માછલીના વીર્યથી લઈને પક્ષીની ચરક સુધી, ત્વચાની સંભાળ માટે મહિલાઓ કેવાકેવા નુસખા અપનાવે છે?

    • લેેખક, ડેવિડ કોક્સ
  • વાંચવાનો સમય: 7 મિનિટ

અનેક વિચિત્ર સૌંદર્ય ઉપચાર આજકાલ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ રહ્યા છે, પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસો તેને સમર્થન આપે છે? દક્ષિણ કોરિયાના સિઓલસ્થિત યુ ઍન્ડ આઈ ક્લિનિકમાં ત્વચાની રચના સુધારવા માટે સૌથી ડિમાન્ડિંગ સારવારમાં સાલમન માછલીના શુક્રાણુમાંથી લેવામાં આવેલા ડીએનએના નાના ટુકડાઓને ડર્મિસમાં ઇન્જેક્ટ કરવાનો સમાવેશ થાય છે.

ડર્મિસ એ ત્વચાનું જાડું મધ્યમ સ્તર છે. તેમાં રક્તવાહિનીઓ, ચેતાઓ અને ગ્રંથીઓ હોય છે. ક્લિનિકના સૌંદર્ય ચિકિત્સક અને યોન્સેઈ યુનિવર્સિટીના ઍસોસિએટ પ્રોફેસર ક્યુ-હો ચી કહે છે, "અમારું લક્ષ્ય ફિલરની માફક ત્વચાનું પ્રમાણ વધારવાનું નથી, પરંતુ ત્વચા સુધારવાનો અથવા તેનો કાયાકલ્પ કરવાનો છે. તેમાં ત્વચાના સ્વસ્થ વાતાવરણ અને તેની રિકવરીમાં સહાય કરવાનો સમાવેશ થાય છે."

આ વિચાર વિચિત્ર લાગી શકે છે, પરંતુ ચીનું કહેવું છે કે આ ખ્યાલ વાસ્તવમાં પુનર્જીવિત ચિકિત્સા અને ઘા રૂઝાવામાંથી ઉત્પન્ન થયો છે. માછલીના ડીએનએના ટુકડાઓમાં યુદ્ધના ઘાથી ચહેરા પર બનેલા નિશાન ધરાવતા લોકોની પેશીઓને સુધારવાની ક્ષમતા હોવાનું જાણવા મળ્યું એ પછી આ બાબતે લોકોનું ધ્યાન ખેંચાયું હતું.

વૈજ્ઞાનિક માહિતી પ્રમાણમાં મર્યાદિત છે, પરંતુ કેટલાક અભ્યાસ સૂચવે છે કે સાલમનના શુક્રાણુમાંથી શુદ્ધ કરાયેલા પોલિન્યુક્લિયોટાઈડ્સનો ઉપયોગ આ સારવારમાં થાય છે અને તે ત્વચા પરની સૂક્ષ્મ રેખાઓને ઘટાડવામાં મદદ કરી શકે છે.

અમેરિકાની માઉન્ટ સિનાઈ હૉસ્પિટલમાં ત્વચાવિજ્ઞાનના ઍસોસિએટ પ્રોફેસર જોશુઆ સેચનર કહે છે, "એ ત્વચામાં ભેજ, ચમક, પોત અને કરચલી સુધારવામાં મદદગાર સાબિત થયું છે." જોશુઆ સેચનરે સ્કીનકેર કંપનીઓ માટે સલાહકાર તરીકે પણ કામ કર્યું છે. તેઓ કહે છે, "ત્વચાના ઉપચાર માટે તેના ઉપયોગનો નિર્ણય સૌપ્રથમ કોણે કર્યો હતો તે સ્પષ્ટ નથી, પરંતુ તેનો ઉપયોગ દીર્ઘકાળથી કરવામાં આવે છે."

દક્ષિણ કોરિયાના વર્તમાન સૌંદર્ય ઉદ્યોગમાં તેને ટ્રેન્ડસેટર પણ ગણવામાં આવે છે. તેને 'કે-બ્યુટી ક્રેઝ' તરીકે પણ ઓળખવામાં આવે છે. સાલમન અને અન્ય માછલીઓના શુક્રાણુઓના ઈન્જેક્શનના ફાયદાની વાતો વિશ્વભરમાં ફેલાઈ ગઈ છે અને ચાર્લી એક્સસીએક્સથી માંડીને જેનિફર એનિસ્ટન સુધીની સેલિબ્રિટીઝ આ ટ્રેન્ડને સમર્થન આપી રહી છે.

પક્ષીઓની ચરકમાંથી બનેલા માસ્ક અને લોહી ચૂસતા 'વેમ્પાયર ફેશિયલ' જેવા અન્ય ઉપચારો સાથે તેની લોકપ્રિયતા પણ વધી છે. સવાલ એ છે કે ત્વચા સંભાળની આ બિનપરંપરાગત અને ઝડપથી લોકપ્રિય બની રહેલી પદ્ધતિઓ ખરેખર અસરકારક છે?

પ્રાચીન પદ્ધતિઓ

ઇતિહાસનાં પુસ્તકો પર નજર નાખતાં જાણવા મળે છે કે ત્વચા સંભાળની વિચિત્ર પ્રથાઓનો ઇતિહાસ લાંબો તથા ભવ્ય છે. ઈજિપ્તની રાણી ક્લિયોપેટ્રા ગધેડીના દૂધથી સ્નાન કરતી હોવાની અફવા પણ છે. મ્યાનમારમાં મહિલાઓ થાનાકા નામના ઝાડની છાલમાંથી બનાવેલી લુગદી કૉસ્મેટિક તરીકે અને સૂર્યપ્રકાશથી ત્વચાને બચાવવા માટે સદીઓથી ચહેરા પર લગાવે છે.

ખીલની સારવાર માટે રોમમાં વપરાતી એક લોકપ્રિય ઉપચાર પદ્ધતિમાં નાના મગરના આંતરડાને પીસવાનો સમાવેશ થતો હતો. આમાંના કેટલાક પ્રાચીન સૌંદર્ય ઉપચારો સમયની કસોટી પર ખરા સાબિત થયા હોવાનો દાવો આધુનિક ત્વચાવિજ્ઞાન પણ કરે છે. આજે આધુનિક પ્રોડક્ટ્સમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી તથા સ્કીન મોઈશ્ચરાઈઝિંગ અસરો માટે હળદર, ટાઇગર ગ્રાસ અને સીવીડ જેવાં તત્ત્વોનો ઉપયોગ કરવામાં આવે છે.

બારમી સદીના ઇટાલીની વિવિધ ત્વચાસંભાળ પદ્ધતિઓની તપાસ વર્ષ 2022ના એક અભ્યાસમાં કરવામાં આવી હતી. તેમાં સાલેર્નોના ટ્રોટા નાનાં પ્રખ્યાત મધ્યયુગીન મહિલા ચિકિત્સકનાં લખાણોનો સમાવેશ થતો હતો. સંશોધકોને જાણવા મળ્યું છે કે ફ્વા બીન્સ અને સરકા જેવા જે ઘટકોની ભલામણ અગાઉ કરવામાં આવતી હતી તેને ચહેરાની સફાઈ, મૃત કોષોને દૂર કરવા અને શુષ્ક ત્વચાની સારવાર માટે અસરકારક માનવામાં આવે છે. દાખલા તરીકે, ટાર્ટર તેલમાંથી કાઢવામાં આવેલો અર્ક. તેને ટાર્ટરિક ઍસિડ કહેવામાં આવે છે. આધુનિક સ્કીન કેર પ્રોડક્ટ્સમાં તે હવે એક સામાન્ય ઘટક છે.

ગીશા ફેશિયલ કેર

તેમાં માત્ર કુદરતી છોડ, જડીબૂટીઓ અને ખનિજોનો જ સમાવેશ થતો નથી. ગીશા ફેશિયલ નામની પ્રક્રિયામાં નાઇટિંગેલ પક્ષીનો મળ એકત્ર કરવામાં આવે છે અને તે શક્તિશાળી અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ વડે જંતુમુક્ત કરવામાં આવે છે. પછી તેમાં અન્ય રસાયણો ભેળવવામાં આવે છે, જે મૃત કોષોને દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. તેને માસ્કની માફક લગાવવામાં આવે છે.

આ પદ્ધતિ સદીઓ જૂની જાપાની શોધમાંથી ઉદ્ભવી છે. તેમાં જાણવા મળ્યું હતું કે જાપાની બુશ વૉર્બલર નામના એક પ્રકારના નાઇટિંગેલ પક્ષીના મળનો ઉપયોગ કાપડમાંથી રંગ હટાવવા માટે કરી શકાય છે. તેના પગલે જાપાની મહિલા કળાકારોએ તેમની ત્વચાને ગોરી બનાવવા અને હેવી મેકઅપ હટાવવા માટે આ કચરાનો ઉપયોગ શરૂ કર્યો હતો.

આજકાલ તે વિશ્વભરનાં ક્લિનિક્સમાં ત્વચાને નિખારવાની પદ્ધતિ તરીકે લોકપ્રિય છે. તેની પાછળ કેટલાક નક્કર વૈજ્ઞાનિક પુરાવા પણ હોઈ શકે છે. જોશુઆ સેચનરના જણાવ્યા મુજબ, નાઇટિંગેલ પક્ષીના મળમાં યુરિયાની સાંદ્રતા બહુ ઊંચી હોય છે. તે એક એવું રસાયણ છે, જેમાં ત્વચાને મુલાયમ બનાવવાની ક્ષમતા હોય છે અને તેને મોઈશ્ચરાઈઝિંગ ક્રીમમાં મેળવવામાં આવે છે. તેમાં એમિનો ઍસિડ ગુઆનાઈનની ઉચ્ચ સાંદ્રતા પણ હોય છે. સેચનર કહે છે કે "એમિનો ઍસિડમાં મોઈશ્ચરાઈઝિંગ અને બ્રાઈટનિંગના ફાયદા જોવા મળ્યા છે."

તેઓ ઉમેરે છે કે "આ ઉપચારોમાં શુદ્ધ, સંશોધિત નાઇટિંગેલ ડ્રોપિંગ્ઝનો ઉપયોગ થાય છે, એ નોંધવું મહત્ત્વપૂર્ણ છે. શેરીઓમાં પડેલી પક્ષીઓની ચરક ઉપાડીને તમારા ચહેરા પર ઘસવી ન જોઈએ."

તેવી જ રીતે, બીજી એક મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે આ ઉપચારો સંબંધી અભ્યાસો માટે સૌંદર્ય ઉદ્યોગની કંપનીઓ દ્વારા નાણાં આપવામાં આવ્યાં છે અથવા તો એવી કંપનીઓ માટે કામ કરતા વિજ્ઞાનીઓએ આવા અભ્યાસો કર્યા છે.

જોકે, ટિકટોક પર ખૂબ ચાલી રહેલી 'મેન્સ્ટ્રુઅલ બ્લડ માસ્ક' નામની બીજી હોમ સ્કિનકેર પદ્ધતિ બાબતે સંશોધકો ખાસ ઉત્સાહિત નથી. 2022ના એક અભ્યાસમાં સૂચવવામાં આવ્યું હતું કે માસિક સ્રાવના પ્રવાહીમાંથી પ્રાપ્ત પ્લાઝમામાં, રેગ્યુલર બ્લડ પ્લાઝમા કરતાં ઘા રૂઝાવવાની ક્ષમતા વધારે હોય છે.

જોકે, કિંગ્સ કૉલેજ લંડનના ત્વચારોગ વિજ્ઞાન સંશોધક પેઈ પેઈ ડૂ-હાર્પર આ વાત સાથે અસંમત છે. ડૂ-હાર્પર કહે છે કે "કોઈ પણ ડૉક્ટર તેની ભલામણ ક્યારેય કરશે નહીં. મને લાગે છે કે સનસનાટી સર્જવાના અને વધારે વ્યૂઝ મેળવવાના હેતુસરના ટિકટોક પરના ટ્રેન્ડ પૈકીનો આ એક ટ્રેન્ડ છે."

વેમ્પાયર ફેશિયલ

વેમ્પાયર ફેશિયલ તરીકે ઓળખાતા પ્લેટલેટ-સમૃદ્ધ પ્લાઝમા ઇન્જેક્શનથી ત્વચાના કાયાકલ્પની સંભાવના બાબતે ડૂ-હાર્પર વધારે આશાવાદી છે. આ પ્રક્રિયામાં દર્દીનું પોતાનું જ લોહી લેવામાં આવે છે અને સેન્ટ્રીફ્યુજનો ઉપયોગ કરીને તેને અનેક ઘટકોમાં વિભાજિત કરવામાં આવે છે.

આ પ્રક્રિયામાં પ્લાઝમામાં ગ્રોથ ફેક્ટર્સનું પ્રમાણ વધારવામાં મદદ મળે છે. તે પ્રોટીનનો એક વિશેષ સમૂહ છે, જે કોષોને વૃદ્ધિ, વિભાજન અને સમારકામના સંકેત આપે છે. પછી આ રક્તને નાની સોય દ્વારા ચહેરાની ત્વચામાં ફરી ઇન્જેક્ટ કરવામાં આવે છે.

પોતાના વિકાસ પરિબળોનો પુનઃ ઉપયોગ કરવાની શરીરની ક્ષમતાચિકિત્સાના વિવિધ ક્ષેત્રોમાં ઊંડો રસ પેદા કરી રહી છે. તેમાં ઓસ્ટિયો આર્થરાઇટિસ તથા સાંધાની અન્ય સમસ્યાઓથી માંડીને ઍલોપેસિયા તથા ઘા રૂઝાવવા સુધીની બાબતોનો સમાવેશ થાય છે. ત્વચાના સ્વાસ્થ્ય સંબંધે તેના ફાયદાના પુરાવા હજુ પણ મિશ્રિત છે ત્યારે કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે તેનાથી આયુષ્યના પાંચમા અને છઠ્ઠા દાયકાની વયના હોય તેવા લોકોની ત્વચાની સ્થિતિસ્થાપકતામાં સુધારો થાય છે અને રંગદ્રવ્યોમાં ઘટાડો થાય છે.

ડૂ-હાર્પર કહે છે, "લોકોમાં PRPની સફળતામાં ઘણું વૈવિધ્ય હોય છે." તેનું કારણ, આ સેન્ટ્રીફ્યુગેશન પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાતા મશીનોમાંની ભિન્નતા અને કેટલાક લોકોના લોહીમાં વૃદ્ધિ કારકોની ઓછી કે વધુ સાંદ્રતા છે. ડૂ-હાર્પર ઉમેરે છે, "તેથી ક્યારેક તે બહુ અસરકારક હોય છે અને ક્યારેક ઓછું અસરકારક હોય છે."

સ્કીન કેરનું ભવિષ્ય

ત્વચા સંભાળની સૌથી વિચિત્ર પદ્ધતિઓનો પણ કોઈ વૈજ્ઞાનિક આધાર હોય છે, પરંતુ વિજ્ઞાનીઓ માને છે કે આગલી પેઢી માટે ત્વચાની સંભાળનો માર્ગ અન્ય બાબતોની સાથે કોલેજનથી સમૃદ્ધ ખોરાક વધારવાની નવી રીતો શોધવામાં હશે. કંપની દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હોય તેવા તાજેતરના એક અભ્યાસમાં કોલેજન રૂપાંતર માટે ખાસ તૈયાર કરવામાં આવેલી એમિનો એસિડયુક્ત ફૂડ સપ્લિમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પ્રયોગથી માત્ર છ મહિનામાં ત્વચાની રચના, ભેજ અને લવચિકતામાં સુધારો થયો હતો એટલું જ નહીં, પરંતુ દર્દીઓની લાળ પરના ડીએનએ પરીક્ષણના તારણ અનુસાર, જૈવિક વયમાં સરેરાશ 1.4 વર્ષ સુધીનો ઘટાડો પણ થયો હતો. સંશોધકોએ તારણ કાઢ્યું છે કે આ અનન્ય સંતુલીત એમિનો એસિડયુક્ત કોલેજન સપ્લિમેન્ટ્સ માત્ર ત્વચાના સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ સ્વાસ્થ્યના અન્ય પાસાંમાં પણ સુધારો કરી શકે છે.

ઇન્ફ્લેમેશન જેવી પ્રક્રિયાઓ મારફતે શરીરના સમગ્ર સ્વાસ્થ્યમાં ત્વચા મહત્ત્વની ભૂમિકા ભજવે છે, તેવા અગાઉના અભ્યાસના તારતમ્ય સાથે ઉપરોક્ત તારણો સુસંગત છે. તેમાં સામેલ પ્રક્રિયાઓ વિશે વધુ સંશોધન જરૂરી હોવાનું તારણ પણ અભ્યાસમાં કાઢવામાં આવ્યું છે.

અન્ય નવા ઉપચારમાં 'સ્કિન માઈક્રોબાયોમ'ને બદલવા માટે નવીન રીતોની શોધ ચાલી રહી છે. તે આપણા ચહેરા પર રહેતા સૂક્ષ્મજીવોનો અદૃશ્ય સંગ્રહ છે અને ત્વચા પર સોજો ચડવામાં તેનો નોંધપાત્ર ફાળો હોય છે. સેચનરનું કહેવું છે કે સંભવિત સારવારમાં પ્રીબાયોટિક્સનો સમાવેશ થાય છે. તેની રચના આપણી ત્વચાના માઈક્રોબાયોમમાં ફાયદાકારક બૅક્ટેરિયાના પોષણ માટે કરવામાં આવી છે અને પોસ્ટબાયોટિક્સ, જે બૅક્ટેરિયા દ્વારા કુદરતી રીતે ઉત્પાદિત રસાયણ છે.

દક્ષિણ કોરિયાના સંશોધકોએ લોહીમાં જોવા મળતા એક બૅક્ટેરિયમની શોધનો અહેવાલ ગયા વર્ષે આપ્યો હતો. તે બૅક્ટેરિયમ અસરકારક પોસ્ટબાયોટિક્સ ઉત્પન્ન કરે છે, જે ત્વચાના કોષોમાં ઇન્ફ્લેમેશન, ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને કોલેજનને થતું નુકસાન ઘટાડી શકે છે. જોકે, આ પરીક્ષણ માત્ર ટેસ્ટ ટ્યુબમાં જ સાબિત થયું છે.

અલબત્ત, સેચનરનું કહેવું છે કે કોઈ પણ નવું સ્કીન કેર રૂટિન સ્વીકૃત ઉપચાર બને તે પહેલાં સાબિત થવું જોઈએ કે તે વર્ષોથી વ્યાપારી રીતે ઉપલબ્ધ, અજમાવવામાં આવેલા અને પરખાયેલા ઉકેલ કરતાં વધુ અસરકારક છે. "સવાલ એ છે કે આ અસ્થાયી ઉપચાર બજારમાં ઉપલબ્ધ પરંપરાગત સ્કીન કેર પ્રોડક્ટ્સ કરતાં વધુ સારું પરિણામ આપે છે કે કેમ," તેઓ કહે છે. "એ હજુ પણ એક અનુત્તરિત પ્રશ્ન છે."

સેચનરના કહેવા મુજબ, ત્વચાને ક્યારેક મોઈશ્ચરાઈઝ કરવા કે ચમકદાર બનાવવા માટે ફેશિયલ પર 500 ડૉલર ખર્ચવાને બદલે કોઈ વ્યક્તિ સવારે સનસ્ક્રીન લગાવીને ત્વચાને પર્યાવરણીય નુકસાનથી બચાવવા જેવી નિયમિત દિનચર્યાનું પાલન કરે તેવું હું ઈચ્છું છું. ત્વચામાં ભેજ અને કન્ડીશનિંગ જાળવી રાખવા માટે રાત્રે મોઇશ્ચરાઈઝર તથા સાંજે રેટિનોલ જેવી કોલેજન-ઉત્તેજક પ્રોડક્ટનો ઉપયોગ કરવાની ભલામણ પણ તેઓ કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન