વેનેઝુએલામાં ભીષણ ભૂકંપ, હજારો લોકો માર્યા ગયા હોવાની આશંકા, રાષ્ટ્રપતિએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Diko Betancourt/Anadolu via Getty Images
વેનેઝુએલાની રાજધાની કરાકાસમાં કેટલીક સેકન્ડોના અંતરાલમાં બે મોટા ભૂકંપ આવ્યા હતા. પહેલો ભૂકંપ 7.2ની તીવ્રતાનો હતો, જ્યારે કે બીજો ભૂકંપ 7.5ની તીવ્રતાનો હતો.આ ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 164 થયો છે.
ન્યૂઝ એજન્સીઓ રૉઇટર્સ અને એએફપી અનુસાર, વેનેઝુએલાનાં કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રૉડ્રિગ્ઝે કહ્યું કે બુધવારે રાત્રે દેશમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 164 થઈ ગયો છે.
આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં લગભગ એક હજાર લોકો ઘાયલ થયાની સૂચના છે. જોકે, આ ભૂકંપને કારણે વધુ જાનહાનિ અને મોટી તબાહીની આશંકા દેખાઈ રહી છે.
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલૉજિકલ સર્વે અનુસાર, મૃત્યુઆંક 10,000થી વધુ થવાની 44 ટકા શક્યતા છે. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ, ડેલ્સી રૉડ્રિગ્ઝે, તેમના રાષ્ટ્રને સંબોધન કરીને કટોકટીની જાહેરાત કરી હતી.
વેનેઝુએલામાં વીજળી પર કાપની સમસ્યા સામાન્ય છે અને ભૂકંપને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર પણ અસર પડી છે, જેના કારણે ભૂકંપથી પ્રભાવિત લોકો અને તેની અસર વિશે માહિતી મેળવવાનું મુશ્કેલ બની રહ્યું છે.

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ હોનારત પર દુઃખ વ્યક્ત કરીને શક્ય તમામ મદદ કરવાની વાત કરી છે.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે અમેરિકા વેનેઝુએલામાં "તાત્કાલિક શોધ અને બચાવ ટીમો, તબીબી સંસાધનો અને માનવતાવાદી સહાય" મોકલશે.
ઍક્સ પરની તેમની પોસ્ટમાં રુબિયોએ કહ્યું, "અમારી સંવેદનાઓ તે બધા લોકો સાથે છે જેમણે પ્રિયજનો ગુમાવ્યા, જેઓ ઘાયલ છે અને તે સાહસી બચાવકર્મીઓ પ્રત્યે છે જેઓ આ દુર્ઘટના પછી સતત રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાના વિદેશ મંત્રી દ્વારા આ નિવેદન અમેરિકાના નાયબ વિદેશ મંત્રી ક્રિસ્ટોફર લેન્ડાઉમાં વક્તવ્ય બાદ આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, અમેરિકા વેનેઝુએલાના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને સહાયતા માટેની પ્રક્રિયામાં જોડાયેલા છે.

ઇમેજ સ્રોત, @azuaje_wilmer/Instagram / AFP via Getty Images

ઇમેજ સ્રોત, Getty Images
વેનેઝુએલાનાં કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રૉડ્રિગ્ઝના રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન ગૃહમંત્રી અને નૅશનલ ઍસેમ્બલીના વડા અને તેમના ભાઈ જૉર્જ રૉડ્રિગ્ઝ સાથે હતા. કાર્યકારી રાષ્ટ્રપતિએ રાહત અને બચાવ કામગીરીની દેખરેખ માટે એક જનરલને જવાબદારી સોંપી છે.
રૉડ્રિગ્ઝ આ વર્ષના જાન્યુઆરીથી કાર્યકારી ધોરણે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે સૌપ્રથમ વેનેઝુએલાના લોકોને એકજૂટ રહેવાની અપીલ કરી.
તેમણે ભૂકંપમાં પોતાનાં પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી, જોકે તેમણે મૃત્યુઆંક જાહેર કર્યો નથી.

ઇમેજ સ્રોત, Getty Images
રૉડ્રિગ્ઝના જણાવ્યા મુજબ, ભૂકંપથી થયેલા ગંભીર નુકસાનને કારણે વેનેઝુએલાનું મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. ઍરપૉર્ટના શરૂઆતના વીડિયોમાં લોકો કૉરિડોરમાંથી દોડતા દેખાતા હતા, જ્યારે ભૂકંપ દરમિયાન છત પરથી ધૂળનાં મોટાં વાદળો પડતાં જોવા મળ્યાં હતાં.
ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે અને લોકો પોતાનાં ઘર છોડીને રસ્તાઓ પર આવી ગયા છે. ગૃહમંત્રી ડિયોસદાદો કાબેલોએ લોકોને પોતાના ઘર ખાલી કરવા અપીલ કરી છે.
ભૂકંપ આવ્યો ત્યારે વેનેઝુએલામાં રાષ્ટ્રીય રજા ઉજવી રહ્યું હતું, તેથી ઘણા લોકો પોતાના ઘરે જ રહ્યા હશે. ભૂકંપ સ્થાનિક સમય મુજબ સાંજે 6:04 વાગ્યે આવ્યો.
વેનેઝુએલામાં આવેલા ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભૂકંપનું કેન્દ્ર કરાકાસના પશ્ચિમમાં મોન્ટાલબાન વિસ્તારમાં હતું.
રાષ્ટ્રપતિ કાર્યાલયને ટાંકીને એએફપી ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, વેનેઝુએલામાં બુધવારના ભૂકંપ પછી અત્યાર સુધી 20થી વધુ આંચકા નોંધાયા છે.
સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો દેશના ઉત્તરીય દરિયાકાંઠાના વિસ્તારોમાં છે, જેમાં લા ગુરિયા, અરાગુઆ, કરાબોબો અને ફાલ્કનનો સમાવેશ થાય છે.
ભૂકંપના કલાકો પછી બહાર આવેલી તસવીરોમાં રાજધાની કારાકાસના રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા જોવા મળ્યા હતા, કારણ કે તેમના ઘરોમાં આંચકા અનુભવાયા હતા અને વીજળી પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.
કેટલાક લોકો તેમનાં ભાઈ-બહેનો અને પાલતુ પ્રાણીઓને ભેટી પડ્યા તેવાં દૃશ્યો પણ દેખાયાં, જ્યારે બચાવકર્મીઓ કાટમાળમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરતાં જોવા મળ્યા હતા.
વેનેઝુએલાનાં અન્ય ઘણાં રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
વેનેઝુએલાના ગૃહમંત્રીએ સરકારી ટેલિવિઝન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દેશનાં અનેક રાજ્યો ભૂકંપથી પ્રભાવિત થયાં છે.
તેમણે ફોન પર વીટીવીને જણાવ્યું "બધા સંકેતો સૂચવે છે કે ભૂકંપ સાતની તીવ્રતા કરતા ઘણો વધારે હતો."
તેમણે કહ્યું, "કંપનનો આંચકો ત્રુજિલો, યારાકુઈ, કારાબોબો, અરાગુઆ, મિરાન્ડા, કરાકાસ અને લા ગુઆઈરામાં જોરદાર રીતે અનુભવાયો હતો."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજધાની કારાકાસમાં પાલોસ ગ્રાંદેસ અને અલ્તામિરા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે.
ટ્રમ્પ અને પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને માહિતી આપી કે તેમણે અમેરિકન એજન્સીઓને વેનેઝુએલાના લોકોને મદદ કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું , "વેનેઝુએલામાં ત્રાટકેલા બે મોટા ભૂકંપ વિનાશક હતા અને તેમાં મોટી જાનહાનિ થઈ, અમેરિકા તેમને મદદ કરવા તૈયાર અને ઇચ્છુક છે."
તેમણે આગળ લખ્યું, "મેં મારી સરકારની બધી એજન્સીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો છે. અમે અમારા નવા અને સારા મિત્રોને મદદ કરવા માટે ત્યાં હાજર રહીશું."
ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
વડા પ્રધાન મોદીએ ઍક્સ પર લખ્યું, "વેનેઝુએલામાં આવેલા પ્રચંડ ભૂકંપથી થયેલા વિનાશથી હું ખૂબ જ દુઃખી છું."
"ભારતના લોકો વતી હું વેનેઝુએલાની સરકાર અને લોકો પ્રત્યે તેમજ ખાસ કરીને પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું."
વડા પ્રધાને આગળ લખ્યું "અમે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ અને આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત તમામ લોકો સાથે ઊભા છીએ. ભારત તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે તૈયાર છે."
વેનેઝુએલાના રાષ્ટ્રપતિએ ટ્રમ્પ અને પીએમ મોદીનો આભાર માન્યો

ઇમેજ સ્રોત, Getty Images
વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રૉડ્રિગ્ઝે મદદ આપવાની વાત કરવા બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું , "અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણીનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ જેમાં તેમણે અમારા દેશમાં આવેલા વિનાશક ભૂકંપની ગંભીર અસર પર શોક વ્યક્ત કર્યો હતો અને રાહત પ્રયાસોમાં મદદ કરવા માટે ભારતની તૈયારી વ્યક્ત કરી હતી."
તેમણે લખ્યું, "આ મુશ્કેલ સમયમાં ભારત દ્વારા દર્શાવવામાં આવેલી એકજૂટતા અમારા લોકો વચ્ચે સહયોગની ભાવનાને અનુરૂપ છે. અમે આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી મળેલા આ સમર્થનને સ્વીકારીએ છીએ અને અમારા પ્રત્યે દર્શાવવામાં આવેલી એકજૂટતા માટે આભારી છીએ."
વેનેઝુએલામાં ભૂકંપ કેમ આવ્યો?

ઇમેજ સ્રોત, Federico PARRA / AFP via Getty Images
વેનેઝુએલા એવા વિસ્તારમાં આવેલું છે જ્યાં ભૂકંપનું જોખમ સૌથી વધુ છે. બે ટેક્ટોનિક પ્લેટો - કેરેબિયન પ્લેટ અને દક્ષિણ અમેરિકન પ્લેટ અહીં ભેગી થાય છે.
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલૉજિકલ સર્વે અનુસાર, બુધવારે આવેલા બે ભૂકંપમાંથી બીજો અને વધુ શક્તિશાળી ભૂકંપ આ પ્લેટોની સીમા નજીક હલનચલનને કારણે આવ્યો હતો.
આનો અર્થ એ થાય કે પ્લેટો વચ્ચે આવેલી ફૉલ્ટ લાઇનો એટલે તિરાડો, હૉરિઝોન્ટલી સરકે છે જ્યારે આ હિલચાલ અચાનક અને ઝડપથી થાય છે, ત્યારે ભૂકંપ આવે છે.
યુએસજીએસે જણાવ્યું હતું "જોકે નકશા પર ધરતીકંપોને ઘણીવાર એક બિંદુ તરીકે દર્શાવવામાં આવે છે, પરંતુ આ તીવ્રતાના ભૂકંપને વાસ્તવમાં મોટા ફૉલ્ટ એરિયામાં થયેલી સ્લીપ તરીકે સમજવું વધુ યોગ્ય છે"
એજન્સીના જણાવ્યા અનુસાર, આજના બે ભૂકંપ સંભવતઃ "એક જટિલ રેપ્ચર ઇન્ટરેક્શન પ્રોસેસની તરફ સંકેત કરે છે.
યુએસજીએસે તે પણ ચેતવણી આપી છે કે વધુ ભૂકંપ આવવાની શક્યતા છે, જેમાંથી કેટલાક ખૂબ જ મજબૂત હોઈ શકે છે.
કોલંબિયા સુધી અનુભવાયા ભૂકંપના આંચકા

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીના નૉર્થ અમેરિકા સંવાદદાતા વિલ ગ્રાન્ટના જણાવ્યા પ્રમાણે સોશિયલ મીડિયા પર શૅર કરાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક ઇમારતોમાં તીરાડો પડી ગઈ છે. ઘણી ઇમારતો ગંભીર પ્રકારે અસરગ્રસ્ત થઈ છે અને કેટલીક પડી ગઈ છે.
આફ્ટરશૉક્સના ડરથી હજારો નાગરિકો પોતાનાં ઘરોમાં પરત ફર્યા નથી. ભૂકંપના આંચકા કોલંબિયાની રાજધાની બોગોટા સુધી અનુભવાયા હતા.
સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોનું આકલન ચાલી રહ્યું છે. તેને કારણે નુકસાનની વાસ્તવિક પરિસ્થિતિ હજુ સ્પષ્ટ નથી થઈ શકી.

ઇમેજ સ્રોત, Juan BARRETO / AFP via Getty Images

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















