અમદાવાદ : 32 વર્ષ પહેલાં વેપારીનું ખૂન કરી 12 વર્ષથી નાસતા ફરતા 'ગુનેગાર'ને પોલીસે કઈ રીતે પકડી પાડ્યો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રાઇમ,
ઇમેજ કૅપ્શન, 32 વર્ષ જૂની હત્યાના કેસમાં જનમટીપની સજા પામનાર સતીશ 12 વર્ષથી નાસતો ફરતો હોવાનો પોલીસે દાવો કર્યો હતો.
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં 32 વર્ષ પહેલાં એક વેપારીની હત્યાના મામલામાં ગુનેગાર સાબિત થયેલા અને 12 વર્ષ પહેલાં પેરોલમાંથી છટકી નામ બદલીને નવી ઓળખ સાથે નવું જીવન જીવી રહેલા ગુનેગારને ઝડપી પાડ્યો છે.

પોલીસે આપેલી માહિતી મુજબ ગુનેગાર સતીશ રૂપારેલિયા ઉર્ફે ભીખો હાલ અમદાવાદના પોશ વિસ્તારમાં સંજય ઠક્કરના નામે ફાઇનાન્સનો ધંધો કરી લોકો પાસેથી તગડું વ્યાજ વસૂલતો હતો.

પોલીસનો દાવો છે કે આ વાતની માહિતી તેમને મળતાં તેમણે આ સંજય ઠક્કર પર પોણા વર્ષ સુધી નજર રાખી, જે બાદ સંજય ઠક્કર જ 12 વર્ષથી જનમટીપની સજામાંથી છટકી નાસતો ફરતો સતીશ ઉર્ફે ભીખો હોવાની વાત માલૂમ પડી હતી.

આખરે આટલાં વર્ષો બાદ આ હત્યારો કઈ રીતે પોલીસના સકંજામાં આવી ગયો?

વેપારીની 32 વર્ષ પહેલાં થયેલી 'નિર્મમ હત્યા'નો બનાવ શો હતો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રાઇમ,

22 ઑક્ટોબર,1994ના રોજ અમદાવાદના કાલુપુરના જાણીતા કાપડ વેપારી અરવિંદ શાહનો માથા વગરનો મૃતદેહ શાહીબાગની નીલમ હોટલમાંથી મળી આવતાં ચકચાર મચી ગઈ હતી.

આ કેસમાં પોલીસે સતીશ રૂપારેલિયા અને રાજેન્દ્ર પંચાલની ધરપકડ કરી હતી, જેમાં બંનેને સ્થાનિક હાઇકોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી.

એ કેસની હકીકતો મુજબ સતીશ રૂપારેલિયા અને રાજેન્દ્ર પંચાલે સાથે મળીને કાપડના મોટા વેપારી એવા અરવિંદભાઈને પોતે સુરતથી લાવેલ સસ્તા સિલ્કનું કાપડ વેચવાના ઇરાદા બતાવવા માટે શાહીબાગની હોટલમાં રૂમ રાખીને તેમને બોલાવ્યા હતા. જ્યાં અરવિંદભાઈને લૂંટી લેવાના ઇરાદે બંને ગુનેગારોએ છરી બતાવતાં અને અરવિંદભાઈ પ્રતિકાર કરતાં, બંનેએ છરીના 33 ઘા ઝીંકી તેમનું મૃત્યુ નિપજાવી દીધું હતું.

એ બાદ બંનેએ અથાણાની કેરી કાપવા માટેના સૂડાથી મૃતદેહ ઓળખી ન શકાય એ હેતુથી મૃતદેહની ગરદન કાપી માથું અડાલજ ફેંકી દીધું હતું. તેમજ બંને ગુનેગારોએ અરવિંદભાઈએ પહેરેલાં ઘરેણાં અને રોકડની લૂંટી ચલાવી હતી.

આ કેસમાં બંને ગુનેગારોની ધરપકડ થયા બાદ પોલીસ બંને સામે ઘણા પુરવા એકિત્રત કરવામાં સફળ રહી હતી. આ કેસમાં સેશન્સ કોર્ટના આદેશ સામે બંનેએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરતાં વર્ષ 2001માં જસ્ટિસ એઆઇ દવે અને જસ્ટિસ બીએસ પટેલની કોર્ટે બંનેની ફાંસીની સજા આજીવન કેદમાં તબદીલ કરી દીધી હતી.

ગુનેગારે પેરોલમાંથી છટકી નવું જીવન શરૂ કર્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રાઇમ,
ઇમેજ કૅપ્શન, અમદાવાદ કાઇમ બ્રાન્ચના પીઆઇ એનઆર બ્રહ્મભટ્ટ
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલીસનું કહેવું છે કે સતીશ ઉર્ફે ભીખાને વર્ષ 2014માં બીજી વખત પેરોલ મળી ગયા હતા, એ વખતથી તે પેરોલમાંથી છટકી અને નાસતો ફરતો હતો.

આ અંગે વાત કરતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર બ્રહ્મભટ્ટે કહ્યું કે, "પેરોલમાંથી છટકી નાસતા ફરતા સતીશે બાદમાં અમદાવાદના પોશ વિસ્તારમાં સંજય ઠક્કર નામ સાથે ફાઇનાન્સનો ધંધો શરૂ કર્યો. એણે કોરોના દરમિયાન ઘણા લોકોને પૈસા ધીર્યા, જે બાદ આ લોકો પાસેથી તગડું ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલતો."

તેઓ કહે છે કે પોલીસ પાસે હ્યુમન ઇન્ટેલિજન્સથી આ માહિતી આવી હતી, જોકે, આ અંગે કોઈ ફરિયાદ થઈ નહોતી.

પીઆઇ બ્રહ્મભટ્ટ આગળ કહે છે, "અમે સતત નવ મહિના સુધી એના પર નજર રાખી, એનો અંગત ફોન નંબર મેળવી લીધો. જેથી એને ટ્રૅક કરવાનું કામ સહેલું બને. પણ એ ફોનનો ઉપયોગ પણ સાચવીને કરતો હતો. એના એક-બે ફોન પછી અમારી શંકા દૃઢ થઇ ગઈ કે આનું સાચું નામ સંજય ઠક્કર નથી, અસલિયતમાં હત્યા કરીને નાસતો ફરતો ગુનેગાર સતીશ રૂપારેલિયા છે, પણ કોઈ પુરાવા નહોતા."

પોલીસનું કહેવું છે કે સતીશ પહેલાં પોતાનાં પ્રથમ પત્ની અને બાળકો સાથે ચાંદલોડિયા ખાતે રહેતો હતો, પરંતુ ઘટનાનાં આટલાં વર્ષો પછી પોલીસ તેમને ટ્રૅક નહોતી કરી શકી, જેથી પુરાવા એકત્રિત કરવાનું કામ વધુ કપરું બન્યું હતું.

પીઆઇ બ્રહ્મભટ્ટે આગળ જણાવ્યું કે, "અમે પોણા વર્ષથી તેના પર નજર રાખી રહ્યા હતા, આ દરમિયાન સતીશના પિતા હિંમતલાલ રૂપારેલિયાએ અમરેલીના ધારી પાસેના પોતાના ગામમાં કથા રખાવી હતી, જેમાં બધા પરિવારજનો સહિત સતીશ પણ પહોંચ્યો હતો. અમારી ટીમ સાદાં કપડાંમાં હાજર હતી, આ દરમિયાન એના ભાઈ અને પિતાએ એને ભીખો કહીને બોલાવ્યો અને અમારી શંકા પાકી થઈ ગઈ."

પોલીસનું કહેવું છે કે તેમણે સતીશ અંગે ગામલોકોની અને પરિવારજનોને પૂછપરછ કરી, પરંતુ કોઈને તેના ગુનાહિત ઇતિહાસ અંગે કંઈ ખબર નહોતી.

પોલીસ ઇન્સ્પેક્ટર બ્રહ્મભટ્ટે કહ્યું, "અમારી પાસે તેનું અમદાવાદનું સરનામું હતું, અમે તેના તમામ દસ્તાવેજો ચકાસ્યા તો ખબર પડી કે એણે વર્ષ 2017માં પોતાનું નામ બદલીને સંજય ઠક્કર કરાવ્યું હતું અને નવા નામ સાથે બધા દસ્તાવેજ બનાવડાવ્યા હતા."

પોલીસે કહ્યું કે ગુનેગારે અમદાવાદના રાણીપના રત્નાકર હાઇટ્સમાં મકાન લીધું હતું, 25 મેના રોજ તેમણે મોડી રાત્રે સતીશને પકડી પાડીને જેલ હવાલે કરી દીધો છે.

આ કામનો અન્ય ગુનેગાર રાજેન્દ્ર પંચાલ વર્ષ 2005માં પેરોલ મળ્યા બાદ જેલમાં હાજર થવાને બદલે છટકી ગયો હતો અને અમદાવાદમાં જ જમીન દલાલ તરીકે કામ કરવા લાગ્યો હતો, આખરે વર્ષ 2006માં તે પોલીસના હાથે પકડાઈ જતાં ફરીથી જેલભેગો થયો હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં કામ કરી ચૂકેલા અને શાહીબાગ પોલીસ સાથે સંકલનમાં રહીને 1994માં આ સમગ્ર કેસમાં કામ કરનાર નિવૃત્ત એસીપી દીપક વ્યાસે ત્રણ દાયકા પહેલાંના આ કેસ સંબંધિત વિગતો શૅર કરતાં કહ્યું, "ધરપકડ બાદ અમે સતીશની પૂછપરછ કરી તો ખબર પડી હતી કે એ ઝાઝું ભણેલો નથી, અમરેલીથી પૈસા કમાવવા માટે અમદાવાદ આવ્યો હતો. એ રાજેન્દ્ર પંચાલ સાથે મળીને કાપડના મોટા વેપારીને છેતરીને પૈસા પડાવી લેતો હતો."

બીબીસી ગુજરાતીએ સતીશનાં બીજાં પત્નીને મળવાનો પણ પ્રયાસ કર્યો હતો, પણ ફ્લૅટના સિક્યૉરિટી ગાર્ડના કહેવા મુજબ તેઓ બાળકો સાથે અન્ય સ્થળે ગયાં હોવાની વાત ખબર પડી હતી. તેમજ સતીશના પિતા હિંમતભાઈ રૂપારેલિયાનો સંપર્ક થઈ શક્યો નહોતો. જ્યારે આ બંનેનો સંપર્ક થશે અને તેમનો પક્ષ જાણવા મળશે ત્યારે અહીં અપડેટ કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન