આઇઆરજીસી કમાન્ડરે ઈરાનને 'પાષાણયુગ'માં મોકલી દેવાની ટ્રમ્પની ધમકીનો જવાબ આપ્યો – ન્યૂઝ અપડેટ

મધ્યપૂર્વ એશિયા તણાવ, અત્યાર સુધી કેટલા લોકો મૃત્યુ પામ્યા, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનના મિસાઇલ હુમલાની પ્રતીકાત્મક તસવીર
વાંચવાનો સમય: 7 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધ મુદ્દે બુધવારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. 19 મિનિટના આ ભાષણ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે આગામી અઠવાડિયાં દરમિયાન ઈરાન ઉપર અમેરિકા 'મોટો હુમલો' કરશે અને તેને 'પાષાણયુગમાં મોકલી દેશે.'

જેના ઉપર ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કૉરના (આઇઆરજીસી) કમાન્ડરે જવાબ આપ્યો છે.

આઇઆરજીસીની ઍરોસ્પૅસ ફોર્સના કમાન્ડર માજિદ મૂસાવીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "તમે જ તમારા સૈનિકોને કબર સુધી ધકેલી રહ્યા છો, ઈરાન નહીં, જેને તમે પાષાણયુગમાં ધકેલવા માંગો છો."

અમેરિકાના સંરક્ષણમંત્રી પીટ હેગસેથની પોસ્ટના જવાબમાં કમાન્ડર મૂસાવીએ આ પોસ્ટ મૂકી હતી.

મૂસાવીએ કહ્યું, "હૉલીવૂડ જેવી કલ્પનાઓએ તમારા મગજને એટલી બધી અસર કરી દીધી છે કે માત્ર 250 વર્ષના ઇતિહાસ સાથે તમે છ હજાર વર્ષ જૂની સંસ્કૃતિને ધમકી આપી રહ્યા છો."

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બગાઈએ કહ્યું છે કે 'હુમલાખોર પક્ષ સાથે જોડાયેલા ન હોય' તેવા દેશનાં જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

બીબીસીની પર્શિયન સેવાના જણાવ્યા પ્રમાણે, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મધ્યપૂર્વ એશિયામાં તત્કાળ યુદ્ધવિરામનું આહ્વાન કર્યું છે. ચીનનું કહેવું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવરમાં અવરોધનું મુખ્ય કારણ 'ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઇઝરાયલનું ગેરકાયદેસર સૈન્ય અભિયાન છે.'

મધ્યપૂર્વ એશિયાના સંઘર્ષમાં મરણાંક પાંચ હજાર કરતાં વધ્યો

મધ્યપૂર્વ એશિયા તણાવ, અત્યાર સુધી કેટલા લોકો મૃત્યુ પામ્યા, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ,

ઇમેજ સ્રોત, Abbas FAKIH / AFP via Getty Images

ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધમાં મૃતકોની સંખ્યા પાંચ હજાર કરતાં વધુની થઈ ગઈ છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અલગ-અલગ એજન્સીઓના તાજેતરના આંકડાના આધારે આ માહિતી સામે આવી છે, જેને ન્યૂઝ એજન્સી રૉયટર્સે રિપોર્ટ કરી છે. બીબીસી આ આંકડાની સ્વતંત્ર રીતે પુષ્ટિ નથી કરતું.

ઈરાન – ત્રણ હજાર 519 મૃત્યુ

અમેરિકાસ્થિત માનવાધિકાર સંગઠન એચઆરએનએના અહેવાલ અનુસાર ઈરાનમાં એક હજાર 598 નાગરિક મૃત્યુ પામ્યા છે. જેમાંથી ઓછામાં ઓછા 244 બાળકો છે.

રેડ ક્રૉસ તથા રેડ ક્રૅસન્ટે શુક્રવારે કહ્યું કે અત્યાર સુધી અમેરિકા-ઇઝરાયલના હુમલામાં ઈરાનમાં ઓછામાં ઓછા એક હજાર 900 લોકોનાં મૃત્યુ થયા છે. તથા 20 હજાર કરતાં વધુ લોકો ઘાયલ થયા છે.

ચોથી માર્ચના રોજ શ્રીલંકા પાસે ઈરાનનું યુદ્ધજહાજ અમેરિકાના હુમલામાં ડૂબી ગયું હતું. જેમાં ઓછામાં ઓછા 104 લોકો સામેલ છે કે નહીં, તે સ્પષ્ટ નથી.

લેબનોન : એક હજાર 318 મૃત્યુ

ઇઝરાયલે બીજી માર્ચથી લેબનોન ઉપર હુમલા શરૂ કર્યા હતા, ત્યારથી અત્યાર સુધીમાં હિઝબુલ્લાહના 400થી વધુ લડવૈયા મૃત્યુ પામ્યા છે. મૃતકોમાં 124 બાળકોનો પણ સમાવેશ થાય છે.

અલગ-અલગ ઘટનાઓમાં લેબનોનના ઓછામાં ઓછા નવ સૈનિક મૃત્યુ પામ્યા છે તથા સંયુક્ત રાષ્ટ્રની શાંતિસેનાના ત્રણ સૈનિકોનાં પણ મૃત્યુ થયા છે. આ સૈનિક ઇન્ડોનેશિયાના હતા.

ઇરાક : 107 મૃત્યુ

ઇરાકના આરોગ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મૃતકોમાં સામાન્ય નાગરિક, ઈરાન સમર્થિત શિયા પૉપ્યુલર મૉબિલાઇઝેશન ફોર્સના સભ્યો, અમેરિકા સમર્થિત કુર્દ પેશમર્ગા લડવૈયા, પોલીસ તથા સેનાના જવાન સામેલ છે.

આ સિવાય એક વિદેશી ક્રૂ મૅમ્બરનું પણ મૃત્યુ થયું છે. જે ઇરાકના બંદર પાસે ટૅન્કરો ઉપર થયેલા હુમલામાં મૃત્યુ થયું હતું. સાથે જ 'કાઉન્ટર ટૅરરિઝમની ટ્રેનિંગ' આપી રહેલા ફ્રાન્સના સૈનિકનું પણ ડ્રૉન હુમલામાં મૃત્યુ થયું હતું.

ઇઝરાયલ : 19 મૃત્યુ

ઇઝરાલયની ઍમ્બુલન્સ સેવાના જણાવ્યા પ્રમાણે, ઈરાન તથા લેબનોન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોમાં 19 લોકોનાં મૃત્યુ થયા છે. ઇઝરાયલની સેનાનું કહેવું છે કે દક્ષિણ લેબનોનમાં તેના 10 સૈનિક મૃત્યુ પામ્યા. આ સિવાય, 22મી માર્ચના સરહદ ઉપર ઇઝરાયલી સૈનિકનું મૃત્યુ થયું હતું. ઇઝરાયલના સૈનિકોએ ભૂલથી છોડેલી ગોળીને કારણે તેનું મૃત્યુ થયું હતું.

અમેરિકા : 13 મૃત્યુ

અમેરિકાની સેનાના જણાવ્યા પ્રમાણે, ઇરાકમાં એક સૈન્ય રિફ્યૂઅલિંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, એ પછી છ સૈનિકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ હતી. જ્યારે ઈરાનમાં ઑપરેશન દરમિયાન અન્ય સાત સૈનિક મૃત્યુ પામ્યા.

અન્ય દેશોમાં થયેલાં મૃત્યુ

સંયુક્ત આરબ અમીરાત (11), કતાર (સાત), વેસ્ટ બૅન્ક (ચાર), સીરિયા (ચાર), બહરીન (બે), ઓમાન (બે) અને સાઉદી અરેબિયાનાં (બે) મૃત્યુ થયાં છે.

ઈરાનને 'પાષાણ યુગ'માં પહોંચાડવાની ટ્રમ્પની ધમકી પર અમેરિકાના સાંસદોએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી અમેરિકા ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પ પાષાણ યુગ ધમકી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકન સંસદના રિપબ્લિકન નેતાઓએ ટ્રમ્પના ભાષણની પ્રશંસા કરી, જ્યારે ડેમૉક્રેટ્સે તેની આકરી ટીકા કરી છે (ફાઇલ ફોટો)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે અમેરિકા આગામી દિવસોમાં ઈરાન પર 'મોટો હુમલો' કરશે અને તેને 'પાષાણ યુગ'માં પહોંચાડી દેશે.

આ ધમકીની કેટલાક અમેરિકન સાંસદોએ આકરી ટીકા કરી છે, જ્યારે કેટલાક સાંસદોએ તેને સમર્થન આપ્યું છે.

અમેરિકન સંરક્ષણ મંત્રી પીટ હૅગસેથે ઍક્સ પર લખ્યું કે "ફરી પાષાણ યુગમાં".

જ્યારે ઍરિઝોનાનાં ડેમૉક્રેટ સાંસદ યાસ્મિન અંસારીએ કહ્યું કે "તેઓ નવ કરોડની વસતી ધરાવતા દેશની વાત કરે છે. આ ઘૃણાસ્પદ, ભયંકર અને બહુ ખરાબ છે."

મૅરીલૅન્ડના સેનેટર ક્રિસ વેન હોલેને પણ ભાષણની ટીકા કરી હતી. તેમણે ટ્રમ્પને "અમેરિકા અને દુનિયા માટે જોખમ"ગણાવ્યા હતા.

ડેમૉક્રેટ નેતા વેન હોલેને કહ્યું કે "ટ્રમ્પ હંમેશાની જેમ આપણી સાથે જુઠું બોલ્યા. બે અઠવાડિયા અગાઉ કહ્યું કે આપણે જીતી ગયા છે. જો એવું હોય તો પછી આપણે હજુ ત્યાં શા માટે છીએ? હવે શું થશે? આપણે ટ્રમ્પ પાસે વધુ જુઠની અપેક્ષા રાખી શકીએ છીએ."

જ્યારે લુઇઝિયાનાના રિપબ્લિકન સાંસદ સ્ટીવ સ્કેલીઝે ભાષણના વખાણ કરતાં કહ્યું કે "રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઑપરેશન એપિક ફ્યુરી અંગે દેશ સામે નક્કર તર્ક મૂક્યો છે. ઈરાની શાસનના આતંક અને અમેરિકનોની હત્યાનો લાંબો ઇતિહાસ દર્શાવે છે કે તેમને પરમાણુ હથિયારો મેળવતા અટકાવવા કેમ જરૂરી હતા."

'ઈરાનમાં શું હાંસલ કરવું તે હજુ સ્પષ્ટ નથી', ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાને આવું કેમ કહ્યું?

'ઈરાનમાં શું હાંસલ કરવું તે હજુ સ્પષ્ટ નથી', ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાને આવું કેમ કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, EPA

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બનીઝે કહ્યું છે કે તેમનો દેશ 'ઈરાનને પરમાણુ હથિયાર હાંસલ કરવાથી રોકવાના ઉદ્દેશ'નું સમર્થન કરે છે. જોકે, તેમણે એ પણ કહ્યું કે "હવે એ સ્પષ્ટ નથી કે આ યુદ્ધમાં આગળ વધુ શું હાંસલ કરવાનું છે અને તેનું અંતિમ લક્ષ્ય શું છે."

તેમની આ ટિપ્પણી નૅશનલ પ્રેસ ક્લબમાં આવેલા સંબોધનમાં આવી, જે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણના સમયે જ થઈ રહ્યું હતું.

અલ્બનીઝે ખાસ કરીને સમયસીમાને લઈને સવાલ કર્યો, જે ટ્રમ્પે સંઘર્ષ સમાપ્ત કરવા માટે બતાવી છે. તેના પર તેમણે કહ્યું કે "યુદ્ધ પહેલાં ઑસ્ટ્રેલિયા પાસેથી કોઈ સલાહ લેવામાં નહોતી આવી."

તેમણે કહ્યું, "હું પહેલાં પણ કહી ચૂક્યો છું કે અમે તણાવ ઓછો કરવા માગીએ છીએ. અમે એ પણ ઇચ્છીએ છીએ કે તે કેવી રીતે સમાપ્ત થશે. તેના પર વધુ સ્પષ્ટતા થાય."

અગાઉ તેમણે ઑસ્ટ્રેલિયાના લોકોને સાવધાન કર્યા હતા કે "તેમનો દેશ ભલે આ યુદ્ધમાં સામેલ નથી પરંતુ આવનારા દિવસોમાં ઑસ્ટ્રેલિયાના લોકોને ભાવવધારાનો સામનો કરવાનો આવી શકે છે."

ઈરાની રાષ્ટ્રપતિએ અમેરિકાના લોકોને લખ્યો પત્ર, તેમણે શું લખ્યું?

ઈરાની રાષ્ટ્રપતિએ અમેરિકાના લોકોને લખ્યો પત્ર, તેમણે શું લખ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, WANA/Reuters

ઈરાનના રાષ્ટ્પતિ મસૂદ પેઝેશ્કિયાને 'અમેરિકાના લોકો'ને સંબોધિત કરતો એક પત્ર લખ્યો છે. આ પત્રને તેમણે બુધવારે સોશિયલ મીડિયા પર શૅર કર્યો.

ઈરાની રાષ્ટ્રપતિએ તેમના પત્રમાં લખ્યું, "ઈરાને ક્યારેય કોઈ યુદ્ધ શરૂ નથી કર્યું. તેમનો દેશ લાંબા સમયથી 'કબજા અને હુમલા'નો સામનો કરે છે."

આ પત્ર એ દાવાના કેટલાક કલાક બાદ સામે આવ્યો જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે "ઈરાનના નવા શાસનના રાષ્ટ્રપતિ"એ અમેરિકા પાસે યુદ્ધવિરામની માગ કરી છે. જોકે, ટ્રમ્પે એ સ્પષ્ટ નહોતું કહ્યું કે તેઓ કોની વાત કરી રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ પર ટ્રમ્પે કહ્યું કે અમેરિકા યુદ્ધવિરામ પર ત્યારે જ વિચાર કરશે જ્યારે હોર્મુઝ ખોલવામાં આવશે.

તેમણે કહ્યું, "હોર્મુઝ નહીં ખૂલે ત્યાં સુધી અમે ઈરાનને પૂરી રીતે તબાહ કરી દીશું, જેમ હાલ કરવામાં આવી રહ્યું છે. તેને પાછા પાષણ યુગમાં મોકલી દઈશું."

જોકે, પેઝેશ્કિયાને પોતાના પત્રમાં યુદ્ધવિરામનો ઉલ્લેખ ન કર્યો.

તેમણે કહ્યું, ઈરાની લોકોની અમેરિકા, યુરોપ કે પાડોશી દેશોના લોકો પ્રત્યે કોઈ દુર્ભાવના નથી. અંતમાં તેમણે કહ્યું, "ટકરાવ અને સંવાદ વચ્ચે લેવામાં આવેલો નિર્ણય આવનારી પેઢીઓના ભવિષ્યને નક્કી કરશે."

ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધન બાદ ક્રૂડઑઇલની કિંમતોમાં વધારો

ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધન બાદ ક્રૂડઑઇલની કિંમતોમાં વધારો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Jason Alden/Bloomberg via Getty

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં સંબોધન બાદ વૈશ્વિક ઑઇલની કિંમતોમાં ભારે વૃદ્ધિ જોવા મળી છે. તેમનું સંબોધન ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ પર હતું.

બીબીસી સંવાદદાતા પીટર હૉકિન્સના જણાવ્યા પ્રમાણે, જ્યારે ટ્રમ્પ પોતાનું સંબોધન કરી રહ્યાં હતાં તે પહેલાં બેન્ચમાર્ક બ્રેંટ ક્રૂડની કિંમત લગભગ 100 ડૉલર પ્રતિ બેરલ હતી, પરંતુ ભાષણ દરમિયાન તેમાં ભારે ઉતાર-ચઢાવ થયો.

સંબોધન સમાપ્ત થતા તેની કિંમત વધી રહી છે. હાલ તેની કિંમત લગભગ 4 ટકા વધીને 105.38 ડૉલર પર પહોંચી ગઈ છે.

એવું મનાતું હતું કે હોર્મુઝ સ્ટ્રેટને લઈને તેઓ કોઈ ઍલાન કરશે, પરંતુ તેની સાથે જોડાયેલું કોઈ અપડેટ ન આવવાને કારણે ઑઇલની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો.

હોર્મુઝ સામુદ્રધુની વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે મહત્ત્વની છે. કારણકે દુનિયાનો લગભગ 20 ટકા ઊર્જા વ્યાપાર આ સાંકડા સમુદ્ર માર્ગથી થાય છે.

28 ફેબ્રુઆરીના રોજ યુદ્ધ શરૂ થયા બાદ આ માર્ગ લગભગ બંધ છે. કારણકે ઈરાને અમેરિકા અને ઇઝરાયલી હુમલાના જવાબમાં આ રસ્તા પરથી પસાર થનારાં જહાજો પર હુમલા કરવાની ધમકી આપી છે.

ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી

બીબીસી ગુજરાતી, ગુજરાત, ન્યૂઝ અપડેટ, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભૂકંપનું કેન્દ્ર તેરનાતેથી લગભગ 120 કિમી દૂર હતું

ઇન્ડોનેશિયામાં ગુરુવારે સવારે 7.4ની તીવ્રતાનો એક તીવ્ર ભૂકંપ આવ્યો, જે બાદ સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે.

અમેરિકન જિયૉલૉજિકલ સર્વે અનુસાર, ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 7.8 નોંધાઈ હતી. સ્થાનિક સમય પ્રમાણે સવારે 6:48 વાગ્યે મુલુક્કા સાગરમાં આ ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપનું કેન્દ્ર તેરનાતે શહેરથી લગભગ 120 કિમી દૂર હતું, જે એક નાનો, પરંતુ ગીચ વસતીવાળો દ્વીપ છે અને જેની વસતી બે લાખ કરતાં વધુ છે.

હવાઈસ્થિત સુનામી વૉર્નિંગ સિસ્ટમે કહ્યું કે ભૂકંપના કેન્દ્રથી એક હજાર કિમીની ત્રિજ્યામાં ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને મલેશિયાના કાંઠા વિસ્તારોમાં મોજાં ઊઠવાની સંભાવના છે.

ગંગા નદીમાં ચિકન બિરયાની ફેંકવાના આરોપમાં પકડાયેલા 14 લોકોની જામીન અરજી ફગાવાઈ

બીબીસી ગુજરાતી, ગુજરાત, ન્યૂઝ અપડેટ, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Sushant Mukharjee

ઇફ્તાર બાદ બચેલી ચિકન બિરયાની ગંગા નદીમાં ફેંકવાના આરોપમાં પકડાયેલા તમામ મુસ્લિમ યુવાનોને બુધવારે વારાણસી સેશન્સ કોર્ટે જામીન આપવાનો ઇન્કાર કરી દીધો છે.

લાઇવ લૉ પ્રમાણે, કોર્ટના આદેશ આપતા પહેલાં કહ્યું કે, "વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવો પ્રાથમિકપણે એ વાત સાબિત કરે છે કે આ ઘટના સામાજિક સૌહાર્દને પ્રભાવિત કરવાના ઉદ્દેશ સાથે કરાઈ છે."

"ધાર્મિક ભાવનાઓને ભડકાવવી અને તેને સોશિયલ મીડિયા થકી પ્રસારિત કરવી એ ગુનાની ગંભીરતાને વધારી દે છે. આ તથ્ય નકારી ન શકાય કે ઇફ્તાર બાદ ઈદ અને અન્ય તહેવાર ઊજવવાના હતા."

વારાણસીના કોતવાલી સ્ટેશનને 16 માર્ચના રોજ મળેલી એક ફરિયાદના આધારે અજ્ઞાત વિરુદ્ધ એફઆઇઆર નોંધાઈ હતી, જે બાદ આ કાર્યવાહી કરાઈ છે.

આ ફરિયાદ વારાણસીમાં ભારતીય જનતા યુવા મોરચાના નગર અધ્યક્ષ રજત જયસ્વાલે કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન