અમદાવાદ : IPS અધિકારી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો, પોલીસનો 'સ્વબચાવ'માં ગોળીબાર

પોલીસના કહેવા પ્રમાણે, કરીમભૈયાએ પોતાની પાસે રહેલા તીક્ષણ હથિયાર વડે ક્રાઇમ બ્રાન્ચના જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ શરદ સિંઘલ સહિત બીજા એક પોલીસ અધિકારી પર હુમલો કરી દીધો હતો

ઇમેજ સ્રોત, ahmedabad police

ઇમેજ કૅપ્શન, પોલીસના કહેવા પ્રમાણે, કરીમભૈયાએ પોતાની પાસે રહેલા તીક્ષણ હથિયાર વડે ક્રાઇમ બ્રાન્ચના જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ શરદ સિંઘલ સહિત બીજા એક પોલીસ અધિકારી પર હુમલો કરી દીધો હતો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરના ચંડોળા વિસ્તારમાં જ્યારે મહંમદકરીમ ઉર્ફે કરીમભૈયા અકબરખાન પઠાણની પૂછપરછ કરી રહી હતી, ત્યારે પોલીસના કહેવા પ્રમાણે, તે સમયે તેમણે પોતાની પાસે રહેલા તીક્ષણ હથિયાર વડે ક્રાઇમ બ્રાન્ચના જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ શરદ સિંઘલ સહિત બીજા એક પોલીસ અધિકારી પર હુમલો કરી દીધો હતો.

કરીમભૈયાની તપાસ અર્થે સિંઘલ તેમની પૂછપરછ કરી રહ્યા હતા, ત્યારે અચાનક આ ઘટના બની હતી.

આ ઘટના વિશે વધુ માહિતી આપતા શરદ સિંઘલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "તેની સંડોવણી ઘણા ગંભીર ગુનાઓમાં હતી, માટે હું પોતે તેની પૂછપરછ કરવા ગયો હતો. તેણે તે જ સમયે હથિયાર વડે મારા પર હુમલો કર્યો, જેના કારણે મને મારા હાથ પર ઈજા થઈ હતી."

આ વિશે વધુ વિગતો આપતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજીયને પત્રકારોને જણાવ્યું હતું કે, "પોલીસને ગેરકાયદે હથિયારો હોવાની બાતમીના આધારે અમદાવાદના ઇસનપુર વિસ્તારના હિસ્ટ્રિશિટર કરીમભૈયાની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ દરમિયાન આરોપી અચાનક ઉગ્ર બન્યો અને તેણે પૂછપરછ કરી રહેલા અધિકારીઓ પર હુમલો કર્યો."

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ પોતાની પાસે છુપાવી રાખેલી છરી કાઢીને સંયુક્ત પોલીસ કમિશનર પર હુમલો કર્યો હતો, જેમાં તેમને ધારદાર હથિયારથી ઈજા પહોંચી હતી.

પોલીસના મતે આ પછી થયેલી ઝપાઝપી દરમિયાન, પોતાના અને અન્ય અધિકારીઓના જીવને તાત્કાલિક જોખમ હોવાના સંજોગોમાં 'સ્વરક્ષણ'માં સિંઘલે પોતાની સર્વિસ પિસ્તોલમાંથી ગોળી ચલાવી હતી. આ ગોળી આરોપીના પગમાં વાગી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્ત અધિકારી અને આરોપી બંનેને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી ચાર હથિયારો જપ્ત કર્યાં હોવાનું જણાવ્યું છે. પોલીસના રેકૉર્ડ મુજબ, કરીમભૈયા સામે 35 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

કરીમભૈયા કોણ છે?

કરીમભૈયાની ઉંમર અંદાજે 34 વર્ષની છે અને તેઓ અમદાવાદના ઇસનપુરમાં રહે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલીસ રેકૉર્ડ મુજબ સાત ધોરણ ભણેલા કરીમભૈયા સામે 2016થી 2015 દરમિયાન કુલ 35 ફોજદારી ગુનાઓ નોંધાયેલા છે, ઉપરાંત તેમની પર એક વખત પાસાની કાર્યવાહી અને પાંચ વખત અટકાયતી પગલાં લેવાયાની કાર્યવાહી થઈ છે.

પોલીસ આપેલી માહિતી પ્રમાણે કરીમભૈયા સામે નોંધાયેલા ગુનાઓમાં મુખ્યત્વે હત્યાના પ્રયાસ, મારામારી અને ઈજા પહોંચાડવાના ગુનાઓ, લૂંટ અને ચોરી, અપહરણ/બળજબરી સંબંધિત ગુનાઓ, જુગારના ગુનાઓ, ઘાતક હથિયારો રાખવા અને આર્મ્સ ઍક્ટ હેઠળના ગુનાઓ, બીએનએસ હેઠળ હિંસક અને જાહેર વ્યવસ્થા ભંગના ગુનાઓ તેમજ જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ હેઠળ બાળકને લગતા ગુનાઓ નોંધાયેલા છે.

ઑગસ્ટ 2025માં નોંધાયેલા તેના છેલ્લા કેસ પ્રમાણે તેઓ દેશી તમંચા, જીવતા અને ખાલી કારતૂસ તથા છરીઓ સાથે ઝડપાયા હતા. આ કેસમાં તેમની સાથે પકડાયેલા સહ-આરોપીઓમાં લાઇકહુસૈન બશીરઅહમદ અન્સારી, સદ્દામખાન સુલતાનખાન પઠાણ, મુનાફ ઉર્ફે ડીએક્સ મહંમદઇકબાલ છીપા (રંગાવાળા) અને ઇમરાન ઉર્ફે ગામડિયો શેખ હાજર હતા.

પોલીસના દસ્તાવેજ અનુસાર, ઇમરાન ઉર્ફે ગામડિયો શેખ તેમના મિત્ર છે, જ્યારે લાઇકહુસૈન ઇમરાનનો સાળો હોવાનું નોંધાયું છે.

(આ અહેવાલ અપડેટ કરાઈ રહ્યો છે. )

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન