'2027નો વિશ્વકપ રમવા માગું છું, પરંતુ...', વિરાટ કોહલીએ એક ઇન્ટરવ્યૂમાં એવું શું કહ્યું કે વિવાદ થયો

ઇમેજ સ્રોત, AFP via Getty Images
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન અને આઈપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુમાંથી રમતા વિરાટ કોહલીએ આવતા વર્ષે યોજાનારા વન-ડે વર્લ્ડકપમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
જોકે, તેમણે કહ્યું છે કે 'જ્યાં મારું મહત્ત્વ નહીં જળવાય, ત્યાં હું રહેવાનું પસંદ કરીશ નહીં.'
આઈપીએલ ફ્રૅન્ચાઇઝી રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુના પોડકાસ્ટમાં વિરાટ કોહલીએ કહ્યું , "હું ભારતીય ટીમમાં મારા સ્થાનને લઈને, બાબતોને વધુ જટિલ બનાવવા માંગતો નથી. જો મારે સતત મારી યોગ્યતા સાબિત કરવી પડે, તો તે માહોલ મારા માટે નથી."
આ ઇન્ટરવ્યૂમાં, તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને તેમના મહત્ત્વ વિશે સતત બદલાતાં મંતવ્યો બિલકુલ પસંદ નથી.
આઈપીએલની આ સિઝનમાં, વિરાટ કોહલી આરસીબી માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે અને તેમની બૅટિંગ અને ફિલ્ડિંગની ઘણી વખત પ્રશંસા પણ કરવામાં આવી છે.
37 વર્ષીય ટૉપ ઑર્ડર બૅટ્સમૅન વિરાટ કોહલીએ આઈપીએલ-2026ની 12 મૅચમાં 53.77ની સરેરાશથી 484 રન બનાવ્યા છે.
આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં ત્રીજા ક્રમે છે, હૅનરિક ક્લાસેન (508 રન) અને સાઈ સુદર્શન (501 રન) પછી ત્રીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોહલી પોતે છે.
તેમને ઑરેન્જ કૅપ માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે. આરસીબી 16 અંક સાથે પૉઇન્ટ ટેબલમાં ટોચ પર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2027 વર્લ્ડકપમાં રમવા અંગે કોહલીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કોહલી હવે માત્ર વન-ડે ફૉર્મેટમાં જ રમે છે. તેમણે 2024માં ટી20 આંતરરાષ્ટ્રીય અને 2025માં ટેસ્ટ ક્રિકેટ છોડ્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વન-ડે મૅચોની સંખ્યા ઘણી ઘટી છે અને તેમનું રમવું પણ ઓછુ થઈ ગયું છે.
તેથી આવી પરિસ્થિતિમાં અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે શું કોહલી આવતા વર્ષે યોજાનારા વર્લ્ડકપમાં રમશે કે નહીં.
આ અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે 2027 વર્લ્ડકપમાં રમવા વિશે તેમનું શું કહેવું છે, તો તેમણે આ સવાલનો સકારાત્મક જવાબ આપ્યો.
કોહલીએ કહ્યું, "હું હંમેશાં તૈયાર જ રહું છું. કારણ કે આ મારી રોજિંદી જિંદગીનો ભાગ છે. હું વર્કઆઉટ કરું છું, ઘરમાં સારો ખોરાક ખાઉં છું. આ માત્ર ક્રિકેટ રમવા માટે નથી, પણ મને આ રીતે જીવવું ગમે છે. એટલે હું આ જ સ્થિતિમાં છું. આ 2027 વિશે મને ઘણી વખત પૂછવામાં આવ્યું છે."
તેમણે આગળ કહ્યું, "મને જવાબ ખબર છે. જેમ કે, હું મારું ઘર કેમ છોડું, મારો સામાન કેમ સમેટું અને કહું કે મને ખબર નથી, હું શું ઇચ્છું છું? હું ક્રિકેટ રમવા માગું છું. હું આગળ પણ રમવા માગું છું. ભારત માટે વર્લ્ડકપ રમવો અદ્ભુત છે. પરંતુ જેમ મેં કહ્યું, મહત્ત્વ બંને બાજુએથી હોવું જોઈએ."
ધ્યાન આપવા જેવી વાત એ છે કે ટીમનો ભાગ બની રહેવાની ઇચ્છા હોવા છતાં, ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે હજુ સુધી કોહલી અને બીજા દિગ્ગજ વન-ડે ખેલાડી રોહિત શર્માના ભવિષ્ય અંગે કોઈ સ્પષ્ટ વાત કરી નથી.
આઈપીએલ- 2026ની શરૂઆત પહેલાં ગૌતમ ગંભીરે ઇન્ડિયા ટુડેને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, "2027 વર્લ્ડકપની તૈયારી આઈપીએલ પછી શરૂ થશે. અમારે વર્લ્ડકપ પહેલાં 25થી 30 વન-ડે મૅચ રમવાની છે."
"દક્ષિણ આફ્રિકામાં ક્રિકેટ રમવું સરળ નથી. અમે ટીમ કૉમ્બિનેશન જોઇશું અને એવા ખેલાડીઓ શોધીશું જેઓ ત્યાંની પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કરી શકે. સિલેક્ટર્સ અને કોચ આ કામ કરશે. આઈપીએલ- 2026 પૂરી થતાં પછી 2027 વર્લ્ડકપ અંગેની તસવીર સ્પષ્ટ થશે."
બીજી તરફ વિરાટ કોહલીએ ભારપૂર્વક કહ્યું, "મારો દૃષ્ટિકોણ સંપૂર્ણ સ્પષ્ટ છે. જો તે વાતાવરણમાં મારી અગત્યતા છે, જેમાં હું હિસ્સો છું અને તે વાતાવરણ પણ અનુભવ કરે છે કે હું મૂલ્યવાન ઉમેરો કરી શકું છું, તો હું ત્યાં રહીશ. જો મને લાગશે કે મને મારી અગત્યતા સાબિત કરવી પડશે, તો તે જગ્યા મારે માટે નથી."
તેમ છતાં, શક્યતા છે કે તેઓ 14 જુલાઈથી 19 જુલાઈ સુધી ઇંગ્લૅન્ડ સામેની ત્રણ મૅચોની વન-ડે સિરીઝમાં કોહલીને રમતા જોઈ શકાશે.
'જ્યારે સુધી ટીમ ઇચ્છશે, રમતા રહીશું'

કોહલીએ કહ્યું કે જ્યાં સુધી ટીમ તેમને ઇચ્છશે, ત્યાં સુધી તેઓ રમતા રહેશે.
તેમણે કહ્યું, "હું મારી તૈયારી માટે ઇમાનદાર છું, હું રમતમાં જે રીતે પોતાને સમર્પિત કરું છું તેમાં ઇમાનદાર છું. હું મહેનત કરું છું. જ્યારે હું રમવા જાઉં છું, ત્યારે હું બીજા કોઈપણ ખેલાડી જેટલી કે તેનાથી વધુ મહેનત કરું છું અને રમતને યોગ્ય રીતે રમું છું."
તેમના રમતના દૃષ્ટિકોણ વિશે વાત કરતાં કોહલીએ કહ્યું કે તેઓ હંમેશા કઠિન મહેનત માટે તૈયાર છે, ભલે તે એક ફિલ્ડર તરીકે "40 ઓવર સુધી બાઉન્ડરીથી બાઉન્ડરી સુધી દોડવાનું" કેમ ન હોય.
તેમણે કહ્યું, "હું આવું કરું છું કારણ કે હું એ જ પ્રમાણેની તૈયારી કરું છું. હું 50 ઓવરની ફિલ્ડિંગ કરવા માટે તૈયાર રહું છું. આટલું બધું કર્યા બાદ પણ જો મને મારી કિંમત સાબિત કરવી પડે, તો તે જગ્યા મારા માટે નથી."
કારકિર્દી અને ઉપલબ્ધિઓ
આ વર્ષે જાન્યુઆરીમાં ન્યૂઝીલૅન્ડ સામેની ત્રણ મૅચોની સિરીઝના પ્રથમ મુકાબલામાં વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બીજા સૌથી વધુ રન બનાવનાર બૅટ્સમૅન બન્યા. તેના માટે ઘણા લોકોએ તેમની પ્રશંસા કરી.
કોહલીએ 2025-26 સિઝનમાં બે દાયકાઓ પછી વિજય હજારે ટ્રૉફીમાં વાપસીનો ઉલ્લેખ કર્યો. તેમણે દિલ્હી માટે બે મૅચ રમી અને એકમાં સદી ફટકાર્યાનો ઉલ્લેખ પણ કર્યો. આ સાથે તેઓ સૌથી ઝડપી 16,000 લિસ્ટ-A રન બનાવનાર ખેલાડી પણ બન્યા.
તેમણે કહ્યું, "મારા મનમાં વાત સંપૂર્ણ સ્પષ્ટ હતી કે હું ત્યાં કોઈને કંઈ સાબિત કરવા નથી જતો. હું ત્યાં રમવા જઈ રહ્યો છું. કારણ કે મને આ રમત ગમે છે. મેં વિજય હજારે પણ એ જ વિચાર સાથે રમી. તે અદ્ભુત હતું."
તેમણે આગળ કહ્યું, "હું વિચારી રહ્યો હતો કે આટલા લાંબા સમય સુધી રમ્યા પછી શું મારી અંદર હજી પ્રેરણા છે? પણ જેવી જ મારી ઇચ્છા થઈ કે 'હું રમવા માગું છું કારણ કે મને રમત પ્રિય છે', મને બૅટિંગમાં મજા આવવા લાગી. હું ફરીથી બાળક જેવો અનુભવ કરવા લાગ્યો. મને લાગ્યું કે આ બીજાના વિશે નથી, આ મારા અને રમત વચ્ચેની બાબત છે."
'વસ્તુઓને મુશ્કેલ ન બનાવો'

ઇમેજ સ્રોત, AFP via Getty Images
કોહલીએ કહ્યું કે તેમને રમવાથી ખુશી મળે છે, પરંતુ એવા વાતાવરણમાં નહીં જ્યાં પસંદગી બાદ પણ સવાલો ઉઠે.
તેમણે કહ્યું, "જે ક્ષણે મને લાગે છે કે લોકો મારી માટે વસ્તુઓ મુશ્કેલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને 'જો અને તો' કહી રહ્યા છે, તો અથવા તો સ્પષ્ટ, ઇમાનદાર અને સીધા રહો અથવા પછી ચૂપ રહો અને મને રમવા દો."
"જો તમે કોઈ કાર્યસ્થળે જાઓ અને લોકો કહે કે તેમને તમારી ક્ષમતા પર વિશ્વાસ છે, અને એક અઠવાડિયા પછી એ જ લોકો તમારા કામ કરવાની રીત પર સવાલ ઉઠાવવા લાગે, તો પ્રશ્ન ઉઠે કે કેમ?"
તેમણે કહ્યું, "અથવા તો પહેલાં જ દિવસે કહી દો કે હું સારો નથી કે મારી જરૂર નથી. પરંતુ જો તમે કહ્યું છે કે હું સારો છું અને તમે કંઈક અલગ નથી વિચારી રહ્યા, તો પછી ચૂપ રહો. જો તમે પરિણામો અનુસાર બદલાતા રહેશો, તો ક્યારેય સ્થિર વલણ રાખી શકશો નહીં."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















