પેરિસ પૅરાલિમ્પિકમાં 10 મીટર ઍર રાઇફલ સ્ટૅન્ડિંગ એસએચ1 સ્પર્ધામાં અવની લેખરાએ જીત્યો ગોલ્ડ

અવની લેખરા (ફાઇલ ફોટો)
ઇમેજ કૅપ્શન, અવની લેખરા (ફાઇલ ફોટો)
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

પેરિસ પૅરાલિમ્પિકમાં ભારતીય શૂટર અવની લેખરાએ પૅરાલિમ્પિક રેકૉર્ડ તોડીને 10 મીટર ઍર રાઇફલ સ્ટૅન્ડિંગ એસએચ1 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઉપરાંત મોના અગ્રવાલે 10 મીટર ઍર રાઇફલ સ્ટૅન્ડિંગમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો છે.

અવની પહેલા કોરિયાઈ શૂટર યુનરી લી સામે 0.8 પૉઇન્ટથી પાછળ હતાં. જોકે, કોરિયાઈ શૂટર અંતિમ શૉટમાં માત્ર 6.8 પૉઇન્ટ મેળવી શક્યાં જ્યારે અવનીએ 10.5 પૉઇન્ટ મેળવ્યાં.

પેરિસ પૅરાલિમ્પિકમાં અવનીએ 249.7 પૉઇન્ટનો સ્કોર કરીને પૅરાલિમ્પિકમાં નવો રેકૉર્ડ નોંધાવ્યો છે.

અવની લેખરા બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ ઇયર 2022 માટે નામાંકિત થયા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે ટૉક્યો પૅરાલિમ્પિક્સમાં તેમણે અસાકા શૂટિંગ રેંજમાં મહિલાઓની 10 મીટર ઍર રાઇફલ સ્ટૅન્ડિંગ એસ1 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો.

તે સમયે 19 વર્ષીય અવની પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા હતાં.

કોણ છે અવની લેખરા?

અવની લેખરા
ઇમેજ કૅપ્શન, અવની લેખરા

મૂળ જયપુરનાં રહેવાસી અવનીએ કાયદાનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2012માં એક કારદુર્ઘટના બાદથી તેઓ કરોડરજ્જુની તકલીફનો સામનો કરી રહ્યાં છે.

અકસ્માત બાદથી તેઓ વ્હીલચૅરના સહારે જ હરીફરી શકતાં હતાં પણ તેમણે ક્યારેય હાર ન માની અને શૂટિંગમાં પોતાનો હાથ અજમાવ્યો. જેમાં તેઓ સતત સફળતાના શિખરો સર કરતાં રહ્યાં.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષ 2015થી જયપુરના જગતપુરા સ્પોર્ટ્સ કૉમ્પલેક્સમાં તેમણે પ્રૅક્ટિસ શરૂ કરી હતી.

અવનીના પિતા ઇચ્છતા હતા કે તેઓ સ્પોર્ટ્સમાં રુચિ લે.

શરૂઆતમાં અવનીએ શૂટિંગ અને તિરંદાજીમાં હાથ અજમાવ્યો. આ બંનેમાંથી તેમને શૂટિંગ વધારે પસંદ આવ્યું. અભિનવ બિન્દ્રાના પુસ્તકથી તેમને ઘણી પ્રેરણા મળી અને તેઓ સતત આગળ વધતાં ગયાં.

ટોક્યો પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ જીતવો તેમની મહેચ્છા હતી.

વર્ષ 2020માં કોરોનો મહામારીને લઈને તેમણે કહ્યું હતું કે તેના કારણે તેમની પ્રૅક્ટિસ સહિત ફિઝિયોથૅરાપીના સૅશન પર પણ વિપરિત અસર પડી હતી.

તેમણે કહ્યું હતું, "કરોડરજ્જુની તકલીફના કારણે હું કમરની નીચેના ભાગમાં કશું મહેસૂસ કરી શક્તી નથી. તેમ છતાં રોજ મારે કસરત કરવાની હોય છે."

"મારા એક ફિઝિયોથૅરાપિસ્ટ હતા, જે રોજ ઘરે આવીને મને કસરત કરાવતા હતા. તેમણે આખું શહેર પાર કરીને મારા ઘરે આવવું પડતું હતું."

"ત્યાર બાદ મારા હિતેચ્છુઓએ તેમની યથાશક્તિ પ્રમાણે મારી મદદ કરી. શૂટિંગની ટ્રેનિંગ ઘરમાં શક્ય ન હતી, જેથી ગોળીઓ વગર પ્રૅક્ટિસ શરૂ કરી."

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.