કૅન્યામાં હેલિકૉપ્ટર ક્રૅશ : ઇક્વાડોરના ઇન્ટેલિજન્સ ચીફ, તેમનાં પત્ની સહિત સાત લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, EPA
કૅન્યામાં બુધવારે થયેલી એક હેલિકૉપ્ટર દુર્ઘટનામાં ઇક્વાડોરના ઇન્ટેલિજન્સ ચીફ અને તેમનાં પત્નીનું મોત થયું છે. આ અકસ્માતમાં પાંચ અમેરિકન નાગરિકો સહિત કુલ સાત લોકોના જીવ ગયા છે.
અમેરિકાના વિદેશ વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં પાંચ અમેરિકન નાગરિકો પણ માર્યા ગયા છે.
સાત મૃતકોમાં ઇક્વાડોરના ઇન્ટેલિજન્સ ચીફ મિશેલ સેન્સી કૉન્ટોગી અને તેમનાં પત્ની સ્ટેફની હોલિહાનનો સમાવેશ થાય છે.
કૅન્યા સિવિલ એવિએશન ઑથૉરિટીના જણાવ્યા અનુસાર, હેલિકૉપ્ટરે લુઇસાબાના એક સંરક્ષિત વન્ય જીવ વિસ્તારમાંથી ઇવાસો ન્યીરો નદી તરફ મુસાફરી માટે ઉડાન ભરી હતી. ઇવાસો ન્યીરો કેન્યાના અનેક વિસ્તારોમાંથી પસાર થતી એક મહત્ત્વપૂર્ણ નદી છે.
ઑથૉરિટીએ વધુમાં જણાવ્યું હતું કે કેન્યાના પરિવહન મંત્રાલય અને એર ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન વિભાગ આ દુર્ઘટનાની તપાસ કરશે. તપાસ દરમિયાન હેલિકૉપ્ટર દુર્ઘટનાનું કારણ શું હતું અને તે કયા સંજોગોમાં બની હતી, તેની સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.
ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ 'આર્થિક જંગ' શરૂ કરી, શું જાહેરાત કરી?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ એક "અભૂતપૂર્વ અને અત્યંત આકરું આર્થિક અભિયાન" શરૂ કરવાની જાહેરાત કરી છે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર દાવો કરતા લખ્યું કે તેમણે ઈરાનને સમજૂતી માટે સૌથી વધારે તક આપી હતી, પરંતુ ઈરાન તેનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યું.
તેમણે કહ્યું, "આજે હું કોઈપણ દેશ વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી આકરી આર્થિક કાર્યવાહીની જાહેરાત કરી રહ્યો છું. આ મોટા પાયે આર્થિક યુદ્ધ અને ઈરાનને અલગ કરવાની ઝુંબેશ હશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અગાઉની માફક તેમણે જણાવ્યું કે ઈરાનની સૈન્ય અને આર્થિક શક્તિને નબળી પાડવામાં આવશે. તેમણે ચેતવણી આપી કે જે દેશ તેમની આર્થિક સંસ્થાઓ, કારોબાર, ઍરપૉર્ટ કે સરકારી એજન્સીઓ મારફતે ઈરાનને કોઈ પણ પ્રકારની આર્થિક મદદ કરશે, તેને ભારે આર્થિક નુકસાન ઉઠાવવું પડશે.
ટ્રમ્પે ખાસ કરીને ઑઇલની દાણચોરી, તેલના ટૅન્કરોની અદલાબદલી, રોકડ મારફતે નાણાં મોકલવા, મની ઍક્સચેન્જ કંપનીઓના ઉપયોગ અને જહાજોને ખોટી કંપનીઓનાં નામે રજિસ્ટર કરવા જેવી પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ કર્યો.
પોતાના નિવેદનના અંતમાં ટ્રમ્પે આ અભિયાનની સરખામણી દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન નોર્મંડી ખાતે અમેરિકન સૈનિકોના ઉતરાણ સાથે કરી હતી. તેમણે અમેરિકાના સહયોગી દેશોને અપીલ કરી હતી કે તેઓ ઈરાનથી ઊભા થઈ રહેલા જોખમને સમાપ્ત કરવા માટે અમેરિકાનો સાથ આપે.
ટ્રમ્પે આ સમગ્ર કાર્યવાહીને "ઐતિહાસિક પગલું" ગણાવ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























