You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ છે વિશ્વની સૌથી ઊંચાઈએ આવેલી પોસ્ટ ઑફિસ
ઉત્તર ભારતમાં હિમાલયના બર્ફિલા પહાડો વચ્ચે આવેલી સ્પિતિ ખીણ દુનિયામાં માનવ વસવાટ ધરાવતી વિશ્વની સૌથી ઊંચાઈવાળી જગ્યા છે.
વેરાન પર્વતો, જોખમી ઘાટ અને વાંકીચૂંકી વહેતી નદીઓ, ઉત્તુંગ શિખરો અને બરફના રણ જેવા વિશાળ પટ વચ્ચે વસેલી સ્પિતિમાં અલગ જ પ્રકારની દુનિયા હોય તેવો અનુભવ થાય છે.
વિશ્વની સૌથી ઊંચાઈએ આવેલી પોસ્ટ ઑફિસ
આ વેલીમાં આવેલા હિક્કિમ ગામમાં 4,440 મીટરની ઊંચાઈએ આવેલી આ નાનકડી પોસ્ટ ઑફિસ, આસપાસનાં નાનાં ગામોમાં વસતા લોકોને દુનિયા સાથે જોડે છે.
ગામલોકો અહીં આવીને ટપાલ પેટીમાં પોતાના પત્રો નાખે છે કે પછી પોતાના બચત ખાતાંમાં રકમ જમા કરાવે છે.
એ જ રીતે અહીં સુધી પહોંચનારા પ્રવાસીઓ પણ, દુનિયાની સૌથી ઊંચી પોસ્ટ ઑફિસ પરથી પોતાનો પત્ર પોસ્ટ કરીને ગૌરવ અનુભવે છે.
1983માં પોસ્ટ ઑફિસ શરૂ થઈ ત્યારથી રિન્ચેન ચેરિંગ અહીં પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
અહીં કામ કરવું સહેલું નથીઃ વાહનો ચાલી શકે તેવો રસ્તો ના હોવાથી ટપાલો પહોંચાડવા ચાલીને જવું પડે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શિયાળામાં ભારે બરફવર્ષા થાય ત્યારે પોસ્ટ ઑફિસને બંધ કરી દેવી પડે છે.
અનોખો પોસ્ટલ રૂટ
ઊંચા ઘાટ અને હરિયાળાં મેદાનો વચ્ચેથી બે પોસ્ટમેન રોજ 46 કિમી ચાલીને સ્પિતિ ખીણના મુખ્ય શહેર કાઝા સુધી પહોંચે છે અને ટપાલો પહોંચાડે છે.
કાઝા સુધીનો રસ્તો બનેલો છે, જે હિમાચલ પ્રદેશનાં બીજાં શહેરો સાથે તેને જોડે છે. બહાર મોકલવાની ટપાલો કાઝાથી બસોમાં મોકલવામાં આવે છે.
આવેલી ટપાલોનો થેલો ઊંચકીને ફરી પાછા ચાલીને હિક્કિમ ગામે પહોંચવાનું.
દુનિયાના કોઈ પણ પોસ્ટલ રૂટ કરતાં આ રૂટ અનોખો છે, કેમ કે આવતા જતા આસપાસના ઉન્નત બરફિલા પહાડોનો અનન્ય નજારો માણતા જવાનો લહાવો મળે છે.
બહારની દુનિયા સાથેનો એકમાત્ર સંપર્ક
હિક્કિમ પોસ્ટ ઑફિસ ચાર કે પાંચ ગામોને સેવા પૂરી પાડે છે. આ ગામોમાં બહુ પાંખી વસતિ છે અને મોબાઇલ ફોનનું કવરેજ બહુ મર્યાદિત છે.
ઇન્ટરનેટ હજી સુધી આવ્યું નથી. આવા એક ગામનું નામ છે કોમીક, જે 4,587 મીટરની ઊંચાઈએ આવેલું છે.
દુનિયાનું રસ્તાથી જોડાયેલું આ સૌથી ઊંચાઈએ આવેલું ગામ છે. કોમીક ગામમાં ફક્ત 13 ઘર છે.
એક શાળા છે જેમાં પાંચ બાળકો ભણે છે. એક પ્રાચીન બૌદ્ધમઠ છે અને થોડી ખેતીની જમીન છે, જેમાં જવ અને વટાણા થાય છે.
દિલદાર લોકો
વર્ષમાં લગભગ છ મહિના સુધી સ્પિતિ ખીણના આ ગામો બાકીની દુનિયાથી છૂટાં પડી જાય છે.
ભારે બરફવર્ષાને કારણે ત્યાં પ્રવાસ કરવો શક્ય બનતો નથી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સ્થાનિક લોકો ખુશહાલ રહે છે.
હિક્કિમની નજીકના લાંગઝા ગામે એક મહિલાનાં ઘરે હું ગયો હતો.
આટલી મુશ્કેલીઓ વચ્ચે જીવન વીતાવતી આ નારી કહે છે કે તેમનું જીવન બહુ 'શાંતિમય' છે.
હજારો વર્ષની શ્રદ્ધા
અહીંના લોકોના જીવન પર બૌદ્ધ ધર્મનો ઊંડો પ્રભાવ છે. ભારતના સૌથી જૂના બૌદ્ધમઠ સ્પિતિ વેલીમાં આવેલા છે. તેમાંના કેટલાક તો હજાર વર્ષ કરતાંય જૂના છે.
સ્પિતિ વેલીનો સૌથી જૂનો બૌદ્ધમઠ એટલે કી મઠ છે. 4,166 મીટરની ઊંચાઈએ એક પહાડની ટોચ પર બનેલા મઠમાંથી સ્પિતિ નદીને વહેતી જોઈ શકાય છે.
ભૂખરી પહાડીઓ વચ્ચેથી વહેતી નદીને જોવી તે લહાવો છે.
મિલનસ્થાન
ગ્રામજનોના ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક જીવનમાં મઠ કેન્દ્રસ્થાને છે.
ગામલોકો માટે આ મિલનસ્થાન છે, જ્યાં એકઠા થઈને તેઓ પ્રાર્થના કરે છે.
કોમીક મઠના સાધુઓ સદીઓ જૂની પરંપરા પ્રમાણે પોતાનો સમય ધ્યાન કરવામાં અને શ્રદ્ધાળુઓને કરુણતા અને ઉદારતાની શીખ આપવામાં વીતાવે છે.
આ બૌદ્ધ સાધુઓ વિદેશના પવિત્રધામોના પ્રવાસે પણ જતા હોય છે.
તે માટે પોતાના પાસપોર્ટ અને પ્રવાસના દસ્તાવેજો મેળવવા માટે આ સાધુઓ પણ હિક્કિમ પોસ્ટ ઑફિસ પર નિર્ભર રહે છે.
આધુનિક જીવનનો સ્પર્શ
ભાઈચારો, સહનશિલતા, સાદાઈ અને આધ્યાત્મિકતાને આધારે સ્પિતિવાસીઓ સદીઓથી અહીં ટકી ગયા છે.
જોકે, તેઓ પણ ધીમે પગલે આવી રહેલી આધુનિકતાની અસરથી મુક્ત રહી શક્યા નથી.
નવી યુવાન પેઢીમાંથી ઘણા રોજગારી માટે મોટા શહેરોમાં જતા રહ્યા છે.
જોકે વતન છોડીને ક્યાંય ના ગયેલા લોકો માટે બહારની દુનિયા સાથેની એકમાત્ર કડી તરીકે ભારતીય ટપાલ તંત્ર આજેય કામ કરી રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો