બ્રિક્સ : નવી દિલ્હી ઘોષણાપત્ર પર સહમતિ : પહલગામ હુમલો, ગાઝા અને ટેરિફ સહિત કઈ વાતનો ઉલ્લેખ?

ભારતમાં ચાલી રહેલા બ્રિક્સ 2026 સમિટનું નવી દિલ્હી ઘોષણાપત્ર જાહેર કરી દેવાયું છે
ઇમેજ કૅપ્શન, ભારતમાં ચાલી રહેલા બ્રિક્સ 2026 સમિટનું નવી દિલ્હી ઘોષણાપત્ર જાહેર કરી દેવાયું છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

ભારતમાં ચાલી રહેલા બ્રિક્સ 2026 સમિટનું નવી દિલ્હી ઘોષણાપત્ર જાહેર કરી દેવાયું છે. તેમાં બ્રિક્સ દેશોએ આતંકવાદનાં તમામ સ્વરૂપોની કઠોર નિંદા કરી અને કહ્યું કે કોઈ પણ કારણ કે હેતુને પાર પાડવા રચાયેલી આતંકવાદી ઘટનાઓને યોગ્ય ન ઠેરવી શકાય.

45 પાનાં અને 140 પૉઇન્ટ્સના નવી દિલ્હી ઘોષણાપત્રમાં "22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા"ની નિંદા કરાઈ, જેમાં 26 લોકોનાં મોત થયાં હતાં.

બ્રિક્સે આતંકવાદ, તેની આર્થિક મદદ, સરહદ પારના આતંકવાદ અને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાનો સામે સંયુક્ત કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

ઘોષણાપત્રમાં કહેવાયું છે કે આતંકવાદને કોઈ પણ ધર્મ, રાષ્ટ્રીયતા, સભ્યતા અથવા વંશીય જૂથ સાથે ન જોડવો જોઈએ નહીં.

બ્રિક્સ દેશોએ યુવાનોમાં કટ્ટરપંથ અને ચરમપંથને રોકવા માટે સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. દેશોએ આતંકવાદને આર્થિક મદદ, માનવતસ્કરી, હથિયારોની દાણચોરી, મની લૉન્ડરિંગ, સાઇબર ક્રાઇમ, ભ્રષ્ટાચાર અને ડિજિટલ છેતરપિંડી સામે લડવા માટે સહયોગ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.

તેમાં સંગઠિત ઑનલાઇન છેતરપિંડી નેટવર્કને ખતમ કરવા, ગુના દ્વારા કમાયેલાં નાણાંની ઓળખ અને વસૂલાત તેમજ પીડિતોની સુરક્ષા પર પણ ભાર મૂક્યો હતો.

પહલગામ હુમલા અંગે શું કહ્યું?

ગત વર્ષે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 26 લોકોની હત્યા કરાઈ હતી, જેમાંથી મોટા ભાગના લોકો પ્રવાસીઓ હતા. (ફાઇલ ફોટો)
ઇમેજ કૅપ્શન, ગત વર્ષે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 26 લોકોની હત્યા કરાઈ હતી, જેમાંથી મોટા ભાગના લોકો પ્રવાસીઓ હતા (ફાઇલ ફોટો)

બ્રિક્સ દેશોએ તેના ઘોષણાપત્રમાં જણાવ્યું હતું કે, "અમે કોઈ પણ આતંકવાદી કૃત્યની કઠોર નિંદા કરીએ છીએ, કારણ કે એ ગુનાહિત છે અને કોઈ પણ રીતે તેને વાજબી ઠેરવી શકાય નહીં, પછી ભલે તેની પાછળ ગમે તે કારણ જવાબદાર હોય. ભલે એ ક્યાંય પણ, ગમે ત્યારે અને કોઈએ પણ કર્યું હોય."

"અમે 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની કઠોર શબ્દોમાં નિંદા કરીએ છીએ, જેમાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા."

"અમે આતંકવાદનાં તમામ સ્વરૂપો અને વ્યક્ત કરતી રીતો સામે લડવા અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ, જેમાં આતંકવાદીઓની સરહદ પારની અવરજવર, આતંકવાદને આર્થિક મદદ અને સલામત ઠેકાણાં સામેલ છે."

બ્રિક્સ દેશોએ કહ્યું, "અમે પુનરોચ્ચાર કરીએ છીએ કે આતંકવાદને કોઈ પણ ધર્મ, રાષ્ટ્રીયતા, સભ્યતા અથવા વંશીય જૂથ સાથે જોડવો ન જોઈએ અને આતંકવાદી કૃત્યોમાં સામેલ અને સમર્થન આપનારા તમામ લોકોને જવાબદાર ઠેરવવા જોઈએ."

તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "અમે આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ સુનિશ્ચિત કરવા અને આતંકવાદ સામે લડવામાં બેવડાં ધોરણોને નકારવાનું આહ્વાન કરીએ છીએ. અમે આતંકવાદ સામે લડવામાં રાજ્યોની પ્રાથમિક જવાબદારી પર ભાર મૂકીએ છીએ."

બ્રિક્સ દેશોએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સૂચિબદ્ધ તમામ આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવાનું આહ્વાન કર્યું છે.

એકપક્ષીય ટેરિફ અને સંઘર્ષનો વિરોધ

ટ્રમ્પે બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ અનેક દેશો સામે ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી હતી, જેના કારણે વૈશ્વિક વેપારમાં નોંધપાત્ર ઊથલપાથલ જોવા મળી છે (ફાઇલ ફોટો)
ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ અનેક દેશો સામે ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી હતી, જેના કારણે વૈશ્વિક વેપારમાં નોંધપાત્ર ઊથલપાથલ જોવા મળી છે (ફાઇલ ફોટો)

બ્રિક્સે વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યુટીઓ)ના નિયમોના ઉલ્લંઘનમાં એકપક્ષીય ટેરિફ, નૉન-ટેરિફ ઉપાયો અને સંરક્ષણવાદ અંગે ચિંતા વ્યક્ત કરી.

જૂથે જણાવ્યું કે આવાં પગલાં વૈશ્વિક વેપાર અને પુરવઠા હારમાળા (સપ્લાય ચેઇન)ને અસર કરી શકે છે અને આર્થિક અસમાનતામાં વધારો કરી શકે છે.

બ્રિક્સે આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ એકપક્ષીય આર્થિક પ્રતિબંધો અને અન્ય બળજબરીપૂર્વકનાં આર્થિક પગલાંની ટીકા કરી. નેતાઓએ કહ્યું કે આવાં પગલાંની ગરીબો અને નબળા લોકો પર અસર પડે છે.

વૈશ્વિક શાંતિ મુદ્દે બ્રિક્સે સંઘર્ષ નિવારણ, સંવાદ, રાજદ્વારી અને મધ્યસ્થી પર ભાર મૂક્યો. તેમાં વધતા લશ્કરી ખર્ચ, પરમાણુ જોખમો અને શસ્ત્રસ્પર્ધા અંગે ચિંતા વ્યક્ત કરતાં નિઃશસ્ત્રીકરણ, શસ્ત્ર નિયંત્રણ અને પરમાણુ અપ્રસાર વ્યવસ્થાને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. જૂથે પરમાણુ-શસ્ત્ર-મુક્ત ઝોનના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો.

બ્રિક્સે ક્યુબા પર એકપક્ષીય પ્રતિબંધો અને નાકાબંધી કડક કરવા અંગે ચિંતા વ્યક્ત કરી. જૂથે ક્યુબા સામેના આર્થિક, વેપાર અને નાણાકીય પ્રતિબંધો હઠાવવાની માગ કરી.

પેલેસ્ટાઇન માટે સમર્થન

ગાઝામાં માનવીય સંકટ પર બ્રિક્સ દેશોએ ચિંતા કરી છે અને પેલેસ્ટાઇનનું સમર્થન કર્યું (ફાઇલ ફોટો)
ઇમેજ કૅપ્શન, ગાઝામાં માનવીય સંકટ પર બ્રિક્સ દેશોએ ચિંતા કરી છે અને પેલેસ્ટાઇનનું સમર્થન કર્યું (ફાઇલ ફોટો)
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બ્રિક્સે મધ્યપૂર્વ અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી અને તમામ પક્ષોને મહત્તમ સંયમ રાખવા અને પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે તેવાં પગલાંને ટાળવા હાકલ કરી.

બ્રિક્સે ગાઝામાં યુદ્ધવિરામ જાળવવા અને માનવતાવાદી સહાયની અબાધ્ય પહોંચ સુનિશ્ચિત કરવાની માગ કરી. આ જૂથે પેલેસ્ટિનિયનોના બળજબરીથી થતાં સ્થળાંતર અને ગાઝાની ભૌગોલિક સ્થિતિ કે વસ્તીમાં કોઈ પણ ફેરફારનો વિરોધ કર્યો.

બ્રિક્સે કહ્યું કે ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષનો ન્યાયપૂર્ણ અને કાયમી ઉકેલ ફક્ત શાંતિપૂર્ણ રીતે જ શક્ય છે.

