મુંબઈ : એક જ પરિવારના ચાર લોકોનાં મોતનું રહસ્ય ઉકેલાયું, તરબૂચના બદલે આ કારણ બહાર આવ્યું

- લેેખક, દિપાલી જગતાપ
- પદ, બીબીસી મરાઠી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
મુંબઈના પાયધુનીમાં વસતા એક જ પરિવારના ચાર લોકોનાં મોતના કેસમાં ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી (એફએસએલ)નો રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટ મુજબ તમામ મૃતકોનાં આંતરિક અવયવોનાં સૅમ્પલમાંથી ઝિન્ક ફૉસ્ફાઇડ મળી આવ્યું છે.
મૃતકોનાં લીવર, કિડની અને બરોળ ઉપરાંત પેટ, પિત્ત અને પેટની ચરબીના સૅમ્પલમાંથી પણ આ ઝેરી રસાયણ મળ્યું છે.
મુંબઈ પોલીસના ડીસીપી ઝોન-1, પ્રવીણ મુંડેએ જણાવ્યું કે "એફએસએલના રિપોર્ટ પરથી જાણવા મળે છે કે મરનારા ચારેય લોકોના આંતરિક અંગોનાં સૅમ્પલમાંથી ઝિંક ફૉસ્ફાઇડ મળી આવ્યું છે."
તેમણે આગળ કહ્યું કે "તપાસ દરમિયાન તરબૂચના સૅમ્પલમાંથી પણ ઝિંક ફૉસ્ફાઇડ મળ્યું હતું. જોકે, તપાસ માટે મોકલવામાં આવેલા બીજા કોઈ ફૂડ સૅમ્પલમાંથી ઝિંક ફૉસ્ફાઇડ મળ્યું નથી."
ડીસીપી મુંડેએ કહ્યું કે, "એફએસએલની રિપોર્ટનો ઝિણવટથી અભ્યાસ કરવામાં આવશે અને ડૉક્ટરો સાથે વાત કરીને આગળની તપાસની દિશા નક્કી કરવામાં આવશે."
બીબીસી મરાઠી સાથે વાત કરતા ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર ડૉ. વિજય ઠાકરેએ કહ્યું કે, "આજે અમે જેજે માર્ગ પર એક જ પરિવારના ચાર લોકોના મોતના કેસમાં એફએસએલનો રિપોર્ટ પોલીસને સોંપ્યો છે."
ઝિંક ફૉસ્ફાઇડ શું છે અને કેમ જોખમી ગણવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઝિંક ફૉસ્ફાઇડ એ અત્યંત ઝેરી રસાયણ છે જેનો ઉપયોગ મુખ્યત્વે ઉંદર મારવાની દવા તરીકે થાય છે. ખેતીવાડી અને અનાજ સંગ્રહમાં પણ તેનો ઉપયોગ થાય છે.
નિષ્ણાતો મુજબ ઝિંક ફૉસ્ફાઇડ પેટના એસિડ સાથે પ્રક્રિયા કરે છે અને ફૉસ્ફીન નામે અત્યંત ઝેરી ગેસ પેદા કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ગેસ શરીરની કોશિકાઓને ઊર્જા પેદા કરતી અટકાવે છે, જેનાથી હૃદય, ફેફસાં અને યકૃત પર ગંભીર અસર થાય છે.
ઝિંક ફૉસ્ફાઇડને ભૂલથી ગળી જવામાં આવે અથવા ફૉસ્ફિન ગેસ શ્વાસમાં જતો રહે તો તે ઘાતક સાબિત થઈ શકે છે.
આ કારણથી જ ઘણા દેશોમાં આ રસાયણના ઉપયોગ પર આકરાં નિયંત્રણો લાગુ છે અને સામાન્ય લોકો માટે તે સરળતાથી ઉપલબ્ધ નથી હોતું.
તરબૂચ ખાધા પછી સમગ્ર પરિવારના મોતની સમગ્ર ઘટના શું હતી?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચાલીસ વર્ષના અબ્દુલ્લા દોકડિયા મુંબઈના પાયધુની વિસ્તારમાં આવેલા મોઘલ ઍપાર્ટમેન્ટમાં પત્ની નસરીન દોકડિયા 35 વર્ષ, અને બે દીકરીઓ સાથે રહેતાં હતાં. 25 એપ્રિલના રોજ રાત્રે દસથી સાડા દસ વાગ્યાની વચ્ચે કેટલાક સંબંધીઓ સાથે રાત્રિભોજન કર્યું હતું.
મુંબઈ પોલીસ અનુસાર સંબંધીઓ ગયા પછી મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ બધાંએ તરબૂચ ખાધું હતું. તરબૂચ ખાધા બાદ તમામની તબિયત બગડવા લાગી હતી. વહેલી સવારે પરિવારના સભ્યોને ઊલટીઓ અને ઝાડા થવાં લાગ્યાં હતાં.
પાડોશીઓ તમામને હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પરિવારના સભ્યોએ છેલ્લે તરબૂચ ખાધું હતું અને આ કારણોસર શરૂઆતમાં સ્થાનિક ડૉક્ટરોનું અનુમાન હતું કે તમામનું મૃત્યુ ફૂડ પોઈઝનિંગના કારણે થયું છે.
આ ઘટના બની પછી આ જ બિલ્ડિંગના ચોથા માળે રહેતા ડૉ. ઝૈદ કુરેશી અબ્દુલ્લાના ઘરે પહોંચનાર પ્રથમ વ્યક્તિ હતા. તેમણે પરિવારના સભ્યોના આરોગ્યની તપાસ કરી હતી.
બીબીસી મરાઠી સાથેની વાતચીતમાં ડૉ. કુરેશીએ જણાવ્યું હતું કે, ''ઘરમાં પ્રવેશ કર્યા બાદ મેં જોયું કે નાની દીકરીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સીપીઆર આપ્યા છતાં તેની સ્થિતિમાં કોઈ ફેર ન પડતાં હું તેને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયો હતો. પરંતુ ત્યાં સુધીમાં દીકરીનું મૃત્યુ થઈ ગયું હતું.''
તેમણે વધુમાં જણાવ્યું કે, ''પરિવારના અન્ય સભ્યોને પહેલાં સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે બાદ તમામને જે. જે. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ત્રણેય સભ્યોનાં મોત થયાં હતાં.''
આ દરમિયાન, સ્થાનિક એમઆઈએમ નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું છે કે રાજ્ય સરકાર અને પોલીસ કમિશનરે આ મામલાની નોંધ લેવી જોઈએ અને ઘટનાની તપાસ કરવી જોઈએ.
પોલીસ ફરિયાદમાં શું કહેવામાં આવ્યું છે?

આ કેસમાં જે. જે. પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતાં ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રવીણ મુંધેએ જણાવ્યું હતું :
"એક પરિવારના ચારેય સભ્યોનું મૃત્યુ થયું છે. 25 એપ્રિલની રાત્રે તેઓએ અન્ય કેટલાક સંબંધીઓ સાથે રાત્રિભોજન કર્યું હતું. એવું જાણવા મળ્યું છે કે સંબંધીઓ ગયા પછી રાત્રે એકથી દોઢ વાગ્યાની આસપાસ બધાએ તરબૂચ ખાધું હતું. આ પછી, સવારથી તેમને ઊલટી અને ઝાડા થવા લાગ્યાં હતાં. તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી, તેમને જે. જે. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ચારેયનું કમનસીબે મૃત્યુ થયું હતું."
"પૉસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું છે. પોલીસે તેમણે ખાધેલા ખોરાકના નમૂના એકત્ર કર્યા છે. તરબૂચના નમૂના પણ લેવામાં આવ્યા છે અને તેમના શરીરમાંથી પણ નમૂના લેવામાં આવ્યા છે. હાલ આ કેસમાં તપાસ ચાલી રહી છે."
પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણે શું કહ્યું?
સ્થાનિક એમઆઈએમ નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણે માંગ કરી છે કે રાજ્ય સરકાર અને મુંબઈ પોલીસ કમિશનર આ બાબતની નોંધ લેવી જોઈએ.
X પર એક પોસ્ટ શેર કરતા વારિસ પઠાણે કહ્યું, "મને ઘણા લોકોના ફોન આવ્યા છે જેમાં તેઓ પૂછપરછ કરી રહ્યા છે કે આ રીતે કોઈ વ્યક્તિ કેવી રીતે મૃત્યુ પામી શકે છે? તેનું કારણ શું છે? અમે હાલમાં પૉસ્ટમૉર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. મારી રાજ્ય સરકાર અને પોલીસ કમિશનરને વિનંતી છે કે આ મામલાની તપાસ કરવી જોઈએ કે ખરેખર શું થયું?"
"આખા પરિવારનું એક સાથે મૃત્યુ શા માટે થયું. પછી ભલે તે તરબૂચ ખાવાથી થયું હોય કે બીજું કોઈ કારણ હોય. તપાસ થવી જોઈએ. સરકારે આ માહિતી જાહેર કરવી જોઈએ જેથી અન્ય લોકો કાળજી લઈ શકે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























