જંતર-મંતર : રીલ્સ, મીમ્સ અને રાજકારણનું મિલન, લાઠીચાર્જ અને ટિયર ગૅસ વચ્ચે Gen Zનો વિરોધ કરવાનો નવો અંદાજ

બીબીસી ગુજરાતી દિલ્હી જંતર-મંતર યુવાનો વિરોધ પ્રદર્શન કૉક્રોચ જનતા પાર્ટી ઇન્સ્ટાગ્રામ રીલ
ઇમેજ કૅપ્શન, કૉક્રોચ જનતા પાર્ટીના સમર્થકો જંતર-મંતર પર વિરોધપ્રદર્શન દરમિયાન નજરે પડે છે.
    • લેેખક, જોયા મતીન
    • પદ, બીબીસી ન્યૂઝ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

સોમવારે 20 વર્ષીય છબિ (નામ બદલ્યું છે) દિલ્હીના એક મેટ્રો સ્ટેશન બહાર થોડા સમય માટે ઊભાં રહ્યાં. તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકાર સામેનાં વિરોધપ્રદર્શનોમાં ભાગ લેવા આવ્યાં હતાં.

તેમણે પોતાનો ફોન રેલિંગના સહારે ટેકવ્યો, અમુક ડગલાં પાછળ ગયાં અને નાનકડો 'ફિટ ચેક' વીડિયો રેકૉર્ડ કર્યો. તેમાં તેમણે પ્રદર્શનમાં જતા અગાઉ પોતે શું પહેર્યું છે તે દર્શાવ્યું.

તેમણે કૅમેરા સામે જોઈને હસીને કહ્યું, "દોસ્તો, પોલીસના હાથે માર ખાવા જાઉં છું."

થોડા કલાક પછી પોલીસે ટિયર ગૅસના શૅલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. આ દરમિયાન કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના હજારો સમર્થકો સંસદ ભવન તરફ માર્ચ કરી રહ્યા હતા.

યુવાનોના નેતૃત્વવાળું આ આંદોલન પરીક્ષામાં ગોટાળા વિરુદ્ધ શરૂ થયું અને સરકારની જવાબદારીના વ્યાપક અભિયાનમાં ફેરવાઈ ગયું.

પ્રદર્શનકારીઓ પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થવાના મામલે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરે છે. પ્રધાને રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો છે.

તેમનો આરોપ છે કે વિપક્ષ રાજકીય ફાયદા માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરે છે.

સોમવારે તંત્રે પ્રદર્શનના સ્થળની આસપાસ મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી. સાંજ સુધીમાં પ્રદર્શનકારીઓનું કહેવું હતું કે પોલીસે મોટી સંખ્યામાં લોકોને ફટકાર્યા હતા. જ્યારે પોલીસનું કહેવું છે કે કેટલાક અધિકારીઓને પણ ઈજા થઈ છે.

છબિએ તે સાંજે પોતાનો વીડિયો અપલોડ કર્યો ત્યારે એક વાત સૌથી અલગ હતી. સંસદ કૂચ શરૂ કરતા પહેલાં તેમણે પોલીસના હાથે પીટાઈ થશે એવી મજાક કરી હતી.

સાંજના વીડિયોમાં તેઓ હસતાં હતાં, તેમણે પોલીસ કર્મચારીઓ સાથે ઊભા રહીને તસવીરો પડાવી હતી. તેઓ વિક્ટરી સાઇન દેખાડતાં હતાં, ટોળા વચ્ચે ઊભા રહીને વીડિયો રેકૉર્ડ કરતા હતા. તેમણે એક ઈજાગ્રસ્ત પ્રદર્શનકારીનો ઇન્ટરવ્યૂ પણ લીધો હતો.

આવી હજારો રીલ્સ અને મીમ વીડિયોના કારણે ઇન્સ્ટાગ્રામ પર જાણે એક પૂર આવ્યું હતું.

કેટલાકમાં ગુસ્સો દેખાતો હતો, કેટલાકમાં બેચેની, ડર અથવા શાંત પ્રતિરોધ પણ હતો. પરંતુ સૌથી વધારે ધ્યાન ખેંચનાર સામગ્રી એવી હતી જેમાં વ્યંગ હતો.

ઇન્સ્ટાગ્રામ પર વ્યંગ કરતા યુઝર્સ

બીબીસી ગુજરાતી દિલ્હી જંતર-મંતર યુવાનો વિરોધ પ્રદર્શન કૉક્રોચ જનતા પાર્ટી ઇન્સ્ટાગ્રામ રીલ
ઇમેજ કૅપ્શન, જંતર-મંતર પર આ વખતે મોટી સંખ્યામાં યુવાનો એકઠા થયા હતા (પ્રતીકાત્મક તસવીર)
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એક યુવા મહિલા પોલીસ કર્મચારીઓની સામે ઊભાં રહીને આરામથી લિપસ્ટિક લગાવતાં હતાં.

બીજી મહિલાએ મજાકમાં કહ્યું કે, તેઓ "પ્રદર્શનમાં સુંદર દેખાવા પ્રયાસ કરે છે, કારણ કે સરકાર ન્યાય કરી શકતી નથી."

એક રીલની શરૂઆત સામાન્ય 'આઉટફિટ રિવીલ વીડિયો'ની જેમ થઈ. પરંતુ અચાનક સીન બદલીને ટિયર ગૅસથી ભાગતા પ્રદર્શનકારીઓ પર પહોંચી ગયો. અન્ય એક રીલમાં ટિયર ગૅસનો એવી રીતે 'રિવ્યૂ' કરવામાં આવ્યો, જાણે કોઈ નવી રેસ્ટોરાંનો રિવ્યૂ કરવામાં આવતો હોય."

ઑનલાઇન જોનારા ઘણા લોકોને આ હાસ્ય હિંસાની બિલકુલ વિપરીત લાગ્યું. પરંતુ જે યુવાનોએ આ વીડિયો બનાવ્યો, તેમના માટે આમાં કોઈ વિરોધાભાસ ન હતો.

આ રિપોર્ટ માટે જે પ્રદર્શનકારીઓ સાથે વાત કરવામાં આવી હતી, તેમાંથી કોઈએ અલ્ગોરિધમ, ઍન્ગેજમેન્ટ કે વાઇરલ થવાની વાત નહોતી કરી. તેમનું કહેવું હતું કે આ વીડિયો રેકૉર્ડ કરવો એ તેમના માટે પ્રદર્શનનો એક અભિન્ન હિસ્સો હતો.

તેમણે જ્યારે મજાકનો સહારો લીધો, ત્યારે તેઓ હંમેશા પોતાના પર વ્યંગ કરતા હતા.

જેમ કે લાઠીચાર્જથી બચવા માટે કેટલાય કિલોમીટર ભાગવાની મજાક કરવી અથવા ટિયર ગૅસથી ભાગવાની થોડી વાર પહેલાં જ આઉટફિટ રિવીલ રેકૉર્ડ કરીને તેના પર હસવું. આ મજાકના કારણે ડર ખતમ થયો એવું ન હતું, ડર અને રમૂજ એક સાથે હાજર હતા.

રીલ્સ, મીમ્સ અને રાજકારણનું મિલન

બીબીસી ગુજરાતી દિલ્હી જંતર-મંતર યુવાનો વિરોધ પ્રદર્શન કૉક્રોચ જનતા પાર્ટી ઇન્સ્ટાગ્રામ રીલ
ઇમેજ કૅપ્શન, સંસદ તરફ કૂચ અગાઉ ઘણા પ્રદર્શનકારીઓએ ફિટ ચેક શીર્ષકથી વીડિયો પોસ્ટ કર્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર આ નવો ટ્રૅન્ડ છે.

નિષ્ણાતોનું કહેવું છે કે આ વલણ એવો ઇશારો કરે છે કે ઇન્ટરનેટના યુગમાં ઉછરેલી એક પેઢી પ્રદર્શનોને કેવી રીતે જુએ છે.

તકનિક અને સમાજનો અભ્યાસ કરતા મિશિગન યુનિવર્સિટીના પ્રોફેસર જૉયોજિત પાલ કહે છે કે, "જૂની પેઢીના લોકો રાજકીય જીવન અને રોજબરોજની જિંદગીને અલગ ગણતા હતા.

તેમણે કહ્યું કે, "નવી પેઢીનો ઉછેર એવા માહોલમાં થોય છે, જ્યાં તેમના મીમ, પારિવારિક તસવીરો અને રોજિંદી યાત્રાઓની સાથે સાથે રાજનીતિ હાજર હોય છે."

બીજા શબ્દોમાં કહીએ તો પ્રદર્શન પણ રેકૉર્ડ કરી શકાય એવી ઘડીમાં રૂપાંતરિત થઈ જાય છે.

છબિએ પોલીસ કાર્યવાહી શરૂ થયા પછી પણ વીડિયો રેકૉર્ડ કરવાનું ચાલુ રાખ્યું. ત્યાર પછી કેટલાક લોકોએ તેમના પર હિંસાને 'કૉન્ટેન્ટ'ની રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો.

તેમણે કહ્યું કે, "પરંતુ તે સમયે હું જોશમાં હતી. હું ડરી ગઈ હતી, ગભરાયેલી હતી. મારી સામે ડરનો સામનો કરતી વખતે હસવાનો અથવા રડવાનો વિકલ્પ હતો."

યુટ્રેક્ટ યુનિવર્સિટીમાં ડિજિટલ માનવશાસ્ત્રી પાયલ અરોડા કહે છે કે "સ્થિતિ હિંસક હોવા છતાં રેકૉર્ડિંગ ચાલુ રાખવાની પ્રવૃત્તિ દુનિયાભરમાં ઝડપથી સામાન્ય બનતી જાય છે."

સ્માર્ટ ફોનના કારણે સામાન્ય લોકો પણ રાજકીય ઉથલપાથલનું ડૉક્યુમેન્ટેશન કરવા લાગ્યા છે. તેઓ એવી ઘટનાઓને રેકૉર્ડ કરી રહ્યા છે, જે તેના વગર ગુમ થઈ ગઈ હોત.

તેઓ કહે છે કે, "કોઈ પણ પ્રદર્શનને રેકૉર્ડ કરવું એ પોતાની રીતે એક ઉદ્દેશ બની જાય છે. તેમનો સંદેશ આ પ્રકારનો હોય છે, 'આવું બન્યું હતું, અમે ત્યાં હતા.' અમે આને યાદ રાખીશું."

હાસ્ય પણ એક નિશ્ચિત પૅટર્ન તરીકે સામે આવ્યું છે. કોઈ પણ યુવા પ્રદર્શનકારીએ તે દિવસને મજેદાર ગણાવ્યો ન હતો. તેમણે ટિયર ગૅસ, લાઠીચાર્જ અને શાંતિપૂર્વક માર્ચ અચાનક અફરાતફરીમાં બદલાઈ જાય તેની મૂંઝવણની વાત કરી હતી.

મજાક તો પછી બહાર આવી. તે લગભગ સહજ રીતે થયેલા અનુભવને પોતાની સાથે રાખીને ચાલવાના એક રૂપ તરીકે સામે આવ્યું.

હવે રાજકારણ એ રોજબરોજની જિંદગીનો હિસ્સો

બીબીસી ગુજરાતી દિલ્હી જંતર-મંતર યુવાનો વિરોધ પ્રદર્શન કૉક્રોચ જનતા પાર્ટી ઇન્સ્ટાગ્રામ રીલ
ઇમેજ કૅપ્શન, આ વિરોધપ્રદર્શનોમાં વ્યંગભર્યા પ્લેકાર્ડ્સ પણ જોવાં મળ્યાં છે.

નિશાંત શાહ હૉંગકૉંગની ચાઇનીઝ યુનિવર્સિટીના સ્કૂલ ઑફ જર્નાલિઝમ ઍન્ડ કૉમ્યુનિકેશનમાં ડિજિટલ નેરેટિવ્સ સેન્ટરના નિર્દેશક છે.

નિશાંત શાહ કહે છે કે "લોકો ઘણી વખત આ હાસ્યને ઉદાસીનતા સમજવાની ભૂલ કરે છે. તેમના કહેવા મુજબ વાસ્તવમાં તેનો હેતુ એકદમ વિપરીત હોય છે."

તેમણે કહ્યું કે, "રાજકારણ એ રોજબરોજની જિંદગીનો હિસ્સો છે. તે ભાવનાત્મક પણ છે અને અનુભવ સાથે સંકળાયેલ પણ છે."

હાસ્ય એ લાંબા સમયથી વિરોધપ્રદર્શનોનો હિસ્સો રહ્યું છે. તે એકજૂથતા પેદા કરી શકે છે, તણાવ ઘટાડી શકે અને લોકોને ડરની ક્ષણ વીતાવવામાં મદદ કરી શકે છે.

શાહ કહે છે કે, "લક્ષ્ય ગમે તેટલું કઠિન હોય અને સંઘર્ષ ગમે તેટલો આકરો હોય, તો પણ તેમાં હાસ્ય, ખુશી, ગીત અને આશા હાજર હોય છે. તેના વગર આંદોલન લાંબો સમય ટકી શકે નહીં."

નવા યુગની નવી પદ્ધતિ

બીબીસી ગુજરાતી દિલ્હી જંતર-મંતર યુવાનો વિરોધ પ્રદર્શન કૉક્રોચ જનતા પાર્ટી ઇન્સ્ટાગ્રામ રીલ
ઇમેજ કૅપ્શન, ઘણા યુવાનો આ પ્રકારના નારા સાથે પ્રદર્શનમાં જોડાયા હતા.

21 વર્ષીય ઈશાન (નામ બદલ્યું છે) પહેલી વખત કોઈ પ્રદર્શનમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા છે. તેમની પાસે ટિયર ગૅસના શેલ પડ્યા ત્યારે પહેલાં તો ત્યાંથી જતા રહેવાનો વિચાર કર્યો. પછી તેમણે પોતાનો ફોન કાઢ્યો.

ત્યાર બાદ તેમણે રીલ પોસ્ટ કરી જેમાં રસ્તા પર ફેલાયેલો સફેદ ધુમાડો દેખાતો હતો. તેની સાથે એક કૅપ્શન સાથે લખ્યું, "દિલ્હી પોલીસને ખબર નથી કે હું યમુના પારથી આવ્યો છું."

ઈશાન હસતાં હસતાં કહે છે કે "ત્યાંની દુર્ગંધ ટિયર ગૅસ કરતાં પણ તીવ્ર હોય છે."

તેમણે બીબીસીને કહ્યું કે "આ મજાકનો હેતુ એવું દેખાડવાનો ન હતો કે કંઈ થયું જ ન હતું."

તેમણે કહ્યું કે, "ઇરાદો એ હતો કે તે દિવસની યાદ પર ભય હાવિ થવો ન જોઈએ."

વિરોધપ્રદર્શનોએ હંમેશાં ભય અને આશાને એક જ તસવીરમાં સાથે રાખવાનો રસ્તો શોધ્યો છે.

આઝાદીનાં આંદોલનો વખતે ગીતો અને ભાષણો હતાં. ટ્રેડ યુનિયનો બૅનરોના સાથે કૂચ કાઢતાં હતાં. વિદ્યાર્થી આંદોલનોએ પોસ્ટર અને નુક્કડ નાટક અપનાવ્યાં.

બીબીસી ગુજરાતી દિલ્હી જંતર-મંતર યુવાનો વિરોધ પ્રદર્શન કૉક્રોચ જનતા પાર્ટી ઇન્સ્ટાગ્રામ રીલ
ઇમેજ કૅપ્શન, પોલીસ લાઠીચાર્જથી ભાગતી વખતે મનીતે પોતાની રનિંગ ઍક્ટિવિટી રેકૉર્ડ કરી.

તાજેતરનાં વર્ષોમાં નાગરિકતા કાનૂન વિરોધી પ્રદર્શનો થયાં ત્યારે ગ્રેફિટી અને જાહેરમાં બંધારણનું પઠન કરવું એ તેની ઓળખ બની, જ્યારે ખેડૂત આંદોલન વખતે ટ્રૅક્ટર રેલીઓ અને દિલ્હીની સરહદેથી થતા લાઇવસ્ટ્રીમ તેની ઓળખ બન્યા.

સીજેપીના ઘણા પ્રદર્શનકારીઓની જેમ ઈશાન પણ એ પેઢીની ભાષામાં વાત કરે છે, જે ઇન્ટરનેટના યુગમાં ઉછરી છે. શાહનું કહેવું છે કે આ ભાષાને ઉપરછલ્લી સમજીને તેની ઉપેક્ષા કરવી એ તેના અસલી હેતુને ન સમજવા સમાન છે.

શાહે કહ્યું કે, "આપણે ઘણી વખત નવી ટૅકનિકને આપણા જૂના વિચારો મારફત સમજવાની ભૂલ કરીએ છીએ."

પરંતુ તેમના કહેવા મુજબ મીમ એ માત્ર રાજકીય પોસ્ટરનું આધુનિક રૂપ નથી. લોકો જ્યારે તેને ફરીથી બનાવે, તેની પૅરોડી કરે અને તેને શૅર કરે ત્યારે તેના અર્થ પણ બદલાતા રહે છે. તેને શૅર કરવું એ પણ પ્રદર્શનમાં ભાગીદાર બનવાની એક રીત બની જાય છે.

ઍન્જિનિયરિંગના 18 વર્ષીય વિદ્યાર્થી મનીત સાથે પણ આવું જ થયું. આ તેમનું પ્રથમ પ્રદર્શન હતું અને તેમણે લગભગ નક્કી કર્યું હતું કે તેઓ વીડિયો રેકૉર્ડ નહીં કરે.

તેમણે કહ્યું કે, "હું ડરેલો હતો."

બીબીસી ગુજરાતી દિલ્હી જંતર-મંતર યુવાનો વિરોધ પ્રદર્શન કૉક્રોચ જનતા પાર્ટી ઇન્સ્ટાગ્રામ રીલ
ઇમેજ કૅપ્શન, જંતર-મંતર પર પ્રદર્શન કરતા યુવાનો

પછી તેમણે ચારે બાજુ જોયું અને કહ્યું, "બધા રેકૉર્ડિંગ કરતા હતા, કૅમેરા પર વાત કરતા હતા. જેવું હતું એવું જ. ત્યારે મેં મારા મિત્રને કહ્યું કે મારો પણ વીડિયો રેકૉર્ડ કરો."

તેમની રીલ એવી જ હતી જે રીતે તેઓ સામાન્ય રીતે વર્કઆઉટના વીડિયો પોસ્ટ કરે છે. પરંતુ રીલના અંતે ખબર પડી કે પોલીસથી ભારતી વખતે તેમનું ફિટનેસ એપ તેમની રનિંગ ઍક્ટિવિટી રેકૉર્ડ કરતું હતું.

તેઓ હસતાં હસતાં કહે છે, "હું પોલીસથી ભાગી છૂટ્યો. હું ભાગતો જ રહ્યો અને તે દરમિયાન મારું વર્કઆઉટ પણ પૂરું થઈ ગયું.

મનીત માટે આ જ વિડંબણા સૌથી મહત્ત્વની હતી.

તેમણે કહ્યું કે, "બધા યુવાનો સમાચાર નથી વાંચતા. જો હાસ્યની મદદથી મહત્ત્વની વાતોને વધુ લોકો સુધી પહોંચાડી શકાય, તો આપણે તેનો ઉપયોગ કેમ ન કરીએ?"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન