ભગવંત માને ભાજપ પર આરોપ લગાવ્યો, 'મારી કૅમ્પ ઑફિસ પર CBIની દરોડાની કાર્યવાહી કરાવવામાં આવી'; કેજરીવાલે શું કહ્યું?- ન્યૂઝ અપડેટ

ભગવંત માને ભાજપ પર આરોપ લગાવ્યો
ઇમેજ કૅપ્શન, ભાજપ પર આરોપ લગાવતા ભગવંત માને કહ્યું કે તે પંજાબમાં જીત મેળવી શકતી નથી, તેથી ED અને CBIના સહારે ચૂંટણી લડવા માંગે છે.
    • લેેખક, બીબીસી ન્યૂઝ ગુજરાતી
    • પદ, નવી દિલ્હીથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને ઍક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ તેમના કૅમ્પ કાર્યાલય પર દરોડો પાડ્યો છે.

તેમણે ઍક્સ પર લખ્યું, "ભાજપે પંજાબ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મારા કૅમ્પ કાર્યાલયમાં CBIની રેડ કરાવવામાં આવી. હવે પંજાબમાં ED અને CBIનો દુરુપયોગ કરવામાં આવશે, જેથી પંજાબ સરકાર અને મને બદનામ કરી શકાય."

તેમણે કહ્યું કે તેમને લોકોનો પ્રેમ અને સમર્થન મળી રહ્યો છે અને આ જોઈને ભાજપ ગભરાઈ ગઈ છે.

ત્યાર બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ઍક્સ પર પોસ્ટ કરીને તેને ભાજપની ગભરાટ ગણાવી.

તેમણે ઍક્સ પર લખ્યું, "ચૂંટણીથી બે મહિના પહેલાં પંજાબના મુખ્યમંત્રીના કાર્યાલય પર CBIની રેડ ભાજપની ગભરાટનું પરિણામ છે."

તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે તે પંજાબમાં જીત મેળવી શકતી નથી, તેથી ED-CBIના સહારે ચૂંટણી લડવા માંગે છે.

તેમણે કહ્યું કે પંજાબીઓએ પોતાનો નિર્ણય કરી લીધો છે અને ભાજપની CBI રેડનો જવાબ આવનારી ચૂંટણીમાં ભગવંત માનને 100થી વધુ બેઠકો સાથે જીતાડીને અને ફરીથી મુખ્ય મંત્રી બનાવીને આપશે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને SIR વિરુદ્ધ ધરણાં પર બેસેલાં રાહુલ અને પ્રિયંકા ગાંધી અટકાયતમાં લેવાયાં

rahul gandhi, congres, election commision, બીબીસી ગુજરાતી, રાહુલ ગાંધી ,પ્રિયંકા ગાંધી વાડ્રા, ચૂંટણીપંચ, જ્ઞાનેશકુમાર

એસઆઈઆર અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત ઇન્ડિયા બ્લૉકના નેતાઓની અટકાયત કરી લેવામાં આવી છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર રાહુલ ગાંધીને પોલીસે અટકાયતમાં લીધા છે.

પ્રિયંકા ગાંધી વાડ્રા

આ માહિતી સમાચાર સંસ્થા એએનઆઈએ આપી છે. સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ધરણાંસ્થળ પરથી કૉંગ્રેસ કાર્યકર્તાઓને પણ અટકાયતમાં લેવાયા છે.

ઇન્ડિયા બ્લૉકના અન્ય નેતાઓને પણ અટકાયતમાં લેવાયાના અહેવાલ છે.

રાહુલ ગાંધી, આકાશવાણી ભવન, બીબીસી ગુજરાતી, પ્રિયંકા ગાંધી, જ્ઞાનેશકુમાર, દિલ્હી, ચૂંટણી કમિશનર, ચૂંટણીપંચ, rahul gadhi, akashwani bhawan, priyanka vadra, delhi

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને SIR વિરુદ્ધ પ્રદર્શન: રાહુલ અને પ્રિયંકા ગાંધી ધરણાં પર બેઠાં

લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી વાડ્રા

લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી વાડ્રાને ચૂંટણીપંચ સુધી માર્ચ કરવાની મંજૂરી ન મળ્યા બાદ તેઓ સાંજ સુધી પણ આકાશવાણી ભવન પરિસરમાં ધરણા પર બેઠા રહ્યા.

પોલીસે તેમને ત્યાંથી હટી જવા કહ્યું, પરંતુ બંને નેતાઓ ત્યાં જ અડગ રહ્યા. વિરોધ પક્ષના નેતાઓનું આ ધરણું મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગને લઈને હતું.

આ પહેલાં બંને નેતાઓ ચૂંટણીપંચના મુખ્યાલય સુધી પહોંચવા માટે આકાશવાણી ભવન પરિસરમાં પ્રવેશ્યા હતા.

પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હોવા છતાં બંને નેતાઓ ત્યાં પહોંચ્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું, "દેશ સાથે જે કરવામાં આવ્યું છે તે દેશદ્રોહ છે. ભલે વડા પ્રધાન મોદી હોય, અમિત શાહ હોય, RSS પ્રમુખ હોય કે જ્ઞાનેશ કુમાર, કોઈને પણ છોડવામાં આવશે નહીં."

ફ્રાન્સિસ હેલઝેનને ફિઝિક્સનો નોબલ પુરસ્કાર 2026 મળ્યો

નોબલ પુરસ્કાર વિજેતા ફ્રાન્સિસ હેલઝેન
ઇમેજ કૅપ્શન, નોબલ પુરસ્કાર વિજેતા ફ્રાન્સિસ હેલઝેન

રૉયલ સ્વીડિશ એકૅડેમી ઑફ સાયન્સેઝે 2026ના ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ)ના નોબલ પુરસ્કાર માટે ફ્રાન્સિસ હેલઝેનની પસંદગી કરવાની જાહેરાત કરી છે.

તેમને આઇસક્યુબ ન્યુટ્રિનો ઑબ્ઝર્વેટરીમાં નિર્ણાયક યોગદાન આપવા અને ખગોળીય સ્ત્રોતોમાંથી આવતા ઉચ્ચ-ઊર્જાવાળા ન્યુટ્રિનોની શોધ માટે આ સન્માન આપવામાં આવ્યું છે.

નોબલ સમિતિના અધ્યક્ષ માર્ક પીયર્સે ફ્રાન્સિસ હેલઝેનની પ્રશંસા કરતાં કહ્યું કે તેમણે સંશોધકો અને ઇજનેરોની એક આંતરરાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કર્યું, જેણે વૈજ્ઞાનિકોને એક ઉત્તમ સાધન ઉપલબ્ધ કરાવ્યું.

પીયર્સના અનુસાર, હેલઝેનની દૃઢતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણે ખગોળવિજ્ઞાનના એક નવા યુગનો પાયો નાખ્યો છે.

'જ્ઞાનેશ ઇટ્સ ડન, બ્રો', રાહુલ ગાંધીએ કહ્યું, 'આ દેશદ્રોહ છે, મોદી, શાહ કોઈને નહીં છોડીએ'

રાહુલ ગાંધી, કૉંગ્રેસ બીબીસી ગુજરાતી, congress, rahul gandhi, gyanesh kumar,

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરા ચૂંટણીપંચના મુખ્યાલય પહોંચવા માટે આકાશવાણી ભવન પરિસરમાં દાખલ થઈ ગયા છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, રાહુલ અને પ્રિયંકા પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હોવા છતાં ત્યાં દાખલ થઈ ગયા.

રાહુલ ગાંધીએ કહ્યું, "દેશ સાથે જે કરવામાં આવ્યું છે, તે દેશદ્રોહ છે. ભલે વડા પ્રધાન મોદી હોય, અમિત શાહ હોય, આરએસએસ પ્રમુખ હોય અથવા જ્ઞાનેશકુમાર હોય, કોઈને પણ છોડવામાં આવશે નહીં."

રાહુલ ગાંધીએ કહ્યું, "300થી વધુ વિરોધપક્ષના સાંસદો આજે સંસદથી ચૂંટણીપંચ સુધી માર્ચ કરીને ચૂંટણી કમિશનરને મળવા પહોંચ્યા હતા."

"અમે કરોડો ભારતીયોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. ચૂંટણી કમિશનર અમને મળતા કેમ નથી? પોલીસ અમને શા માટે રોકી રહી છે અને ધમકી આપી રહી છે?"

આ પહેલાં ઇન્ડિયા બ્લૉકના નેતાઓ ચૂંટણીપંચના મુખ્યાલય તરફ માર્ચ કરી રહ્યા હતા, જેને પોલીસે રોકી દીધા હતા.

અમેરિકન સેનાએ 60 વર્ષ બાદ કોઈ સૈનિકને ગોળી મારીને મૃત્યુદંડ આપવાની જાહેરાત કરી

નિદાલ મલિક હસને વર્ષ 2009માં ટેક્સાસ સ્થિત ફોર્ટ હૂડ સૈન્ય અડ્ડા પર 13 નિશસ્ત્ર અમેરિકી સૈનિકોની ગોળી મારીને હત્યા કરી હતી.
ઇમેજ કૅપ્શન, નિદાલ મલિક હસને વર્ષ 2009માં ટેક્સાસ સ્થિત ફોર્ટ હૂડ સૈન્ય અડ્ડા પર 13 નિશસ્ત્ર અમેરિકન સૈનિકોની ગોળી મારીને હત્યા કરી હતી.

અમેરિકાના સંરક્ષણ વિભાગ (પેન્ટાગન)એ સેનાના પૂર્વ મેજર નિદાલ મલિક હસનને ગોળી મારીને મૃત્યુદંડ આપવાની જાહેરાત કરી છે.

છેલ્લાં 60 વર્ષથી વધુ સમય બાદ અમેરિકાની સેનામાં કોઈ સૈનિકને ગોળી મારીને મૃત્યુદંડ આપવામાં આવશે.

નિદાલ મલિક હસને વર્ષ 2009માં ટેક્સાસ સ્થિત ફોર્ટ હૂડ સૈન્ય અડ્ડા પર 13 નિશસ્ત્ર અમેરિકન સૈનિકોની ગોળી મારીને હત્યા કરી હતી, જ્યારે અન્ય 32 લોકો ઘાયલ થયા હતા.

પેન્ટાગનના પ્રવક્તા સીન પાર્નેલે સોમવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે આ સજા અમલમાં મૂકવાની ભલામણ કરી હતી, જેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંજૂરી આપી છે.

પાર્નેલે કહ્યું કે સેનાના સચિવ મૃત્યુદંડની તારીખ અને સ્થળ નક્કી કરશે. તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું, "હસન માટે આખરે ન્યાયનો દિવસ આવી ગયો છે."

વર્જિનિયાના રહેવાસી હસન અમેરિકી સેનામાં મનોચિકિત્સક (સાયકિયાટ્રિસ્ટ) હતા. 2013માં થયેલી સૈન્ય અદાલતની સુનાવણી દરમિયાન તેમણે સ્વીકાર્યું હતું કે હુમલાખોર તેઓ જ હતા.

'જ્ઞાનેશ ઇટ્સ ડન બ્રો' સાથે વિપક્ષના સાંસદોની માર્ચ, કૉંગ્રેસે શું શરત મૂકી?

વિપક્ષ ઇન્ડિયા બ્લૉકનાં સાંસદોએ મંગળવારે કથિત મતચોરી અને મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિજન એટલે એસઆઈઆરના વિરોધમાં સંસદથી ચૂંટણીપંચના મુખ્યાલય સુધી માર્ચ શરૂ કરી હતી
ઇમેજ કૅપ્શન, વિપક્ષ ઇન્ડિયા બ્લૉકનાં સાંસદોએ મંગળવારે કથિત મતચોરી અને મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિજન એટલે એસઆઈઆરના વિરોધમાં સંસદથી ચૂંટણીપંચના મુખ્યાલય સુધી માર્ચ શરૂ કરી હતી
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વિપક્ષ ઇન્ડિયા બ્લૉકનાં સાંસદોએ મંગળવારે કથિત મતચોરી અને મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિજન એટલે એસઆઈઆરના વિરોધમાં સંસદથી ચૂંટણીપંચના મુખ્યાલય સુધી માર્ચ શરૂ કરી હતી.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ દેશભરમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનો વચ્ચે આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

જોકે, આ સાંસદોને નીતિ આયોગના કાર્યાલય સામે રોકી દેવામાં આવ્યા હતા.

આ સ્થળ નીતિ આયોગ અને આકાશવાણી ભવન વચ્ચે આવેલા એ માર્ગ પર છે, જે ચૂંટણીપંચના મુખ્યાલય તરફ જાય છે.

આગળ વધતા અટકાવાયા બાદ વિરોધ પક્ષના સાંસદોએ રસ્તા પર બેસીને વિરોધપ્રદર્શન કર્યું હતું.

કૉંગ્રેસે સોમવારે જ પોતાની ત્રણ માગ મૂકી હતી.

કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઍક્સ પર લખ્યું હતું, "કૉંગ્રેસ પાર્ટીની ત્રણ માગ બિનશરતી છે. પહેલી, જ્ઞાનેશકુમારનું રાજીનામું. બીજી, એસઆઇઆરને રદ કરવું. ત્રીજી, બૅલેટ પેપરથી ચૂંટણી કરાવવી."

વિરોધ પક્ષનાં સાંસદોના હાથમાં જ્ઞાનેશકુમારને આરએસએસની યુનિફૉર્મમાં દર્શાવતાં કટઆઉટ્સ હતાં.

તેમણે "ભાજપ જ મુખ્ય ચૂંટણી કમિશનર છે", "વોટચોર, ગાદી છોડ" અને "લોકશાહી વેચાણ માટે નથી" જેવા નારા પોકાર્યા હતા.

રાહુલ ગાંધીએ ઍક્સ પોસ્ટમાં કહ્યું હતું, "જ્ઞાનેશ, જ્ઞાનેશ ઇટ્સ ડન બ્રો. હવે રાજીનામું આપવાનો સમય છે."

મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી વાડ્રા અને અખિલેશ યાદવ સહિત અનેક સાંસદોને પોલીસે પાર્લિયામેન્ટ સ્ટ્રીટ પર રોકી દીધા હતા. ત્યાર બાદ સાંસદોએ ત્યાં જ ધરણા કર્યા હતા.

રાહુલ ગાંધી
વિરોધ પક્ષનાં સાંસદોના હાથમાં જ્ઞાનેશકુમારને આરએસએસની યુનિફૉર્મમાં દર્શાવતાં કટઆઉટ્સ હતાં
ઇમેજ કૅપ્શન, વિરોધ પક્ષનાં સાંસદોના હાથમાં જ્ઞાનેશકુમારને આરએસએસની યુનિફૉર્મમાં દર્શાવતાં કટઆઉટ્સ હતાં

હરમનપ્રીતકોરે ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી કપ્તાની છોડી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં સ્ટાર ખેલાડી હરમનપ્રીતકોરે ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી કપ્તાની છોડી દીધી છે
ઇમેજ કૅપ્શન, ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં સ્ટાર ખેલાડી હરમનપ્રીતકોરે ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી કપ્તાની છોડી દીધી છે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં સ્ટાર ખેલાડી હરમનપ્રીતકોરે ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી કપ્તાની છોડી દીધી છે.

તેમણે 6 ઑક્ટોબર, 2026ના રોજ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શૅર કરીને આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી.

હરમનપ્રીતકોરે પોતાની પોસ્ટમાં લખ્યું, "આજે હું ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં તમામ ફૉર્મેટની કપ્તાની છોડી રહી છું. આ નિર્ણય સરળ નથી. તેમાં વર્ષોની યાદો, લાગણીઓ, ત્યાગ અને એવા ક્ષણો સામેલ છે, જે જીવનભર મારી સાથે રહેશે."

તેમણે આગળ લખ્યું, "મેં આ ટીમ અને ભારતીય મહિલા ક્રિકેટ માટે મારું સર્વસ્વ આપ્યું છે. મારું લોહી, પરસેવો, સમય અને ઘણી વાર મારી રમત તેમજ મારાં વ્યક્તિગત સપનાંનો એક ભાગ પણ. એવા પ્રસંગો પણ આવ્યા જ્યારે મને મારા વ્યક્તિગત પ્રદર્શન, મારી પ્રગતિ અને મારી ઇચ્છાઓને પાછળ રાખવી પડી, કારણ કે મારું માનવું હતું કે ટીમ હંમેશાં પ્રથમ હોવી જોઈએ."

"કૅપ્ટન તરીકે મને ઘણા મુશ્કેલ નિર્ણયો લેવા પડ્યા. એવા નિર્ણયો, જેને હંમેશાં સમજવામાં આવ્યા નહોતા, જે હંમેશાં સરળ નહોતા અને ઘણી વખત તેની કિંમત મારે જાતે ચૂકવવી પડી, પરંતુ મેં દરેક નિર્ણય માત્ર એક જ હેતુથી લીધો હતો. આ ટીમને વધુ સારી બનાવવી, અન્ય ખેલાડીઓને આગળ વધવાની, પોતાનામાં વિશ્વાસ રાખવાની અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની તક આપવી."

હરમનપ્રીતે લખ્યું, "મેં બધું જ જોયું છે. મેં સૌથી ખરાબ સમય, હાર્ટબ્રેક, ટીકા, સવાલો અને એવા દિવસો જોયા છે જ્યારે લાગતું હતું કે કંઈ પણ અમારા પક્ષમાં નથી જઈ રહ્યું. મેં સૌથી સુંદર ક્ષણો પણ જોઈ છે. જીત, ઉજવણીઓ, પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાનો ગર્વ અને એવા પળો, જેણે દરેક ત્યાગને યોગ્ય સાબિત કર્યો."

હરમનપ્રીતે જણાવ્યું કે ભલે તેઓ કપ્તાની છોડી રહ્યાં છે, પરંતુ તેમને આ વાતનો સંતોષ છે કે ટીમ હાલમાં સારી સ્થિતિમાં છે.

SIRના વિવાદ વચ્ચે આજે ત્રણ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં પેટાચૂંટણી

પેટાચૂંટણી માટેનું મતદાન

દેશભરમાં ચાલી રહેલા SIR અને મુખ્ય ચૂંટણી કમિશનરના વિવાદો વચ્ચે આજે ત્રણ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની બેઠકો પર પેટાચૂંટણી છે.

તામિલાનડુની મદુરાન્તકમ અને ધરમપુરમ વિધાનસભા બેઠકો પર આજે પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.

આ સિવાય પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેઝીનગર વિધાનસભા બેઠકો પર પણ આજે મતદાન છે. નંદીગ્રામની બેઠક પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ ખાલી કરી હતી.

આસામમાં નાગાંવ લોકસભા બેઠક પર પેટાચૂંટણી છે. આ બેઠક પર મુકાબલો ભાજપ, કૉંગ્રેસ અને એઆઇયુડીએફ વચ્ચે છે.

કૉંગ્રેસના સાંસદ પ્રદ્યુત બોરડોલોઈ અહીંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હોવાથી અહીં પેટાચૂંટણી થઈ રહી છે.

કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પણ થટ્ટનચાવડી વિધાનસભા બેઠક પર આજે પેટાચૂંટણી માટેનું મતદાન છે.

સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કહ્યું, "તમારી જગ્યા જેલમાં છે"

રાજપાલ યાદવ

સુપ્રીમ કોર્ટે અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં સમયસર ચુકવણી અંગેના આદેશનું પાલન ન કરવા બદલ ફટકાર લગાવી છે.

5 ઑક્ટોબરે સુનાવણી દરમિયાન જ્યારે કોર્ટ સમક્ષ ફક્ત 50 લાખ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટની ફોટોકૉપી રજૂ કરવામાં આવી, ત્યારે કોર્ટે તેના પર નારાજગી વ્યક્ત કરી.

બાર ઍન્ડ બેન્ચના અહેવાલ મુજબ, કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ જૉયમાલ્યા બાગચીએ કડક શબ્દોમાં કહ્યું, "તેઓ તમારા કરતાં ધનવાન હોઈ શકે છે, પરંતુ તમે તેમની સાથે જેટલી છેતરપિંડી કરી છે તેના કરતાં તેઓ ગરીબ છે. આ ઘમંડને સાચી જગ્યા દેખાડવી જરૂરી છે. તમને ખબર હોવી જોઈએ કે ક્યારે બોલવાનું છે. તમારું સ્થાન જેલમાં છે."

કોર્ટની આ ટિપ્પણી પરથી મામલાની ગંભીરતા સ્પષ્ટ દેખાઈ આવતી હતી.

કોર્ટે કહ્યું કે તે રાજપાલ યાદવની અરજી ફગાવી દેવા તૈયાર છે, પરંતુ તે એવું કરી રહી નથી, કારણ કે તે ઇચ્છે છે કે ફરિયાદીને તેના પૈસા મળી જાય. આ મામલામાં કુલ રકમ 7.5 કરોડ હતી.

સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને આવતી કાલ સુધીમાં બાકી રકમ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ કેસની આગામી સુનાવણી પરમ દિવસે થશે અને તે દિવસના કાર્યસૂચિમાં તે પ્રથમ સ્થાને રહેશે.

આ કેસમાં ચેક બાઉન્સનો કેસ સામેલ છે, જેમાં કોર્ટે ચુકવણીમાં સતત વિલંબ પર કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટપણે સંકેત આપ્યો હતો કે તેના આદેશોનું તાત્કાલિક પાલન કરવું જોઈએ અને કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

વર્ષ 2010માં રાજપાલ યાદવે તેમની ફિલ્મ 'અતા, પતા, લાપતા' માટે 'મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ' નામની ખાનગી કંપની પાસેથી લગભગ 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી.

જોકે, ફિલ્મ બૉક્સ ઑફિસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગઈ અને રોકાણ પાણીમાં ગયું હોવાના અહેવાલ છે, જેના કારણે તેઓ કંપનીને આપેલી લોન ચૂકવી શક્યા નહીં.

આ કેસમાં દિલ્હી હાઇકોર્ટે તેમને ત્રણ મહિનાની જેલની સજા પણ ફટકારી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન