડ ઍન્ડ કે.એન સિટી સોસાયટી ઍસોસિયેશન હેઠળ ચાંદલોડિયા, ગોદરેજ ગાર્ડન સિટી, જગતપુર, ગોતા, વંદે માતરમ, ન્યૂ સાયન્સ સિટી રોડ જેવા વિસ્તારોની 400થી વધુ સોસાયટીઓએ તેમનો વિસ્તાર અશાંતધારા હેઠળ આવે તેવી માંગણી કરી છે. ગુજરાતમાં વારંવાર આવી માગણી થતી રહે છે.
ત્યારે હવે 'અશાંતધારા (સુધારા) વિધેયક-2026' પસાર થતા કયા પરિવર્તનો આવશે. શહેરોમાં રહેઠાણની વ્યવસ્થામાં કેવા ફેરફાર જોવા મળશે. અને તેમાં શું શું જોગવાઈ છે તે આપણે આગળ જોઈએ.
પસાર થયેલા સુધારા વિધેયકમાં અશાંત ધારાની નવી વ્યાખ્યા આ પ્રમાણે છે.
રાજ્ય સરકારના અભિપ્રાય પ્રમાણે, હુલ્લડ અથવા ટોળાની હિંસાને કારણે, રાજ્યના કોઈ વિસ્તારમાં જાહેર વ્યવસ્થાને નોંધપાત્ર મુદત સુધી ખલેલ પહોંચી હતી, અથવા રાજ્યનો કોઈ એવો વિસ્તાર, જેમાં સમુદાયો વચ્ચે કોમી તંગદિલીને કારણે, જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચી શકે છે અથવા તેમ થવાની 'શક્યતા' છે, જે આ વિસ્તારમાં રહેતા લોકોના અનૈચ્છિક સ્થળાંતરમાં પરિણમી ત્યારે તે રાજપત્રમાં જાહેરનામાથી આવા વિસ્તારને, નિર્દિષ્ટ વિસ્તાર તરીકે જાહેર કરી શકાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સુધારા વિધેયકમાં મુખ્ય શું બદલાયું?

ઇમેજ સ્રોત, GUJARAT VIDHANSABHA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નવા સુધારા મુજબ, કલેક્ટર પાસે હવે વધુ વ્યાપક સત્તાઓ હશે. મિલકતની તબદીલીમાં કોઈ ગેરરીતિ જણાય તો કલેક્ટર કોઈની ફરિયાદની રાહ જોયા વગર 'સુઓ મોટો' લઈ તપાસ શરૂ કરી શકશે.
જો કોઈ મિલકતની તબદીલી વાંધાજનક કે કાયદા વિરુદ્ધ જણાશે, તો કલેકટરને તે કામચલાઉપણે પોતાના કબજામાં લેવાની સત્તા મળી છે.
તે ઉપરાંત નાણાકીય સંસ્થાની તરફેણમાં ગીરો મૂકીને નિર્દિષ્ટ વિસ્તારોમાં આવેલી કોઈ પણ સ્થાવર મિલકતની તબદીલી માટે મંજૂરી મેળવવા માટે વ્યક્તિઓને થતી કોઈ પણ બિનજરૂરી હાડમારી ટાળવાનો ઉલ્લેખ કરાયો છે.
તેમજ વિસ્તારની ગંભીરતા અને ભૌગોલિક પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) અને સલાહકાર સમિતિની ભૂમિકાને વધુ સક્રિય બનાવવામાં આવી છે.
કર્મશીલ કલીમુદ્દીન સિદ્દિકી કહે છે, સુધારેલા વિધેયકમાં ડિસ્ટર્બ એરિયા ઍક્ટમાં ડિસ્ટર્બની જગ્યાએ નિર્દિષ્ટ 'સ્પેસિફાઇડ' શબ્દ વાપર્યો છે.
"હવે જ્યારે ગુજરાતમાં કૉમન વેલ્થ ગેમ્સ રમતો થવાની છે ત્યારે તે પણ પ્રશ્ન છે કે 'અશાંત વિસ્તાર' નામથી આ આયોજનમાંં પડકાર ઊભો કરી શકે છે."
"ત્યારે સરકારની મનશા છે કે, અશાંત ધારો રાખવો પણ છે, અને તેનું નામ પણ બદલવું છે તેથી તેમને 'સ્પેસિફાઇડ એરિયા' શબ્દ વાપર્યો છે."
આ બિલમાં થયેલા સુધારાઓ અંગે બીબીસીએ કાયદાના નિષ્ણાતો અને કર્મશીલો તેમજ સમાજ શાસ્ત્રીઓ સાથે વાત કરી હતી.
અત્યાર સુધીમાં અશાંત ધારામાં આવેલાં પરિવર્તનો
ધારાશાસ્ત્રીઓ અનુસાર, જ્યારે કોઈ વિસ્તારમાં કોમી રમખાણો કે હિંસાની ઘટનાઓ વારંવાર બનતી હોય, ત્યારે સરકાર તે વિસ્તારને 'અશાંત' જાહેર કરે છે.
નિષ્ણાતો માને છે કે કોઈ વ્યક્તિ ડરના માર્યા પોતાની મિલકત વેચીને ભાગી ન જાય, કોઈ ખાસ સમુદાયના લોકો અન્ય સમુદાયના વિસ્તારમાં મિલકત ખરીદીને વસ્તીના સંતુલનમાં ફેરફાર ન કરે, જેથી ભવિષ્યમાં સંઘર્ષ ટાળી શકાય. તેવો તે વખતની સરકારનો અભિગમ હતો.
ધ ગુજરાત પ્રોહિબિશન ઑફ ટ્રાન્સફર ઑફ ઇમૂવેબલ પ્રૉપર્ટીઝ ઍક્ટ ઍન્ડ પ્રોવિઝન ફૉર પ્રોટેક્શન ઑફ ટેનન્ટ્સ ફ્રૉમ ઇવિક્શન ફ્રૉમ પ્રિમાઇસીઝ ઇન ડિસ્ટર્બ્ડ એરિયાઝ (સ્થાવર મિલકતોની ફેરબદલી પર પ્રતિબંધ અને અશાંત વિસ્તારોમાંથી ભાડૂતોની હકાલપટ્ટી સામે રક્ષણ) કાયદો 1986માં પ્રથમ અસ્તિત્વમાં આવ્યો હતો.
કાયદાના જાણકાર હાઇકોર્ટના એડવોકેટ તાહિર હાકિમ બીબીસી ગુજરાતીને જણાવે છે, આ કાયદો 1986માં અશાંત ધારો કૉંગ્રેસની સરકાર લાવી હતી.
"જે તે વખતે આવા અશાંત વિસ્તારો નક્કી કરવામાં આવતા હતા, વેચનાર અને ખરીદનારને કલેકટર પાસેથી પરવાનગી લેવી પડતી હતી."
તાહિર હાકિમ અનુસાર, ત્યારે એવું હતું કે, કલેકટર વેચનાર અને ખરીદનારને પૂછે, કે તમે સંમતિથી વેચો છો? કે તમને કોઈ ધાક ધમકી આપે છે? તે ઉપરાંત બજાર ભાવ મળે છે કે નહીં તેની ચકાસણી કર્યા બાદ એફિડેવિટ થાય છે અને ત્યારબાદ કલેકટર પરવાનગી આપે એટલે પ્રક્રિયા પૂર્ણ થતી હતી.
તાહિર હાકિમ કહે છે, 1991 બાદ આ કાયદો અમલમાં આવ્યો. તે પછી સમય વીતતા કાયદો વ્યવસ્થાને નુક્સાન થશે તેવાં કારણો બતાવી કલેકટર દ્વારા અશાંત ધારાના વિસ્તારોમાં સંપત્તિ ખરીદ વેચાણ માટેની કેટલીક પરવાનગીઓ રિજેક્ટ પણ કરવામાં આવતી હતી.
"આ કાયદો અવાર નવાર હાઇકોર્ટમાં પડકરાયો અને તેમાં સમયાંતરે સુધારા પણ થતાં રહ્યા છે."
"આમ 2020 સરકારે કાયદામાં સુધારો કર્યો હતો ત્યારે પણ કેટલાક શબ્દોને લઈને હાઇકોર્ટેનો સ્ટે આવ્યો હતો."
તાહિર હાકિમ કહે છે, ત્યારબાદ આ સરકાર ફરી એક વાર આ વખતના વિધાનસભા સત્રમાં સુધારા સાથે કાયદો લાવી છે, જેમાં સરકારે ધ્રુવીકરણ, અયોગ્ય ક્લસ્ટરિંગ, પોલરાઇઝેશન, ઇક્વિલિબ્રિયમ જેવા શબ્દો કાઢી નાખ્યા છે. તેના સ્થાને જે વિસ્તાર કોમી તંગદિલી થઈ હોય અથવા કોમી તંગદિલી થવાની શક્યતાઓ જેવા શબ્દોનો ઉલ્લેખ કર્યો છે.
કોમી તંગદિલી થવાની શકયતા ધરાવતો વિસ્તાર પણ અશાંત ધારા હેઠળ

ઇમેજ સ્રોત, SHAMSHAD PATHAN
કાયદા અભ્યાસુ, વકીલ શમશાદ પઠાણ કહે છે, એવા વિસ્તારો જ્યાં ભૂતકાળમાં કોમી રમખાણ થયાં છે કે નહીં તે જરૂરી નહીં પણ હુલ્લડ થવાની શક્યતા રહેલી હોય તેવા વિસ્તારોને આ કાયદામાં સ્થાન મળ્યું છે.
"પહેલા એવું હતું કે, જ્યારે કોઈ વિસ્તારમાં લાંબા કોમી રમખાણો થયાં હોય અને તેના લીધે લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હોય તેવા વિસ્તારને અશાંત ધારા હેઠળ રાખવામાં આવતો હતો."
એડ. તાહિર હાકિમ આ સુધારા વિધેયકની મહત્ત્વની બાબત પર ધ્યાન દોરતા કહે છે, આ પરિવર્તનમાં તેવો ઉલ્લેખ છે કે, એવા વિસ્તારો જ્યાં કોમી તંગદિલી થવાની શક્યતાઓ છે. જ્યારે જૂના કાયદામાં હતું કે લાંબા સમયથી હુલ્લડથી પ્રભાવિત વિસ્તારો હોય ત્યાં અશાંત ધારો આવે, પણ હવે માત્ર શક્યતા છે તેવું દર્શાવીને અશાંત ધારો લાગુ કરી શકાશે.
નારાજ વ્યક્તિની દખલ અંગે વિધેયકમાં શું સુધારા થયા
કાયદાવિદોનું કહેવું છે કે, જ્યારે કોઈ સંપત્તિ જે તે માલિકની હોય ત્યારે તે વેચનાર અને ખરીદનાર વયક્તિ સિવાય ત્રીજી વ્યક્તિને તે અટકાવવાનો કોઈ હક નથી રહેતો. આમ એમાં કોઈ ત્રીજી વ્યક્તિને દખલ ન કરવી જોઈએ પણ હવે કરાયેલા સુધારામાં નારાજ વ્યક્તિની વ્યાખ્યાને વ્યાપ વધ્યો છે.
વકીલો કહે છે, નવા કાયદામાં જે તે વિસ્તાર અશાંત જાહેર થાય તેમાં રહેતો કોઈ પણ રહીશ વાંધો લઈ શકે છે.
એડ. હાકિમ કહે છે, જૂના કાયદામાં હતું કે કલેકટરે 'વેચનાર એની મૂક સંમતિથી વેચે છે. તેને યોગ્ય ભાવ મળે છે કે નહીં અને ખરીદનાર પોતાની સંમતિથી ખરીદે છે અને તે વ્યાજબી ભાવ આપે છે કે નહીં' તે જોવાનું હતું તેમાં પહેલા 'નારાજ વ્યક્તિની દખલને સ્થાન ન હતું.
"હવે નવા સુધારેલા કાયદાઓમાં નારાજ વ્યક્તિની વ્યાખ્યાના વ્યાપ વધ્યો છે. એટલે જે વિસ્તાર અશાંત જાહેર થાય તેમાં ખરીદ વેચાણ કરતાં બંને પક્ષ સિવાય રહેતો કોઈ પણ રહીશ વાંધો લઈ શકે."
સામાન્ય ભાષામાં તેથી કોઈ બે વ્યક્તિની ખરીદ લે વેચમાં આસપાસ વ્યક્તિઓ પણ વાંધો ઉઠાવી શકે તેવી જોગવાઈ છે.
એડ. તાહિર ઉમેરે છે, ઉપરાંત, જૂના કાયદામાં પણ કલેક્ટરને સુઓમોટોની શક્તિ પણ મર્યાદિત હતી.
આમ વિધેયકમાં જણાવ્યા અનુસાર, અગાઉ કાયદામાં હતું કે, મિલકતનો કબજો લેવામાં તબદીલી કરનાર ચૂક કરે, તો મિલકત, કામચલાઉપણે કલેક્ટરના કબજામાં રહેશે" એ શબ્દોને બદલે, હવે "આવી મિલકતનો કબજો લેવામાં તબદીલી કરનાર ચૂક કરે, ત્યારે કલેક્ટરે, આપમેળે કે નારાજ થયેલી કોઈ વ્યક્તિએ કરેલી અરજીને આધારે કામચલાઉપણે આવી મિલકત પોતાના કબજામાં લેવડાવવી જોઈશે અને" એ શબ્દો મૂકવામાં આવ્યા છે.
એડ. તાહિર કહે છે, જૂના કાયદામાં પણ મૉનિટરિંગ અને ઍડવાઇઝરી કમિટીની વાત તેમાં પણ હતી.
આ કાયદાની સામાજિક અસરો

ઇમેજ સ્રોત, Arjun Patel/BBC
આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ ઇન્સ્ટિટ્યૂટ સેન્ટર ફૉર સોશિયલ સ્ટડિઝમાંથી નિવૃત્ત પ્રોફેસર સમાજશાસ્ત્રી ડૉ. અર્જુન પટેલ બીબીસી ગુજરાતીને જણાવે છે, એક તરફ સરકાર સૂત્રોમાં વસુદેવ કુટુમ્બકમની વાત કરે છે. અને તેમની કામગીરી તેનાથી વિપરીત છે.
અર્જુન પટેલ કહે છે, તેવું જરૂરી નથી કે, એક જ ધર્મ કે સમુદાયના લોકો સાથે રહેતા હોય તો ત્યાં સંપૂર્ણપણે શાંતિ પ્રવર્તે છે.
"ઉપરાંત એવું પણ નથી એક કરતા વધારે ધર્મના લોકો આસપાસ રહેતા હોય, ત્યાં હંમેશાં અશાંતિ હોય."
"સામાન્ય લોકો આવી બાબતોમાં કોઈ વાંધો હોતો નથી. આવા નિર્ણય લેવા માત્ર રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર છે."
અર્જુન પટેલ કહે છે, દરેક ભારતીય નાગરિકને ભારતમાં કોઈ પણ વિસ્તારમાં રહેવાની અને ધંધો કરવાની, હરવા ફરવાની છૂટ ભારતીય બંધારણ આપે છે.
પટેલ કહે છે, આવા કાયદાઓથી ભ્રષ્ટાચારની બારીઓ ખૂલે છે.
કયા કયા વિસ્તારોને અસર કરી શકશે?
એડ. શમશાદ પઠાણ કહે છે, આ બિલ સમગ્ર ગુજરાતમાં લાગુ પડશે તેથી હવે આ સ્પેસિફાઇડ એરિયામાં કોટ વિસ્તાર ઉપરાંતના બોપલ, ઘુમા, સેટેલાઇટ જેવા વિસ્તારો પણ આવી શકે છે.
"આ બિલ હવે કોઈ ગામને પણ અશાંત તારા હેઠળ લાગુ કરી શકવાની સત્તા આપે છે."
શમશાદ પઠાણનું માનવું છે કે, આ કાયદાની સૌથી મોટી અસર ખેડૂતો પર થશે ઉદાહરણ આપતા તેઓ કહે છે, જમીન વેચનારને જે તે વિસ્તારમાં બહુમતી સમુદાયના લોકોમાં જોઈતા ભાવમાં ખરીદદારો ન મળે અને ખુલ્લા બજારમાં જમીન વેચતા વેચાણકારોને વધુ કિંમત મળી શકે તેમ હોય તે આ કાયદાને કારણે અટકશે.
તેઓ કહે છે, "તેથી આ ખુલ્લા બજારમાં વેચાણકારોને થતા ફાયદાને અટકાવવાનું એક ષડયંત્ર પણ ગણી શકાય."
"આનાથી મોટા ઉદ્યોગપતિઓનો ફાયદો થવાનો છે."
પઠાણ કહે છે, "કાયદાને મુસ્લિમ અભિગમથી જોયા સિવાય પણ અન્ય બાબતોથી જોવું જોઈએ."
'ઘણી સોસાયટી અશાંત ધારો લાગુ કરવા માંગ કરી રહી હતી'

ઇમેજ સ્રોત, Getty Images
ગત કેટલાંક અઠવાડિયાંમાં અમદાવાદ અને રાજકોટમાં કેટલીક સોસાયટીઓએ અશાંત ધારો લાગુ કરવા અર્થે સામૂહિક આવેદન પણ આપ્યું હતું.
તેમનું કહેવું છે કે, ધાર્મિક સુરક્ષાના સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે.
ન્યૂ એસજી રોડ ઍન્ડ કે.એન સિટી સોસાયટી ઍસોસિયેશનના પ્રમુખ હિતેષ ઠક્કર બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે, "આ છેલ્લાં 12થી 13 વર્ષથી ચાલતો વિષય છે. જ્યારે બાબત 100થી વધારે અન્ય ધર્મના ઘર આ વિસ્તારોની સોસાયટીઓમાં વધી ગયા છે."
"જ્યારે કોઈ સોસાયટીની અંદર ધાર્મિક પ્રોગ્રામ હોય તેનો પણ અન્ય ધર્મના લોકો વિરોધ કરતા હોય છે. અમારો સાથ આપતા નથી."
"પ્રોગ્રામમાં ઝઘડાને કારણે ધાર્મિક વાતાવરણ પણ ડહોળાઈ રહ્યું છે. હવે એક હદ આવી ગઈ છે, સોસાયટીમાં ઘર લેતી વખતે એનઓસી લેતા નથી. અને ઓળખ છુપાવીને ઘર લેતા હોય છે. તેથી કલેકટર સહિત મુખ્ય મંત્રીને પણ અમે આવેદન આપ્યું છે."
હિતેષ ઠક્કર કહે છે, "આ ઍસોસિયેશનમાં ચાંદલોડિયા, ગોદરેજ ગાર્ડન સિટી, જગતપુર, ગોતા, વંદે માતરમ, ન્યૂ સાયન્સ સિટી રોડ જેવા વિસ્તારોની કુલ 400થી વધુ સોસાયટીઓ છે."
એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ જેમણે આ બિલને વિધાનસભામાં ટેકો આપ્યો હતો તેઓ બીબીસીને જણાવે છે, "અશાંત ધારો ભલે 1986માં આવ્યો અને 1992માં સુધારો પણ થયો હતો પણ એની અંદર રહેલી કેટલીક છટકબારીઓ હતી."
"કેટલાક બિલ્ડર સોસાયટીઓ ખરીદી રહ્યા છે તેથી સરકારે ફરીથી એમ સુધારા કર્યા છે. તેનું અમે સમર્થન કર્યું હતું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
































