બ્લડ પ્રેશર અને ડિપ્રેશનની દવાઓ લેતા હોવ તો આ ધ્યાન રાખો

દવાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, નાઓમી મિહારા
    • પદ, બીબીસી ફ્યુચર
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

આ વર્ષે જૂનમાં જ્યારે યુરોપમાં ભારે ગરમી પડી રહી હતી, ત્યારે ઇલિયાના ઓકુમુસને તે સમજાતું નહોતું કે તેમને અન્ય લોકોની સરખામણીમાં વધારે તકલીફ કેમ પડી રહી છે.

તેઓ કહે છે, "જેવી હું મારા ઍપાર્ટમેન્ટની બહાર નીકળતી, મારા ચહેરા પર પરસેવો આવવા લાગતો."

બ્રસેલ્સમાં એર કન્ડિશનિંગ વગરના સૌથી ઉપરના માળે આવેલા ઍપાર્ટમેન્ટમાં રહેતાં 28 વર્ષનાં ઇલિયાનાએ રાહત મેળવવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા. જેમ કે ઑફિસ કે આસપાસના કૅફેમાં જવું. પરંતુ તેનાથી પણ તેમને ખાસ એટલી રાહત મળી ન હતી.

તેઓ કહે છે, "મારા શરીરનું તાપમાન સામાન્ય થવામાં મને અડધાથી એક કલાક લાગ્યો. એક દિવસ ઍપાર્ટમેન્ટની અંદરનું તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. મને લાગે છે કે તે દિવસે હું લગભગ 18 કલાક સુધી ઊંઘતી રહી."

તેમના માટે જાગવું મુશ્કેલ થઈ રહ્યું હતું અને ચિંતા હતી કે ક્યાંક તેમનું બ્લડ પ્રેશર ઘટી તો નથી ગયું ને.

ઓકુમુસ માટે ભીષણ ગરમી કોઈ નવી વાત નહોતી. તેઓ દુનિયાના અન્ય ભાગોમાં 40 ડિગ્રી સેલ્સિયસ ગરમીનો સામનો કરી ચૂક્યા હતા.

છતાં પણ આ વખતે ગરમીની તેમના પર આવી ખરાબ અસર પહેલી વાર થઈ હતી. જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર એવા લોકોની પોસ્ટ જોઈ, જેમને પણ આવી જ તકલીફો થઈ રહી હતી, ત્યારે તેમને ગરમી અને તે દવાઓ વચ્ચેનો સંબંધ સમજાયો જે તેમણે બે વર્ષ પહેલાં ડિપ્રેશન અને એંગ્ઝાઇટી માટે લેવાનું શરૂ કર્યું હતું.

જળવાયુ પરિવર્તનને કારણે હિટવેવની સમસ્યા ગંભીર બનતી જઈ રહી છે.

એવા સમયમાં ડૉક્ટરો અને આરોગ્ય સંસ્થાઓ ચેતવણી આપી રહી છે કે કેટલીક સામાન્ય દવાઓ, જેમાં માનસિક સ્વાસ્થ્ય, બ્લડ પ્રેશર અને હૃદયરોગની દવાઓ સામેલ છે, તે શરીરના તાપમાનને નિયંત્રિત કરવાની ક્ષમતા પર અસર કરી શકે છે અને લોકોમાં ગરમી સંબંધિત બીમારીઓ થવાનું કારણ બની શકે છે.

ગરમી અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત દવાઓનો શું સંબંધ છે?

બ્લડ પ્રેશર અને ડિપ્રેશનની દવાઓ લેતા હોવ તો આ વાતોનું ધ્યાન રાખો

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડિપ્રેશન, એંગ્ઝાઇટી અને બાઇપોલર ડિસઑર્ડર જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓના ઇલાજમાં વપરાતી ઘણી દવાઓ ગરમીથી થતાં જોખમોને વધારી શકે છે.

આવું એટલા માટે થાય છે કારણ કે આ દવાઓ હાઇપોથેલેમસ પર અસર કરે છે. હાઇપોથેલેમસ મગજનો તે ભાગ છે જે શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે.

રૉબર્ટ ફેડર ન્યૂ હેમ્પશાયરના નિવૃત્ત સાયકિયાટ્રિસ્ટ અને 'મેડિકલ સોસાયટી કન્સોર્ટિયમ ઑન ક્લાઇમેટ એન્ડ હેલ્થ'ના સ્ટીયરિંગ કમિટીના સભ્ય છે.

તેમણે કહે છે, "મગજનો આ ભાગ આપણને આપણી ઍક્ટિવિટી ઘટાડવા, વધુ પરસેવો પાડવા અને મેટાબોલિઝમ ઘટાડવા માટે પ્રેરિત કરે છે. આ તમામ ગરમી સામે લડવા માટે ફાયદાકારક ફેરફારો કરે છે.

આ દવાઓમાં સૌથી વધુ લખવામાં આવતી ઍન્ટીડિપ્રેસન્ટ દવાઓ સામેલ છે, જેમ કે સિલેક્ટિવ સેરોટોનિન રીઅપટેક ઇનહિબિટર્સ અને સેરોટોનિન ઍન્ડ નૉરએપિનેફ્રિન રીઅપટેક ઇનહિબિટર્સ.

આ કૅટેગરીની દવાઓમાં સર્ટ્રાલાઇન, ફ્લુઑક્સેટિન, એસ્સિટાલોપ્રામ અને વેનલાફેક્સિન સામેલ છે.

આ દવાઓ મગજમાં સેરોટોનિનના રીઅપટેકને રોકીને કામ કરે છે. સેરોટોનિન એક કુદરતી કેમિકલ છે જે મૂડ અને શરીરના અન્ય કામોને કંટ્રોલ કરે છે.

હાઇપોથેલેમસમાં વધુ પડતું સેરોટોનિન શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં અડચણ ઊભી કરી શકે છે અને અતિશય પરસેવો આવવાનું કારણ બની શકે છે. આ સમસ્યા ઍન્ટીડિપ્રેસન્ટ લેતી દર પાંચમાંથી એક વ્યક્તિને અસર કરે છે અને તેનાથી ઇલેક્ટ્રોલાઇટ્સની ઊણપ ઊભી થઈ શકે છે.

ફેડર કહે છે, "જ્યારે તમે પહેલાથી જ ઊંચા તાપમાનને કારણે ઇલેક્ટ્રોલાઇટ્સની અછતનો સામનો કરી રહ્યા હોવ, ત્યારે આ સમસ્યા વધુ ગંભીર થઈ જાય છે."

ટ્રાયસાઇક્લિક ઍન્ટીડિપ્રેસન્ટ એ ઍન્ટીડિપ્રેસન્ટનો જૂનો પ્રકાર છે. તે વધુ પરસેવો આવવાનું કારણ બની શકે છે, અથવા પરસેવો આવતો રોકી શકે છે. આવું થવું પણ એક સમસ્યા છે અને આ કારણે શરીરનું તાપમાન વધે છે.

આ ઍન્ટીડિપ્રેસન્ટ્સની "ઍન્ટીકોલીનર્જિક" અસર હોય છે. આનો અર્થ એ છે કે તે એસિટાઇલકોલીન નામના ન્યુરોટ્રાન્સમીટરની પ્રવૃત્તિને રોકે છે. આ પરસેવો આવવા સહિત શરીરના અલગ-અલગ કાર્યોમાં સામેલ હોય છે.

બ્લડ પ્રેશર અને ડિપ્રેશનની દવાઓ લેતા હોવ તો આ વાતોનું ધ્યાન રાખો

ઇમેજ સ્રોત, Getty Images

લૉસ ઍન્જિલિસમાં 36 વર્ષનાં કૅરિયર કોચ કેરોલીન ફ્રેસેનેટ પર આ ગરમીમાં ત્રણ અલગ-અલગ પ્રકારની સાયકિયાટ્રિક દવાઓ લેવાની મિશ્ર અસર થઈ.

આ દવાઓ ઍન્ટીડિપ્રેસન્ટ, મૂડ સ્ટેબિલાઇઝર અને એડીએચડીની હતી. જુલાઈમાં એક ખૂબ જ લાંબી અને ભેજવાળી હિટવેવ દરમિયાન, તેમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવા લાગી. તેઓ વધુ ચીડચીડાપણું અનુભવવા લાગ્યા અને તેમને સામાન્ય કરતાં વધુ પરસેવો થવા લાગ્યો.

શરૂઆતમાં તેમને લાગ્યું કે આ લક્ષણો ખરાબ ખાણીપીણી અને ઓછું પાણી પીવાના કારણે છે. પછી તેમના મેન્ટલ હેલ્થ સપોર્ટ ગ્રૂપના એક મિત્રે તેમને ગરમી અને દવાઓ વચ્ચેનો સંબંધ દર્શાવતા લેખો મોકલ્યા. ગ્રૂપના અન્ય લોકોએ પણ કહ્યું કે તેમણે પણ આવી જ તકલીફો અનુભવી છે.

તેઓ કહે છે, "મારી માનસિક સ્વાસ્થ્ય સ્થિતિઓ અને મારી દવાઓની આડઅસરો વિશે સારી માહિતી હોવા છતાં, આ વાતની મને બિલકુલ ખબર નહોતી."

અન્ય પ્રકારની સાયકિયાટ્રિક દવાઓની પણ અસર થઈ શકે છે. સ્કેઝોફ્રેનિયા અને બાઇપોલર ડિસઑર્ડરના ઇલાજમાં વપરાતી ઍન્ટીસાયકોટિક દવાઓ હાઇપોથેલેમસમાં ડોપામાઇનને રોકે છે, જેનાથી શરીરને ઠંડું રાખતી સામાન્ય પ્રતિક્રિયાઓ થઈ શકતી નથી.

અગાઉની હિટવેવ પર થયેલા અભ્યાસોમાં ઍન્ટીસાયકોટિક દવાઓના ઉપયોગ અને મૃત્યુના વધુ જોખમ વચ્ચે સંબંધ જોવા મળ્યો છે. એડીએચડીના ઇલાજમાં વપરાતા સ્ટીમ્યુલન્ટ્સ, જેમ કે રિટાલિન, શરીરમાં ગરમી વધારે છે અને બ્લડ વેસલ્સને સંકોચે છે.

જેનાથી શરીરની કુદરતી રીતે ઠંડા થવાની પ્રક્રિયામાં અડચણ આવે છે. ફેડરનું કહેવું છે કે આ દવાઓ થાક કે વધુ પડતી મહેનતનો અહેસાસ પણ થવા દેતી નથી, એટલે કે લોકોને એ ખ્યાલ નથી આવતો કે તેમનું શરીર ખૂબ જ ગરમ થઈ રહ્યું છે.

બીટા-બ્લૉકર્સ અને ડાયયુરેટિક્સ દવાઓની કેવી અસર થાય છે?

બ્લડ પ્રેશર અને ડિપ્રેશનની દવાઓ લેતા હોવ તો આ વાતોનું ધ્યાન રાખો

ઇમેજ સ્રોત, Getty Images

માત્ર માનસિક સ્વાસ્થ્ય સંબંધિત દવાઓ જ હિટવેવ પ્રત્યે શરીરની સંવેદનશીલતા નથી વધારતી, પરંતુ બ્લડ પ્રેશર અને હૃદયરોગની દવાઓ પણ દવાઓનું એક એવું ગ્રૂપ છે જે ગરમી પ્રત્યે શરીરની પ્રતિક્રિયા પર અસર કરે છે.

ડાયયુરેટિક્સ, એસીઈ (ઍન્જિઓટેન્સિન-કન્વર્ટિંગ ઍન્ઝાઇમ) ઇનહિબિટર્સ અને એઆરબી એસ (ઍન્જિઓટેન્સિન II રિસેપ્ટર બ્લૉકર્સ), જેનો ઉપયોગ સામાન્ય રીતે હાઇ બ્લડ પ્રેશરની સારવારમાં થાય છે, તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બગાડી શકે છે.

આમાંથી પાછળથી જણાવેલી બે પ્રકારની દવાઓ તે હોર્મોન્સ પર પણ અસર કરી શકે છે જે સામાન્ય રીતે તરસ લાગવાનો સંકેત આપે છે.

લોગન હાર્પર યુનિવર્સિટી ઑફ કોલોરાડો એન્શુટ્ઝના ક્લાઇમેટ ઍન્ડ હેલ્થ પ્રોગ્રામમાં ફેમિલી ફિઝિશિયન અને આસિસ્ટન્ટ ફેલોશિપ ડિરેક્ટર છે.

તેઓ કહે છે, "આ બધાની મિશ્ર અસરોથી શરીરમાં પાણીની એટલી બધી અછત થઈ શકે છે કે કિડની ફેલ થવાનું, હાર્ટ ઍટેક આવવાનું કે શરીરના અન્ય ઘણાં મહત્ત્વપૂર્ણ અંગો પર ગંભીર અસર થવાનું જોખમ વધી જાય છે."

બીજી તરફ, હૃદયરોગમાં સામાન્ય રીતે વપરાતી દવા 'બીટા-બ્લોકર્સ' ત્વચા સુધી લોહીના પ્રવાહને ઘટાડી શકે છે. જેનો અર્થ એ છે કે શરીર એટલી અસરકારક રીતે ગરમી બહાર કાઢી શકતું નથી.

ટ્રાયસાઇક્લિક ઍન્ટીડિપ્રેસન્ટ્સ ઉપરાંત, ઍન્ટીકોલીનર્જિક દવાઓના અન્ય પ્રકારો, જેનો ઉપયોગ પાર્કિન્સન્સ રોગ, ઓવરઍક્ટિવ બ્લૅડર, શ્વાસની બીમારીઓ અને એલર્જી જેવી ઘણી સમસ્યાઓની સારવારમાં થાય છે, તે તમામ શરીરની પરસેવો પાડવાની અને શરીરને ઠંડું રાખવાની સિસ્ટમ પર અસર કરી શકે છે.

હાર્પર કહે છે, "અવારનવાર લોકો એક સાથે ઘણી દવાઓ લેતા હોય છે, જે તેમના શરીરને ઠંડું રાખવાની ક્ષમતાને બાધિત કરી શકે છે અને અંગોને નુકસાન પહોંચવાની શક્યતા વધારી શકે છે."

તેઓ ઉમેરે છે કે આ ખાસ કરીને વૃદ્ધોના કિસ્સામાં સાચું છે, જેઓ સામાન્ય રીતે ગરમીથી થતી બીમારીઓ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે.

બ્લડ પ્રેશર અને ડિપ્રેશનની દવાઓ લેતા હોવ તો આ વાતોનું ધ્યાન રાખો

ઇમેજ સ્રોત, Getty Images

કેટલીક દવાઓ હળવી ગરમીને પણ ગંભીર સમસ્યા બનાવી શકે છે. અમેરિકામાં વૃદ્ધ દર્દીઓ પર કરવામાં આવેલા એક અભ્યાસમાં, જેઓ ડાયયુરેટિક્સ, ઍન્ટીસાયકોટિક્સ, બીટા બ્લૉકર્સ, સ્ટિમ્યુલન્ટ્સ અને ઍન્ટીહાઇપરટેન્સિવ જેવી દવાઓ લઈ રહ્યા હતા, એ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો કે વૃદ્ધ દર્દીઓને હિટવેવ ન હોય તો પણ ગરમીથી સંબંધિત બીમારીઓને કારણે હૉસ્પિટલમાં દાખલ થવાનું જોખમ વધુ હોઈ શકે છે.

હાર્પર કહે છે, "એ સૌ કોઈ જાણે છે કે આ દવાઓના કોમ્બિનેશનથી એક સાથે એક દવા લેવાની સરખામણીમાં જોખમ વધી જાય છે."

જોકે તેઓ આગળ ઉમેરે છે કે અત્યાર સુધી એ પૂરી રીતે સ્પષ્ટ નથી થયું કે કઈ દવાઓનું કૉમ્બિનેશન સૌથી વધુ ખતરનાક છે.

સામાજિક-આર્થિક પરિબળો પણ જોખમને અસર કરે છે.

હાર્પર કહે છે, "બની શકે કે કોઈનું કામ શારીરિક શ્રમવાળું હોય જેમાં તેણે ખૂબ ગરમી સહન કરવી પડતી હોય અથવા બની શકે કે તે ઘરની બહાર જ રહેતો હોય."

"કદાચ તમે કોઈ શહેરી હીટ આઇલૅન્ડમાં રહેતા હોવ અને તમારી પાસે ઍર કન્ડિશનિંગનો ખર્ચ ઉઠાવવાની ક્ષમતા ન હોય."

દક્ષિણ નેવાડાની ટૌરો યુનિવર્સિટીમાં ઇમરજન્સી મેડિસિન ફિઝિશિયન આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ પ્રોફેસર, સેસિલિયા અહોનોનુએ તાજેતરમાં આ પોતે જોયું.

લાસ વેગાસમાં એક કમ્યુનિટી હેલ્થ આઉટરીચ ઇવેન્ટ દરમિયાન જ્યારે તાપમાન લગભગ 43 ડિગ્રી સેલ્સિયસ હતું, ત્યારે તેઓ 60 વર્ષની એક વ્યક્તિને મળ્યા જે પાર્કમાં ઊંઘી રહી હતી.

તેઓ કહે છે, "તે પીળો દેખાતો હતો, તેને ખૂબ પરસેવો આવી રહ્યો હતો અને તેના હાર્ટ રેટ ઝડપથી વધી રહ્યા હતા."

તે વ્યક્તિ જે ડાયયુરેટિક અને SSRI દવાઓ લઈ રહ્યો હતો, તેને એ અહેસાસ ન થયો કે તેનું શરીર કેટલું વધુ ગરમ થઈ ગયું છે.

અહોનોનુ કહે છે, "તેણે એ જ કર્યું જે આપણામાંથી મોટાભાગના લોકો કરતાં અને પોતાના લક્ષણોનું કારણ આ ભીષણ ગરમીને માનતા."

પરંતુ જ્યારે તેમણે વધુ પ્રશ્નો પૂછ્યા, તો બીજું એક સંભવિત કારણ સામે આવ્યું- તેની દવાઓ.

અહોનોનુએ તેમને ગરમીથી બચવાના મૂળભૂત ઉપાયો બતાવ્યા, જેમ કે વધુ પાણી પીવું, તીવ્ર તડકાના સમયે બહાર ન નીકળવું અને તેમને આસપાસના કૂલિંગ સેન્ટર્સનું લિસ્ટ આપ્યું.

તેમણે તેમને એવાં ગંભીર લક્ષણો વિશે પણ ચેતવ્યા જેના પર ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે તે હીટ સ્ટ્રોકનો સંકેત હોઈ શકે છે, જે એક સંભવિત મેડિકલ ઇમરજન્સી છે.

તેઓ કહે છે, "જો કોઈની માનસિક સ્થિતિમાં કોઈ ફેરફાર કે કન્ફ્યુઝન દેખાય અથવા કોઈ વ્યક્તિ સામાન્ય વ્યવહાર ન કરી રહી હોય, તો તે વ્યક્તિને તરત જ નજીકના ઇમરજન્સી રૂમમાં લઈ જવી જોઈએ."

શુગર અને બ્લડ પ્રેશરની દવા લેતા હો તો આ ધ્યાન રાખવું

બ્લડ પ્રેશર અને ડિપ્રેશનની દવાઓ લેતા હોવ તો આ વાતોનું ધ્યાન રાખો

ઇમેજ સ્રોત, Getty Images

ડૉક્ટરો સલાહ આપે છે કે ડૉક્ટરની સલાહ વગર દવાઓ બંધ ન કરવી.

હાર્પર કહે કે તેઓ ઇચ્છે છે કે ડૉક્ટરો પોતે ગરમી અને દવાઓ વચ્ચેના સંબંધ વિશે વધુ સારી ટ્રેનિંગ લે અને જાગરૂક થાય.

તેઓ કહે છે "મને લાગે છે કે જ્યારે પણ કોઈ ડૉક્ટર નવી દવા લખે, તો તેમણે એક મિનિટ કાઢીને સૌથી વધુ જોખમ ધરાવતી સાઇડ ઇફેક્ટ્સનું લિસ્ટ પણ બતાવવી જોઈએ."

"કેટલીક દવાઓ એવી હોય છે ખાસ કરીને વધુ જોખમ ધરાવતા લોકો માટે જેમાં ગરમીથી થતી બીમારી વિશે પણ જણાવવું જોઈએ."

ઓકુમુસ માટે આ ગરમીમાં તેમના અનુભવે તેમને એ વિચારવા પર મજબૂર કરી દીધા છે કે શું હવે તેઓ દવા લેવાનું ચાલુ રાખવા માંગે છે કે નહીં.

તેઓ કહે છે, "મેં મારા ડૉક્ટર પાસે જઈને દવા સંપૂર્ણપણે બંધ કરવા વિશે ગંભીરતાથી વિચારવાનું શરૂ કરી દીધું છે, કારણ કે હું ઉનાળામાં આ રીતે કામ ન કરી શકું કે મારી જિંદગી ન જીવી શકું."

જોકે ફ્રેસેનેટે પોતાની દવા બંધ કરવા વિશે વિચાર્યું નથી. તેમણે કહે છે, "આ દવા મારા માટે ખૂબ સારું કામ કરે છે."

તેમનું કહેવું છે કે બસ એ જાણવું કે આ તેમની દવાઓની એક સાઇડ ઇફેક્ટ છે, ના કે શરીરમાં બીજી કોઈ ગડબડ, તેમને રાહત આપે છે.

તેઓ કહે છે, "આનાથી મને ખબર પડે છે કે ઠીક છે, આ એક સાચી વાત છે, ન કે કોઈ અચાનક બનતી ઘટના."

"આ વાતે જ ખૂબ મદદ કરી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન