IPO ઓવરસબસ્ક્રાઇબ થાય ત્યારે રોકાણકારોને શૅર કઈ રીતે ફાળવવામાં આવે છે, શૅર ઍલોટ થાય તેની કોઈ ટ્રિક હોય છે?

IPO ઓવરસબસ્ક્રાઈબ થાય ત્યારે રોકાણકારોને શૅર કઈ રીતે ફાળવાય છે? શૅર એલોટ થાય તે માટેની કોઈ ટ્રિક હોય છે?
ઇમેજ કૅપ્શન, જિયો પ્લૅટફૉર્મ્સના આઇપીઓ મારફતે કંપની આ આઇપીઓ દ્વારા બજારમાંથી લગભગ 30,213 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે.
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ભારતીય શૅરબજારમાં હાલમાં જિયો પ્લૅટફૉર્મ્સના 30,213 કરોડ રૂપિયાના આઇપીઓની ચર્ચા ચાલે છે.

ભારતમાં અત્યાર સુધીમાં આવેલો આ સૌથી મોટો પબ્લિક ઇશ્યૂ છે અને બુધવારે તે ઓપન થયા પછી માત્ર 100 મિનિટની અંદર સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો છલકાઈ ગયો હતો, જે એક રેકૉર્ડ છે.

બીએસઈના ડેટા પ્રમાણે ગુરુવારે આઇપીઓના બીજા દિવસે પ્રથમ બે કલાકની અંદર રિટેલ રોકાણકારોનો હિસ્સો પણ સંપૂર્ણ ભરાઈ ગયો હતો.

જિયોનો આ આઇપીઓ હજુ 23 ઑક્ટોબર, શુક્રવાર સુધી ખુલ્લો રહેશે. આ લખાય છે ત્યાર સુધીમાં તે એકંદરે ચાર ગણાથી વધુ ભરાઈ ગયો હતો. અલગ અલગ કૅટેગરીમાં આઇપીઓ ઓવરસબસ્ક્રાઇબ થાય ત્યારે બિડ કરનારા દરેક રોકાણકારને શૅર નહીં મળે.

તેના કારણે સવાલ થાય છે કે, જ્યારે આઇપીઓ ઓવરસબસ્ક્રાઇબ થાય ત્યારે શૅરનું ઍલોટેન્ટ કેવી રીતે થાય છે અને શૅર ફાળવાય તે માટે કોઈ ટ્રિક કામ કરે છે કે કેમ?

આઇપીઓ કેટલો છલકાયો

ગુરુવારે બપોર સુધીના આંકડા પ્રમાણે આ આઇપીઓ લગભગ ચાર ગણાથી વધુ છલકાયો હતો. તેમાં ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઈબી)નો હિસ્સો 9.69 ગણો, બિન સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 3.78 ગણો અને રિટેલ રોકાણકારોનો હિસ્સો 1.25 ગણો ભરાયો હતો.

આ ઉપરાંત રિલાયન્સ જૂથના કર્મચારીઓ માટે પણ શૅર અનામત રાખવામાં આવ્યા છે અને આ કૅટેગરીમાં 1.83 ગણી બિડ મળી છે, જ્યારે રિલાયન્સના શૅરધારકોનો હિસ્સો 2.90 ગણો ભરાયો હતો.

જિયો પ્લૅટફૉર્મ્સના આઇપીઓમાં 1,056 રૂપિયાથી 1,119 રૂપિયાની પ્રાઇસ બૅન્ડ નક્કી કરવામાં આવી છે. લૉટ સાઇઝ 12 શૅરની છે. એટલે કે અપર બૅન્ડ પર એક લૉટ 13,428 રૂપિયાનો પડશે. 26 ઑક્ટોબરે શૅર ઍલોટમેન્ટ થવાની શક્યતા છે અને લિસ્ટિંગની સંભવિત તારીખ 28 ઑક્ટોબર છે. જેમને શૅર નહીં લાગ્યા હોય તેમને 27 ઑક્ટોબરે રૂપિયા રિફંડ મળી જાય તેવી સંભાવના છે.

જે લોકોને આઇપીઓમાં શૅર ન મળે, તેઓ લિસ્ટિંગના દિવસે સેકન્ડરી માર્કેટમાંથી શૅર ખરીદી શકે છે.

શૅરની ફાળવણી કઈ રીતે થશે?

IPO ઓવરસબસ્ક્રાઈબ થાય ત્યારે રોકાણકારોને શૅર કઈ રીતે ફાળવાય છે? શૅર એલોટ થાય તે માટેની કોઈ ટ્રિક હોય છે?
ઇમેજ કૅપ્શન, જિયોના આઇપીઓ માટે રોડ-શોની આગેવાની મુકેશ અંબાણીનાં સંતાનો ઈશા અને આકાશ અંબાણીએ કરી હતી.

આઇપીઓ ઓવરસબસ્ક્રાઈબ થાય ત્યારે શૅરની ફાળવણી સિક્યૉરિટી ઍન્ડ ઍક્સ્ચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)ના નિયમો મુજબ થાય છે. સેબી એ ભારતીય શૅર માર્કેટની નિયમનકાર સંસ્થા છે.

સેબીની માહિતી પુસ્તિકા પ્રમાણે નાના રોકાણકારો (રિટેલ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર અથવા આરઆઇઆઇ)ની કૅટેગરીમાં ઉપલબ્ધ શૅર કરતાં ઓછા અથવા તેટલા જ શૅરની બિડ આવે ત્યારે બધા રોકાણકારોને બિડ મુજબ શૅર ફાળવવામાં આવે છે.

પરંતુ જ્યારે અલગ અલગ કૅટેગરીમાં ઉપલબ્ધ શૅર કરતાં તેની માંગ વધારે હોય ત્યારે લૉટરી સિસ્ટમ અથવા સમઅનુપાતના આધારે શૅર ફાળવાય છે.

લૉટરી સિસ્ટમમાં દરેક રોકાણકાર માટે શૅર લાગવાની શક્યતા એક સરખી થઈ જાય છે. તેથી તેમાં કોઈ ચેડાં કરી શકાતાં નથી. તેથી તેમાં શૅર લાગવાના ચાન્સ વધારવાની પણ કોઈ સચોટ પદ્ધતિ નથી.

શૅર લાગવાના ચાન્સ કેવી રીતે વધી શકે?

IPO ઓવરસબસ્ક્રાઈબ થાય ત્યારે રોકાણકારોને શૅર કઈ રીતે ફાળવાય છે? શૅર એલોટ થાય તે માટેની કોઈ ટ્રિક હોય છે?
ઇમેજ કૅપ્શન, સપ્ટેમ્બર મહિનામાં એનએસઈનો ઇશ્યૂ આવ્યો હતો, પરંતુ લિસ્ટિંગ વખતે ખાસ ફાયદો થયો ન હતો.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રિટેલ કૅટેગરીમાં પરિવારના અલગ અલગ સભ્યોના એકાઉન્ટ પરથી અરજીઓ કરવામાં આવે તો કોઈને શૅર લાગવાના ચાન્સ રહે છે. ઘણા લોકો મિત્રો કે બીજા ઓળખીતાઓનાં ડિમેટ ખાતાં અને પાન નંબરનો ઉપયોગ કરીને પણ અરજી કરે છે.

આ ઉપરાંત તમે આઇપીઓની અરજીમાં ભરેલી દરેક વિગત સાચી હોય તેની ખાતરી કરો.

શૅરબજારના જાણકાર મિલન મહેતા કહે છે કે, "કોઈ આઇપીઓની બજારમાં બહુ ચર્ચા ચાલતી હોય, કંપનીનો દેખાવ મજબૂત હોય અને ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ભાવે શૅરના સોદા થતા હોય, ત્યારે આવા આઇપીઓ અનેકગણા ઓવરસબસ્ક્રાઇબ થઈ શકે છે. "

તેઓ આવા કિસ્સામાં વધારે મોટા લૉટમાં અરજી ન કરવાની સલાહ આપે છે. કારણ કે બે લાખ રૂપિયાથી ઓછા મૂલ્યની રિટેલ અરજીઓને સમાન રીતે જોવામાં આવે છે. તેથી એક કરતાં વધારે એકાઉન્ટમાંથી બિડ કરવી વધુ યોગ્ય છે.

આ ઉપરાંત આઇપીઓના છેલ્લા દિવસે બૅન્ક એકાઉન્ટને લગતા કોઈ પ્રશ્ન ઊભા થાય અથવા બીજી કોઈ ટેકનિકલ સમસ્યા થાય તો આઇપીઓ ઍપ્લિકેશન અટવાઈ શકે છે, તેથી આ બાબતનું ધ્યાન રાખવાની સલાહ અપાય છે.

ઘણી કંપનીઓ પોતાના પહેલેથી શૅરધારક હોય તેવા રોકાણકારોને પ્રાથમિકતા આપે છે. તેને શૅરહોલ્ડર્સ કૅટેગરી કહેવામાં આવે છે. આ કૅટેગરીમાં અરજી કરવામાં આવે તો શૅર લાગવાના ચાન્સ વધી જાય છે. રિલાયન્સે પોતાના પહેલેથી શૅરધારક હોય તેવા રોકાણકારો માટે 2,500 કરોડના શૅર અનામત રાખ્યા છે.

આ ઉપરાંત રિટેલ અને શૅરહોલ્ડર્સ બંને કૅટેગરીમાં અરજી કરવાથી પણ શૅર ઍલોટ થવાની શક્યતા વધે છે.

શૅર ઍલોટમેન્ટની કોઈ ટ્રિક નથી

IPO ઓવરસબસ્ક્રાઈબ થાય ત્યારે રોકાણકારોને શૅર કઈ રીતે ફાળવાય છે? શૅર એલોટ થાય તે માટેની કોઈ ટ્રિક હોય છે?
ઇમેજ કૅપ્શન, ઘણા લોકો લિસ્ટિંગના દિવસે નફો કમાવા માટે આઇપીઓમાં અલગ અલગ ખાતામાંથી અરજી કરે છે.

આઇપીઓ જ્યારે ઓવરસબસ્ક્રાઇબ થાય ત્યારે તમારા ઍલોટમેન્ટના ચાન્સ વધારવાની કોઈ સરળ રીત કે ટ્રિક નથી. ઘણા રોકાણકારોને એવી ખોટી માન્યતા હોય છે કે ઇશ્યૂ ખુલતાની સાથે વહેલાસર અરજી કરી દેવાથી તેમને શૅર લાગવાનો ચાન્સ વધારે રહે છે.

તેવી જ રીતે મલ્ટિપલ ઍપ્લિકેશન કરવાથી પણ તમને શૅર લાગવાનો ચાન્સ વધી જાય તેવી ધારણા પણ ખોટી છે.

તેનું કારણ છે કે, એક જ કૅટેગરીમાં પાન નંબર સરખો હોય ત્યારે વૅલિડેશન પ્રક્રિયા વખતે તે અરજી રિજેક્ટ થઈ જાય છે અને શૅર ઍલોટ થવાનો ચાન્સ શૂન્ય થઈ જાય છે.

મહેતા કહે છે કે, "તમે ઘણા બધા લૉટ માટે અરજી કરશો તો શૅર મળવાનો ચાન્સ વધી જાય તે પણ એક ગેરમાન્યતા છે. રિટેલ કૅટેગરીમાં ઍલોટમેન્ટ લૉટના આધારે નહીં પણ ઍપ્લિકેશન દીઠ થાય છે. તેથી મોટા લૉટમાં અરજી કરવાનો પણ ફાયદો નથી."

સામાન્ય રીતે એક જ પાન નંબર પર એકથી વધારે અરજી કરવામાં આવી હોય, બૅન્ક ખાતામાં બૅલેન્સ ઓછું હોય, યુપીઆઈ આઈડીમાં ગરબડ હોય, વગેરે કારણોથી અરજી રિજેક્ટ થતી હોય છે. તેથી આ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખો.

રિલાયન્સના કર્મચારીઓને ડિસ્કાઉન્ટ

IPO ઓવરસબસ્ક્રાઈબ થાય ત્યારે રોકાણકારોને શૅર કઈ રીતે ફાળવાય છે? શૅર એલોટ થાય તે માટેની કોઈ ટ્રિક હોય છે?
ઇમેજ કૅપ્શન, રિલાયન્સ જૂથના સ્થાપક ધીરુભાઈ અંબાણી 1977માં રિલાયન્સ ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝનો પ્રથમ આઇપીઓ લાવ્યા હતા.

જિયોનું લિસ્ટિંગ થશે ત્યારે તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી ઍરટેલ અને એચડીએફસી બૅન્ક પછી ચોથા ક્રમની સૌથી મોટી લિસ્ટેડ કંપની હશે, એવું રૉયટર્સ જણાવે છે.

જિયો પ્લૅટફૉર્મ્સના આઇપીઓમાં પ્રાઇસ બૅન્ડ 1,065 રૂપિયાથી 1,119 રૂપિયા પ્રતિ શૅર નક્કી કરવામાં આવી છે. તેમાં કુલ 27 કરોડ નવા શૅર ઇશ્યૂ કરવામાં આવશે.

રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 12 શૅરના લૉટમાં અરજી કરવાની છે. એટલે કે એક લૉટની કિંમત 13,428 રૂપિયા છે. રિટેલ રોકાણકારો વધુમાં વધુ 14 લૉટ અથવા 168 શૅર માટે અરજી કરી શકશે, જેનું મૂલ્ય 1,87,992 રૂપિયા થશે. રિલાયન્સ જૂથના કર્મચારીઓને શૅરદીઠ 54 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ પ્રમાણે, કંપનીએ પોતાના કર્મચારીઓ માટે 500 કરોડ રૂપિયાના શૅર અનામત રાખ્યા છે, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ)ના પાત્રતા ધરાવતા શૅરધારકો માટે 2,500 કરોડ રૂપિયા સુધીના શૅર રિઝર્વ રાખ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન