ભારત સાથેની ટ્રેડ ડીલ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

અમેરિકન રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે બંને દેશો વચ્ચે થનારો આ કરાર અગાઉ થયેલા વેપાર કરારો કરતાં સંપૂર્ણપણે અલગ પ્રકારનો હશે
ઇમેજ કૅપ્શન, અમેરિકન રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે બંને દેશો વચ્ચે થનારો આ કરાર અગાઉ થયેલા વેપાર કરારો કરતાં સંપૂર્ણપણે અલગ પ્રકારનો હશે
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને અમેરિકા વેપાર કરારને અંતિમ રૂપ આપવાની ઘણા નજીક છે.

ટ્રમ્પે મંગળવારે વ્હાઇટ હાઉસના ઓવલ ઑફિસમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું.

ભારત-અમેરિકા વેપાર કરાર વિશે પુછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું, "ભારત કરાર કરવા માગે છે. અમે પણ કરાર કરીશું. અમે તેની ખૂબ નજીક છીએ."

અમેરિકન રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે બંને દેશો વચ્ચે થનારો આ કરાર અગાઉ થયેલા વેપાર કરારો કરતાં સંપૂર્ણપણે અલગ પ્રકારનો હશે.

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો ભારતની મુલાકાતે હતા.

આ મહિનાની શરૂઆતમાં ભારતના વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલે અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીયર સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરારનાં વિવિધ પાસાં અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ભારત અને અમેરિકાએ ફેબ્રુઆરીમાં દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કા માટેની રૂપરેખાને અંતિમ સ્વરૂપ આપવાની જાહેરાત કરી હતી. જોકે, ત્યાર બાદ અમેરિકાની ટેરિફ નીતિઓમાં કેટલાક ફેરફારો જોવા મળ્યા છે.

ભારતમાં પ્રદર્શનકારીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અંગે સંયુક્ત રાષ્ટ્રે સવાલ ઉઠાવ્યા

ભારતમાં પ્રદર્શનકારીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અંગે સંયુક્ત રાષ્ટ્રે સવાલ ઉઠાવ્યા
ઇમેજ કૅપ્શન, સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે શાંતિપૂર્ણ પ્રદર્શનો પર કોઈ રોક હોવી ન જોઈએ

ભારતમાં તાજેતરમાં થયેલાં વિરોધપ્રદર્શનો સામે પોલીસની સખત કાર્યવાહી પર સંયુક્ત રાષ્ટ્રે ચિંતા વ્યક્ત કરી છે.

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયુક્ત કાર્યાલય પ્રમાણે ભારતીય અધિકારીઓને શાંતિપૂર્વક પ્રદર્શન કરવાના અધિકારનું સન્માન કરવા, તેમનું રક્ષણ કરવા અને માનવાધિકાર ભંગના મામલામાં ન્યાય કરવાની અપીલ કરવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ આરોપ લગાવ્યો છે કે ભારતીય અધિકારીઓને શાંતિપૂર્ણ સભા પર અયોગ્ય પ્રતિબંધ લગાવવા, વધારે પડતા બળનો ઉપયોગ કરવા, ફાવે તેમ અટકાયત કરવી અને વિદ્યાર્થીઓને નિશાન બનાવવા જેવા મામલે પહેલાં પણ ચેતવવામાં આવ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રે મંગળવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું કે અહેવાલો મુજબ "રેલીમાં સાદા કપડામાં આવેલા પોલીસ કર્મચારીઓએ નવી દિલ્હીમાં સ્ટુડન્ટ્સ રાઇટ્સ અને મજૂરોના અધિકારો માટે કામ કરતા 10 કાર્યકરોની અટકાયત કરી હતી. તેમને 24 કલાક કરતા વધુ સમય સુધી કોઇનો સંપર્ક કરવા દેવાયો ન હતો. તેમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો, ધમકાવાયા, દબાણ કરવામાં આવ્યું અને બળજબરીથી નિવેદનો લેવાયાં તેવા આરોપ છે. ત્યાર પછી અદાલતે તેમને મુક્ત કરી દીધા હતા."

એશિયન પૅરા સ્પૉર્ટ્સ 2026માં ભારતે નવ ગોલ્ડ મેડલ જીત્યા

એશિયન પેરા સ્પોર્ટ્સ 2026માં ભારતે નવ સુવર્ણ પદક જીત્યા
ઇમેજ કૅપ્શન, સિમરન શર્માએ મહિલાઓની 200 મીટર ટી12 શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

જાપાનના આઇચી-નાગોયામાં આયોજિત 2026 એશિયન પૅરા ગેમ્સના બીજા દિવસના અંત સુધીમાં ભારતે કુલ 35 મેડલ જીત્યા છે.

તેમાં 9 ગોલ્ડ, 11 સિલ્વર અને 15 બ્રૉન્ઝ મૅડલ સામેલ છે.

ભારતે પુરુષોના ડિસ્કસ થ્રો (F43/F44/F62/F64 શ્રેણીઓ)માં ક્લીન સ્વિપ કર્યું છે. દેવેન્દ્રકુમારે ગોલ્ડ, રાકેશે સિલ્વર અને પ્રદીપકુમારે બ્રૉન્ઝ મેડલ જીત્યા છે.

પૅરા ઍથ્લેટિક્સમાં સિમરન શર્માએ મહિલાઓની 200 મીટર ટી12 શ્રેણીમાં 24.80 સેકન્ડના રેકૉર્ડ સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે.

તેમની સાથે જ પ્રીતિ પૉલ, મનીષ નરવાલ અને પૅરા પાવરલિફ્ટર અશોકકુમાર મલિકે પણ સિલ્વર મેડલ જીત્યા છે.

હોકાટો હોટોજે, પ્રવીણ શર્મા, આયુષ વર્મા અને નિરંજન મુકુંદને બ્રૉન્ઝ મેડલ જીત્યા છે. ભારતીય ઍથ્લીટ્સે પેરા ટેબલ ટેનિસ અને શૂટિંગમાં પણ પદક મેળવ્યા છે.

મેડલ ટેબલમાં ભારત છઠ્ઠા સ્થાને છે, જ્યારે ચીન 149 મેડલ સાથે ટોચ પર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન