હવામાન સમાચાર : ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની કેવી સંભાવના છે?

બીબીસી ગુજરાતી હવામાન સમાચાર : ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની કેવી સંભાવના છે? ખેડૂત ખેતી ખાતર દુષ્કાળ પાણી વરસાદ ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાછલા બે દિવસથી રાજ્યના ઘણા જિલ્લામાં બફારો, ઉકળાટ અને તાપમાનમાં વધારા જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

રાજ્યમાં ગત અઠવાડિયે કેટલીક જગ્યાએ ધોધમાર તો કેટલાંક સ્થળે ધીમી ધારે પડેલા વરસાદે વાતાવરણમાં પ્રમાણસર સારી એવી ઠંડક પ્રસરાવી દીધી હતી. જોકે, પાછલા બે દિવસથી રાજ્યના ઘણા જિલ્લામાં બફારો, ઉકળાટ અને તાપમાનમાં વધારા જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

રાજ્યમાં એક તરફ જ્યાં આ સિઝનમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે ત્યારે થોડા દિવસ પહેલાં પડેલા વરસાદે વરસાદની ઘટ પૂરી કરવાની આશા જન્માવી હતી. જોકે, પાછલા બે દિવસથી વરસાદી માહોલ અને વરસાદી વાદળ બંને જાણે ક્યાંક ગાયબ થઈ ગયાં છે.

તો હવે એ પ્રશ્ન ઊઠે છે કે ગુજરાતમાં આગામી દિવસમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે કે કેમ? અને જો હા, તો કયા જિલ્લામાં કેટલો અને કેવો વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગે આ સંદર્ભે કરેલી આગાહીમાં શું જણાવ્યું છે?

ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો વરસાદ રહેવાની સંભાવના છે?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી હવામાન સમાચાર : ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની કેવી સંભાવના છે? ખેડૂત ખેતી ખાતર દુષ્કાળ પાણી વરસાદ ચોમાસું

ઇમેજ સ્રોત, IMD

ભારતના હવામાન વિભાગે 22 સપ્ટેમ્બરના રોજ સાંજના છ વાગ્યે જાહેર કરેલી રિલીઝ પ્રમાણે બુધવારે રાજ્યના તાપી, નવસારી અને વસલાડ જિલ્લામાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરત છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

તેમજ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરંબદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

ગુરુવાર માટેની આગાહી પ્રમાણે, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા અને કચ્છમાં મોટા ભાગે શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.

શુક્રવાર માટેની આગાહી મુજબ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં તેમજ કચ્છમાં આ દિવસે મોટા ભાગે શુષ્ક હવામાન રહે તેવી સંભાવના છે.

રાજ્યમાં વરસાદની કેટલીક ઘટ?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી હવામાન સમાચાર : ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની કેવી સંભાવના છે? ખેડૂત ખેતી ખાતર દુષ્કાળ પાણી વરસાદ ચોમાસું

ઇમેજ સ્રોત, gsdma.org

22 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતનાં કેટલાંક સ્થળો અને ઉત્તર ગુજરાતનાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડ્યો હતો.

તેમજ ચોમાસાની વિદાય રેખા જેસલમેર, નાગપુર, સિકર, રોહતક, પટિયાલા અને ગુરદાસપુર પરથી પસાર થઈ રહી હતી.

સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારો અને રાજસ્થાનના કેટલાક વધુ ભાગોમાંથી આ વિદાય વધુ આગળ વધવા માટેની અનુકૂળ સ્થિતિ છે.

22 સપ્ટેમ્બરના રોજ અત્યાર સુધીના ચોમાસાની સિઝનમાં આ વર્ષે પડેલા કુલ વરસાદ અને વરસાદની ઘટના આંકડા પ્રમાણે, હજુ સમગ્ર રાજ્યમાં તેની સરેરાશ કરતાં 88.84 ટકા વરસાદ પડ્યો છે.

909 મિલિમિટરના સરેરાશ વરસાદની સામે રાજ્યમાં અત્યાર સુધી પડેલા કુલ વરસાદનું પ્રમાણ 807.43 મિલિમિટર છે.

અત્યાર સુધી રાજ્યમાં સામાન્યપણે પડતા વરસાદની સરેરાશની સરખામણીએ કચ્છ જિલ્લામાં 57.60 ટકા, ઉત્તર ગુજરાતતમાં 71.04 ટકા, સૌરાષ્ટ્રમાં 70.49 ટકા, પૂર્વ ગુજરાતમાં 89.66 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 113.87 ટકા વરસાદ પડ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન