યુરોપના આ દેશો કઈ બીકથી તેમનો સેંકડો ટન સોનાનો ભંડાર શિફ્ટ કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, માઈકલ રેસ
- પદ, બિઝનેસ રિપોર્ટર
- દ્વારા રિપોર્ટિંગ, ન્યૂ યૉર્કથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
નેધરલૅન્ડ્ઝની સેન્ટ્રલ બૅન્કે આ અઠવાડિયે જણાવ્યું હતું કે તેણે દેશનું ઘણું ટન સોનું ઉત્તર અમેરિકામાંથી બહાર ખસેડ્યું છે.
નેધરલૅન્ડ્ઝનું કહેવું છે કે આ શિફ્ટિંગથી તે ગંભીર સંકટો સામે વધુ સારી રીતે તૈયાર રહી શકશે.
અમેરિકા અને કૅનેડામાં રાખવામાં આવેલા કુલ આશરે 313 ટન સોનામાંથી લગભગ 86 ટન સોનું વધતી જિઓપૉલિટિકલ અશાંતિને ધ્યાનમાં રાખીને લંડન શિફ્ટ કરવામાં આવ્યું છે. બૅન્કે કહ્યું કે આનાથી આ કિંમતી મેટલ કોઈ સંકટની સ્થિતિમાં ઉપયોગ માટે સરળતાથી ઉપલબ્ધ રહેશે.
ત્યાર બાદ સવાલ ઊઠવો સ્વાભાવિક હતો કે ડચ લોકો આવું શા માટે કરી રહ્યા છે? શું તેમને આવનારા સમયમાં કોઈ મોટા આર્થિક આંચકાની આશંકા છે?
આ પગલું સ્પષ્ટપણે વર્તમાન અસ્થિર અને અનિશ્ચિત વિશ્વની પરિસ્થિતિના પ્રતિભાવમાં છે. વેપાર અને સૈન્ય સંઘર્ષો વચ્ચે દેશો સાવચેતીનાં પગલાં ભરી રહ્યાં છે અને પોતાના સોનાને દેશની વધુ નજીક રાખવા માગે છે.
આ વર્ષની શરૂઆતમાં ફ્રાન્સે પણ જાહેરાત કરી હતી કે તેણે અમેરિકામાં રાખેલો પોતાનો સોનાનો ભંડાર પાછો મગાવી લીધો છે. બીજી તરફ, જર્મનીની બુન્ડેસબૅન્કે વિદેશોમાં રાખેલા 216 ટનથી વધુ સોનાને શિફ્ટ કર્યું હતું. તેમાં ન્યૂ યૉર્કમાંથી 111 ટન અને પેરિસમાંથી 105 ટન સોનું સામેલ હતું. આ પ્રક્રિયા 2016માં પૂરી થઈ હતી.
વૈશ્વિક અસ્થિરતાના સમયમાં પહેલાં પણ આવી રણનીતિ અપનાવાઈ ચૂકી છે. ગોલ્ડમૅન સેક્સના રિસર્ચ ઍનાલિસ્ટ્સ લીના થૉમસ અને ડેન સ્ટ્રુવેને કહ્યું, "શીતયુદ્ધ દરમિયાન યુરોપની કેટલીક સેન્ટ્રલ બૅન્કોએ પોતાના સોનાના ભંડારનો એક હિસ્સો ન્યૂ યૉર્ક શિફ્ટ કર્યો હતો."
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સિનિયર માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ જોસેફ કેવાટોનીએ જણાવ્યું કે યુદ્ધ અને વેપારી તણાવ "આમાંથી કેટલાક નિર્ણયોને પ્રભાવિત કરી રહ્યા હતા," પરંતુ આ નિર્ણયો લેવાનાં કારણોના લિસ્ટમાં તે સૌથી ઉપર નહોતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોંઘવારી, વ્યાજદરો અને સોનાને એવી જગ્યાએ રાખવું જ્યાંથી તેનો ઝડપથી વેપાર માટે ઉપયોગ કરી શકાય આ તમામ બાબતોની પણ તેમાં ભૂમિકા હતી.
ફ્રાન્સ અને જર્મનીએ પણ પોતાનું સોનું શિફ્ટ કર્યું

ઇમેજ સ્રોત, Reuters
કેવાટોનીએ કહ્યું, "મને નથી લાગતું કે કોઈ મોટી તબાહી આવવાની છે, પરંતુ મને લાગે છે કે લોકો હવે આ વાતને વધુ સારી રીતે સમજી રહ્યા છે કે પોતાના રિઝર્વ સંપત્તિને કેવી રીતે સાચવવી, તેને કેવી રીતે વધારવી અને આ સંપત્તિઓનો વધુમાં વધુ ફાયદો ઉઠાવવા માટે શું કરી શકાય."
નેધરલૅન્ડ્ઝની સેન્ટ્રલ બૅક ડી નેડરલૅન્ડ્ઝ બૅન્કે જણાવ્યું હતું કે આ વર્ષે માર્ચ અને ઑગસ્ટ દરમિયાન અમેરિકા અને કૅનેડામાંથી કાઢવામાં આવેલું સોનું હવે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની તિજોરીઓમાં રાખવામાં આવ્યું છે.
નેધરલૅન્ડ્ઝની સેન્ટ્રલ બૅન્કના ગવર્નર ઓલાફ સ્લેપેને કહ્યું, "અમને આશા છે કે આનો ક્યારેય ઉપયોગ કરવો નહીં પડે, પરંતુ અમારે સંકટ સામે લડવાની ક્ષમતા અને તૈયારીઓને મજબૂત કરવાની જરૂર છે."
લંડનને શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવ્યું છે, કારણ કે તે વિશ્વના મુખ્ય સોનાનાં વેપાર કેન્દ્રોમાંનું એક છે.
જો કટોકટી દરમિયાન સોનું ઝડપથી ખરીદવાની કે વેચવાની જરૂર હોય તો લંડન તે માટે આદર્શ સ્થળ છે. આ જ કારણ છે કે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની તિજોરીઓ સોનાનો સંગ્રહ કરવા માટે એક લોકપ્રિય સ્થળ બની છે.
બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ સોનાનું સૌથી મોટું સંગ્રહસ્થાન

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'બૅક ઑફ ઇંગ્લૅન્ડ' દુનિયાનું સૌથી મોટું ગોલ્ડ કસ્ટોડિયન છે.
સેન્ટ્રલ લંડનમાં આવેલી આ 300 વર્ષ જૂની સંસ્થામાં લગભગ ચાર લાખ ગોલ્ડ બાર રાખેલા છે, જેની કિંમત 200 અબજ પાઉન્ડથી પણ વધુ છે.
'વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ'ના ઇન્ડસ્ટ્રી સર્વે મુજબ, બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ હાલ પણ સૌથી મહત્ત્વપૂર્ણ વોલ્ટિંગ સ્થાન છે. જોકે, કેન્દ્રીય બૅન્ક સોનાનાં સંગ્રહ સ્થાનોમાં ખૂબ ઝડપટથી વિવિધતા લાવી રહી છે.
ગોલ્ડમૅન સેક્સના થૉમસ અને સ્ટ્રુવેનના મતે, દેશનું સોનું ક્યાં સંગ્રહિત કરવું તે સ્ટોર મૅનેજરો માટે સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો બની રહ્યો છે.
આજના યુગમાં પોતાના ખજાનાને હેરફેર કરવાના ઘણા રસ્તા છે.
નેધરલૅન્ડ્ઝે ન્યૂ યૉર્કમાં લગભગ 59 ટન સોનું વેચ્યું અને પછી લંડનમાં નવો સ્ટોક ખરીદ્યો, જેથી તે જથ્થાને ઍટલાન્ટિક મહાસાગર પાર લઈ જવાની જરૂર ન પડી.
પરંતુ 27 ટનથી વધુ સોનું અમેરિકા અને કૅનેડાથી નેધરલૅન્ડ્ઝના ઝીસ્ટ શહેરમાં "ભૌતિક રીતે મોકલવામાં" આવ્યું. એટલી જ માત્રામાં સોનું ઝીસ્ટથી લંડન પણ મોકલાયું.
આ પ્રકારની સેવા પૂરી પાડતી કંપનીઓ પોતાની કામગીરી અને સંચાલનની પદ્ધતિઓ અંગે મૌન જાળવી રાખે છે, પરંતુ એ કહેવું યોગ્ય રહેશે કે વાસ્તવિક જીવનમાં કોઈ અણધારી આફત કે દુર્ઘટનાથી બચવા માટે વ્યાપક સ્તરે સુરક્ષા ઉપાયો અને ચુસ્ત આયોજન તૈયાર કરવામાં આવે છે.
'વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ'ના કાવેટોનીએ જણાવ્યું કે ગોલ્ડ સ્ટોકને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો સૌથી ઉત્તમ રસ્તો એ છે કે કોઈ સંપત્તિને એક જગ્યાએ વેચીને બીજી જગ્યાએ ખરીદી લેવી.
તેમણે કહ્યું "ધારો કે મારે મારું સોનું ન્યૂ યૉર્કમાં જોઈએ છે અને હાલ મારી પાસે તે લંડનમાં છે. તો હું તેને લંડનમાં વેચી શકું છું અને ન્યૂ યૉર્કમાં ખરીદી શકું છું તે જ દિવસે તે જ સમયે અસરકારક રીતે કોઈ અન્ય લૉજિસ્ટિકલ ફેરબદલ કે ઝંઝટ વગર ટ્રાન્સફર કરી શકું છું."
સરહદો પાર સોનાના શિપમેન્ટનું સંચાલન કરતી પસંદગીની કંપનીઓ થોડીક જ છે.
આમાંથી એક બ્રિંક્સ ગ્લોબલ સર્વિસિસ છે. તેણે બીબીસીને જણાવ્યું હતું કે તાજેતરના દિવસોમાં કેન્દ્રીય બૅન્કો જેવી સંસ્થાઓ તરફથી "સોનાની માગમાં વધારો" જોવા મળ્યો છે.
બ્રિંક્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ નાદેર અંટારે જણાવ્યું હતું કે "વધતી જતી જિયોપૉલિટિકલ અને આર્થિક અનિશ્ચિતતા તેમજ 'સ્ટ્રેટેજિકલ રિઝવર્ડ સંપત્તિ' તરીકે સોનાની વધતી ભૂમિકા આ વલણને આગળ ધપાવી રહી છે."
સોનાના ભંડારોના સંગ્રહ પર આટલી ચર્ચા કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
સેન્ટ્રલ બૅન્કો તરફથી ગોલ્ડ સ્ટોરેજ પર આટલી ચર્ચા કેમ થઈ રહી છે?
આવું એટલા માટે છે કે તે સતત સોનું ખરીદી રહી છે.
પરંતુ ગોલ્ડમેન સેક્સના થૉમસ અને સ્ટ્રુવેનના મતે, તેને પોતાના દેશમાં સંગ્રહ કરવા માટે પૈસા ખર્ચ થાય છે.
તેમણે કહ્યું "દેશમાં સંગ્રહ માટે સુરક્ષા, ઑડિટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વીમામાં રોકાણની જરૂર છે. નાની કેન્દ્રીય બૅન્કો માટે આ ખર્ચ વધુ હોઈ શકે છે."
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, છેલ્લાં ચાર વર્ષમાં કેન્દ્રીય બૅન્કોએ વાર્ષિક સરેરાશ એક હજાર ટન સોનું એકઠું કર્યું છે જે પાછલા દાયકાની સરેરાશ 500 ટનની તુલનામાં નોંધપાત્ર રીતે વધારે છે.
આ વલણ 2008ના વૈશ્વિક નાણાકીય કટોકટીથી ચાલુ છે. અને આગામી વર્ષમાં તેમાં વેગ આવવાની અપેક્ષા છે.
તાજેતરનાં વર્ષોમાં સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જે સતત રેકૉર્ડ ઊંચાઈએ પહોંચ્યો છે અને જાન્યુઆરીમાં તે પ્રતિ ઔંસ 5000 ડૉલરથી પણ ઉપર પહોંચી ગયું હતું.
સોનાના ભાવ વધવાનાં ઘણાં કારણો છે, પરંતુ એક મુખ્ય કારણ જાહેર માન્યતા છે કે તે એક સુરક્ષિત રોકાણ સંપત્તિ ગણવામાં આવે છે. તેનો ઉપયોગ વેપાર અને યુદ્ધોને કારણે થતી નાણાકીય અને ભૌગોલિક-રાજકીય ઊથલપાથલ દરમિયાન તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
મોંઘવારી અને વ્યાજદરો પણ સોનાની લોકપ્રિયતાને અસર કરે છે.
ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક ચાર્લ્સ શ્વાબના મતે, છેલ્લા અડધી સદીમાં સોનાના ભાવ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઈ) કરતાં ઘણા ઝડપથી વધ્યા છે.
જોકે આ વર્ષની શરૂઆતમાં નોંધાયેલા રેકૉર્ડ સ્તરથી સોનાના ભાવ થોડા નીચે આવ્યા છે, છતાં તે ઐતિહાસિક રીતે ઊંચા સ્તરે છે.
ગોલ્ડમેન સેક્સના સંશોધકોના મતે, 2026ના અંત સુધીમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ વધીને 4,900 ડૉલર થવાનું અનુમાન છે.
થૉમસ અને સ્ટ્રુવેનના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ બૅન્કો તરફથી સોનાની ભારે માગ તેના ભાવમાં ઉછાળાનું એક મુખ્ય કારણ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























