અરવિંદ કેજરીવાલ અને જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા સાથે જોડાયેલો આખો મામલો શું છે?

અરવિંદ કેજરીવાલ, જસ્ટિસ સ્વર્ણલતા, દિલ્હી હાઇકોર્ટ, કેજરીવાલ દ્વારા અદાલતમાં દલીલો, સીબીઆઈ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશનનો કેસ, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટ્રેટનો કેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images/delhi high court

ઇમેજ કૅપ્શન, જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અને અરવિંદ કેજરીવાલ
વાંચવાનો સમય: 6 મિનિટ

દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે દારૂ નીતિના કેસની સુનાવણી કરી રહેલાં દિલ્હી હાઇકોર્ટનાં જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માને કેસમાંથી હઠાવવા અપીલ કરી છે.

સોમવારે આ મામલે મહત્ત્વની સુનાવણી થઈ હતી અને કેજરીવાલે પોતાનો પક્ષ જાતે જ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.

કેજરીવાલે અદાલતને કહ્યું કે આ કેસની સુનાવણી કરતાં જજ જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા પોતાનું નામ આ કેસમાંથી હઠાવી લે. તેમણે જણાવ્યું કે તેમને આ કોર્ટમાં નિષ્પક્ષ મળવા અંગે શંકા છે.

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રીએ તેની પાછળની દસ કારણો પણ ગણાવ્યાં.

પોતાની દોઢ કલાકની દલીલમાં કેજરીવાલે એવો આરોપ મૂક્યો કે જસ્ટિસ શર્માના ચુકાદાઓમાં એક ચોક્કસ પ્રકારની પૅટર્ન દેખાય છે, જેમાં ઇડી અને સીબીઆઇના દરેક તર્કને સ્વીકારી લેવામાં આવે છે.

કેજરીવાલે કહ્યું કે, "જસ્ટિસ શર્મા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલી અખિલ ભારતીય અધિવક્તા પરિષદના કાર્યક્રમોમાં ચાર વખત ભાગ લઈ ચૂક્યાં છે, જે તેમની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઊભા કરે છે."

કેજરીવાલે એવો આરોપ પણ લગાવ્યો કે જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માનાં બાળકો કેન્દ્ર સરકારમાં સરકારી વકીલ છે અને તુષાર મહેતાને આધીન રહીને કામ કરે છે. તો તેમની પાસેથી નિષ્પક્ષતાની આશા કેવી રીતે રાખી શકાય?

અરવિંદ કેજરીવાલ, જસ્ટિસ સ્વર્ણલતા, દિલ્હી હાઇકોર્ટ, કેજરીવાલ દ્વારા અદાલતમાં દલીલો, સીબીઆઈ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશનનો કેસ, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટ્રેટનો કેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર

બીજી બાજુ કેજરીવાલની વિરુદ્ધ સીબીઆઇનો પક્ષ રાખતાં સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ તેમની આ દલીલો સામે કહ્યું કે, "જો માત્ર અટકળો, અંદાજા અને પાયાવિહોણી શંકાઓના આધારે જજ પર પ્રશ્ન ઉઠાવીને કોઈ પણ પક્ષ પોતાનો મનપસંદ બેન્ચ પસંદ કરવા લાગે તો તે યોગ્ય નથી."

મહેતાએ પ્રશ્ન કર્યો કે, "જો જજ આ રીતે પોતાને કેસમાંથી અલગ કરવા લાગે તો આ દેશમાં કોઈ પણ જજ નિષ્પક્ષ રીતે નિર્ણય આપી શકશે ખરા?"

કેજરીવાલ પોતાના કેસમાંથી જજને દૂર કરવાની જે માગણી કરી રહ્યા છે, તેને કાયદાની ભાષામાં "રિક્યુઝલ" કહેવામાં આવે છે.

તેની પ્રક્રિયા શું છે? નિયમો શું કહે છે? શું ન્યાયાલયમાં કોઈ પક્ષ એવું કહી શકે કે તેને ચુકાદો આપતા જજ પર વિશ્વાસ નથી?

આ બધા પ્રશ્નોની ચર્ચા આપણે આગળ કરીશું, પરંતુ પહેલાં એ સમજી લઈએ કે આ આખા કેસની શરૂઆત કેવી રીતે થઈ?

કેજરીવાલ અને જસ્ટિસ સ્વર્ણ કાંતાનો આખો મામલો શું છે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હાલમાં દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી આબકારી નીતિ સાથે જોડાયેલા મામલામાં સીબીઆઇ અને ઇડી જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓની તપાસનો સામનો કરી રહ્યા છે.

આ કેસમાં કેજરીવાલ અને તેમની પાર્ટીના કેટલાક સભ્યો પર અનિયમિતતા અને ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા. આ આરોપસર માર્ચ 2024માં ઇડીએ કેજરીવાલની ધરપકડ પણ કરી હતી.

આ કેસમાં આમ આદમી પાર્ટીના બીજા ઘણા નેતાઓની સામે પણ કાર્યવાહી કરાઈ હતી, જેમાં પૂર્વ ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજયસિંહ જેવા નેતાઓ પણ સામેલ છે.

આ બધા નેતાઓની અલગ-અલગ સમયે ધરપકડ કરાઈ હતી અને તેઓ ઘણા મહિનાઓ સુધી જેલમાં રહ્યા.

પછી ફેબ્રુઆરી 2026માં નીચલી અદાલતે અરવિંદ કેજરીવાલ સહિત અન્ય આરોપીઓને રાહત આપતાં કહ્યું કે તેમની સામે પૂરતા પુરાવા નથી અને તેમને કેસમાંથી 'ડિસ્ચાર્જ' કરી દીધા.

બીબીસીના કાયદાકીય બાબતોના સંવાદદાતા ઉમંગ પોદ્દારના કહેવા પ્રમાણે, "જ્યારે કોર્ટ બધા સાક્ષીઓનાં નિવેદન અને બચાવ પક્ષના તમામ પુરાવાઓ જોઈને કોઈ આરોપીને નિર્દોષ જાહેર કરે, તેને 'નિર્દોષ' કહેવામાં આવે છે. જ્યારે 'ડિસ્ચાર્જ'માં કોર્ટ માત્ર પ્રોસિક્યુશન (આરોપ પક્ષ)ના પુરાવા જોઈને નક્કી કરે છે કે પ્રથમ નજરે કોઈ ગુનો બનતો હોય તેવું લાગતું નથી."

પરંતુ નીચલી કોર્ટના આ નિર્ણયથી અસહમત સીબીઆઇએ આ ચુકાદાને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો છે અને હવે આ સમગ્ર મામલાની ફરીથી સુનાવણી થઈ રહી છે. આ કેસની સુનાવણી સિંગલ જજ બેન્ચ જસ્ટિસ સ્વર્ણ કાંતા કરી રહ્યાં છે.

કેજરીવાલે તેમની સામે જ 'રિક્યુઝલ'ની અપીલ કરી છે.

જસ્ટિસ સ્વર્ણ કાંતા કોણ છે?

અરવિંદ કેજરીવાલ, જસ્ટિસ સ્વર્ણલતા, દિલ્હી હાઇકોર્ટ, કેજરીવાલ દ્વારા અદાલતમાં દલીલો, સીબીઆઈ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશનનો કેસ, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટ્રેટનો કેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, delhi high court

ઇમેજ કૅપ્શન, જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા (ફાઇલ ફોટો)

જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા દિલ્હી હાઇકોર્ટનાં એક વરિષ્ઠ ન્યાયાધીશ છે, જેમનો ન્યાયિક કારકિર્દીનો સમયગાળો ત્રણ દાયકાથી પણ વધુ લાંબો રહ્યો છે. તેમણે પોતાનું શિક્ષણ દિલ્હી યુનિવર્સિટીમાંથી લીધું છે. સૌપ્રથમ અંગ્રેજી સાહિત્યમાં ગ્રેજ્યુએશન, પછી એલએલબી અને બાદ 2004માં એલએલએમ પૂર્ણ કર્યું. તેમણે ન્યાયિક શિક્ષણ પર સંશોધન કરીને પીએચ.ડી. પણ કર્યું છે.

માત્ર 24 વર્ષની ઉંમરે તેઓ મૅજિસ્ટ્રેટ બની ગયાં હતાં અને 35 વર્ષની ઉંમરે સેશન જજ. પોતાની કારકિર્દીમાં તેમણે અનેક પ્રકારની અદાલતોમાં કામ કર્યું, જેમ કે ફેમિલી કોર્ટ, મહિલા કોર્ટ અને યૌન ગુનાઓ સંબંધિત વિશેષ અદાલતો.

તેઓ સીબીઆઇની વિશેષ અદાલત (રાઉઝ એવન્યુ કોર્ટ)માં પણ જજ રહી ચૂક્યાં છે. 28 માર્ચ 2022ના રોજ તેઓ દિલ્હી હાઇકોર્ટનાં જજ બન્યાં.

જજ સામે કેજરીવાલનો વિરોધ

કેજરીવાલે પોતાનો વિરોધ દર્શાવતા જસ્ટિસ સ્વર્ણ કાંતા પર જે મુખ્ય આરોપો મૂક્યા છે, તેમાંથી એક એ છે આરએસએસ સાથે જોડાયેલી અખિલ ભારતીય અધિવક્તા પરિષદના કાર્યક્રમોમાં ચાર વખત તેમની હાજરી.

પરંતુ સૉલિસિટર જનરલે કેજરીવાલના આ આરોપોના જવાબમાં તે કાર્યક્રમોની માહિતી આપી છે, જેમાં જસ્ટિસ સ્વર્ણ કાંતા હાજર રહ્યાં હતાં. સૉલિસિટર જનરલનું કહેવું છે કે માત્ર એટલો આધાર લઈને કે કોઈ જજ કોઈ સેમિનાર, કાયદાકીય કાર્યક્રમ કે મંચ પર ગયા હોય તેના આધારે એવું તારણ કાઢવું કે તે નિષ્પક્ષ નથી, તે યોગ્ય નથી.

"આવા આરોપો મજબૂત પુરાવા વગર સ્વીકારી શકાય નહીં. જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવો જજના વ્યવસાયનો એક ભાગ પણ હોઈ શકે. તેને સીધેસીધું કોઈ એક પક્ષ સાથે જોડીને જોવું યોગ્ય નથી."

જે કાર્યક્રમોમાં જજ સામેલ થયાં, તે શું હતા?

અરવિંદ કેજરીવાલ, જસ્ટિસ સ્વર્ણલતા, દિલ્હી હાઇકોર્ટ, કેજરીવાલ દ્વારા અદાલતમાં દલીલો, સીબીઆઈ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશનનો કેસ, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટ્રેટનો કેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, akhil bhartiya adhivakta parishad

અમે આ કાર્યક્રમો અને અખિલ ભારતીય અધિવક્તા પરિષદની કાર્યશૈલીને સમજવા માટે સંસ્થાના જ એક સભ્ય સાથે વાત કરી.

તેમણે પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે ઇમરજન્સી પછી દેશભરમાં રાષ્ટ્રવાદી અને કૉંગ્રેસવિરોધી વકીલોનાં ઘણાં જૂથો બનવાનાં શરૂ થઈ ગયાં હતાં. આ જૂથોને જોડીને આરએસએસે અખિલ ભારતીય અધિવક્તા પરિષદની રચના કરી, પરંતુ અમને અમારા સંગઠને સંપૂર્ણ નિષ્પક્ષ રીતે, કોઈ પણ દબાણ વગર દેશહિતમાં કામ કરવાની છૂટ આપેલી છે.

"અમે નિયમિત રીતે કાયદાકીય જાગૃતિ સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. જરૂરિયાતમંદ લોકોને કાયદાકીય માર્ગદર્શન પણ આપીએ છીએ. કોઈ વિશેષ દિવસ હોય ત્યારે સન્માન માટે ન્યાયાધીશોને પણ આમંત્રિત કરીએ છીએ. જેમ કે જસ્ટિસ સ્વર્ણ કાંતાને અમે વુમન્સ ડેના કાર્યક્રમમાં બોલાવ્યાં હતાં. બીજો એક કાર્યક્રમ કાયદાકીય ક્ષેત્રે મહિલા વકીલોને પડતી મુશ્કેલીઓ વિષેનો હતો."

તેમણે જણાવ્યું, "અમે વિચારધારા જોઈને કોઈને આમંત્રિત કરતા નથી. અમારા કાર્યક્રમોમાં ઘણા ન્યાયધીશો આવ્યા છે. અરવિંદ કેજરીવાલ આ બાબતને જાણી જોઈને રાજકીય રંગ આપી રહ્યા છે."

કાયદાના નિષ્ણાતો શું કહે છે?

વીડિયો કૅપ્શન, અરવિંદ કેજરીવાલ

જોકે કેજરીવાલનો પક્ષ હાલમાં ન્યાયાધીશ સ્વર્ણ કાંતાને કેસમાંથી દૂર કરવાની જોરશોરથી માગણી કરી રહ્યો છે, પરંતુ આ વિશે કાયદો શું કહે છે?

હિમાચલ પ્રદેશ નૅશનલ લૉ યુનિવર્સિટીના પ્રોફેસર ચંચલકુમારનું કહેવું છે કે કોઈ ન્યાયાધીશનું કોઈ કેસમાંથી દૂર થવું એ ન્યાયના એક એવા સિદ્ધાંત સાથે જોડાયેલી ઘટના છે, જેમાં નિર્ણય સંપૂર્ણપણે નિષ્પક્ષ થવો જોઈએ અને દેખાવો પણ જોઈએ.

સામાન્ય રીતે ન્યાયાધીશો જ્યારે કોઈ પક્ષ સાથે વ્યક્તિગત, નાણાકીય અથવા વૈચારિક રીતે જોડાયેલા હોય ત્યારે તે પોતાને એ કેસથી અલગ રાખે છે. જેમ કે કોઈ પક્ષ સાથે વ્યક્તિગત સંબંધ હોય, નાણાકીય અથવા ભાગીદારીનો મુદ્દો હોય, અથવા જો કોઈ સંસ્થા સાથે નજીકનો સંબંધ હોય, આવાં અનેક ઉદાહરણો અગાઉ પણ જોવા મળ્યાં છે, જેમાં ન્યાયાધીશો પોતે જ એ કેસોથી દૂર થઈ ગયા હોય, જેથી અદાલતની નિષ્પક્ષતા પર કોઈ પ્રશ્ન ન ઊઠે.

આ જ વાતને આધારે અરવિંદ કેજરીવાલે ન્યાયાધીશ સ્વર્ણ કાંતા શર્મા મામલે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે અમુક કાર્યક્રમોમાં તેમની હાજરીથી પક્ષપાત થવાની શક્યતા રહે છે.

જોકે પ્રોફેસર કુમાર માને છે કે માત્ર શંકા અથવા અટકળોના આધારે કોઈ ન્યાયાધીશને કેસમાંથી દૂર કરવા યોગ્ય નથી.

"આ માટે કોઈ નક્કર કારણ અને પક્ષપાતની સ્પષ્ટ સંભાવના દેખાવી જોઈએ." તેઓ જણાવે છે કે "આ પ્રકારના પ્રશ્નો ઉઠાવવા ખોટા નથી, કેમ કે તેના લીધે ન્યાયિક પ્રણાલીની નિષ્પક્ષતા વિશે ચર્ચા થાય છે, પરંતુ અંતિમ નિર્ણય તથ્યો અને કાયદાને આધારે જ થવો જોઈએ."

હાલમાં, જસ્ટિસ સ્વર્ણ કાંતા જ તેમની સામેના કેસની સુનાવણી કરી રહ્યાં છે.

આવી પરિસ્થિતિમાં હવે કેજરીવાલ પાસે કયા વિકલ્પો હશે? આ પ્રશ્નના જવાબમાં પ્રોફેસર ચંચલ કહે છે, "જ્યાં સુધી આગળના રસ્તાની વાત છે, જો અદાલત આ માંગણી નામંજૂર કરે તો કેજરીવાલ પાસે સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ રહેશે. તેઓ વિશેષ અનુમતિ અરજી દ્વારા આ નિર્ણયને પડકારી શકે છે. અને જો અદાલત તેમની વાત સ્વીકારી લે તો કેસ બીજી બેન્ચ પાસે જતો રહેશે. ટૂંકમાં, હવે આગળ શું થશે તે સંપૂર્ણપણે અદાલતના નિર્ણય પર આધારિત છે, પરંતુ પડકાર આપવા માટેનો રસ્તો તેમના માટે ખુલ્લો રહેશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન