You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ ઘરમાં 250 કૂતરાં કેમ ગોંધી રખાયાં હતાં?
યુકેમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક જ ઘરમાં 250 જેટલાં કૂતરાં ગોંધી રાખવામાં આવેલાં હોવાનું જાણવા મળ્યું છે.
આરએસપીસીએએ જણાવ્યું કે, રેસ્ક્યૂ કરનારાઓને એક જ ઘરમાં રહેતાં 250 કરતાં વધુ પૂડલ-ક્રૉસ કૂતરાં મળી આવ્યાં છે.
નોંધનીય છે કે પૂડલ એ કૂતરાની એક એવી પ્રજાતિ છે, જેના શરીર પર ચારેતરફ ઘેરા વાંકળિયા વાળ હોય છે.
પશુ કલ્યાણ માટેની આ સંસ્થાનું કહેવું છે કે યુકેમાં એક સ્થળેથી મળી આવેલાં આ કૂતરાંની સંખ્યા અને તેમના જીવનની સ્થિતિ "કૌટુંબિક સ્થિતિને કારણે બેકાબૂ બની હતી."
રેસ્ક્યૂ કરનારાઓ દ્વારા એક રૂમમાં કૂતરાંને ભરી રાખ્યાનું બતાવતી "આશ્ચર્યજનક" તસવીર સોશિયલ મીડિયા પર કરાઈ રહેલી કૉમેન્ટોમાં એઆઇ જનરેટેડ ગણાવાઈ રહી હતી, સંસ્થાએ જણાવ્યું કે આ વાત હકીકત નથી.
સંસ્થાએ કહ્યું કે આરએસપીસીએ સામે એક કરતાં વધુ પશુઓના કેસ સામે આવ્યા હોય તેવા કિસ્સામાં આખા ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં 2021થી 70 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ તસવીર આ "હકીકત" સૂચવે છે.
સંસ્થા જણાવે છે કે ગત વર્ષે તેને દસ કરતાં વધુ પ્રાણીઓ એક જ સરનામા પર હોય એવા 4200 કિસ્સા જોવા મળ્યા છે.
આ કૂતરાં પૈકી કેટલાંકને લઈ લેનારા નોટિંઘમ ખાતેના રેડક્લિફ ઍનિમલ સેન્ટરે કહ્યું કે આ કૂતરાં વાળના "જબરદસ્ત" ગુચ્છા અને સોજી ગયેલી ચામડી સાથે આવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક જ ઘરમાં કેવી રીતે રખાયાં હતાં આ કૂતરાં
આરએસપીસીએના સુપરિન્ટેન્ડન્ટ જો હર્સ્ટે કહ્યું: "આ તસવીર એક કરતાં વધુ પશુવાળા કેસોનું સત્ય જણાવે છે, અને સમય સાથે વિકટ બનતી જઈ રહેલી સ્થિતિ બતાવે છે, જેનો અમારા ફ્રન્ટલાઇન ઑફિસરોએ કદાચ સામનો કરવો પડે છે - દસ, 20 અને હવે તો 100 પશુઓવાળા કેસ હવે વધારા પર હોવાના અહેવાલ છે."
"અમે જાણીએ છીએ કે લોકો એટલા ચકિત થઈ ગયા છે કે તેમને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવી રહ્યો. પણ આ તસવીર હકીકત છે, એઆઇ નથી."
"આ હકીકત છે, જે ત્યારે સર્જાય છે જ્યારે સારો હેતુ ધરાવતા પશુમાલિકો વધુ ભારણ હેઠળ આવી જાય છે - વધુ પડતાં બચ્ચાં પેદા થવા લાગે છે અને સ્થિતિ કાબૂ બહાર નીકળી જાય છે."
આરએસપીસીએએ કહ્યું તેઓ માલિકના સંજોગો અંગે વધુ વિગત આપવામાં અસમર્થ છે, પરંતુ ઉમેર્યું કે તેમણે સંસ્થાનો સંપર્ક કર્યો કારણ કે તેઓ "વધુ પડતા બોજા હેઠળ" હતા.
સંસ્થાએ કહ્યું કે માલિકોના સંજોગો અને "અત્યંત સંવેદનશીલ પ્રકૃતિ"ને કારણે કાયદાકીય કાર્યવાહીને આગળ લઈ જવાની વાત યોગ્ય ન કહેવાઈ હોત.
સંસ્થાએ કહ્યું કે મોટી સંખ્યામાં પ્રાણીઓને એક જ સ્થળે રખાયાના કેસો માનસિક સ્વાસ્થ્ય સાથે, જીવન ટકાવી રાખવાના ખર્ચના સંકટ સાથે અને ખરાબ રીતો સાથે કામ કરતા બ્રીડર્સ સાથે સંબંધિત હોઈ શકે.
પૂડલ- ક્રૉસ કૂતરાંને "ડૂડલ" પણ કહેવામાં આવે છે, પાછલાં અમુક વર્ષોમાં આ પ્રજાતિ વધુ લોકપ્રિય બની છે, ડૉગ્સ ટ્ર્સ્ટ દ્વારા 2025માં કરાયેલા એક સર્વે પ્રમાણે આ પ્રજાતિ કૂતરાંના માલિકો દ્વારા પાળવામાં આવતી ટોચની ત્રણ પ્રજાતિઓ પૈકી એક છે.
કૂતરાં હવે ક્યાં જશે
નવેમ્બર માસમાં આરએસપીસીએએ બેડફર્ડશાયરમાં એક ઘરમાંથી ચિહુઆહુઆ, પોમરેનિયન, અને ક્રૉસ-બ્રીડ (સંકર)સહિત 80 કૂતરાં રેસ્ક્યૂ કર્યાં હતાં.
આરએસપીસીએએ કહ્યું કે આ સંપત્તિમાંથી રેસ્ક્યૂ કરાયેલાં 250 કૂતરાં પૈકી 87 સંસ્થાએ પોતે રાખ્યાં, જ્યારે બાકીનાં ડૉગ્સ ટ્રસ્ટને અપાયાં.
આરએસપીસીએએ કહ્યું રેસ્ક્યૂ કરાયેલાં કૂતરાંને તેમના આગામી ઘરે મોકલવાના આશયથી હેર્ટફોર્ડશાયર, સરે, નૉરફોક અને નૉટિંઘમશાયર ખાતેનાં સેન્ટરોએ મોકલી અપાયાં છે.
આ કૂતરાં પૈકી સ્ટીવી અને સૅન્ડી પણ હાલ આરએસપીસીએ સાઉથબ્રિજ ઍનિમલ સેન્ટર ખાતે દત્તક લેવાવાની રાહ જોઈ રહ્યાં છે.
સ્ટીવી અંધ અને બધિર છે, જેથી તેને તેના ગાઇડ બની ચૂકેલાં અન્ય કૂતરાં સાથે જ દત્તક આપવાની ફરજ પડી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન