ગુજરાત : પત્ની-પુત્રીનો મકાનમાલિક પાસે 'બળાત્કાર' કરાવ્યો હોવાની પોલીસ ફરિયાદ, ભાડું ચૂકવવાના પૈસા નહોતા એટલે 'સોદો' કર્યો

ઇમેજ સ્રોત, Sachin Pithva
નોંધઃ આ અહેવાલની કેટલીક વિગતો વિચલીત કરી શકે છે.
ગુજરાતના મોરબીમાં ભાડું ચૂકવી ન શકતા એક વ્યક્તિએ પોતાની પત્ની અને સગીર પુત્રી પર વારંવાર બળાત્કાર કરવા દેવા માટે તેમના મકાનમાલિક સાથે સોદો કરવાના આરોપ બદલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
મોરબી શહેરમાંથી એક હચમચાવી દેનારો બનાવ સામે આવ્યો છે.
સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 વર્ષની સગીર દીકરી અને તેની માતા પર મકાનમાલિકે 'વારંવાર બળાત્કાર' કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, સૌથી ચોંકાવનારી વાત એ છે કે 'આ સમગ્ર કૃત્ય ભોગ બનનાર મહિલા અને તેમની દીકરીના પિતાની સંમતિ'થી ચાલતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ કેસમાં ભોગ બનનાર મહિલાની માતાએ પોલીસને ફરિયાદ કરી હતી.
પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સંદર્ભમાં મોરબી પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને એક આરોપી હજુ પણ ફરાર છે.
શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Sachin Pithva
પોલીસના જણાવ્યા અનુસાર, એક પરિવાર ગુજરાતના સુરેન્દ્રનગરથી થોડા મહિના પહેલા આજીવિકાની શોધમાં મોરબી ખાતે સ્થળાંતરિત થયો હતો.
તેમને 2,000 રૂપિયાના માસિક ભાડું આપવાની શરત સાથે એક રહેઠાણ મળ્યું હતું. જોકે, આર્થિક સંકળામણોને પરિણામે ચાર મહિના સુધી ભાડું આપવાનું બાકી રહી ગયું હતું.
ત્યારબાદ, પોલીસના કહેવા પ્રમાણે તે ભાડૂઆતે મકાનમાલિક સાથે સોદો કર્યો અને બાકી ભાડાની રકમના બદલામાં 'તેની પત્ની અને પુત્રીનું જાતીય શોષણ કરવા દેવા માટે સહમતી આપી' દીધી.
મોરબી સિટી-એ ડિવિઝન પોલીસે જાહેર કરેલી પ્રેસ નોટમાં જણાવ્યા અનુસાર, "ભોગ બનનાર મહિલાના પતિની સમંતીથી ફરીયાદીની દીકરી સાથે સબંઘ રાખવા મજબૂર કરી મકાનમાલિક આરોપીએ અવાર નવાર બળાત્કાર આચરેલ હતો."
જ્યારે તે ભાડૂઆતની પત્નીની માતાને આ ઘટનાની જાણ થઈ, ત્યારે તેમણે મોરબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જેના પગલે પોલીસે 'ધ પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ ઍક્ટ' (પૉકસો) સહિત કડક કાનૂની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કર્યો.
મોરબી પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Sachin Pithva
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોલીસના જણાવ્યા અનુસાર, આ ગુનામાં પોલીસે આરોપી પતિ તથા મકાનમાલિકની ધરપકડ કરી છે.
જેમાં આરોપી પતિ હાલ જેલના હવાલે છે, મકાનમાલિક આરોપીના પોલીસે એક દિવસના રીમાન્ડ મેળવેલા છે. પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.
પોલીસનું કહેવું છે, આ ગુનામાં અન્ય એક સહ આરોપી ભાગતો ફરે છે તેને ટૅકનીકલ માધ્યમથી તેમજ ખાનગી બાતમીદારોની મદદથી શોધવાની તજવીજ ચાલુ છે.
મોરબીના ડીવાયએસપી જેએમ આલે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું, "છ મહિના પહેલાં મોરબી-એ ડિવિઝન વિસ્તારમાં આવેલ એક વિસ્તારમાં એક દુષ્કર્મનો બનાવ બન્યો હતો, જેમાં જે ભાડૂઆત છે, બહારથી અહીં મજૂરી કામ કરવા અર્થે આવ્યા હતા, મકાનમાલિક તેમની સાથે જ રહેતા હતા."
"આ કેસમાં જે ફરિયાદી છે, તે મહિલાના જમાઈ અને જમાઈના મકાન માલિક અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ આપી હતી, જેમાં તેમના જમાઈની સહમતીથી તેમની પુત્રી અને દોહિત્રી સાથે બળાત્કાર કરેલો એવું જણાવવામાં આવ્યું હતું."
પોલીસનું કહેવું છે કે આ મામલે કુલ ત્રણ આરોપીઓ હતા અને તે પૈકી બેની ધરપકડ થઈ ગઈ છે અને ત્રીજાની શોધખોળ ચાલી રહી છે.
મામલાની સંવેદનશીલતાને ધ્યાને રાખીને અમે આરોપી કે ફરિયાદીની ઓળખ જાહેર કરી નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


