આ જૂથે બે-રાષ્ટ્ર સમાધાનનું સમર્થન કર્યું, જેમાં 1967ની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય સરહદોની અંદર એક સાર્વભૌમ અને સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્યની વાત કરાઈ છે અને જેનું રાજધાની પૂર્વ જેરુસલેમ ગણાવાયું છે.

ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં બ્રિક્સ દેશોએ નાગરિકો, આરોગ્ય કેન્દ્રો અને અન્ય નાગરિક માળખાં પર હુમલા અને માનવતાવાદી સહાય રોકવાની વાતની નિંદા કરી.

બ્રિક્સ દેશોએ કહ્યું કે તે કબજાવાળા જેરુસલેમની કાયદાકીય અને ઐતિહાસિક સ્થિતિ બદલનારી કોઈ પણ એકપક્ષીય કાર્યવાહીને સ્વીકારતા નથી. તેમણે શહેરનાં તમામ ધાર્મિક અને પવિત્ર સ્થળોની પવિત્રતા અને તમામ લોકોને ધાર્મિક સ્થળોએ અવરોધ વિના પ્રવેશ અને તેમને ધાર્મિક રિવાજોનું પાલન કરવાના અધિકાર આપવાની અપીલ કરી.

લેબનોનમાં યુદ્ધવિરામનું સ્વાગત કરતાં બ્રિક્સે તમામ પક્ષોને તેની શરતોનું પાલન કરવા અને યુએન સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 1701ને સંપૂર્ણપણે અમલમાં મૂકવાની અપીલ કરી.

સુદાનમાં વધતી જતી માનવતાવાદી કટોકટી પર ચિંતા વ્યક્ત કરતાં તાત્કાલિક અને કાયમી યુદ્ધવિરામ અને વાટાઘાટથી ઉકેલ લાવવાની અપીલ કરાઈ. ઘોષણાપત્રમાં સીરિયાની સાર્વભૌમત્વ અને બધાને સાથે લઈને ચાલતી રાજકીય પ્રક્રિયાના સમર્થનમાં પુષ્ટિ કરાઈ.

મહિલાઓ અને વિકાસશીલ દેશો માટે તકની માગ

બ્રિક્સ નેતાઓએ પરસ્પર આદર, સાર્વભૌમ સમાનતા, એકતા, લોકશાહી, ખુલ્લાપણું, સમાવેશીપણું અને સર્વસંમતિના બ્રિક્સ સિદ્ધાંતોનો પુનરોચ્ચાર કર્યો. તેમણે રાજકીય અને સુરક્ષા, આર્થિક, સાંસ્કૃતિક અને લોકો વચ્ચે સંપર્કનાં ત્રણેય ક્ષેત્રોમાં સહયોગ વધારવાની વાત પર ભાર મૂક્યો.

નેતાઓએ ભાગીદાર દેશોના યોગદાનનું સ્વાગત કરતાં ઉભરતાં બજારો અને વિકાસશીલ દેશો સાથે ભાગીદારીને મજબૂત બનાવવાની વાત કરી.

નેતાઓએ વધુ ન્યાયપૂર્ણ, બધા માટે તકવાળી અને જવાબદાર વૈશ્વિક વ્યવસ્થા માટે સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રીય ભૂમિકાને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

તેમણે વૈશ્વિક નિર્ણય ઘડતરની પ્રક્રિયામાં વિકાસશીલ અને ઓછા વિકસિત દેશોની વધુ ભાગીદારીની પણ માગ કરી.

બ્રિક્સે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં વિકાસશીલ દેશો અને મહિલાઓ, ખાસ કરીને ગ્લોબલ સાઉથનાં મહિલાઓના ઉત્તમ પ્રતિનિધિત્વ પર ભાર મૂક્યો.

બ્રિક્સ દેશોએ યુએન સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 1325 અને મહિલા, શાંતિ અને સુરક્ષા એજન્ડાને લાગુ કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

નેતાઓએ શાંતિ અને સુરક્ષા સંબંધિત તમામ સ્તરે નિર્ણય લેવામાં મહિલાઓની સંપૂર્ણ, સમાન, સલામત અને અર્થપૂર્ણ ભાગીદારી પર ભાર મૂક્યો.

બ્રિક્સ દેશોએ બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થામાં વિકાસશીલ દેશોની ભૂમિકા મજબૂત કરવા અને વધુ ન્યાયપૂર્ણ અને સમાન વૈશ્વિક શાસન માટે સંવાદ અને સહયોગ વધારવા અંગે પણ સંમતિ વ્યક્ત કરી.

આર્થિક મોરચે, બ્રિક્સે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ, વિશ્વ બૅન્ક અને અન્ય સંસ્થાનોમાં સુધારાની માગ કરી. આ સંસ્થાનોમાં વિકાસશીલ અને ઉભરતાં અર્થતંત્રોનું પ્રતિનિધિત્વ, પારદર્શીપણું અને નિર્ણય લેવામાં તેમની ભૂમિકા વધારવાની વાત પર ભાર મૂક્યો.

બ્રિક્સે આઇએમએફમાં ક્વૉટા સુધારા અને વિશ્વ બૅન્કમાં વિકાસશીલ દેશોનો હિસ્સો વધારવાનું પણ સમર્થન કર્યું. બ્રિક્સ દેશોએ વિશ્વ વેપાર સંગઠનમાં સુધારા કરવા અને મુક્ત, પારદર્શક, નિષ્પક્ષ, સમાવેશી અને નિયમ-આધારિત બહુપક્ષીય વેપાર વ્યવસ્થાને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

તાજેતરમાં નેપાળમાં આવેલા વિનાશકારી પૂર બાદ આબોહવા પરિવર્તન અંગેની ચર્ચા ફરી તેજ બની છે
ઇમેજ કૅપ્શન, તાજેતરમાં નેપાળમાં આવેલા વિનાશકારી પૂર બાદ આબોહવા પરિવર્તન અંગેની ચર્ચા ફરી તેજ બની છે

બ્રિક્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ને આર્થિક વિકાસ અને ટકાઉ વિકાસ માટે તકના મુખ્ય ક્ષેત્ર તરીકે ઓળખાવ્યું અને એઆઇને સલામત, વિશ્વસનીય, બધાને સાથે લઈને ચાલે અને બધા માટે સુલભ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો.

શિક્ષણમાં ડિજિટલ સાક્ષરતા, કૌશલ્ય વિકાસ, વ્યાવસાયિક શિક્ષણ, એઆઇનો સલામત અને જવાબદાર ઉપયોગ, શિષ્યવૃત્તિ અને યુનિવર્સિટીઓ વચ્ચે સહયોગ વધારવાની વાત કહેવાઈ.

આબોહવા પરિવર્તન સાથે સંકળાયેલાં વધતાં આપત્તિ જોખમોને ધ્યાને લઈ બ્રિક્સ દેશોએ આપત્તિ સાથે સંકળાયેલાં જોખમ ઘટાડવાની ક્ષમતા મજબૂત કરવા અંગે સંમતિ વ્યક્ત કરી.

આમાં પ્રારંભિક વૉર્નિંગ સિસ્ટમ, સ્થાનિક અને પરંપરાગત જ્ઞાન, આપત્તિનો સામનો કરી શકે એવી આંતરમાળખાકીય સુવિધાઓ અને ખાનગી રોકાણ દ્વારા આપત્તિ સામેની તૈયારી વધારવાની વાત કરાઈ.

બ્રિક્સે પેરિસ કરાર અને યુએનએફસીસીસી હેઠળ આબોહવા પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે કાર્યને વેગ આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, એકપક્ષીય અને ભેદભાવપૂર્ણ પગલાં પર ચિંતા વ્યક્ત કરી.

ન્યૂ ડેવલપમેન્ટ બૅન્ક અને G-20

બ્રિક્સ 2026 સમિટનું નવી દિલ્હી

ઘોષણાપત્રમાં ન્યૂ ડેવલપમેન્ટ બૅન્કને બ્રિક્સ અને ગ્લોબલ સાઉથના વિકાસ માટે એક મુખ્ય સંસ્થા ગણાવાઈ હતી. તે સ્થાનિક ચલણોને નાણાં પૂરાં પાડવાં, સંસાધનો ભેગાં કરવાં અને માળખાગત સુવિધાઓ અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવા માટે તેની ક્ષમતા વધારવાની આશા વ્યક્તિ કરાઈ.

બ્રિક્સે G-20ને વૈશ્વિક આર્થિક સહયોગ માટે અગ્રણી પ્લૅટફૉર્મ ગણાવ્યું અને તેમાં વિકાસશીલ અને ઉભરતાં અર્થતંત્રોના અવાજને મજબૂત બનાવવાનું સમર્થન કર્યું.

બ્રિક્સ દેશોએ ન્યાયિક પ્રણાલીમાં સહયોગ અને સરહદ પારના વેપારને લગતા વિવાદોના નિરાકરણને મજબૂત બનાવવાની વાતને ટેકો આપ્યો. તેમણે મધ્યસ્થી અને વિવાદોના નિરાકરણ માટે અન્ય વૈકલ્પિક પદ્ધતિઓને વધુ સુલભ બનાવવાની વાત પર ભાર મૂક્યો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન