ભારે વરસાદથી મુંબઈ-પુણે ઍક્સપ્રેસવેનો એક ભાગ ધરાશાયી, બંને બાજુનો વાહનવ્યવહાર બંધ - ન્યૂઝ અપડેટ

મુંબઈ-પુણે ઍક્સપ્રૅસવેમાં ભૂસ્ખલન

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

મહારાષ્ટ્રમાં સતત છઠ્ઠા દિવસે પણ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે મુંબઈ-પુણે ઍક્સપ્રેસવેનો એક ભાગ ભૂસ્ખલનને કારણે ધસી ગયો હતો.

આનાથી મુંબઈ અને પુણે વચ્ચેના ટ્રાફિક પર નોંધપાત્ર અસર પડી છે.

બંને દિશાઓ (પુણે-મુંબઈ અને મુંબઈ-પુણે)તરફનો ટ્રાફિક આગામી સૂચના સુધી બંધ કરવામાં આવ્યો છે.

વહીવટીતંત્રે આગામી સૂચના સુધી મુંબઈથી પુણેની મુસાફરી ટાળવાની અપીલ કરી છે.

કરજત અને લોનાવાલા વચ્ચેના ઘાટ ખંડમાં સતત ભારે વરસાદને કારણે મુંબઈ ડિવિઝનની 'અપ મેઇન લાઇન' પર ઠાકુરવાડી અને મંકી હિલ લૂપ કેબિન વચ્ચે ભૂસ્ખલન થયું છે.

હવામાન વિભાગે છ જુલાઈના રોજ પુણે જિલ્લા માટે 'રેડ ઍલર્ટ' જાહેર કર્યું છે.

જિલ્લા કલેક્ટર જિતેન્દ્ર ડુડીએ જણાવ્યું હતું કે ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થીઓની સલામતી માટે સાવચેતીના પગલારૂપે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

ભાજપ અધ્યક્ષ નીતિન નબીન ઉત્તર પ્રદેશ પહોંચ્યા તો અખિલેશે ટોણો માર્યો, "દર્શન કરવા નથી જવું?"

અખિલેશ યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

સમાજવાદી પાર્ટીના વડા અને ભૂતપૂર્વ સીએમ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશની મુલાકાત પર ભાજપ પ્રમુખ નીતિન નવીન પર કટાક્ષ કર્યો છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી આ તમારી પહેલી મુલાકાત છે, શું તમે 'દર્શન' માટે નહીં જાઓ?"

અખિલેશ યાદવનો ઇશારો અયોધ્યામાં રામમંદિરનાં દર્શન કરવા અંગેનો હતો.

ભાજપ સહિત વિવિધ પક્ષોના નેતાઓ અયોધ્યામાં રામમંદિરની મુલાકાત લેતા રહ્યા છે, પરંતુ રામમંદિર આજકાલ દાનની ચોરીને કારણે સમાચારમાં છે.

રામમંદિરમાં દાનની ચોરીના કેસમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દીધું છે.

અગાઉ અખિલેશ યાદવે એક પોસ્ટમાં લખ્યું હતું કે, "જનતા પૂછી રહી છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉત્તર પ્રદેશની પહેલી મુલાકાત દરમિયાન દાનની ચોરીના ગુસ્સાને કારણે જનતાએ તેમનો બહિષ્કાર કર્યો હતો. શું ડબલ એન્જિનની અથડામણ પણ આ સન્નાટાનું કારણ છે?"

મહિલા ટી20 વર્લ્ડકપ : ઇંગ્લૅન્ડને હરાવીને ઑસ્ટ્રેલિયા બન્યું ચૅમ્પિયન

ઑસ્ટ્રેલિયા બન્યું ચૅમ્પિયન

ઇમેજ સ્રોત, Getty Images

મહિલા ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડને હરાવ્યું. ઑસ્ટ્રેલિયાએ રેકૉર્ડ સાતમી વખત મહિલા ટી20 વર્લ્ડકપ જીત્યો છે.

ઑસ્ટ્રેલિયાની ટીમે ઇંગ્લૅન્ડે જીત માટે આપેલા 151 રનના લક્ષ્યાંકને 17.1 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો.

ઑસ્ટ્રેલિયાનાં બૅથ મૂનીએ 49 બૉલમાં 64 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગાનો સમાવેશ થાય છે. ફીબી લિચફીલ્ડે 35 બૉલમાં 48 રન બનાવ્યા હતા.

ઇંગ્લૅન્ડના લૉર્ડ્સ ખાતે રમાયેલી આ ફાઇનલ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લૅન્ડે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા.

ઇંગ્લૅન્ડ તરફથી કૅપ્ટન નેટ સાયવર-બ્રન્ટે 53 બૉલમાં સૌથી વધુ 58 રન બનાવ્યા, જ્યારે ફ્રેયા કેમ્પે 44 અને ઍલિસ કેપ્સીએ 23 રન બનાવ્યા.

ઑસ્ટ્રેલિયા તરફથી કૅપ્ટન સોફી મોલિનેક્સ, કિમ ગાર્થ, લુસી હૅમિલ્ટન અને એનાબેલ સધરલૅન્ડે એક-એક વિકેટ લીધી હતી.

દિલજિત દોસાંઝની ફિલ્મ 'સતલજ' 48 કલાકમાં જ ભારતમાં ઓટીટી પ્લૅટફૉર્મ પરથી હઠાવી દેવાઈ

સતલજ ફિલ્મનું એક પોસ્ટર

ઇમેજ સ્રોત, Zee5/Instagram

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

માનવાધિકાર કાર્યકર જસવંતસિંહ ખાલડાના જીવન પર આધારિત દિલજિત દોસાંઝની ફિલ્મ 'સતલુજ' ત્રીજી જુલાઈના રોજ ઓટીટી પ્લૅટફૉર્મ ઝી5 પર રિલીઝ થઈ હતી, પરંતુ પાંચ જુલાઈના રોજ તેને ત્યાંથી હઠાવી લેવામાં આવી છે.

ઝી5ના સત્તાવાર ઍક્સ હૅન્ડલ પર એક નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે, "સતલુજ' ભલે અટકી ગઈ હોય, પરંતુ તેણે છેડેલી ચર્ચા ચાલુ છે. તમારા અપાર પ્રેમ માટે દિલથી ધન્યવાદ. અમને આશા છે કે અમે તેને ટૂંક સમયમાં તમારા સુધી પાછી લાવીશું."

ઓટીટી પ્લૅટફૉર્મ પર આ ફિલ્મ રિલીઝ થયા પછી, ફિલ્મના દિગ્દર્શક હની ત્રેહને કહ્યું હતું કે, "આ ફિલ્મમાં કોઈ ઍડિટિંગ કરવામાં આવ્યું નથી અને તેના મૂળ સ્વરૂપ સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી."

આ ફિલ્મનું મૂળ નામ 'પંજાબ 95' હતું. વિવિધ કારણસર તેની રિલીઝ લાંબા સમય સુધી થઈ શકી નહોતી.

આ ફિલ્મને સાત ફેબ્રુઆરી, 2025ના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને ટીઝર પણ જાહેર થયું હતું.

જોકે, બાદમાં તેની રિલીઝ ફરી ટાળી દેવામાં આવી હતી.

ફિલ્મમાં દિલજિત દોસાંઝ. અર્જુન રામપાલ, સુવિંદર વિક્કી, જગજિત સંધુ અને ગીતિકા વિદ્યા ઓહલાને અલગ-અલગ ભૂમિકા નિભાવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન