You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફાતિમા શેખ : સાવિત્રીબાઈ સાથે વંચિતોને શિક્ષિત કરનારાં મહિલા
સામાન્ય રીતે આપણે વડેરાઓના પરિવાર, સમાજ કે દેશ માટે સામાજિક યોગદાનની વાત કરીએ ત્યારે પુરુષોનાં કાર્યોની વાત જ આવતી હોય છે.
સદીઓથી આ રીતે પુરુષોનાં કાર્યોને જ યોગદાન મનાતું રહ્યું છે. કુટુંબમાં સંકટ હોય ત્યારે તેને પાર ઉતારનાર મહિલાઓને યાદ કરાતાં નથી.
એ જ રીતે સમાજ અને દેશના ઘડતરમાં પોતાનું જીવન ન્યોછાવર કરી દેનારા મોટાં ભાગનાં મહિલા ગુમનામ જ રહ્યાં છે. ઉદાહરણ તરીકે અમુક મહિલાઓનાં નામ ચોક્કસ ગણાવી શકાય છે.
જોકે, આ નામો થોડાં હશે, કેમ કે બાકીની હજારો નારીઓનાં પ્રદાનને નામોલ્લેખ વિના જ યાદ કરવું પડશે. અનેક સ્ત્રીઓ તો અનામ જ રહી ગઈ છે. કેટલાકના નામ જાણીએ છીએ, પણ બીજી કોઈ જાણકારી મળતી નથી.
એટલું જ નહીં, ઘણા કિસ્સામાં એવું થયું છે કે મહિલાઓએ પોતાનાં કાર્યો વિશે લખ્યું ના હોત કે સાથી નારીઓને યાદ ના કર્યાં હોત તેમના ઇતિહાસનું નામનિશાન પણ ના રહ્યું હોત.
ભારતના પિતૃસત્તાક સમાજની આ જ વાસ્તવિકતા છે.
આવાં જ આપણાં એક વડીલ મહિલા છે ફાતિમા શેખ, જેના વિશે છૂટક માહિતી મળ્યા કરે છે, પરંતુ વર્ષોના સંશોધન પછીય તેના જીવનની સંપૂર્ણ જાણકારી મળતી નથી.
આપણે જોતિબા અને સાવિત્રીબાઈ ફુલે વિશે જાણીએ છીએ. જોતિબા સામાજિક ક્રાંતિમાં અગ્રેસર હતા અને વંચિતોના શિક્ષણ માટે તેમણે મોટું કામ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાવિત્રીબાઈને આપણે ભારતનાં પ્રથમ શિક્ષિકા તરીકે યાદ કરીએ છીએ. ક્રાંતિજ્યોતિ માને છે કે જો સાવિત્રીબાઈ પોતે જ એવું કહે કે તેમની ગેરહાજરીમાં આ નારી કામ સંભાળી લેશે તો તે મોટી વાત કહેવાય. તે નારીનું મહત્ત્વ
પણ જરાય ઓછું આંકી શકાય નહીં. એ નારી એટલી ફાતિમા શેખ.
સાવિત્રીબાઈના અભિયાનનાં સાથી
સાવિત્રીભાઈના અભિયાનમાં અગત્યનાં સાથી ફાતિમા શેખ વિશે આપણે લગભગ કશું જાણતા નથી.
સાવિત્રીબાઈ અને જોતિબા ફુલે પોતાના વિશે કેટલુક લખાણ છોડી ગયાં એટલે આપણે તેમના વિશે જાણી શક્યા છીએ.
ફાતિમા શેખ માટે એવું કોઈ સાહિત્ય નથી મળતું કે આપણે તેમના વિશે જાણી શકીએ.
ફાતિમા વિશે જાણવા માટે હાલમાં રસ વધ્યો છે. જોતિબા ફુલે અને સાવિત્રીબાઈ વિશે જાણનારા લોકો પાસે પણ ફાતિમા વિશે વધુ માહિતી નથી.
તેથી જ તેમની સાથે જોડાયેલી વાતો અંગે કોઈ પ્રમાણ મળતા નથી.
જોકે કહાણીઓ જરૂર મળે છે. પણ તે માથામેળ વિનાની હોય છે. કોઈ તેને ઉસ્માન શેખનાં બહેન કહે છે. સામાજિક કાર્યો બદલ પિતાએ તેમને ઘરેથી કાઢી મૂક્યાં ત્યારે ઉસ્માન શેખે તેમને આશરો આપ્યો હતો. પરંતુ ઉસ્માન શેખ વિશે પણ જાણકારી મળતી નથી.
આમ છતાં તેમની બાબતમાં રસ પડે તેમ છે. ફાતિમા શેખ વિશેની માહિતી સાવિત્રીબાઈ ફુલેના માધ્યમથી જ મળે છે. એટલે કે એક સ્ત્રીના માધ્યમથી જ બીજી સ્ત્રીના યોગદાનની વાત આપણા સુધી પહોંચે છે.
સાવિત્રીબાઈ તરફથી એક અગત્યની માહિતી આપણને મળે છે. 'સાવિત્રીબાઈ ફુલે સમગ્ર વાંગ્મય'માં એક તસવીર છે. સાવિત્રીબાઈની બાજુમાં એક મહિલા બેઠેલાં છે, જે ફાતિમા શેખ છે. પરંતુ આ તસવીર ક્યાંની છે તેની ખરાઈ કેવી રીતે કરવી?
ઐતિહાસિક તસવીર અને ફાતિમા શેખ
'સાવિત્રીબાઈ ફુલે સમગ્ર વાંગ્મય'ના સંપાદક ડૉક્ટર એમ.જી. માલીએ પ્રસ્તાવનામાં એક મહત્ત્વની માહિતી આપી છે.
આ તસવીર વર્ષો પહેલાં પૂણેથી પ્રકાશિત થતા સામયિક 'મજૂર'માં છપાઈ હતી. આ સામયિક 1924થી 1930 સુધી પ્રગટ થતું હતું. તેનું સંપાદન રા. ના. લાડ એટલે કે આર.એન. લાડ કરતા હતા.
માલીને આ તસવીર દ. સ. ઝોડગે એટલે કે ડી. એસ. ઝોડગે પાસેથી મળી હતી. ઝોડગે પણ થોડો સમય સામયિકના સંપાદક તરીકે હતા. તસવીર વિશેની માહિતી પણ ઝોડગે તરફથી જ મળેલી છે.
ડૉ. માલીના જણાવ્યા અનુસાર, 'લોખંડે નામના એક મિશનરીના પ્રસિદ્ધ પુસ્તકમાં સાવિત્રીબાઈનો એક ગ્રૂપ ફોટો પ્રગટ થયો હતો. તે પુસ્તકની તસવીર અને મજૂર સામયિકની તસવીર એક સરખી હતી.
તે ગ્રૂપ ફોટોમાંથી જ સાવિત્રીબાઈની તસવીર કાઢવામાં આવી છે. 1966માં પ્રોફેસર લીલા પાંડેના પુસ્તક 'મહારાષ્ટ્ર કર્તૃત્વશાલિની'માં તે તસવીર છપાઈ. તે પુસ્તકમાં એક રેખાચિત્ર પણ હતું. રેખાચિત્ર અને તે તસવીર વચ્ચે ખાસ કોઈ ફરક નથી.
મેં આ તસવીર સિવાય અન્ય તસવીરોની પણ તપાસ કરી. પૂણેના એકનાથ સોલકર પાસે પણ કેટલીક નૅગેટિવ હતી. ઝોડગેને પણ તેમની પાસેથી જ નૅગેટિવ મળી હતી. તે નૅગેટિવમાંથી જ સાવિત્રીબાઈ અને ફાતિમા શેખની
તસવીર મળી હતી. આ એકસો વર્ષ જૂની નૅગેટિવમાંથી તૈયાર થયેલી દુર્લભ તસવીર છે.'
આ તસવીર જો પ્રગટ ના થઈ હોત તો ફાતિમા શેખની વાત જવા દો, સાવિત્રીબાઈની ઝલક પણ આપણને ક્યારેય જોવા ના મળી હોત. સાવિત્રીબાઈની પ્રચલિત છબી આ તસવીર પરથી લેવાયેલી છે. આ તસવીરના કારણે જ
સાવિત્રીબાઈ સાથે ફાતિમા શેખ પણ ઇતિહાસનું એક અગત્યનું પાત્ર બની શક્યાં છે.
પૂણેનું જર્જરિત મકાન અને ઇતિહાસ રચનારાં મહિલા
પૂણેમાં મહાત્મા ફુલેએ કન્યાઓ માટે પ્રથમ શાળા ખોલી તે જર્જરિત મકાનની બહાર લગાવેલા બૉર્ડમાં પણ ફાતિમા શેખનો ઉલ્લેખ મળે છે. ખખડવા લાગેલી આ ઇમારતમાં અંદર નજર નાખીએ અને કલ્પના કરીએ ત્યારે
સાવિત્રીબાઈ અને ફાતિમા શેખ સમાં મહિલાઓ જમીન પર બેઠેલી કન્યાઓને ભણાવી રહ્યાં છે તેવું તાદૃશ્ય થવા લાગે છે.
પોણા બસો વર્ષ પહેલાં આ જ ઇમારતમાં શરૂ થયેલી કન્યાશાળામાં ઐતિહાસિક પરિવર્તનનો પાયો નખાયો હતો. આ જ ઓરડાઓમાં સાવિત્રીબાઈ અને ફાતિમા શેખે કન્યાશિક્ષણની શરૂઆત કરી હતી.
આપણે જાણીએ છીએ કે દલિતો, વંચિતો અને સ્ત્રીઓને શિક્ષણ આપવા માટેના પ્રયાસોને કારણે ફુલે દંપતિ અને ખાસ કરીને સાવિત્રીબાઈને બહુ ભોગવવું પડ્યું હતું. વિરોધ, મેણાંટોણાં, અપમાન સહન કરવાં પડ્યાં હતાં.
દેખીતી રીતે સામાજિક વિરોધ અને અપમાન ફાતિમા શેખે પણ સહન કરવા પડ્યાં હશે.
સાવિત્રીબાઈ પર પથ્થરો, છાણ, કીચડ ફેંકવામાં આવ્યાં અને મશ્કરીઓ કરવામાં આવી હતી તો શક્ય છે કે ફાતિમા શેખે પણ તે બધું સહન કરવું પડ્યું હશે. બીજું કે ફાતિમા શેખ જે સમાજમાંથી આવતા હતા તેના કારણે તેમની ભૂમિકા અગત્યની થઈ જાય છે.
આ શાળા શરૂ થઈ તે સમય અને સાવિત્રીબાઈ જેટલી જ ઉંમર હોવાની શક્યતાના કારણે ફાતિમા શેખનો જન્મ અંદાજે 180-90 વર્ષ પહેલા થયો હશે. તેમનું કાર્યક્ષેત્ર અંગ્રેજોના જમાનાનું પૂણે રહ્યું હતું.
સાવિત્રીબાઈનો પત્ર
હવે સૌથી અગત્યની વાત. આ છે ફાતિમા શેખ અને સાવિત્રીબાઈ ફુલેના બહેનપણાનો સૌથી મજબૂત પુરાવો.
સાવિત્રીબાઈ પિયર ગયાં હતાં અને ત્યાં તેમની તબિયત ખરાબ થઈ હતી. તેઓ પૂણે આવી શકે તેમ નહોતાં.
તે વખતે પૂણેમાં વંચિતો અને કન્યાઓ માટે ઘણી શાળાઓ ખૂલી ગઈ હતી. શિક્ષણકાર્ય વધી ગયું હતું અને તેના માટે જરૂરી હિંમતવાન શિક્ષકો પણ મળતા નહોતા. સાથે જ ફુલેની પણ તેમને ચિંતા હતી.
આવી ચિંતાઓ વચ્ચે 10 ઑક્ટોબર 1856 એટલે આજથી 164 વર્ષ પહેલાં 'સત્યરૂપ જોતિબા'ને તેમણે પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું હતું, 'મારી ચિંતા ના કરો. ફાતિમાને મુશ્કેલી પડી રહી હશે. પણ તે તમને પરેશાન નહીં કરે અને કોઈ ફરિયાદ નહીં કરે.'
ફાતિમાને શું મુશ્કેલીઓ હશે અને શા માટે તેઓ ફરિયાદ નહીં કરતાં હોય?
આ શાળાના સંચાલનની વાત છે. એટલે કે ફાતિમા માત્ર શિક્ષિકા નથી, પરંતુ સાવિત્રીબાઈ સાથે ખભાથી ખભો મિલાવીને કન્યાઓને શિક્ષિત કરવાના અભિયાનમાં સાથી છે.
જવાબદારીઓ લેવામાં તેઓ બરાબર ભાગીદાર અને સાથીદાર છે. પરંતુ દરેકનો પોતાનો સ્વભાવ હોય છે. તેથી જ તેઓ એકલા હાથે શાળાનું સંચાલન કરી રહ્યાં હતાં.
આ પત્ર તેનો સૌથી મોટો પુરાવો છે.
ફાતિમા શેખ વિશેના આ ઉલ્લેખથી તેમની એક છબી ઊભી થાય છે.
તે માત્ર કલ્પના નથી, પણ એક મક્કમ નારી હતાં તે સ્પષ્ટ થાય છે. સમાજના વિરોધ સામે ટક્કર લઈને વંચિતો અને સ્ત્રીઓ માટે લડી રહ્યા હતાં.
સાવિત્રીબાઈને પ્રથમ શિક્ષિકા તરીકેનું બહુમાન મળતું હોય તો ફાતિમાને કેવી ઓળખ મળવી જોઈએ?
તે પણ પ્રારંભિક શિક્ષિકા જ બન્યાં.
તેમને કેટલાક પ્રથમ મુસ્લિમ શિક્ષિકા તરીકે ઓળખાવવા કોશિશ કરે છે.
પરંતુ સવાલ એ છે કે સાવિત્રીબાઈ સાથે આવાં કોઈ વિશેષણો આપણે જોડતા નથી, તો ફાતિમા સાથે શા માટે જોડવા જોઈએ?
આ વિશેષ શ્રેણીની આ પહેલાંની કહાણીઓ વાંચવા માટે ક્લિક કરો:
- રુકૈયા બેગમ : જેમના એક લેખથી હોબાળો થઈ ગયો
- ડૉ મુથુલક્ષ્મી રેડ્ડી : એ મહિલા જેઓ દેવદાસીની પ્રથા સામે જંગે ચડ્યાં
- ચંદ્રપ્રભા સૈકિયાની : જેમના અવાજ પર મહિલાઓએ તોડી પાડી 'પડદાની દીવાલ'
- એ રખમાબાઈ રાઉત જેમણે મહિલાઓને 'લગ્નની ઉંમરની સહમતીનો કાયદો' અપાવ્યો
- એસએસસીનાં પ્રથમ મહિલા અધ્યક્ષ ઇંદરજિત કૌરની કહાણી
- સુગરા હુમાયુ મિર્ઝા : પડદામાં કેદ જિંદગી છોડીને સ્ત્રીઓનો અવાજ બનવાની કહાણી
- અન્ના ચાંડી : ભારતમાં હાઈકોર્ટનાં જજ બનનારા પ્રથમ મહિલા
- અનસૂયા સારાભાઈ : પોતાના મિલમાલિક ભાઈ સામે મોરચો માંડનાર ગુજરાતણની કહાણી
- કમલાદેવી ચટ્ટોપાધ્યાય : ભારતમાં ચૂંટણી લડનારાં પ્રથમ મહિલાની કહાણી
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો