હિંમતનગરમાં અંબાજી જતા પદયાત્રીઓને કારે ટક્કર મારી, રોષે ભરાયેલા લોકો કારને આગ ચાંપી - ન્યૂઝ અપડેટ

સુરેન્દ્રનગર હિંમતનગર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ankit Chauhan

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના દોલગઢ પાટિયા નજીક અંબાજી જતાં પદયાત્રીઓને કારે ટક્કર મારતા ગરમાગરમી થઈ હતી.

બીબીસી ગુજરાતીના સહયોગી અંકિત ચૌહાણે જણાવ્યું કે એક કારે પાંચથી સાત લોકોને અડફેટે લીધા હતા જેથી પદયાત્રીઓ રોષે ભરાયા હતા.

અંકિત ચૌહાણ જણાવે છે કે સ્થાનિકો સહિત રોષે ભરાયેલા લોકોએ કારને આગ ચાંપી હતી.

ટોળાએ અકસ્માત સર્જનાર કારને આગ ચાંપી દેતા ભડકે બળી ગઈ હતી.

સાબરકાંઠાના એસપી પાર્થરાજ ગોહિલે જણાવ્યું કે અંબાજી પગપાડા ચાલીને જતા લોકોને સ્કૉર્પિયો ગાડીથી ટક્કર મારવામાં આવી હતી. વાહનોને જતાં રોકવા માટે બૅરિકેડિંગ મૂકવામાં આવ્યા હતા, ત્યાં હાજર જીઆરડી કર્મચારીઓએ રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમના પરથી ગાડી કાઢીને લગભગ બેથી અઢી કિલોમીટરના ગાળામાં 12 જેટલા લોકો સાથે ઍક્સિડન્ટ કર્યો છે.

આ 12 લોકોને સિવિલ હૉસ્પિટલમાં ખસેડીને સારવાર શરૂ કરાઈ છે.

તેમણે જણાવ્યું કે કાર ચાલકને અટકાયતમાં લઈને કાર્યવાહી શરૂ કરાઈ છે. તપાસ શરૂ કરાઈ છે.

સાબરકાંઠા જિલ્લાનાં સાંસદ શોભનાબેન બારૈયાએ કહ્યું કે, સૂચના મળતાં જ હું અહીંયા આવી છું. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ગોધરા અને દેવગઢ બારૈયાના લોકો ઈજાગ્રસ્ત થયા છે.

તેમણે કહ્યું કે બૅરિકેડ્સ લગાવેલાં હતાં અને વાહનો માટે રસ્તો બંધ કર્યો હતો પરંતુ કારચાલકે જબરદસ્તી એ રસ્તે જવાનો પ્રયત્ન કર્યો એટલે આ ઘટના સર્જાઈ છે. પોલીસ આ મામલે કાર્યવાહી કરશે.

અમેરિકાનો દાવો: 23 સપ્ટેમ્બરથી વિશ્વભરમાં ઈરાની ઍરલાઇન્સની ઉડાનો બંધ થઈ જશે

અમેરિકાના નાણાં પ્રધાન સ્કૉટ બેસન્ટે વિશ્વભરમાં ઈરાની ઍરલાઇન્સ પર પ્રતિબંધની જાહેરાત કરી

ઇમેજ સ્રોત, Eduardo Munoz Alvarez/Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના નાણાં પ્રધાન સ્કૉટ બેસન્ટે વિશ્વભરમાં ઈરાની ઍરલાઇન્સ પર પ્રતિબંધની જાહેરાત કરી
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાના નાણાં પ્રધાન સ્કૉટ બેસન્ટે સોમવારે ચેતવણી આપી હતી કે અમેરિકી પ્રતિબંધોના દબાણને કારણે બે દિવસ પછી ઈરાનની ઍરલાઇન્સ માટે દુનિયાભરમાં કાર્ય કરવું મુશ્કેલ બની જશે.

સી.એન.બી.સી.ને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં બેસન્ટે કહ્યું કે 23 સપ્ટેમ્બરના રોજ, "વિશ્વભરની તમામ ઈરાની ઍરલાઇન્સ બંધ થઈ જશે."

તેમણે કહ્યું, "જો તેઓ ક્યાંય ઊતરશે તો તમે તેમને ઈંધણ આપી શકશો નહીં, લૅન્ડિંગ સંબંધિત સેવાઓ આપી શકશો નહીં અને તેમના માટે ટિકિટ પણ વેચી શકશો નહીં."

"આવું કરશો તો તમને ડૉલર આધારિત નાણાકીય પ્રણાલીમાંથી બહાર કરી દેવામાં આવશે."

આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યા હતા.

તેના જવાબમાં ઈરાને તેલ અને ગેસ પુરવઠાના મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હોર્મુઝ જળમાર્ગને બંધ કરી દીધો હતો. ત્યારબાદ આ સંઘર્ષ મધ્ય પૂર્વના અન્ય વિસ્તારોમાં પણ ફેલાયો અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો.

આ મહિનાની શરૂઆતમાં અમેરિકાએ એવી તમામ ઈરાની ઍરલાઇન્સ પર પ્રતિબંધ મૂકી દીધા હતા, જેઓ પર અગાઉ આવા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા ન હતા.

અમેરિકાના નાણાં મંત્રાલયે ઈરાનના ઉડ્ડયન ક્ષેત્રને સમર્થન આપતી કંપનીઓને પણ નિશાન બનાવી હતી, જેમાં ઈરાનની બહાર સ્થિત કંપનીઓ પણ સામેલ છે.

બેસન્ટની આ ટિપ્પણી ચીનના ઉપ વડા પ્રધાન હે લીફેંગ સાથે થયેલી આર્થિક ચર્ચાના એક દિવસ બાદ આવી છે.

આ ચર્ચાઓનો હેતુ આ ગુરુવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે યોજાનારી શિખર બેઠક માટે પાયો તૈયાર કરવાનો છે.

રિવૉલ્યુશનરી ગાર્ડની અમેરિકાને ચેતવણી: જો ફરી હુમલો થશે તો દુનિયા સામે આવશે નવાં હથિયારો

ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ

ઇમેજ સ્રોત, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (IRGC) એ ચેતવણી આપી છે કે જો અમેરિકા ફરીથી ઈરાન પર હુમલો કરશે, તો એવાં નવાં હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે જે દુનિયાને આશ્ચર્યચકિત કરી દેશે.

રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સના પ્રવક્તા હુસૈન મોહેબીએ કહ્યું, "જો અમેરિકા હુમલો કરશે, તો ઈરાન એવાં નવાં હથિયારોનો ઉપયોગ કરશે જે દુનિયાને ચોંકાવી દેશે. ઈરાને એવાં હથિયારો વિકસાવ્યાં છે અને તેમની ક્ષમતા વધારી છે, જેનો હાલના યુદ્ધના તબક્કામાં હજુ સુધી ઉપયોગ કરવામાં આવ્યો નથી."

તેમણે આ હથિયારોને ઈરાનના 'વ્યૂહાત્મક હથિયારો' ગણાવ્યા અને કહ્યું કે જરૂર પડ્યે તેનો ઉપયોગ કરવામાં આવશે.

IRGCના પ્રવક્તાની આ ચેતવણી ખાતમ અલ-અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના એક નિવેદન બાદ આવી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા કેટલાક દેશોની મંજૂરી મળ્યા બાદ ફરી કાર્યવાહી શરૂ કરવા માંગે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ફૉક્સ ન્યૂઝ સાથે અમેરિકા-ઈરાન સંઘર્ષ અંગે વાતચીત કરી હતી.

તેમણે કહ્યું હતું કે અમેરિકા-ઈરાન સંઘર્ષને લઈને નજીકના ભવિષ્યમાં "ખૂબ મોટી બાબતો" થવાની છે અને તેઓ આ અંગે "નિર્ણય લેવા જઈ રહ્યા છે."

પાકિસ્તાને અફઘાનિસ્તાન પર બૉમ્બમારો કર્યાનો તાલિબાનનો દાવો

તાલિબાન શાસનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદ (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Wakil KOHSAR / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, તાલિબાન શાસનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદ (ફાઇલ ફોટો)

અફઘાનિસ્તાનના તાલિબાન શાસને દાવો કર્યો છે કે રવિવારે રાતે પાકિસ્તાની સેનાએ કૂનાર અને પક્તિકા પ્રાંતોમાં રહેણાક વિસ્તારો પર બૉમ્બમારો કર્યો છે.

તાલિબાન શાસનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આ હુમલાની માહિતી આપતાં જણાવ્યું હતું કે તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે.

ઝબીહુલ્લાહ મુજાહિદે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ગઈ રાત્રે પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના કૂનાર અને પક્તિકા પ્રાંતોમાં રહેણાક વિસ્તારો પર બૉમ્બમારો કર્યો હતો."

"કૂનારમાં એક મહિલા અને બે પુરુષોનાં મોત થયાં છે, જ્યારે બે મહિલાઓ અને બે પુરુષો ઘાયલ થયાં છે. આ તમામ સ્થાનિક નાગરિકો છે. પક્તિકામાં એક ઘર અને એક સ્થાનિક દુકાન પર બૉમ્બમારો કરાયો હતો, પરંતુ ત્યાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. અમે આ હુમલા અને અત્યાચારની નિંદા કરીએ છીએ અને તેને ગુનાઓની પુનરાવર્તિત ઘટના માનીએ છીએ."

તેમણે વધુમાં લખ્યું, "પાકિસ્તાનના સૈન્ય નેતૃત્વે પોતાના દેશની આંતરિક સુરક્ષા સંબંધિત નિષ્ફળતાઓ પરથી ધ્યાન હઠાવવા માટે ફરી એક વાર આવો અપરાધ કર્યો છે. ઇન્શાઅલ્લાહ! અફઘાનિસ્તાનના લોકો આ હુમલાનો યોગ્ય જવાબ આપશે."

તાલિબાનના આ દાવા અંગે પાકિસ્તાન તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.

ઉલ્લેખનીય છે કે આ જ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ અને અથડામણની ઘટનાઓ સામે આવી હતી.

પત્રકાર રવિ નાયર મામલે ગુજરાત સરકાર અને અદાણી ઍન્ટરપ્રાઇઝિસને હાઇકોર્ટની નોટિસ

બીબીસી ગુજરાતી પત્રકાર રવિ નાયર અદાણી જૂથ

ઇમેજ સ્રોત, Getty/@t_d_h_nair

ઇમેજ કૅપ્શન, અદાણી જૂથ અંગે ટ્વિટ્સ અને લેખોના કારણે રવિ નાયર સામે બદનક્ષીનો કેસ થયો હતો, જેમાં કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે

ગુજરાત હાઇકોર્ટે પત્રકાર રવિ નાયરની ધરપકડના મામલે ગુજરાત સરકાર અને અદાણી ઍન્ટરપ્રાઇઝિસને નોટિસ મોકલી છે.

પીટીઆઈના અહેવાલ પ્રમાણે ગાંધીનગરની સેશન્સ કોર્ટે સ્વતંત્ર પત્રકાર રવિ નાયર સામે બિનજામીનપાત્ર વૉરંટ કાઢ્યા પછી નાયરે પોતાની ધરપકડને પડકારતી અરજી કરી છે જે મામલે હાઇકોર્ટે સરકાર અને કંપનીને નોટિસ મોકલી છે. બદનક્ષીના કેસમાં રવિ નાયર સેશન્સ કોર્ટ સામે રૂબરૂ ન થવાથી તેમની સામે બિનજામીનપાત્ર વૉરંટ કાઢવામાં આવ્યું હતું.

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એમ.કે. ઠક્કરની સિંગલ બેન્ચે શનિવારે પ્રતિવાદીને નોટિસ આપી હતી. આ મામલે સોમવારે વધુ સુનાવણી થશે. રવિ નાયરને 17 સપ્ટેમ્બરે કસ્ટડીમાં લઈને જેલમાં મોકલી દેવાયા હતા.

આ વર્ષે ફેબ્રુઆરીમાં ગાંધીનગરમાં માણસાની કોર્ટે અદાણી ઍન્ટરપ્રાઇઝિસ લિમિટેડની ફરિયાદના આધારે નાયરને ક્રિમિનલ બદનક્ષીના કેસમાં દોષિત જાહેર કર્યા હતા.

કોર્ટે તેમને એક વર્ષની સાદી જેલ અને 5000 રૂપિયાનો દંડ કર્યો છે. રવિ નાયરે ઑક્ટોબર 2021 અને જુલાઈ 2021 વચ્ચે એક વેબસાઇટ પર લખેલા લેખો અને તેમની ટ્વિટના કારણે આ સજા અને દંડ કરવામાં આવ્યાં છે.

આઇઆઇટી બૉમ્બેના વિદ્યાર્થીનું મોત, 'જાતિસૂચક ગાળો' આપ્યાનો માતાપિતાનો આરોપ

બીબીસી ગુજરાતી આઈઆઈટી બોમ્બે વિરોધ પ્રદર્શન પ્રોફેસર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, આઇઆઇટી બૉમ્બેમાં વિદ્યાર્થીની આત્મહત્યા પછી વિરોધપ્રદર્શન કરવામાં આવ્યાં છે (ફાઇલ ફોટો)

આઇઆઇટી બૉમ્બેના ઍનર્જી સાયન્સ ઍન્ડ એન્જિનિયરિંગ વિભાગમાં ભણતા એક વિદ્યાર્થીનો મૃતદેહ 18 સપ્ટેમ્બરની સાંજે તેમના રૂમમાંથી મળી આવ્યો હતો.

આ ઘટના પછી વિદ્યાર્થીઓએ શિક્ષણમાં પારદર્શિતા અને સુરક્ષાનો મુદ્દો ઉઠાવીને કૅમ્પસમાં પ્રદર્શનો કર્યાં હતાં.

મૃત વિદ્યાર્થીનાં માતાપિતાએ ફેકલ્ટી ટીચર સહિત સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ પવઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે એસસી, એસટી અત્યાચાર નિવારણ કાયદા હેઠળ કેસ દાખલ કર્યો છે. સાથે સાથે આ મામલે તપાસ શરૂ કરવાની વાત કરી છે.

પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે "સંસ્થાના ડાયરેક્ટર અને ફેકલ્ટી ટીચરે જાતિવિષયક અપશબ્દો કહ્યા અને માનસિક ત્રાસ આપ્યો હતો. અમારા દીકરાને આત્મહત્યા કરવા મજબૂર કરાયો હતો."

બીજી તરફ આઇઆઇટી બૉમ્બેએ મીડિયાને આપેલા જવાબમાં આ આરોપો નકારી કાઢ્યા છે. સંસ્થાએ કહ્યું કે તેમને આવી કોઈ ફરિયાદ નથી મળી.

આ દરમિયાન આઇઆઇટી બૉમ્બે દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરીને આ ઘટનાની માહિતી આપવામાં આવી હતી.

સંસ્થાએ એ પણ જણાવ્યું હતું કે મૃત્યુ પાછળની પરિસ્થિતિઓની સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા તપાસ કરાઈ રહી છે.

સંસ્થાના નિવેદન અનુસાર, આ વિદ્યાર્થીએ પરીક્ષા સમયે ચેટજીપીટીનો ઉપયોગ કરીને જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સંસ્થાનું કહેવું છે કે પકડાઈ ગયા બાદ તેમણે આ પગલું ભર્યું હતું.

ફરિયાદમાં એ પણ કહેવાયું કે તેમનો પુત્ર દલિત છે, આથી તેમને પરેશાન કરીને કોઈ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.

(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવનો સામનો કરી રહ્યા હો, તો તમે ભારત સરકારની જીવન સાથી હેલ્પલાઇન 18002333330 દ્વારા મદદ મેળવી શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ આ વિશે વાત કરવી જોઈએ.)

ચીનની 13 વર્ષીય છોકરીએ એશિયન ગૅમ્સમાં નવો રેકૉર્ડ બનાવ્યો

બીબીસી ગુજરાતી એશિયન ગેમ્સ ચીન ખેલાડી સ્વિમિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનના 13 વર્ષીય ખેલાડીએ સ્વિમિંગમાં નવો વિક્રમ બનાવ્યો છે

એશિયન ગૅમ્સમાં પહેલા જ દિવસે ચીનનાં 13 વર્ષીય સ્વિમર યુ જિદીએ મહિલાઓની 200 મીટરની બટરફ્લાય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

યુ જિદીએ બે મિનિટ અને 05.08 સેકન્ડનો સમય લઈને રેસ પૂરી કરી અને આ દરમિયાન એશિયન ગેમ્સમાં નવો રેકૉર્ડ બનાવ્યો હતો.

યુ જિદીએ ચીનના જ તરણવીર ઝાંગ યુફેઈના ત્રણ વર્ષ અગાઉના રેકૉર્ડ કરતાં લગભગ અડધો સેકન્ડ ઓછો સમય લીધો હતો. તેમણે પોતાની ટીમનાં સાથી ચાંગ મોહાનને ત્રણ સેકન્ડ કરતાં વધુ સમયના અંતરથી પાછળ રાખીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

ગોલ્ડ મેડલ જીત્યા પછી પણ યુ જિદે પોતાના પ્રદર્શનને "ઠીકઠાક" ગણાવ્યું અને કહ્યું કે તેમની "બટરફ્લાય તકનીકમાં હજુ સુધારાને અવકાશ છે."

તેમને 2028ના લૉસ એન્જલર ઑલિમ્પિક્સ માટે ચીનના ઉભરતાં સ્વિમર ગણવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન