ગુજરાત : સલાયાના વહાણ પર હોર્મુઝની સામુદ્રધુનીમાં હુમલો થયો તેણે સોમાલિયાથી ઘેટાં-બકરાં કેમ ભર્યાં?

ઇમેજ સ્રોત, Sultan Sanghar
ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું હાજી અલી નામનું વહાણ ઓમાનના કાંઠા નજીક હોર્મુઝની સામુદ્રધુનીમાં હુમલો થતા ડૂબી ગયું હતું.
આ વહાણ આફ્રિકા ખંડના સોમાલિયા દેશથી ઘેટાં-બકરાં ભરીને સંયુક્ત આરબ અમીરાતના શારજહા બંદરે જઈ રહ્યું હતું ત્યારે બુધવારે વહેલી સવારે ઓમાનના કાંઠા નજીક હોર્મુઝની સામુદ્રધુનીમાં તેના પર કોઈ અસ્ત્રથી હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલા બાદ વહાણમાં આગ લાગી ગઈ હતી. પોતાનો જીવ બચાવવા વહાણ પર સવાર 14 નાવિકો એક લાઇફ બોટમાં બેસી ગયા હતા પરંતુ વહાણ ડૂબી જતાં તેમાં લઈ જવાતા સેંકડો ઘેટાં-બકરાંનાં મોત થયાં હોવાનું વહાણ માલિક જણાવે છે.
અમેરિકા-ઈરાનના યુદ્ધ વચ્ચે ગુજરાતના કોઈ વહાણ પર હોર્મુઝની સામુદ્રધુનીમાં કથિત હુમલો થવાની એક અઠવાડિયાની અંદર આ બીજી ઘટના છે.
8 મેના રોજ સલાયાનું જ અલ ફૈઝ નૂર-એ-સુલેમાની વહાણ દુબઈ બંદરેથી યમનના અલ મકલ્લા બંદરે જઈ રહ્યું હતું ત્યારે હોર્મુઝની સામુદ્રધુનીમાં તેના પર કથિત રીતે હુમલો થતા તેના પર સવાર 18 નાવિકોમાંથી એકનું મોત થયું હતું અને ચાર અન્ય ઈજાગ્રસ્ત થયા હતા.
હાજી અલી પર હુમલો થતાં તેના નાવિકોને તો ઓમાનના કોસ્ટગાર્ડે બચાવી લીધા છે.
પરંતુ અઠવાડિયાની અંદર જ ગુજરાતના બીજા વહાણ પર હુમલો થતાં ભારત સરકારના વિદેશ મંત્રાલયે ગુરુવારે એક નિવેદન બહાર પાડી આ હુમલાને "અસ્વીકાર્ય" ગણાવ્યો છે અને વહાણવટાને નિશાન બનાવવાની પ્રવૃત્તિને "નિંદનીય" ઠેરવી છે.
લાકડાંમાંથી બનાવેલાં વહાણો દ્વારા ખાડી દેશો અને આફ્રિકા ખંડના પૂર્વ કાંઠે આવેલા દેશો સાથે ગુજરાતનો વેપાર-વ્યવહાર સદીઓ પુરાણો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અંગ્રેજીમાં સેઇલિંગ વેસલ્સ, મિકેનાઇઝ્ડ સેઇલિંગ વેસ્સેલ, કન્ટ્રીક્રાફટ, ધો, કે વુડન ધો કહેવાતા વહાણ પહેલાં સઢથી ચાલતાં હતાં પરંતુ હાલ એન્જીનથી ચાલે છે.
આવાં વહાણ ભારતમાંથી ચોખા, ઘઉં, ખાંડ, ડુંગળી, બટાટા જેવી વસ્તુઓ ખાડી દેશોમાં લઈ જાય છે.
2018 સુધી આ વહાણો ગુજરાતના તુણા બંદરેથી જીવતા ઘેટાં-બકરાં પણ ખાડી દેશોમાં માટી સંખ્યામાં લઈ જતાં હતાં.
હાજી અલીના માલિક સુલતાન સંઘાર કહે છે કે તેઓ પોતે વહાણમાં ઘેટાં-બકરાં ભરીને દુબઈ, શારજહા વગેરે બંદરો સુધી પહોંચાડતા હતા.
હાજી અલીએ ગુજરાતના બદલે આફ્રિકાથી ઘેટાં-બકરાં કેમ ભર્યાં?

ઇમેજ સ્રોત, Sultan Sanghar
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતા સલતાન સંઘારે કહ્યું કે તેઓ પોતે વહાણ ચલાવતા અને 2016 સુધી કચ્છના કંડલા બંદર નજીક આવેલા તુણા બંદરેથી વેપારીઓ દ્વારા નિકાસ કરાતાં ઘેટાં-બકરાં સંયુક્ત આરબ અમીરાત, કતાર, બહેરીન, કુવૈત, સાઉદી અરેબિયા, ઇરાક, ઓમાન, યમન વગેરે ખાડી દેશો સુધી પહોંચાડતા હતા.
તેઓ કહે છે કે, "પરંતુ પછી મારા પિતા વૃદ્ધ થતા મારે તેમની દેખભાળ રાખવા ઘરે રહેવાની ફરજ પડી. તેથી, મેં મારા વહાણ માટે એક ટંડેલને નોકરીએ રાખ્યો અને મેં 2016થી વહાણ ચલાવવાનું બંધ કર્યું."
સુલતાન સંઘારે કહ્યું કે, "ત્યાર પછી બે-ત્રણ વર્ષ બાદ તુણા બંદરેથી ઘેટાં-બકરાંની નિકાસ પર પ્રતિબંધ લાગી જતાં મેં મારા વહાણમાં માલ-સામાન પહોંચાડવાનું ચાલુ કર્યું."
"પરંતુ, 2021થી મેં ફરી વાર મારા વહાણ દ્વારા ઘેટાં-બકરાંને પહોંચાડવાનું ચાલુ કર્યું."
ભારત સરકારે 2018માં ભારતનાં દરિયાઈ બંદરોએથી ઘેટાં-બકરાંની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
અહેવાલો અનુસાર આ પ્રતિબંધ પહેલાં ગુજરાતના કેટલાક કથિત જીવદયાપ્રેમીઓએ નિકાસ કરાતાં ઘેટાં-બકરાં પર ક્રૂરતા આચરવામાં આવે છે તેવી ફરિયાદો ગુજરાત સરકારને કરી હતી.
આવી ફરિયાદો બાદ કચ્છના તત્કાલીન કલેક્ટરે તુણા બંદરેથી ઘેટાં-બકરાંની નિકાસ પ્રતિબંધ મૂકતો એક હુકમ કર્યો હતો.
જો કે પશુઓની નિકાસ કરતા ગુજરાતના વેપારીઓના સંગઠન લાઇવસ્ટૉક ઍક્સપોર્ટર્સ ઍસોસિયેેશનના સભ્યોમાંથી કેટલાકે તે હુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
ગુજરાત હાઇકોર્ટે કલેક્ટરનો હુકમ રદ કરતા તુણા બંદરેથી ઘેટાં-બકરાંની નિકાસ ફરી શરૂ થઈ હતી.
અહેવાલો અનુસાર તેના થોડા દિવસો બાદ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તુણા બંદરે વિવિધ ત્રુટીઓ ટાંકતો એક પત્ર કેન્દ્ર સરકારને મોકલ્યો હતો અને માંગણી કરી હતી કે તુણા બંદરેથી ઘેટાં-બકરાંની નિકાસ પર મનાઈ ફરમાવવમાં આવે.

ઇમેજ સ્રોત, Sadak Mohamed/Anadolu Agency via Getty Images
સુલતાન સંઘારે ઉમેર્યું, "ગુજરાતમાંથી ઘેટાં-બકરાંની નિકાસ બંધ થઈ ગયા પછી મેં સોમાલિયાથી નિકાસ કરાતાં ઘેટાં-બકરાંને વહાણો દ્વારા દુબઈ, શારજહા વગેરે જગ્યાએ પહોંચાડવાનું કામ ચાલુ કર્યું."
"હાજી અલી છેલ્લાં પાંચ વર્ષથી આ રીતે પશુઓ પહોંચાડવાનું કામ કરતું હતું. હાજી અલી એક મોટું વહાણ હતું અને તે 1800 ટન માલસામાન લઈ જવાની ક્ષમતા ધરાવતું હતું."
"સોમાલિયાના વેપારીઓનાં 1800 ઘેટાં-બકરાં ભરીને હાજી અલી સોમાલિયાના બેરબેરા બંદરેથી 5 મેના રોજ રવાના થયું હતું."
"તે 14 મેની સવારે શારજહા પહોંચી જવાનું હતું. પરંતુ તેના પર હુમલો થતાં બધાં ઘેટાં-બકરાંનાં મોત થયાં છે. તેના પર હુમલો થયો ત્યારે વીસેક કલાકની મુસાફરી બાકી હતી."
તેમણે ઉમેર્યું કે વહાણમાં ઘઉં, ચોખા કે ખાંડ જેવી ખાદ્યસામગ્રીની સરખામણીએ પશુઓનું વહન કરવું ફાયદાકારક પરંતુ વધારે જવાબદારીવાળું કામ છે.
તેઓ કહે છે કે, "અન્ય માલ-સામાનની સરખામણીએ ઘેટાં-બકરાં ભરીએ તો વજન ઓછું થાય. તેના પરિણામે વહાણ ઝડપથી દરિયો પાર કરી શકે છે."
"તુણાથી ખાંડ, ચોખા કે ઘઉં ભરીને દુબઈ પહોંચતા ચાર દિવસ લાગે. પરંતુ જો તેમાં અંદાજે 2000 ઘેટાં-બકરાં ભર્યાં હોય તો વહાણ ત્રણ દિવસમાં જ દુબઈ પહોંચી જતું."
"હા, વધારાની જવાબદારી એ કે દરિયાઈ સફર દરમિયાન નાવિકોએ ઘેટાં-બકરાંની કાળજી રાખવી પડે, તેમને ચારો-પાણી વગેરે આપવા પડે."
નિકાસ બંધ થતા ગુજરાતના વહાણવટાને શું ફટકો પડ્યો?

ઇમેજ સ્રોત, Adam Bhaya
ભારતનાં પરંપરાગત વહણોના માલિકોનું ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ ઍસોસિયેશન નામનું એક સંગઠન છે.
આ ઍસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયા બીબીસીને જણાવે છે કે ગુજરાતમાં હાલ 270 અને ભારતમાં અંદાજે 450 વહાણો કાર્યરત છે.
તેઓ કહે છે, "છેલ્લા કેટલાક દાયકાઓથી ડુંગળી, બટાટાં, ખાંડ, ઘઉં, ચોખા વગેરેની નિકાસ મોટાં જહાજો અને કન્ટેનર શિપ્સ દ્વારા કરવી સસ્તું પડવા લાગ્યું તેથી નિકાસકારો આ વસ્તુઓ મોટાં જહાજો દ્વારા મોકલવા લાગ્યા."
"એ પ્રકારના કાર્ગો માટે વહાણોએ મોટાં જહાજો સાથે હરીફાઈ કરવાની ફરજ પડી. પરંતુ લાઇવસ્ટૉક(ઘેટાં-બકરાં)ની નિકાસ વહાણો દ્વારા કરવાની પરવાનગી હતી ત્યારે ગુજરાતમાંથી વહાણોને એ કાર્ગો તો મળી રહેતો કારણ કે મોટાં જહોજોમાં ભારતમાંથી લાઇવસ્ટૉકની નિકાસ થતી નથી."
"તે પણ બંધ થતાં વહાણોને મળતા કાર્ગોમાં ઘટાડો તો થયો જ છે."
"પરંતુ તેનાથી વધારે નુકસાન તો રાજસ્થાન અને ગુજરાતનાં ઘેટાં-બકરાં ઉછેરનારાઓને થયું કારણ કે તેમનાં ઘેટાં-બકરાંના ભાવ ગગડી ગયા અને તેમની આવકને મોટો ફટકો પડ્યો."
સુલતાન સંઘાર કહે છે કે જયારે ઘેટાં-બકરાંની નિકાસ થઈ શકતી હતી ત્યારે તુણા બંદરેથી 15થી 20 વહાણો માત્ર આ પશુઓનું લોડિંગ કરવાનું જ કામ કરતાં હતાં.
આદમ ભાયા કહે છે કે ગુજરાતમાંથી ઘેટાં-બકરાંની નિકાસ બંધ થતાં ગુજરાતનાં વહાણો સોમાલિયા અને ઈરાનનાં બંદરોએથી આવાં પશુઓ ભરીને ખાડી દેશોનાં બંદરોએ પહોંચાડવાનું ચાલુ કર્યું છે.
તેઓ ઉમેરે છે કે, "ગુજરાતનાં 40થી 50 વહાણો ઈરાનનાં બંદરોએથી ખાડી દેશોનાં બંદરો સુધી પશુઓ પહોંચાડવાનું કામ કરતાં હતાં."
"પરંતુ અમેરિકા અને ઈરાન વચ્ચે આ વર્ષે ફેબ્રુઆરીમાં યુદ્ધ ફાટી નીકળતા તે વેપાર પણ સાવ ઠપ્પ થઈ ગયો છે અને ગુજરાતી વહાણોને ફટકો પડ્યો છે."
ગુજરાતનાં ઘેટાં-બકરાં ઉછેરકોને શું નુકશાન થયું છે?

ઇમેજ સ્રોત, Soltan Frédéric/Sygma via Getty Images
ઘેટાં-બકરાંના નિકાસના વ્યવસાય સાથે જોડાયેલા ભારતના એક અગ્રણી વેપારીએ પોતાની ઓળખ છતી ન કરવાની શરતે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે 2018માં ભારત સરકારે બંદરો પરથી પશુઓની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો ત્યારથી ભારતમાંથી પશુઓની નિકાસ વિમાનો દ્વારા થઈ રહી છે.
"પરંતુ ઘેટાં-બકરાંની હવાઈ માર્ગે નિકાસ કરવા માટે વિમાનો ભાડે રાખવા પડે છે અને તેનું ભાડું વહાણ ભાડા કરતા બમણાથી પણ વધારે હોય છે."
તેઓ કહે છે કે, "વિમાન મારફતે 800 ઘેટાં-બકરાંને દુબઈ પહોંચાડવા માટે 38,000થી 40,000 અમેરિકન ડૉલર(અંદાજે 35 લાખથી 40 લાખ રૂપિયા) ભાડું થાય છે. તેની સામે વહાણ દ્વારા 2000 ઘેટાં-બકરાં મોકલવાનું ભાડું આશરે દસ લાખ રૂપિયા જ થતું હતું."
તેઓ આગળ કહે છે કે આ વધેલાં ભાડાંનો માર ઘેટાં-બકરાં ઉછેરકો પર પણ પડ્યો છે.
તેમણે કહ્યું, "વિમાન ભાડું કે વહાણ ભાડું નિકાસકાર પર હોય છે. વધેલાં ભાડાંનો સંપૂર્ણ બોજો ખરીદનાર પર નાખીઓ તો ખરીદનારને ભારતીય ઘેટાં-બકરાં અન્ય દેશમાંથી આવતાં ઘેટાં-બકરાં કરતાં ખૂબ મોંઘાં લાગે."
"તેથી, અમારે આ બોજમાંથી કેટલોક બોજો ઘેટાં-બકરાં ઉછેરકો પર નાખવો પડે છે. પહેલાં અમે ઉછેરકોને એક ઘેટા કે બકરા દીઠ સરેરાશ સાતથી આઠ હાજર રૂપિયા આપીને ખરીદી કરતા હતા. હવે તેમાં સરેરાશ બે હજાર રૂપિયાનો કાપ મૂકવો પડ્યો છે."
ભારતના પશુ નિકાસનું બજાર કયા દેશોએ અંકે કર્યું છે?

ઇમેજ સ્રોત, MIGUEL ROJO/AFP via Getty Images
ભારતમાંથી નિકાસ કરતા ઘેટાં-બકરાંની સંખ્યા અને તેમાંથી મળતા વિદેશી હૂંડિયામણમાં વર્ષ 2018-19થી ધરખમ ઘટાડો થયો છે તેવું ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયના આંકડા સૂચવે છે.
નિકાસ કરાતાં ઘેટાં બકરાંનું મૂલ્ય 2017-18માં 402 કરોડ હતું, તે ઘટીને 2024-25માં માત્ર 156 કરોડ થઈ ગયું છે.
નિકાસ કરાતાં ઘેટાં-બકરાંની સંખ્યામાં પણ ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. 2018-19માં આ સંખ્યા 8.03 લાખ હતી, 2022-23માં આ સંખ્યા 91559 હતી અને 2024-25માં આ સંખ્યા 3.44 લાખ થઈ ગઈ છે.
ભારતીય વેપારી જણાવે છે કે, "ભારતમાંથી દર વર્ષે સરેરાશ પાંચથી સાત લાખ ઘેટાં-બકરાં નિકાસ કરાતાં હતાં પરંતુ વહાણોમાં તેમની નિકાસ અટકાવાતાં હવે તે આંકડો સરેરાશ બે લાખની આજુબાજુ થઈ ગયો છે."
તેઓ ઉમેરે છે કે, ભારતમાંથી નિકાસ થતાં પશુઓની સંખ્યામાં થયેલો ઘટાડો સોમાલિયા, પાકિસ્તાન તેમ જ મધ્ય એશિયાના ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન વગેરે દેશોએ પૂરો કર્યો છે.
તેમણે કહ્યું, "ભારતમાં ઘેટાં-બકરાંના ઉછેરકો તેમનાં ઘેટાં-બકરાંનો ચરવા લઈ જાય છે જયારે અન્ય દેશોમાં મોટા ભાગે સ્ટોલ-ફીડિંગ(પશુને ફરજામાં કે વાડામાં રાખીને ચારો આપવો) કરી ઉછેરવાની પદ્ધતિથી ઘેટાં-બકરાંનો ઉછેર કરાય છે."
"પરિણામે, ભારતનાં ઘેટાં-બકરાંનું માંસ અન્ય દેશોનાં ઘેટાં-બકરાં કરતા ચડિયાતું ગણાય છે અને થોડી ઊંચી કિંમતે વેચાય છે."

"પરંતુ, વિમાનમાં વહાણની જેમ મોટી સંખ્યામાં ઘેટાં-બકરાં એકસાથે મોકલી શકતાં નથી."
"વળી, કિંમત અમુક હદથી વધે તો ગ્રાહકો ભારતીય પશુઓની જગ્યાએ અન્ય દેશોના પશુઓ ખરીદવાનું પસંદ કરે છે. તેથી, ભારતનું નોંધપાત્ર બજાર આફ્રિકા, મધ્ય એશિયાના દેશોએ અંકે કરી લીધું છે."
આદમ ભાયા કહે છે, "મધ્ય એશિયાના દેશોમાંથી ઘેટાં-બકરાં ઈરાનનાં બંદરોએ આવે છે."
"ત્યાંથી ભારતનાં વહાણોમાં ભરીને તેને વિવિધ ખાડી દેશોમાં મોકલાય છે."
"ગ્રાહકોનો ભારતનાં વહાણો પર ભરાસો છે કારણ કે ભારતનાં વહાણો 1950ના દાયકાથી આ કામ કરતાં આવ્યાં છે અને કોઈ પશુ મુસાફરી દરમિયાન મૃત્યુ ન પામે કે બીમાર ન પડે તેની કાળજી નાવિકો રાખતા હોય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન


























