બૉમ્બે : એક કિલ્લેબંધ નગર કેવી રીતે ધમધમતા મહાનગરમાં ફેરવાયું?

ઇમેજ સ્રોત, DAG
- લેેખક, નિખિલ ઈનામદાર
- પદ, મુંબઈ
- વાંચવાનો સમય: 5 મિનિટ
સાત ટાપુઓથી માંડીને બે કરોડની વસ્તી ધરાવતું શહેર બનવા સુધીની સફર દરમિયાન બૉમ્બે (હવે મુંબઈ)ને સૈકાઓથી રાજકીય, આર્થિક તથા સામાજિક બળો આકાર આપતાં આવ્યાં છે.
કોળી માછીમારોથી લઈને સંસ્થાનવાદી આયોજકો અને બોલીવૂડ સ્ટાર્સથી લઈને કાપડના ઉદ્યોગપતિઓ સુધીના અનેક લોકોએ ભારતના આ પશ્ચિમી શહેરના ભૂદૃશ્ય તથા ઓળખને પ્રભાવિત કર્યાં છે.
શહેર સતત વિકાસ પામતું રહે છે, અતીત ભવિષ્ય માટે માર્ગ કંડારી રહ્યો છે. માછલી પકડવાની જાળથી લઈને બંદરો સુધી અને મિલોથી લઈને મૉલ સુધી, બૉમ્બે સ્વયંને સતત નવું સ્વરૂપ આપીને પરિવર્તન પામતું શહેર બન્યું છે.
'બૉમ્બે ફ્રેમ્ડ' શીર્ષક સાથેનું આ નવું પ્રદર્શન પેઇન્ટિંગ્ઝ, તસવીરો અને મલ્ટિમીડિયા પ્રિન્ટ્સની ભવ્ય સિરીઝનો ઉપયોગ કરીને સદીઓથી શહેરનું બદલાતું રહેલું સ્વરૂપ દર્શાવે છે.
ત્રણ સદીના ફલકમાં પ્રસરેલી 100 કરતાં વધુ તસવીરો શહેરની પૂર્ણ વિવિધતાને ઉજાગર કરતું અસાધારણ વૈવિધ્ય રજૂ કરે છે, જેમાં પારસી વેપારીઓ અને ફિલ્મી સિતારાઓની આલીશાન દુનિયાથી લઈને સામાન્ય નાગરિકો, શ્રમિકોનાં જીવનને આવરી લેવાયાં છે.
ડીએજી આર્ટ ગેલરી દ્વારા યોજાયેલા પ્રદર્શનના ક્યૂરેટર જ્ઞાન પ્રકાશે બીબીસીને જણાવ્યા મુજબ, "આ તમામ તત્ત્વો સાથે મળીને આપણને શહેરને એક પ્રકારની બહુસ્તરીય, જટિલ અને અનેકવિધ અનુભવોથી બનેલી કળાકૃતિના સ્વરૂપમાં જોવા માટે આમંત્રિત કરે છે."
જ્ઞાન પ્રકાશના જણાવ્યા અનુસાર, કેટલાક ચાવીરૂપ સમયગાળામાં બૉમ્બેમાં ખરેખર ફેરફાર થયો હતોઃ જેમ કે, 1830 અને 1840ના દાયકામાં, જ્યારે દરિયાઈ પુરાણ અને પાળા બાંધીને સાત અલગ-અલગ ટાપુઓને જોડીને એક ટાપુ શહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
પહેલાંનું બૉમ્બે ખરેખર કેવું દેખાતું હતું?

ઇમેજ સ્રોત, DAG

ઇમેજ સ્રોત, DAG
બે દાયકા પછી, 1860ના દસકામાં કિલ્લાની દીવાલો તોડી પાડવામાં આવી, જેને પગલે શાહી ઇમારતો બનાવવાનો માર્ગ મોકળો થયો. આ ઇમારતોએ શહેરને તેની આગવી સંસ્થાનવાદી ઓળખ આપી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1920 અને 1930ના દાયકામાં, આર્ટ ડેકો શૈલીની ઇમારતો સાથે મરીન ડ્રાઇવ કોર્નિશનું નિર્માણ કરવામાં આવ્યું. તેની સાથે અનોખી આધુનિક સ્થાપત્ય શૈલીનો પણ ઉદ્ભવ થયો, જે અગાઉની વિક્ટોરિયન ગોથિક શૈલી કરતાં જુદી હતી.
2000ના દસકાથી શહેરના પ્લાનર્સ વધુ ઉપયોગી માળખાકીય સુવિધાઓના બાંધકામમાં વ્યસ્ત છે, જેમાં નવા સી બ્રિજ અને દરિયાકાંઠાના માર્ગોનો સમાવેશ થાય છે, જેનાથી શહેરનું સ્વરૂપ આજે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.
બૉમ્બે તેના સમગ્ર ઇતિહાસ દરમિયાન તીવ્ર વિરોધાભાસ અને ચરમસીમાનું શહેર રહ્યું છે - અહીં ભવ્ય ટાવરો ઝૂંપડપટ્ટીઓ સાથે જગ્યા માટે હરીફાઈ કરે છે, શહેરની વ્યગ્ર અરાજકતા તેને ઘેરી વળેલા શાંત સમુદ્રથી સાવ વિપરીત છે અને અહીંની હેરિટેજ ઇમારતો શહેરની આધુનિક ગતિવિધિઓ સાથે અસ્તિત્વ ટકાવતી ઊભી છે.
પ્રાચીન ગુફાઓનું શહેર

ઇમેજ સ્રોત, DAG

ઇમેજ સ્રોત, DAG
બૉમ્બે પ્રાચીન ગુફાઓનું શહેર છે, પણ તેની સાથે જ તે આધુનિક મિલો તથા પરમાણુ સંશોધન સુવિધાઓનું પણ શહેર છે, જેના કારણે બે વ્યક્તિ માટે તેને એકસમાન દૃષ્ટિકોણથી જોવું અશક્ય છે.
પરંતુ કોઈ શહેરનો આત્મા કેવળ તેની ઇમારતો અને માળખાંથી નહીં, બલકે તેમાં વસનારાં લોકોથી ધબકતો હોય છે. અને આ પ્રદર્શન તેના સેંકડો રહીશોને રોજબરોજના જીવનના માધ્યમથી તેની કહાણી વર્ણવવાનો પ્રયત્ન કરે છે.
જ્ઞાન પ્રકાશ કહે છે, "પ્રારંભિક બ્રિટિશ કાળમાં સમુદ્ર અને નૌકાઓનાં મનોરમ્ય દૃશ્યોમાં પણ માનવ આકૃતિઓ સામેલ છે, જે આપણને યાદ કરાવે છે કે, પર્યાવરણ હંમેશાં માનવીય પ્રવૃત્તિ દ્વારા આકાર પામતું રહ્યું છે."
પારસી દાનેશ્વરીઓ અને મહારાષ્ટ્રના ધનપતિઓથી લઈને મિલ કામદારો તથા હાંસિયામાં ધકેલાઈ ગયેલા સ્થળાંતરિતોને આવરી લેતી આ તસવીરો બૉમ્બેના નિર્માણમાં પોતાના યોગદાનનો દાવો કરતા શહેરના અનેક ચહેરાઓની ઝલક બતાવે છે.

ઇમેજ સ્રોત, DAG

ઇમેજ સ્રોત, DAG
20મી સદીના પ્રારંભમાં શહેરનાં વ્યાપારી તાણાવાણા ગૂંથનારા પારસી ભદ્ર વર્ગનાં બનાવાયેલાં ચિત્રો "સમુદાયના સંરક્ષણ નેટવર્ક્સ તથા સામાજિક આકાંક્ષાઓ"નું પ્રતિબિંબ પાડે છે.
તેનાથી વિપરિત, તીખી સામાજિક તથા રાજકીય ટીકા બદલ પ્રખ્યાત ચિત્તપ્રસાદ જેવા સર્જકોની કૃતિઓ શ્રમિક વર્ગના જીવનની ઝાંખી કરાવે છે.
ભારતમાં સિનેમાની શરૂઆત બૉમ્બેમાં થઈ, પણ સિનેમા માત્ર ફિલ્મો સુધી સીમિત ન રહેતાં શહેરની ગલીઓમાં પણ જીવંત રહ્યું. આ પ્રદર્શનમાં 1950 અને 1960ના દાયકાનાં જૂનાં ફિલ્મ પોસ્ટરોનો સંગ્રહ છે. આ પોસ્ટરો એક સમયે શહેરની દીવાલો પર લગાવાતાં હતાં. સાથે જ તેમાં દાદરસ્થિત ઇન્ડિયા ફોટો સ્ટુડિયોના સ્થાપક જેએચ ઠક્કરે લીધેલી તસવીરો પણ સામેલ છે.
ક્યૂરેટોરિયલ નોટમાં લખ્યું છે, "તેમનાં ભાવપૂર્ણ, ઝીણવટપૂર્વક તૈયાર કરાયેલાં ચિત્રોએ રાજ કપૂર, નરગીસ, દેવ આનંદ, મીનાકુમારી અને દિલીપકુમાર જેવાં સ્ટાર્સને જોવાના પ્રેક્ષકોના દૃષ્ટિકોણને આકાર આપ્યો હતો."

ઇમેજ સ્રોત, DAG

ઇમેજ સ્રોત, DAG
1990ના દસકાના મધ્ય ભાગમાં શહેરનું નામ સત્તાવાર રીતે બદલીને બૉમ્બેમાંથી મુંબઈ કરી દેવાયું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે, શહેરને સંસ્થાનવાદી વિરાસતમાંથી મુક્ત કરવા માટે આમ કરવામાં આવ્યું હતું.
પ્રકાશ કહે છે કે, તેમના પ્રદર્શનને "મુંબઈ ફ્રેમ્ડ"ને સ્થાને "બૉમ્બે ફ્રેમ્ડ" નામ આપવામાં આવ્યું છે, જેનું કારણ છે કે, મોટા ભાગની તસવીરો શહેર સત્તાવાર રીતે જ્યારે બૉમ્બે તરીકે ઓળખાતું હતું, તે સમયની છે.
"મરાઠીભાષીઓ માટે, તે હંમેશાંથી મુંબઈ હતું. ઘણા લોકોની માફક જ, હું પણ શહેરના નામને લઈને તટસ્થ છું, કારણ કે તે બેવડાં નામ અને બહુમુખી દૃષ્ટિકોણોનો શહેરનો દીર્ઘકાલીન ઇતિહાસ દર્શાવે છે. આ મુદ્દો ત્યારે જ વિવાદાસ્પદ બને છે, જ્યારે તેને રાજકીય રંગ આપવામાં આવે છે."

ઇમેજ સ્રોત, DAG

ઇમેજ સ્રોત, DAG
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























