"ઇસ્લામમાં મહિલાઓને જિમમાં જવાની મનાઈ નથી" - એ જિમ જે માત્ર મુસ્લિમ મહિલાઓ માટે ચાલે છે

જિમમાં બુરખો પહેરેલી મહિલા
ઇમેજ કૅપ્શન, મહિલાઓએ કહ્યું છે કે જિમમાં જવાને કારણે સકારાત્મક પરિવર્તન આવ્યું છે
    • લેેખક, ઝેવિયર સેલ્વાકુમાર
    • પદ, બીબીસી તમિલ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

નોંધ: જિમમાં જતા પહેલાં તમારા સ્વાસ્થ્ય વિશે ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

ત્રણ બાળકોનાં માતા રાશિદા કહે છે, "જો કોઈ છોકરો કહે કે તે જિમમાં જવા માગે છે, તો તેને તરત જ પરવાનગી મળી જાય છે. પરંતુ જો કોઈ છોકરી કહે કે તે જિમમાં જવા માંગે છે, તો તેને તરત જ પરવાનગી મળતી નથી."

"સામાન્ય રીતે સમાજમાં એક ગેરસમજ છે કે જિમ એ પુરુષો માટે ફિટનેસની તાલીમનું સ્થળ છે. પણ ખરેખર એ મહિલાઓ માટે પણ છે. ઇસ્લામમાં જિમમાં જવા પર કોઈ પ્રતિબંધ નથી."

તેઓ કહે છે, "મારી ત્રણેય ડિલિવરી સિઝેરિયન હતી. એટલા માટે ડૉક્ટરોએ મને ભારે વજન ઉપાડવાની ના પાડી હતી. અહીં મને સારી ટ્રેનિંગ આપવામાં આવી હતી. જ્યારે હું અહીં આવવા લાગી ત્યારે મારું વજન 78 કિલો હતું. હવે મેં 13 કિલો વજન ઘટાડ્યું છે."

હસીના કહે છે, "શરૂઆતમાં, મેં મારા પરિવારને કહ્યું કે હું ચાલવા જઈ રહી છું અને પછી જિમમાં ગઈ. મારો ઇરાદો એવો હતો કે પહેલાં કંઈક હાંસલ કરી લઉં અને પછી મારા પરિવારને કહું.

"અહીં સ્કિપિંગ સ્પર્ધામાં પ્રથમ ઈનામ જીત્યા પછી, મેં મારા પરિવારને કહ્યું કે હું જિમ જાઉં છું. ઘરે બધા ખૂબ ખુશ થયા."

આ મહિલાઓની જેમ જ કોઇમ્બતુરના સારામેડુ વિસ્તારમાં મુસ્લિમ મહિલાઓ માટે ખાસ બનાવેલા જિમમાં દરરોજ 300થી વધુ મહિલાઓ ટ્રેનિંગ લે છે. બીબીસીએ જિમની મુલાકાત લીધી હતી અને ત્યાંની મહિલાઓ સાથે વાત કરી.

વજન ઘટાડવા ગયેલી એક મહિલાએ જ આ જિમ શરૂ કર્યું

શબાના મુસ્લિમ મહિલાઓ માટે આ ખાસ જિમ ચલાવે છે
ઇમેજ કૅપ્શન, શબાના મુસ્લિમ મહિલાઓ માટે આ ખાસ જિમ ચલાવે છે

કોઇમ્બતુરના સારામેડુ વિસ્તારનાં રહેવાસી શબાના છેલ્લા નવ મહિનાથી ફક્ત મુસ્લિમ મહિલાઓ માટે આ જિમ ચલાવી રહ્યાં છે.

લગ્ન અને બે બાળકોનાં જન્મ પછી, શબાના વજન ઘટાડવા માટે જિમમાં જતાં હતાં. ત્યારપછી તેમણે એ જ જિમમાં મહિલા ટ્રેનર તરીકે કામ શરૂ કર્યું.

તેમનું કહેવું છે કે તેમણે આ જિમ ખાસ કરીને તે વિસ્તારની મુસ્લિમ મહિલાઓ માટે શરૂ કર્યું હતું.

શબાના કહે છે, "મેં ફક્ત સાતમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. મારાં લગ્ન 19 વર્ષની ઉંમરે થયા. બાળક થયા પછી મારે સર્જરી કરાવવી પડી. તેના કારણે મને કેટલીક શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો."

"મારું વજન પણ ઘણું વધી ગયું હતું. જ્યારે મેં વજન ઘટાડવા માટે મારા વિસ્તારમાં જિમ શોધ્યું, ત્યારે ત્યાં કોઈ જિમ નહોતું. આ પછી, હું એક જિમમાં ગઈ અને ત્યાં મહિલાઓ માટે ટ્રેનર બની."

તેમણે કહ્યું, "ત્યારબાદ મેં વિચાર્યું કે હું મારા વિસ્તારમાં મહિલાઓ માટે એક અલગ જિમ શરૂ કરી શકું છું. હું જ્યાં કામ કરતી હતી તે જિમના માલિક જયકાંત અને મારા ટ્રેનર હર્ષદે મને ખૂબ પ્રોત્સાહન આપ્યું."

"તેમના પ્રોત્સાહનને કારણે જ હું વેઇટલિફ્ટર બની. જ્યારે મેં તેમની પાસે સલાહ માંગી, ત્યારે તેમણે મને જિમ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરી."

'જ્યારે આ જિમ શરૂ થયું ત્યારે વિરોધ થયો હતો'

મુસ્લિમ મહિલાઓનું જિમ
ઇમેજ કૅપ્શન, મુસ્લિમ મહિલાઓ માટે ખાસ જિમ
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શબાના છેલ્લાં પાંચ વર્ષથી વેઇટલિફ્ટિંગની તાલીમ લઈ રહ્યાં છે. તેમણે રાજ્ય સ્તરની અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને પુરસ્કારો જીત્યા છે. તેમણે જણાવ્યું હતું કે તેમણે તાજેતરમાં પુરુષ વેઇટલિફ્ટર્સને તાલીમ આપવા માટેની પરીક્ષા પણ પાસ કરી છે.

શબાનાએ કહ્યું કે તેમના પતિ કબીર, તેમની પુત્રી અને પુત્ર તેમને ખૂબ પ્રોત્સાહિત કરે છે અને બધી વાતમાં તેમને ટેકો આપે છે.

આ જ કારણ છે કે તેઓ આ જિમ શરૂ કરી શક્યાં અને સફળતાપૂર્વક ચલાવી શક્યાં. તેમણે ઉમેર્યું કે જિમ ખોલ્યું એ પછીના શરૂઆતના દિવસોમાં તેમનો વિરોધ પણ થયો હતો અને મહિલાઓ પણ ખચકાટ અનુભવતી હતી.

શબાનાએ કહ્યું, "જ્યારે મેં આ જિમ શરૂ કર્યું, ત્યારે ઘણો વિરોધ થયો હતો. જ્યારે મીડિયામાં તેના વિશે સમાચાર આવ્યા, ત્યારે એટલી બધી ખરાબ અને અપમાનજનક ટિપ્પણીઓ આવી કે તેને કહી પણ ન શકાય."

"એક સમયે અમે તેને બંધ કરી દેવાનો નિર્ણય લીધો હતો. પરંતુ પછી મેં વિચાર્યું કે, અમારી ટીકા કરનારા બે-ચાર લોકોને કારણે અમે શા માટે અમારા પ્રયત્નો છોડી દઈએ? મેં વિચાર્યું કે, મારે તેમની સામે મારી જાતને સાબિત કરવી પડશે અને જીતવી પડશે. આ વિચારને ધ્યાનમાં રાખીને, હું આ જિમ ચલાવી રહી છું."

"ઘણા લોકોએ એવું કહીને અવરોધો ઊભા કર્યા અને કહ્યું કે એક મહિલા જિમ ન ચલાવી શકે. કેટલાક લોકોએ કહ્યું કે મહિલાઓને જિમની જરૂર કેમ છે?"

"તેમણે ઘરકામ કરવું જોઈએ અને બાળકોની સંભાળ રાખવી જોઈએ."

"આ રીતે જ તેઓ સ્વસ્થ રહેશે. શરૂઆતમાં, ફક્ત 20 મહિલાઓ આવી અને કેટલાક પરિવારોમાં પતિઓ જ તેમની પત્નીઓને અહીં લાવ્યા."

"ત્યારબાદ ધીમે ધીમે મહિલાઓનો આત્મવિશ્વાસ વધ્યો અને તેઓ અહીં આવવા લાગી."

રાશિદા પણ આ જિમમાં આવે છે
ઇમેજ કૅપ્શન, રાશિદા પણ આ જિમમાં આવે છે

હાલમાં, સવારે પાંચથી રાત્રે 10 વાગ્યા સુધી, બે-બે કલાકના છ બૅચમાં મહિલાઓને તાલીમ આપવામાં આવે છે. દરેક બૅચમાં સરેરાશ 50 મહિલાઓ હોય છે.

કુલ મળીને, અહીં દરરોજ 300 થી વધુ મુસ્લિમ મહિલાઓ કસરત કરે છે. મોટાભાગની મહિલાઓ અહીં વજન ઘટાડવા માટે આવી હતી અને હવે શરીરને મજબૂત બનાવતી કસરતો કરી રહી છે.

બીબીસી સાથે વાત કરતા રશીદાએ કહ્યું, "એવું કહેવાય છે કે સ્વસ્થ મહિલા એટલે સ્વસ્થ પરિવાર. હું જિમને ફક્ત કસરત કરવાની જગ્યા જ નહીં, પણ એક એવી જગ્યા પણ માનું છું જ્યાં આવવાથી વ્યક્તિ ખુશ થાય છે."

"મારા જેવી ગૃહિણીઓ માટે, અહીં આવવું ફક્ત મારા સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પણ તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે. જ્યારે હું મારા ઘરના કામકાજ પૂર્ણ કરીને અહીં આવું છું, ત્યારે તે મારા બીજા ઘર જેવું લાગે છે. મેં અહીં ઘણા મિત્રો બનાવ્યા છે."

જો આ જિમ અમારા વિસ્તારની બહાર આવેલું હોત, તો મને ખબર નથી કે હું અહીં આવી શકત કે નહીં. પરંતુ તે અમારા વિસ્તારમાં છે, તેથી મારા માટે અહીં આવવું સરળ છે.

'ફિટનેસ અંગે જાગૃતિ વધી છે'

મુસ્લિમ મહિલાઓ માટેનું જિમ

રશીદા કહે છે કે અહીં તાલીમ શરૂ કર્યા પછી ત્રણ મહિનામાં તેમણે સાત કિલો વજન ઘટાડ્યું. હસીનાએ પણ વજન ઘટાડ્યું હોવાની વાત કરી.

ઘણાં અન્ય મહિલાઓએ એમ પણ કહ્યું કે અહીં આવવાથી જીવન પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે.

ગૃહિણી રહીજા શાહજહાંએ કહ્યું કે અહીં આવતા પહેલા તેમને ખાનપાન વિશે કોઈ જાગૃતિ નહોતી.

રહીજા કહે છે, "અમારા જેવી મહિલાઓ ઘરનાં કામકાજમાં એટલી વ્યસ્ત હોય છે કે એ એમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતી નથી. જ્યારે આપણને ભૂખ લાગે છે, ત્યારે આપણે કંઈપણ ખાઈ લઈએ છીએ."

"આપણને ખબર પણ નથી હોતી કે તેમાં પ્રોટીન છે કે ફાઇબર. અહીં આવ્યા પછી જ અમને ખ્યાલ આવ્યો કે ખાતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે."

"ટ્રેનર્સ અમને જણાવે છે કે કઈ ખાવાની ચીજોમાં કેવા પોષક તત્ત્વો હોય છે. હવે અમે તેમનું પાલન કરીએ છીએ."

આઈટી કર્મચારી તરીકે કામ કરતાં મરિયમ ફરહાનાએ બીબીસીને જણાવ્યું કે, "અહીં આવવાથી અમને ફક્ત શારીરિક લાભ જ નથી થયો, પરંતુ અમે સારી જીવનશૈલી, વ્યવસ્થિત રીતે કામ કરવું અને સમયસર રહેવું જેવી ઘણી બાબતો પણ શીખ્યા છીએ."

"સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અને ધ્યાન ભટકતું અટકી જવાથી અમને નવો આત્મવિશ્વાસ અને ઉત્સાહ મળ્યો છે."

મરિયમ ફરહાના કહે છે, "શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓથી લઈને 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ સુધી દરેક લોકો અહીં આવે છે. તેનું કારણ અમને અહીં મળનારી આઝાદી છે."

"300થી વધુ મુસ્લિમ મહિલાઓ અહીં આવે છે. અમે ઇચ્છીએ છીએ કે અમને જોયા પછી, વધુને વધુ મુસ્લિમ મહિલાઓ કોઈપણ ખચકાટ વિના અહીં આવે."

આઈટી કંપનીમાં કામ કરતાં શબીનાએ કહ્યું, "આઈટી કંપનીમાં કામ કરવાને કારણે હું ખૂબ જ તણાવમાં રહેતી હતી. અહીં આવ્યા પછી, મને લાગ્યું કે મારું શરીર અને મન હળવા થઈ ગયાં છે."

"એક માતા તરીકે, હું હવે ઘર અને કામ બંને સમાન રીતે સંભાળી શકું છું. આ કસરતથી મને આમાં ઘણી મદદ મળી છે."

"આ સારી વાત છે કે અહીં ફક્ત મહિલાઓ જ છે. કામના ટાઇમટેબલમાં ફેરફાર થાય તો પણ અમે ગમે ત્યારે આવીને કસરત કરી શકીએ છીએ."

"આ અમને ખૂબ જ અનુકૂળ છે. મોટાભાગની મહિલાઓ પોતાનું આખું જીવન તેમના પરિવારને સમર્પિત કરે છે."

"જો તેમના જેવી મહિલાઓ પોતાના માટે થોડો સમય કાઢે છે અને આ રીતે કસરત કરે છે, તો તે સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. તેમને ફક્ત એક નાનું પગલું ભરવાની જરૂર છે."

પરિવારનું વલણ કેવું છે?

જિમમાં કસરત કરતી મહિલાઓની તસ્વીર, બીબીસી ગુજરાતી

શાહિદા સહિત ઘણી મહિલાઓ અહીં સવારે પાંચ વાગ્યે કસરત માટે આવે છે.

ઘણાંએ કહ્યું કે શબાના જ તેમને દરરોજ સવારે ચાર વાગ્યે જગાડે છે. બીબીસી સાથે વાત કરતી ઘણી મહિલાઓએ કહ્યું કે તેમને દરરોજ જિમમાં આવવા માટે તેમના પરિવાર તરફથી ટેકો મળે છે.

આ અંગે શાળાનાં શિક્ષિકા શાહિદાએ કહ્યું, "મહિલાઓને તેમના પરિવાર તરફથી મળતો ટેકો એ દરેક વ્યક્તિએ અલગ અલગ હોય છે. મારા પરિવારમાં, મારા પતિ મને જિમ જવા માટે પ્રોત્સાહિત કરનાર પ્રથમ વ્યક્તિ હતા."

"ઘણા દિવસો સુધી, તેમણે મને જગાડી પણ હતી. ત્રણ મહિના પહેલાં જ્યારે એક સવારે મારાં સાસુએ મને જગાડીને પૂછ્યું કે તું જિમ નથી જવાની? ત્યારે મને અંદરથી ખૂબ ખુશી થઈ રહી હતી!"

આ જિમમાં તાલીમ લેતી મોટાભાગની મુસ્લિમ મહિલાઓ કસરત કરતી વખતે બુરખા અને હિજાબ પહેરે છે. ટ્રેનર્સ પણ બુરખા પહેરે છે.

આ અંગે રહીજા શાહજહાંએ કહ્યું, "અહીં ફક્ત મહિલાઓ છે, તેથી અમે કસરતનાં કપડાં પહેરીને પણ તાલીમ લઈ શકીએ છીએ. અમે અમારી સુવિધા મુજબ કસરત કરીએ છીએ. અહીં કોઈ નિયંત્રણો નથી."

શબાનાએ સમજાવ્યું કે ભલે તેમણે આ જિમ ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ માટે શરૂ કર્યું હોય, પરંતુ અન્ય ધર્મોની કેટલીક મહિલાઓ પણ ત્યાં તાલીમ લે છે. ઘણી બધી મહિલાઓ અહીં આવે છે અને સકારાત્મક શારીરિક ફેરફારો જુએ છે.

જોકે, જિમનાં માલિક અને ટ્રેનર શબાનાએ દુઃખ વ્યક્ત કર્યું કે તેમને હજુ પણ તેમના શરીર વિશે ટોણા મારવામાં આવે છે.

શબાનાએ કહ્યું, "અહીં આવતા ઘણા લોકો મને જોયા પછી કહે છે કે ટ્રેનરનું વજન આટલું વધારે છે. હું વધુ વજન ઘટાડી શકું છું. પણ હું વેઇટલિફ્ટર છું."

"મેં આ વજન સાથે તાલીમ લીધી છે. મેં ઘણી સ્પર્ધાઓ જીતી છે. મને વિશ્વાસ છે કે હું ભવિષ્યમાં પણ ઘણી સ્પર્ધાઓ જીતીશ."

શબાના સમજાવે છે કે બધી મહિલાઓ માટે એક જ સમયે કસરત કરવા માટે પૂરતી જગ્યા અને સાધનો હોતાં નથી.

જિમમાં ટ્રેડમિલ, બૅટલ રોપ્સ, સ્ટેશનરી બાઇક અને ડમ્બેલ્સ જેવાં કેટલાંક મૂળભૂત સાધનો છે.

આધુનિક સાધનો ઉપલબ્ધ નથી.

આથી, તેઓ મોટે ભાગે મહિલાઓને જમીન પર કરવામાં આવતી કસરતો શીખવે છે. તેઓ કહે છે કે આ કસરતો વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન