'અગ્નિવીર નિયમિત સૈનિકોની જેમ લાભનો દાવો ન કરી શકે', કેન્દ્ર સરકારે હાઇકોર્ટમાં બીજું શું કહ્યું?

મુરલી નાઇક અગ્નિવીર

ઇમેજ સ્રોત, Alpesh Karkare/Family of Murli Naik

ઇમેજ કૅપ્શન, મુરલી નાઇકની સેનામાં અગ્નિવીર તરીકે ભરતી થઈ હતી
    • લેેખક, અલ્પેશ કરકરે
    • પદ, બીબીસી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે અગ્નિવીર નિયમિત સૈનિક નથી. આથી, યુદ્ધ કે સૈન્ય કાર્યવાહીમાં તેમના મૃત્યુ થવા પર તેમના પરિવારો નિયમિત સૈનિકોની જેમ પેન્શન લાભનો દાવો ન કરી શકે.

ઑપરેશન સિંદૂર દરમિયાન અગ્નિવીર મુરલી નાઇકનાં માતાએ કોર્ટમાં એક પિટિશન દાખલ કરી હતી. કેન્દ્ર સરકારે બૉમ્બે હાઇકોર્ટમાં આ સ્પષ્ટીકરણ તેના જવાબમાં આપ્યું છે.

બૉમ્બે હાઇકોર્ટે 22 એપ્રિલ, 2026ના રોજ થયેલી સુનાવણી દરમિયાન મુરલી નાઇકની અરજી પર જવાબ આપવામાં મોડું કરવા બદલ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. હાઇકોર્ટે મોડું કરવા બદલ મોટો દંડ ફટકારવાની પણ ચેતવણી આપી હતી.

કેન્દ્ર સરકારે ત્યાર બાદ જ્યોતિબાઈ નાઇક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં ગત 6 મે, 2026ના રોજ એક સોગંદનામું દાખલ કર્યું હતું.

સોગંદનામામાં શું લખ્યું છે?

અગ્નિવીર મુરલી નાઇકનાં માતાએ કરેલી અરજી અંગે કેન્દ્ર સરકારે જવાબ આપવામાં મોડું કર્યું હોવાથી ઝાટકણી પણ કાઢી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અગ્નિવીર મુરલી નાઇકનાં માતાએ કરેલી અરજી અંગે કેન્દ્ર સરકારે જવાબ આપવામાં મોડું કર્યું હોવાથી ઝાટકણી પણ કાઢી હતી

સોગંદનામામાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે નિયમિત સૈનિકો અને અગ્નિવીરોનું વર્ગીકરણ બંધારણીય રીતે વૈધ છે. 'અગ્નિવીર યોજના' એક ટૂંકા ગાળાની ભરતી યોજના છે, જેને વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

સોગંદનામામાં સ્પષ્ટતા કરાઈ છે કે અગ્નિવીરોની સેવાનો સમયગાળો ચાર વર્ષ છે. અગ્નિવીર અને નિયમિત સૈનિકોનો દરજ્જો સમાન નથી.

"નિયમિત સૈનિકોને મળતું પેન્શન અને અન્ય લાભો તેમની સેવાની લંબાઈ સાથે જોડાયેલાં છે. તેથી, આ બે અલગ-અલગ શ્રેણીની વ્યક્તિ વચ્ચે સમાનતા શક્ય નથી."

આ વર્ગીકરણ અગ્નિવીર યોજનાના ઉદ્દેશ્યો સાથે સુસંગત છે અને બંધારણના અનુચ્છેદ 14 હેઠળ માન્ય છે. તેથી, બંધારણમાં સમાવિષ્ટ સમાનતાના અધિકારનું કોઈ ઉલ્લંઘન થતું નથી, કારણ કે સશસ્ત્ર દળો માટે એક અલગ કાયદાકીય વ્યવસ્થા છે.

સોગંદનામામાં જણાવાયું છે કે નિયમિત સૈનિકોને ઉપલબ્ધ પેન્શન લાભો અથવા અન્ય મહેનતાણું ફક્ત લાંબા સમયથી સેવા આપતા સશસ્ત્ર દળોના કર્મચારીઓ માટે અનામત છે. અગ્નિવીરોને તેમની યોજના હેઠળ ચૂકવવાપાત્ર તમામ નાણાકીય અને સેવા સમાપ્તિ લાભ આપવામાં આવે છે.

અગ્નિપથ યોજના હેઠળ નિમણૂકો માટે નિયમો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ નિયમો પેન્શન કે અન્ય લાભોની જોગવાઈ કરતા નથી. સોગંદનામામાં જણાવાયું છે કે શહીદો માટે એક ચોક્કસ રકમ અલગ રાખવામાં આવી છે અને તેમને યોગ્ય સન્માન આપવામાં આવે છે.

મુરલી નાઇકનો પરિવાર છેલ્લા 40 વર્ષથી મુંબઈના ઘાટકોપરમાં રહે છે

ઇમેજ સ્રોત, Alpesh Karkare/BBC

ઇમેજ કૅપ્શન, મુરલી નાઇકનો પરિવાર છેલ્લા 40 વર્ષથી મુંબઈના ઘાટકોપરમાં રહે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વધુમાં, સોગંદનામામાં જણાવાયું છે કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે મૃતક અગ્નિવીર મુરલી નાઇકને રૂપિયા 2.3 કરોડનું વળતર આપવામાં આવ્યું છે.

સોગંદનામામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમને 'યુદ્ધમાં માર્યા ગયેલા' જાહેર કરવામાં આવ્યા છે અને સશસ્ત્ર દળોમાં 'શહીદ' શબ્દનો ઉપયોગ થતો નથી.

મુરલી નાઇકના અંતિમ સંસ્કાર સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે કરવામાં આવ્યા હતા અને નિયમિત સૈનિકોની જેમ, તેમના પરિવારને રેજિમેન્ટના કમાન્ડિંગ ઑફિસર તરફથી શોકપત્ર આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, નાઇક પરિવારને અગ્નિપથ યોજના હેઠળ તમામ નાણાકીય અને નોકરી પૂર્ણ થયે મળતા લાભ પૂરા પાડવામાં આવ્યા છે. વળતર, વીમા કવચ અને અન્ય વળતર હેઠળ તેમને કુલ 2.3 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

આ સોગંદનામામાં અગ્નિવીરના અન્ય કેસોમાં ઊભા થયેલા વિવાદોનો પણ ઉલ્લેખ છે. અગ્નિવીર કેસ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા ભૂતકાળમાં લેવામાં આવેલા નિર્ણયો અને દલીલોનો પણ સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આથી, હવે મુરલી નાઇકનાં માતા અને તેમના વકીલો હવે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા સોગંદનામા પર કેવી દલીલ કરે છે તે જોવાનું મહત્ત્વપૂર્ણ રહેશે.

નાઇક પરિવારનું પ્રતિનિધિત્વ કરતા વકીલોએ જણાવ્યું છે કે સોગંદનામાનો યોગ્ય રીતે કાયદેસર રીતે અભ્યાસ કરવામાં આવશે અને કોર્ટમાં તેની ચર્ચા કરવામાં આવશે.

આ કેસની આગામી સુનાવણી 18 જૂન, 2026ના રોજ બૉમ્બે હાઇકોર્ટમાં થશે.

હાઇકોર્ટે કેન્દ્ર સરકારને શા માટે ફટકાર લગાવી?

મુરલી નાઇક ડિસેમ્બર,2022માં સેનામાં અગ્નિવીર તરીકે સામેલ થયા હતા

ઇમેજ સ્રોત, Alpesh Karkare/BBC

ઇમેજ કૅપ્શન, મુરલી નાઇક ડિસેમ્બર, 2022માં સેનામાં અગ્નિવીર તરીકે સામેલ થયા હતા

ગત વર્ષે મે મહિનામાં 'ઑપરેશન સિંદૂર' દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ગોળીબારમાં અગ્નિવીર મુરલી નાઇકનું મોત થયું હતું.

તેમનાં માતાએ એક અરજી દાખલ કરીને માગ કરી હતી કે તેમને યુદ્ધમાં 'શહીદ' થયેલા નિયમિત સૈનિકોની જેમ મરણોત્તર લાભ આપવામાં આવે.

ન્યાયાધીશ રવીન્દ્ર ઘુગે અને હિતેન વેણેગાંવકરની બેન્ચે કેન્દ્ર સરકારને અરજીના જવાબમાં સોગંદનામું દાખલ કરવા માટે 6 મે સુધીનો સમય આપ્યો હતો.

કોર્ટે નોંધ્યું હતું કે ગત વર્ષે ડિસેમ્બરમાં અને ફરીથી જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરવામાં આવી હતી, પરંતુ કોઈ જવાબ દાખલ કરવામાં આવ્યો ન હતો.

જસ્ટિસ ઘુગેએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી હતી કે, "આ અરજી ગત વર્ષથી પૅન્ડિંગ છે. અરજદારે ગયા વર્ષે જુલાઈમાં સરકારને લખેલા પત્રમાં અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ટિપ્પણી કરી છે. સોગંદનામામાં જવાબ દાખલ કરવો જરૂરી છે. જો આગામી તારીખ સુધીમાં જવાબ અને સોગંદનામું દાખલ કરવામાં નહીં આવે, તો અમે ભારે દંડ લગાડીશું."

કોર્ટે એમ પણ કહ્યું કે હવે વધુ કોઈ મુદત લંબાવાશે નહીં.

અરજીમાં શું કહેવામાં આવ્યું છે?

મુરલી નાઇકને શ્રદ્ધાંજલિ આપવા માટેનું એક બેનર

ઇમેજ સ્રોત, Alpesh Karkare/BBC

ઇમેજ કૅપ્શન, મુરલી નાઇકને શ્રદ્ધાંજલિ આપવા માટેનું એક બૅનર

મુરલી નાઇકનાં માતાએ વકીલ સંદેશ મોરે, હેમંત ઘડીગાંવકર અને હિતેન્દ્ર ગાંધી દ્વારા દાખલ કરેલી અરજીમાં દલીલ કરી હતી કે, "અગ્નિવીરો નિયમિત સૈનિકોની જેમ ફરજ બજાવે છે અને સમાન જોખમોનો સામનો કરે છે, છતાં આ ટૂંકા ગાળાના ભરતી કાર્યક્રમ હેઠળ ભરતી કરાયેલા લોકોના પરિવારોને લાંબા ગાળાના પેન્શન અને અન્ય કલ્યાણકારી લાભોથી વંચિત રાખવામાં આવે છે."

અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, "સરકાર દ્વારા શરૂ કરાયેલી અગ્નિપથ યોજના સ્પષ્ટપણે અગ્નિવીરોને સેવા પછીનાં પેન્શન અને અન્ય લાંબા ગાળાના કલ્યાણકારી લાભોથી વંચિત રાખે છે, જે સામાન્ય રીતે નિયમિત સૈનિકોને ઉપલબ્ધ હોય છે."

અરજી અનુસાર, એવું કહેવામાં આવ્યું હતું કે નાઇક પરિવારને લગભગ એક કરોડ રૂપિયાનું વળતર મળ્યું હતું, પરંતુ તેમને નિયમિત ફેમિલી પેન્શન કે અન્ય કોઈ લાભ મળ્યાં ન હતાં.

અરજીમાં સરકારને સેવા દરમિયાન 'શહીદ' થયેલા અગ્નિવીરોના પરિવારોને પેન્શન, સંસ્થાકીય માન્યતા અને કલ્યાણકારી પગલાં સહિત સમાન મરણોત્તર લાભો પૂરા પાડવાનો નિર્દેશ આપવાની માગ કરવામાં આવી હતી.

એવી પણ માગ કરવામાં આવી હતી કે સંબંધિત અધિકારીઓને અરજદારની વિનંતી પર વિચાર કરવાનો નિર્દેશ આપવામાં આવે કે આ લાભો તેમના પરિવારના સભ્યોને પણ પૂરા પાડવામાં આવે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે નાઇકને અગ્નિપથ યોજના હેઠળ જૂન 2023માં ભારતીય સેનામાં ભરતી કરવામાં આવ્યા હતા.

તેમના મૃત્યુ પછી તેમનાં માતાએ ઘણા અધિકારીઓને પત્ર લખીને વિનંતી કરી કે તેમના પરિવારને ફરજ દરમિયાન માર્યા ગયેલા સામાન્ય સૈનિકોના પરિવારોને મળતા લાભો મળે.

અરજીમાં જણાવાયું છે કે તેમને હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.

વધુમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર અગ્નિપથ યોજનાની માન્યતાને પડકારવામાં આવી ન હતી, પરંતુ આ પહેલ 'ભેદભાવપૂર્ણ' હતી અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતી હતી.

મુરલી નાઇક કોણ હતા?

અગ્નિવીર યોજના હેઠળ સેનામાં જોડાયેલા મુરલી શ્રીરામ નાઇક (ઉંમર 23 વર્ષ) જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં પોસ્ટેડ હતા.

ઑપરેશન સિંદૂર દરમિયાન, પાકિસ્તાને 8 મેની રાત્રે પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં ભારતીય લશ્કરી મથકો અને નાગરિકોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં જમ્મુ-કાશ્મીરના અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ અને પઠાણકોટનો સમાવેશ થાય છે. આ હુમલામાં મુરલી નાઇકનું મોત થયું હતું."

મુરલી નાઇકના મૃત્યુના સમાચાર મળ્યા પછી બીબીસી મરાઠીએ તેમના મામા લક્ષ્મણ નાઇક સાથે વાત કરી હતી.

ખૂબ જ દુઃખી લક્ષ્મણ નાઇકે કહ્યું હતું કે, "અમારા પરિવારનો ખુશમિજાજ પુત્ર દેશ માટે લડ્યો. અમારા આખા પરિવારને તેના પર ગર્વ છે. જોકે, મુરલીના મૃત્યુ સાથે, પરિવારે પોતાનો આધાર ગુમાવી દીધો છે."

તેમણે ઉમેર્યું, "મુરલી ખૂબ જ શાંત અને બુદ્ધિશાળી હતો અને નાની ઉંમરે દેશસેવાના આ કામમાં જોડાઈ ગયો હતો. પરિવારને આનંદ હતો કે તે લશ્કરી સેવામાં જોડાયો, પરંતુ આ કોઈ તેનો દુનિયા છોડીને જવાનો સમય નહોતો. તેના ઘરે ફક્ત તેનાં માતાપિતા છે. હવે તેમનું કોઈ નથી. એમનું શું થશે?"

મુરલી નાઇકનો પરિવાર આંધ્ર પ્રદેશના સત્યસાઈ જિલ્લાના ગોરંટલા તાલુકાના કલ્કી ટાંડાનો રહેવાસી છે. તેમના પિતા શ્રીરામ નાઇક અને માતા જ્યોતિબાઈ નાઇક કામ માટે મુંબઈ આવ્યાં હતાં.

તેઓ મુંબઈના ઘાટકોપરના કામરાજનગર વિસ્તારમાં રહેતા હતા. શ્રીરામ નાઇક મુંબઈમાં મજૂર તરીકે કામ કરતા હતા, જ્યારે તેમનાં માતા જ્યોતિબાઈ ઘરકામ કરતાં હતાં.

મુરલી નાઇકનો જન્મ 23 ઑક્ટોબર, 2000ના રોજ મુંબઈની રાજાવાડી હૉસ્પિટલમાં થયો હતો. તેઓ આંધ્ર પ્રદેશમાંથી સ્નાતકની ડિગ્રી મળી હતી.

'અમે અનાથ થઈ ગયા'

મુરલીના પિતા શ્રીરામ નાઇકે કહ્યું હતું કે, "સવારે 9 વાગ્યે એક અધિકારીનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર સરહદ પર પાકિસ્તાની ગોળીબારમાં ગોળી વાગવાથી મુરલીનું મૃત્યુ થયું છે."

તેમણે કહ્યું, "અમે મુંબઈમાં રહેતા હતા. મુરલી ત્રણ મહિના પહેલાં ઘરે આવ્યો હતો. 20 દિવસ પછી તે ફરજ પર પાછો ગયો. મારો દીકરો દેશ માટે લડ્યો. તે અમારો એક જ દીકરો હતો, અમે તેના પર નિર્ભર હતા. હવે જ્યારે તે ચાલ્યો ગયો છે, ત્યારે હું અને મારી પત્ની અનાથ થઈ ગયાં છીએ."

"મારી એક જ ઇચ્છા છે. જિલ્લામાં મારા દીકરાની પ્રતિમા સ્થાપિત થવી જોઈએ. મને આનંદ થશે કે હું તેને પ્રણામ કરતો હોઉં અને લોકો એ જુએ."

મુરલીનાં માતા જ્યોતિબાઈએ રડતાં રડતાં કહ્યું હતું, "એ મૃત્યુ પામ્યો તેના આગળના દિવસે જ મારી સાથે વીડિયો કૉલ પર વાત કરી હતી. તેણે પૂછ્યું હતું કે 'તું ઠીક છે ને? તેં ખાધું?' પણ મારો એકમાત્ર દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યો."

ડિસેમ્બર 2022માં મુરલી નાઇકને અગ્નિવીર યોજના હેઠળ સેનામાં ભરતી કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે નાસિકના દેવલાલી ખાતે નવ મહિનાની તાલીમ લીધી. તાલીમ પછી તેમનું પહેલું પોસ્ટિંગ આસામમાં થયું હતું.

થોડા મહિના આસામમાં સેવા આપ્યા પછી તેમને પંજાબમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું. મૃત્યુના થોડા દિવસ પહેલાં જ તેમને કાશ્મીરમાં તહેનાત કરવામાં આવ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન