'આ બધું એકાદ વર્ષથી કરી રહ્યો હતો', અનેક છોકરીઓના યૌનશોષણના વીડિયો વાઇરલ

વાંચવાનો સમય: 4 મિનિટ

પોલીસે અમરાવતી જિલ્લાના પરતવાડામાંથી 19 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે તેણે અનેક છોકરીઓનું શોષણ કર્યું હતું અને તેમના વીડિયો ઉતાર્યા હતા.

પછી આરોપીએ અન્યો સાથે મળીને આ વીડિયો વાઇરલ કર્યા હતા.

આ કેસને કારણે મીડિયા અને સોશિયલ મીડિયામાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીનું નામ મોહમ્મદ અય્યાઝ મોહમ્મદ તનવીર છે અને તે પરતવાડાનો રહીશ છે.

જાતીય શોષણના આરોપનો આખો મામલો શું છે?

અમરાવતીમાં બનેલી આ ઘટનામાં તપાસ ચાલુ છે અને તે પૂર્ણ થયે વિસ્તૃત વિગતો બહાર આવશે.

આમ છતાં મળેલી પ્રાથમિક માહિતી પ્રમાણે, આરોપી દ્વારા સગીરાઓને પ્રેમજાળમાં ફસાવવામાં આવતી અને એ પછી તેમનું જાતીયશોષણ કરવામાં આવતું. ત્યાર બાદ આરોપી દ્વારા પીડિતાઓનું બ્લૅકમેઇલિંગ કરવામાં આવતું.

પોલીસે 14મી એપ્રિલે (મંગળવાર) રાત્રે કેસ દાખલ કર્યો હતો અને આરોપી યુવકની ધરપકડ કરી હતી.

ભાજપના નેતા અનિલ બોંદેએ માગ કરી છે કે કેસની ગંભીરતાને જોતાં સંવેદનશીલ મહિલા પોલીસ અધિકારીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું (એસઆઇટી) ગઠન કરવામાં આવે.

બુધવારે આ કેસની અદાલતમાં સુનાવણી થઈ હતી. જ્યાં કોર્ટે આરોપીના સાત દિવસના (21 એપ્રિલ) સુધીના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા.

પોલીસે આરોપીનો મોબાઇલ જપ્ત કરીને તપાસ હાથ ધરી છે. પોલીસને આરોપીના મોબાઇલમાંથી અનેક તરુણીઓના વીડિયો મળ્યા હોવાના અહેવાલ છે.

પોલીસે મંગળવારે રાત્રે જ વધુ બે આરોપીની ધરપકડ કરી હતી. આ સાથે જ કુલ આરોપીઓની સંખ્યા ચાર થઈ ગઈ છે.

પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે, તેમના નામ મોહમ્મદ અય્યાઝ મોહમ્મદ તનવીર, ઉઝેર ખાન ઇકબાલ ખાન, તબરેઝ ખાન તસલીમ ખાન અને મોહમ્મદ સાદ મોહમ્મદ સાદિક છે.

આરોપી ઉઝેર ખાને પોતાની પાસે રહેલા વીડિયો આરોપી મોહમ્મદ સાદ મોહમ્મદ સાદિકને ફોરવર્ડ કર્યા હોવાની વાત સ્વીકારી છે.

દરમિયાન પોલીસનું કહેવું છે કે આરોપીએ ગુનાની કબૂલાત કરી લીધી છે.

પોલીસનું શું કહેવું છે?

પરતવાડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સુરેશ મસ્કેએ આના વિશે પ્રતિક્રિયા આપી છે.

તેમણે જણાવ્યું, "આરોપીએ તેના મોબાઇલમાંથી કેટલોક ડેટા ડિલીટ કરી નાખ્યો છે. સાયબર સેલની મદદથી તેને રિકવર કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. આરોપીએ સ્વીકાર્યું છે કે આ બધું એકાદ વર્ષથી કરી રહ્યો હતો."

"બહાર આવેલી વિગતો પ્રમાણે, પીડિત મહિલાઓ માત્ર પાર્થવાડા જ નહીં, પરંતુ અમરાવતી, નાગપુર અને આસપાસનાં ગામોનાં છે. અત્યાર સધી સાત પીડિત છોકરીઓનાં નામો બહાર આવ્યાં છે, પરંતુ હજુ સુધી એક પણ પીડિતા કે તેના કોઈ સંબંધીએ સામે આવીને ફરિયાદ નથી કરી. તેમણે સામે આવવું જોઈએ, તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે."

પોલીસની પીડિતાઓને અપીલ

કૉંગ્રેસનાં નેતા અને પૂર્વ મંત્રી યશોમતી ઠાકુરે સમગ્ર ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, "પહેલાં નાસિક અને હવે અમરાવતીમાં જે કેસ બહાર આવ્યો છે, તે ખૂબ જ આઘાતજનક છે. લોકોના મનમાંથી ભય નીકળી ગયો છે, તે બાબત ખૂબ જ આશ્ચર્યજનક છે. તેઓ તેમને મન પડે એમ કરે છે."

"ગૃહ મંત્રાલય શું કરી રહ્યું હતું? આનો મતલબ એ થયો કે મુખ્ય મંત્રીએ તેમના સ્રોતોને વધારવાની જરૂર છે. ગૃહ મંત્રાલયે ધર્મને વચ્ચે લાવ્યા વગર તપાસ કરવી જોઈએ."

ધારાસભ્ય રવિ રાણાએ માગ કરી છે, "આ આરોપીઓને જનમટીપની સજા થવી જોઈએ અને પોલીસે તેમને તત્કાળ પકડી લેવા જોઈએ. જે લોકો આ પ્રકારનાં કૃત્યોમાં સંડોવાયેલાં છે, તેમને પાઠ ભણાવવો જોઈએ."

કૉંગ્રેસના સાંસદ બળવંત વાનખેડેએ કહ્યું, "આ ખૂબ જ ગંભીર બાબત છે અને કોઈ તેનું સમર્થન ન કરી શકે. આટલી મોટી સંખ્યામાં સાથે બળાત્કાર થયો છે, તેનો આંકડો ક્યાંથી બહાર આવ્યો, તે કહી શકાય એમ નથી. પોલીસ તપાસમાં સાતથી આઠ મહિલાનો ઉલ્લેખ છે. આ બાબતે પોલીસ આગળની તપાસ હાથ ધરશે. આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ."

અમરાવતીના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (ગ્રામ્ય) વિશાલ આનંદે પણ વાલીઓ તથા પીડિત છોકરીઓને આગળ આવીને ફરિયાદ દાખલ કરાવવા માટે અપીલ કરી છે.

પોલીસે પણ પીડિતાઓની તપાસ હાથ ધરી છે તથા જરૂર પડ્યે સાદાં કપડાંમાં મહિલા પોલીસકર્મીઓને પીડિત પરિવારો પાસે મોકલવામાં આવશે.

વિશાલ આનંદે સ્પષ્ટતા કરી છે કે જો કોઈ પીડિતા કેસ દાખલ કરાવવા આગળ નહીં આવે, તો પોલીસ જાતે જ ફરિયાદી બનશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન