ગુજરાતમાં ઈરાનની ફારસી ભાષા ક્યાંથી આવી અને તે ગુજરાતી સાથે કેવી રીતે ભળી ગઈ?

- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 9 મિનિટ
આપણે રોજબરોજની વાતચીતમાં 'તાલુકો', 'મહેમાન', 'ઝનૂન', 'ફરિયાદ' જેવા શબ્દો વાપરીએ છીએ.
પરંતુ તમને ખ્યાલ છે કે આવા અનેક શબ્દો મૂળ ગુજરાતી ભાષાના નથી. આ શબ્દોનું મૂળ ફારસી ભાષામાં છે.
ગુજરાત અને ઈરાનના સદીઓ જૂના અનેક સંબંધોમાંથી એક મધુર સંબંધ ફારસી ભાષા સાથેનો રહ્યો છે.
ગુજરાતમાં સલ્તનતકાળ અને મુઘલકાળ દરમિયાન દરબારી ભાષા તરીકે પાંચ-છ સદી સુધી ફારસી ભાષાનો દબદબો રહ્યો હતો. જોકે, એ સલ્તનતકાળ પહેલાંથી જ ગુજરાતમાં ફારસી ભાષાનો ઘણો ઉપયોગ થતો હતો.
ઈરાનની સત્તાવાર ભાષા ફારસી ગુજરાતી સાથે કેવી રીતે ભળી ગઈ અને આજ સુધી તેનો પ્રભાવ કેવી રીતે જોવા મળે છે?
જાણીએ આ અહેવાલમાં...
ફારસી ભાષાનું મૂળ અને ભારત સાથેનો સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
ફારસી ભાષા એ ઈરાનની સત્તાવાર ભાષા છે. ફારસીના અન્ય બે સ્વરૂપો દારી અને તાજીક એ હાલમાં અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં બોલાય છે.
બ્રિટાનિકા પ્રમાણે, ફારસી એ ઇન્ડો-યુરોપિયન કુળની તે સૌથી જૂની ભાષાઓ પૈકી એક ગણાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફીરોઝ કાવસજી દાવરે 'ઈરાનનો ચેરાગ' નામે એક પુસ્તક લખ્યું છે.
આ પુસ્તક અનુસાર, "ઈરાનની સૌથી પ્રાચીન ભાષા અને તે ભાષામાં લખાયેલા જરથોસ્તી ધર્મશાસ્ત્રો 'અવસ્તા' નામે ઓળખાય છે. અવસ્તા ભાષા અને વેદકાળના સંસ્કૃત વચ્ચે એટલું બધું સામ્ય છે કે જાણે તે સમયના હિંદુઓ અને ઈરાનીઓ એક જ ભાષાની બે બોલીઓ બોલતા હોય એમ લાગતું. જૂની ફારસી ભાષા એ અવસ્તાનું જ અપભ્રંશ થયેલું રૂપ છે."
"ત્યાર બાદ મિડલ પર્શિયન એટલે કે પહેલવી ભાષા પ્રચલનમાં આવી જે મધ્યયુગની ફારસી ભાષા કહેવાય છે. તેમાંથી જે શુદ્ધ ભાષા જન્મી તે 'પાઝંદ' કહેવાઈ. આરબોનાં આક્રમણ પછી પાઝંદ પણ અરબી લિપિમાં લખાવા માંડી અને એક નવી ભાષા શરૂ થઈ તે હાલની ફારસી ભાષા છે. જોકે, તેમાં આરબોના સંપર્કથી 70 ટકા જેટલું અરબી તત્ત્વ પેસી ગયું હતું."
પ્રો. અલી અકબર ખાનસર અને પ્રો. નાસરિન મોઝાફરીએ 'ધ ઇમ્પેક્ટ ઑફ પર્શિયન લૅંગ્વેજ ઑન ઇન્ડિયન લેંગ્વેજિસ' શીર્ષકથી એક સંશોધનપત્ર લખ્યું છે.
તેમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે, "ઈ.સ. 1000થી 1800ની વચ્ચે મધ્યપૂર્વ અને એશિયાના અનેક દેશોમાં ફારસી બોલાતી હતી. ભારતમાં મુઘલ શાસન દરમિયાન સંસ્કૃતિ અને શિક્ષણ પર ફારસી ભાષાનો પ્રભાવ રહ્યો. સાહિત્ય અને વિજ્ઞાનમાં ભારત અને ઈરાનનાં ક્ષેત્રોના સંબંધો ટોચ પર હતા. ફારસી ભાષાએ ઉર્દૂ, પંજાબી, સિંધીને પણ પ્રભાવિત કરી અને ગુજરાતી, હિન્દી, મરાઠી અને રાજસ્થાનીમાં આ ફારસીના અઢળક શબ્દો સામેલ થયા."
"મુઘલ બાદશાહો ઈરાની કવિઓ અને વિદ્વાનોને આશ્રય આપતા હતા. રાજદરબારોમાં કાર્યરત્ અધિકારીઓ અને ઉમરાવો ઈરાની પોશાક પહેરતા હતા, ફારસી ભાષા બોલતા હતા અને ફારસી કવિતાનો આનંદ માણતા હતા. ભારતના બૌદ્ધિક અને સામાજિક-સાંસ્કૃતિક જીવનનાં તમામ પાસાં પર ફારસી સંસ્કૃતિ અને ભાષાનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળે છે."
ગુજરાતમાં ફારસી ભાષા કેવી રીતે પહોંચી?

ઘણા જાણકારો માને છે કે ગુજરાતમાં પારસીઓ સાથે ફારસી ભાષા આવી, પરંતુ એ સ્પષ્ટ નથી કે ગુજરાતમાં ફારસી ભાષાનો પ્રભાવ ખરેખર કેટલો જૂનો છે. અમુક જાણકારો એ પહેલાંના વેપારી સંબંધોનો પણ સંકેત આપે છે.
ધ કૅમ્બ્રિજ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા: ભાગ-1 પ્રમાણે, છેક ઈ.સ. પૂર્વે છઠ્ઠી-સાતમી સદીથી અને એ પછી પર્શિયા અને ભારત વચ્ચે વેપાર થતો હોવાના પુરાવા મળે છે. શરૂઆતનો વેપાર ભારત અને બેબીલોન વચ્ચે થતો હતો, જે મોટે ભાગે પર્શિયન ખાડી મારફતે થતો હતો. આમ, ભારત અને ઈરાન વચ્ચેના વેપારી સંબંધો એટલા જૂના હોવાથી ભાષાનું આદાનપ્રદાન પણ એટલું જૂનું હોઈ શકે એવું જાણકારો માને છે.
'કિસ્સા-એ-સંજાણ'માં ઉલ્લેખ છે કે પારસીઓ દક્ષિણ ગુજરાતમાં આવેલા બંદર સંજાણમાં વર્ષ 775માં ઊતર્યા હતા. જોકે, કેટલાક ઇતિહાસકારોના મત પ્રમાણે તેઓ વર્ષ 716માં સંજાણ આવ્યા હતા.'
જોકે, પારસી ઇતિહાસનાં વિવિધ પુસ્તકો પ્રમાણે તેમણે સંજાણ રવાના થતાં પહેલાં દીવમાં 19 વર્ષ ગુજાર્યા હતા.
યુનિવર્સિટી ઑફ મુંબઈમાં અવસ્તા-પહેલવી અને પ્રાચીન ઈરાની ભાષાના જાણકાર તરીકે સેવા આપતા ડૉ. પરવેઝ બજાન કહે છે, "પારસીઓનાં ગ્રંથો અવસ્તામાં લખાયેલા, પરંતુ હવે એ મૂળ ભાષાને કોઈ બોલતું-જાણતું નથી. પારસીઓ જ્યારે ઈરાન છોડીને ગુજરાત પહોંચ્યા એ સમયગાળામાં આ મિડલ પર્શિયન કે પહેલવીનું પ્રચલન વધારે હતું. આધુનિક ફારસી પછી ઘડાઈ."
ડૉ. બજાનનું કહેવું છે કે 15મી સદીમાં જ્યારે અકબર નવસારી, સુરત આવ્યા ત્યારે પણ પારસીઓએ તેમને પ્રભાવિત કર્યા હતા.
સલ્તનતકાળ પહેલાંથી ગુજરાતમાં ફારસી વપરાતી હતી

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતનો સલ્તનતકાળ એ 15મી સદીની શરૂઆતથી સોળમી સદીના અંત ભાગ સુધી ગણાય છે, પરંતુ એ પહેલાં પણ ગુજરાતી સાહિત્યમાં ફારસી શબ્દો જોવા મળ્યા છે.
ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસમાં એનએન આચાર્ય લખે છે કે, "ગુજરાતી સાહિત્યમાં લગભગ 12મી સદીથી, એટલે કે સલ્તનતકાળ પહેલાંથી અરબી-ફારસી શબ્દો વપરાતા જોવા મળે છે. ઈ.સ. 1315ના અંબદેવસૂરિકૃત 'સમરારાસ'માં પાતસાહિ, સુરતાણું, ખાનું, મલિકિ જેવા શબ્દો જોવા મળે છે. ઈ.સ. 1398ના શ્રીધરકૃત 'રણમલ્લછંદ', માણિકયચંદ્રસૂરિન-કૃત 'પૃથ્વીચંદ્રચરિત' વગેરેમાં સુરતાણી, ચાકરી, તુરકાણ જેવા શબ્દો જોવા મળે છે. અનેક ગઝલોમાં પ્રિયતમા, ખુશબો, શરાબ જેવા શબ્દો જોવા મળે છે."
નરસિંહ મહેતા, મીરાંબાઈ, દયારામના સમયમાં તો અરબી-ફારસી શબ્દો બોલચાલમાં વપરાતા થઈ ગયા હતા.
જેમ કે... મીરાંબાઈની પ્રચલિત કૃતિ 'ગોવિંદો પ્રાણ અમારો રે…' માં એક પંક્તિ 'વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ...'માં 'પ્યાલો' શબ્દ ફારસી ભાષામાંથી ઊતરી આવેલો છે.
પ્રેમાનંદના 'સુધન્વાખ્યાન' માં એક પંક્તિ 'હય હસ્તી રથ પાળા દીસે બખતરીયા બિહામણા...' માં 'બખતર' શબ્દ ફારસી ભાષામાંથી ઊતરી આવેલો છે.
સલ્તનતકાળ અને મુઘલકાળમાં ગુજરાતની રાજભાષા ફારસી

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતી વિશ્વકોશ પ્રમાણે, "ગુજરાતમાં ફારસી ભાષા બોલતા લોકોનું આગમન ઉત્તર ભારતમાંથી અને વિશેષ પ્રમાણમાં ઈરાની અખાત દ્વારા સમુદ્રમાર્ગે થતું રહ્યું છે. ગુજરાતમાં 15મીથી 19મી સદી સુધીના 400 વર્ષના ગાળામાં ઉત્તર ભારત તથા ઈરાનથી કવિઓ, લેખકો મુસાફરો તરીકે આવ્યા અને તેમાંથી ઘણા અહીં સ્થાયી થયા. ખાસ કરીને અમદાવાદ શહેર ફારસી ભાષા અને સાહિત્યનું મોટું કેન્દ્ર બની રહ્યું."
બહારથી જે કવિઓ આવ્યા તેમાં હુલ્વી શીરાઝી મહત્ત્વના કવિ ગણાય છે.
ફારસી કવિ હુલ્વી શિરાઝી એ તેમની 'તારીખ-એ-અહમદશાહી' કૃતિ માટે જાણીતા છે. તેમણે અમદાવાદની સ્થાપના વિશે જે લખ્યું હતું તેમાં પણ ઈરાનનો ઉલ્લેખ આવે છે.
તેઓ લખે છે, "અહીંની જમીન આનંદકારી છે અને મહેનતની ધૂળથી પવિત્ર થયેલી છે. પણ એ શ્રમની ધૂળ છે, આળસની નહીં. ગુજરાતમાં અમદાવાદનું જે સ્થળ છે તે જોતાં અગમ્ય આદેશ સિવાય આ ભૂમિ ઉપર મોટું પાટનગર કોઈ ન વસાવે. બાદશાહે કહ્યું કે અહીં એવું શહેર બાંધો કે જેના રસ્તા ઉપરની ધૂળ ઇસ્પહાન (ઈરાનનું પ્રખ્યાત શહેર)ના લોકો આંખના સુરમા તરીકે વાપરે, જેને જોઈ ગુજરાત ખુરાસાનની (એ સમયના પર્શિયન સામ્રાજ્યનું શહેર) હરીફાઈ કરે અને એની ઇર્ષ્યાથી નિશાપુર(ખુરાસાનનો વિસ્તાર)ના પ્રાણ નીકળી જાય."
સલ્તનતકાળમાં ફારસી ભાષાનો ગુજરાતમાં જબરદસ્ત વિકાસ થયો અને અનેક કૃતિઓ રચાઈ.
પરીખ અને શાસ્ત્રી લિખિત 'ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ- ભાગ 5 સલ્તનતકાળ'માં લખાયું છે કે, "ઇસ્લામી શાસકોના ગાળામાં દફ્તરી કે દરબારી શાસકોની ભાષા તરીકે ફારસીનો ઉપયોગ થતો હતો. એ દરમિયાન સરકારી ફરમાનો, સરકારી પત્રવ્યવહાર, અદાલતોની ભાષા પણ ફારસી રહેતી હતી. રાજ્યનાં નિશાનો 'સનદ અખબારાત ખરીતા અર્ઝદાસ્ત' અને લશ્કરોમાં તેમજ અન્ય ખાતાંઓમાં સાંસ્કૃતિક શબ્દો અરબી કે ફારસીના હતા."
"ભાષાઓ અને શિલાલેખો પરનું લખાણ પણ અરબી-ફારસીમાં લખાતું. ફારસીનું પ્રભુત્વ એ રીતે સલ્તનતકાળમાં વધ્યું અને સંસ્કૃતમાં પણ આ શબ્દો મૂળ શબ્દો તરીકે અપનાવી લેવાયા. જેમ કે વજીર, કાજી, સિરકાર, બંદર, ચૌધરી વગેરે."
'ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ'માં એનએન આચાર્ય લખે છે, "ગુજરાતમાં ઇસ્લામી સત્તાની સ્થાપના પછી ગુજરાતના સુલતાનોના ચરિત્ર આલેખતી અનેક તવારીખો રચાઈ. એ તમામ અરબી-ફારસીમાં રચાઈ છે. તેમાં બાદશાહોનાં જીવન સાથે સમકાલીન વિગતો પણ છે. એ સમયના અરબી-ફારસી સાહિત્ય પર સૂફી સંતોનો પ્રભાવ પણ ઘણો જોવા મળે છે."
"14મી સદીમાં અરબી-ફારસીની અસરથી ગુજરાતી ભાષાનું સ્વરૂપ ધીરેધીરે બદલાવા લાગ્યું. સેંકડો અરબી-ફારસી શબ્દો ગુજરાતીમાં દાખલ થયા અને સમય જતાં ભાષામાં રૂઢ થઈ ગયા. આવા શબ્દો અનેક મધ્યકાલીન અભિલેખો, શિલાલેખો ખતપત્રો, સાહિત્ય વગેરેમાંથી મળી આવે છે."
સુલતાનોએ ફારસીને પ્રોત્સાહન આપ્યું અને ગુજરાત 'શાયરોની ભૂમિ' બની

પરીખ અને શાસ્ત્રી લિખિત 'ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ભાગ-5 સલ્તનતકાળ' પ્રમાણે, "ભારતમાં ઇતિહાસલેખનની કળા જ ફારસીની સાથે આવી હતી. દિલ્હી સલ્તનતમાં અંધાધૂંધી ફેલાઈ તે પછી જે પ્રાદેશિક રાજ્ય સ્થાપિત થયાં તેમના ઇતિહાસ વત્તેઓછે અંશે એ પ્રદેશમાં લખાયા હતા. ગુજરાતની સલ્તનતની સ્થાપના થઈ એ પછી પણ પ્રદેશમાં એવું જ બન્યું હતું. ઈ.સ. 15મી સદીમાં શરૂ થયેલી લેખનની પ્રવૃત્તિ ઈ.સ. 16મી સદી દરમિયાન એ સલ્તનતના અંત સુધી શરૂ રહી હતી."
આ સમયગાળાના મુખ્ય સાહિત્યમાં 'મુઝફ્ફરશાહી', હુલ્વી શિરાઝીની 'તારીખ-એ- અહમદશાહી', અબ્દુલ હુસૈન તૂનીની 'મઆસિરે મહમૂદશાહી', મૌલાના અબ્દુલ કરીમની 'તબકાતે મહમૂદશાહી', ફૈઝુલ્લાહ બિલ્લાની 'તારીખે સદ્રે જહાન' કે 'તારીખે મહમૂદશાહી' નોંધપાત્ર ગણવામાં આવે છે.
પુસ્તક અનુસાર, "આ સમયગાળામાં શાયરો તેમના આશ્રયદાતાઓને ફારસીમાં કસીદા લખી ખુશ કરતા હતા. કેટલાક સુલતાનો પણ વિદ્વાન હતા અને ફારસીમાં કાવ્યરચના કરી શકતા હતા. સુલતાન અહમદશાહ પણ કાવ્ય રચી શકતા હતા. ગુજરાતના સુલતાનોએ તેમના દરબારમાં શાયરો અને વિદ્વાનોને ઉત્તમ આશરો આપ્યો હતો."
"સુલતાનોના શાસનકાળમાં જે અરબી અને ફારસી સાહિત્ય રચાયું હતું તેનો મોટો ભાગ સૂફીઓએ રચ્યો હતો. તેઓ અતિશય વિદ્વાન હતા. તેમાંથી અનેક સૂફીઓના પૂર્વજોનાં મૂળ અરબસ્તાન કે ઈરાનનાં હતાં તો કેટલાક ખુદ ઈરાની હતા અને ફારસીમાં નિષ્ણાત હતા અને એમાં તેમણે અનેક પુસ્તકો રચ્યાં હતાં. તેમાં સૌથી મશહૂર 'શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ' હતા."
આ પુસ્તકમાં લખાયું છે કે, "ગુજરાતના સુલતાનોની ઉદારતાની પ્રતિષ્ઠા મુસ્લિમ દેશોમાં ભારે હતી. એનાથી આકર્ષાઈને ઈરાનથી અનેક વિદ્વાનો ગુજરાતમાં આવ્યા હતા અને કિંમતી ભેટસોગાદો મેળવી હતી."
ગુજરાત આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં ફારસી ભાષાનાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત્ મહેનૂર સૈયદ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.
તેઓ પણ જણાવે છે કે, "મુઘલકાળના સુલતાનો એ સાહિત્યના મિત્ર હતા. અનુવાદો, સર્જનો કરનારને તેઓ ખૂબ ઈનામો આપતા. આ વખાણ સાંભળીને ઘણા ઈરાની સાહિત્યકારો એ જમાનામાં ભારત આવ્યા અને પછી અહીં જ વસી ગયા. તેમણે ફારસીમાં સાહિત્યસર્જન સિવાય ભૂગોળ, સંસ્કૃત, ગણિતનાં પણ પુસ્તકો લખ્યાં અને કેટલાય ગ્રંથો આપણા પાઠ્યક્રમોમાં પણ સ્થાન પામ્યાં. અનેક ફારસી શાયરો ગુજરાતની ભૂમિ પર જ દફન થયાં."
ગુજરાતમાં ફારસીના વિદ્વાનોમાં ડૉ. છોટુભાઈ નાયકનું વિશેષ સ્થાન રહ્યું છે. તેમણે 'ગુજરાતી ભાષા પર અરબી-ફારસીની અસર' નામે પુસ્તક પણ લખ્યું છે.
તેઓ લખે છે, "ગુજરાતી સાહિત્યમાં ફારસી સૂફી સાહિત્યની ઝલક નજરે પડે છે. ગુજરાતી સાહિત્યમાં ગઝલની શરૂઆત જ ફારસીના પ્રભાવથી શરૂ થઈ અને ગઝલો મારફત જ સૂફીવાદ શબ્દ અને એ વિશેના વિચારો સાહિત્યમાં પરિચિત થયા."
ગુજરાતના નાગર-બ્રાહ્મણોએ ફારસી શીખી

ઇમેજ સ્રોત, Getty Images
પ્રો. મહેનૂર સૈયદ કહે છે, "ફારસી ભાષાનો ખરો વિકાસ તો ગુજરાતમાં સલ્તનતકાળ અને મુઘલકાળ દરમિયાન જ થયો. એ સમયમાં જેટલા સૂબેદારો આવતા હતા એ ફારસીના જાણકાર હતા. ફારસી રાજ્યની સત્તાવાર ભાષા બની ગઈ હોવાથી જે લોકો ફારસી જાણતા એમને બાદશાહોના જમાનામાં સરકારી પદ-નોકરી મળવાની શક્યતા વધારે રહેતી. તેના કારણે અનેક લોકોએ ફારસી શીખી, ખાસ કરીને ગુજરાતના નાગર-બ્રાહ્મણોએ આ ભાષા શીખી અને રાજ્યમાં પદ મેળવ્યાં. ગુજરાતની ઘણી અટકો પણ ફારસીથી પ્રભાવિત છે."
"ફારસી દરબારી ભાષા હોવાથી એ સમયે અનેક દસ્તાવેજો ફારસીમાં થતાં. કોર્ટ સ્ટૅમ્પિંગ, મકાન-માલિકીના કાગળો વગરે પણ ફારસીમાં થતું. તેના કારણે સામાન્ય લોકો પણ ફારસી શીખવા માટે પ્રેરાયા. ગુજરાતના નાગર-બ્રાહ્મણોએ એમાં મહારત હાંસલ કરી લીધી હતી."
ફારસી ભાષાના જાણકાર મેહબૂબહુસૈન અબ્બાસી લખે છે એ પ્રમાણે, "ગુજરાતમાં ફારસી ભાષા તથા સાહિત્યના ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનારાઓમાં ગુજરાતના નાગરોનાં નામ-કામ ઉલ્લેખનીય છે. તેમણે ફારસીને સંસ્કારની ભાષા તરીકે અપનાવી હતી. તેઓ ફારસીમાં કાવ્યો લખતા, પત્રવ્યવહાર કરતા અને સંધ્યા પણ ફારસીમાં કરતા હતા. કેટલાક નાગરોની ફારસીમાં લખેલી ડાયરીઓ પણ મળી આવે છે."
પાટણના ઇસરદાસ નાગરે પ્રસિદ્ધ 'ફુતૂહાતે આલમગીરી' નામે ફારસી ઇતિહાસનો ગ્રંથ લખ્યો હતો જે અપ્રગટ હતો, પરંતુ તેનો અંગ્રેજી અનુવાદ પ્રગટ થયો છે. મુઘલસમ્રાટ ઔરંગઝેબના શાસનના ઇતિહાસની ઘણી વાતો આ પુસ્તકમાં છે.
જૂનાગઢ રાજ્યના દીવાન રણછોડજી નાણાવટીએ ફારસી ભાષામાં 'તારીખ-એ સોરઠ વ હાલાર' જેવો ઇતિહાસગ્રંથ અને 'રૂકાન-એ-ગુનાગુન', 'જંગનામા-એ-હોલી', 'તહનીફાતે રણછોડજી' જેવાં પુસ્તકો લખ્યાં છે.
જોકે, ઈરાન અને ગુજરાતનો સંબંધ ક્યારેય માત્ર ભાષા સુધી જ સીમિત રહ્યો નથી. આ સંબંધોની અસર કળા, સંસ્કૃતિ, સ્થાપત્ય તમામમાં જોવા મળે છે.
પ્રો. મહેનૂર કહે છે, "પર્શિયનો આપણું પંચતંત્ર લઈ ગયા હતા. તેનો પહેલવીમાં અનુવાદ થયો, અરબીમાં અનુવાદ થયો. એવું કહેવાય છે કે આપણી પાસેથી તેઓ ચેસ શીખ્યા. આમ, આપણી સંસ્કૃતિ અનેક રીતે જોડાયેલી છે."
તેઓ કહે છે, "અમદાવાદ વસાવવામાં આવ્યું ત્યારે અગાઉનાં મકાનો જૂની બૌદ્ધ, જૈન શૈલીમાં બનેલા હતા. ઇસ્લામી સ્થાપત્યશૈલીને કારણે મિનારો, દીવાલ, બુર્જ જેવા શબ્દો ગુજરાતીમાં પ્રચલિત થયા. એ જ રીતે વેપારને કારણે શરાબ, ગુલાબ, સુરમો પ્રચલિત થયા અને અરબસ્તાનથી તોપ,બંદૂક જેવા શબ્દો આવ્યા."
અમુક પુસ્તકોમાં એ વાતનો ઉલ્લેખ પણ જોવા મળે છે કે ગુજરાતમાં મુઘલકાળ દરમિયાન એક કહેવત પ્રચલિત થઈ હતી.
'પઢે ફારસી બેચે તેલ, દેખો યે કુદરત કા ખેલ'
એટલે કે એ જમાનામાં એવું હતું કે જે વ્યક્તિ ફારસી શીખી લેતી એ વ્યક્તિને તેલ-ઘી વેચવા જેવા (નાના) કામ ન કરવા પડતા, અને સારી નોકરી જ મળતી.
એ દર્શાવે છે કે ગુજરાતમાં ફારસી ભાષાનો પ્રભાવ કેવો રહ્યો હશે.
આજની તારીખે પણ ગુજરાતમાં દ્વિતીય ભાષા તરીકે ધો. 10ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ફારસી ભાષા રાખવાનો વિકલ્પ મળે છે. ગુજરાતમાં હાલમાં ફારસી ભાષાનો ઉપયોગ અને પ્રભાવ સીમિત થઈ ગયા છે, તેમ છતાંય હજુ અનેક કૉલેજોમાં તેનાં ડિગ્રી અને સર્ટિફિકેટ કોર્સ ચાલે છે. નૅશનલ કાઉન્સિલ ફૉર પ્રમોશન ઑફ ઉર્દૂ લૅંગ્વેજ પણ અનેક જગ્યાએ હજુ ફારસી માટેનાં સ્ટડી સેન્ટર ચલાવે છે.
ફારસીમાંથી ગુજરાતીમાં પ્રવેશી ચૂકેલા તથા ફેરફારો સાથે વપરાતા કેટલાક શબ્દો:
જિલ્લો, તાલુકો, મુકદ્દમો, ગરીબ, સૂબો, દીવાન, કારકુન, તીર, તોપ, ખંજર, મિનારો, મહેલ, કિલ્લો, ગુમાસ્તો, દસ્તાવેજ, ખબર, શરબત, હલવો, જલેબી, જરૂર, મહેમાન, તંદુરસ્તી, તવંગર, કાબૂ, ખરું, જબાન, કારીગર, રંગરેજ, ખર્ચ, મેજ, રજાઈ, જુવાની, નાજુક, નરમ, દરિયો, હવા, જમીન, જાનવર, બક્ષિસ, આબાદી. (સંદર્ભ: ભાષા નિયામકની કચેરીનું મુખપત્ર 'રાજભાષા')
જખમ, જગ્યા, ઝનૂન, જબરદસ્ત, ઝભ્ભો, તંબૂરો, તાજગી, તાજી, તાજું, તેજાબ, દગો, દરખાસ્ત, દરગાહ, દરવાજો, ફરમાન, દાણો, ફરિયાદ, દરગુજર. (સંદર્ભ: ફારસી શબ્દોનો સાર્થ વ્યુત્પત્તિ કોશ, ડૉ. છોટુભાઈ નાયક)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન































